Home » Rasdhar » અનિલ જોશી
‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

કાશ્મીર કી કલી હૂં મૈં

  • પ્રકાશન તારીખ13 Jun 2018
  •  

ઉનાળો પૂરબહારમાં ચાલી રહ્યો છે. લાભશંકરની ‘તડકો’ કાવ્યરચના તરત યાદ આવી જાય છે. કદાચ કવિ નલિન રાવળની કાવ્યપંક્તિ છે : ‘તડકો કડાક પહેરીને નીકળ્યો છું.’ પ્રહ્્લાદ પારેખ પણ યાદ આવી જાય : ‘એવું રે તપી ધરતી એવું રે તપી જેવાં તપ રે તપ્યાં’તાં પારવતી સતી.’ કાશ્મીર ભાગી જવાનું મન થાય છે, પણ પથ્થરબાજીના ભયથી ઘરકૂકડી બની ગયો છું. મારે ક્યાંય કૂકડે કૂક કરવા નથી જાવું. કાશ્મીરના સાહિત્યનું વાતાનુકૂલિત ચાલુ કરીને બેસી ગયો છું. થોડીક આડ વાત કરું તો આટલી ભયંકર ગરમીમાં આપણા નેતાઓ હવે જાહેરમાં ‘બંડી’ પહેરીને ફર્યા કરે છે, પણ મારો એક સવાલ છે કે બંડખોર ઉમેદવારે બંડી પહેરવી જોઈએ? જવાદો ખુદા મહેરબાન તો ગધા પહેલવાન. મૂળ વાત પર આવીએ. આપણા લોકોના મનમાં કાશ્મીર એટલે હિન્દી ફિલ્મોનાં બહારી દૃશ્યો, દાલસરોવર, કેસરનાં ખેતરો અને જેલમ નદી. બોલો, કાશ્મીરના સાહિત્ય વિશે આપણે શું જાણીએ છીએ? કાશ્મીરી ભાષા ઉપર ફારસી અને સંસ્કૃત ભાષાનો બહુ મોટો પ્રભાવ છે. કાશ્મીરી ભાષાનો જન્મ ‘પેચાશી અપભ્રંશમાંથી થયો છે. તેરમી સદી પહેલાં કોઈ કાશ્મીરી સાહિત્ય મળતું નથી. કાશ્મીરમાં સંસ્કૃત ભાષા બહુ સન્માનિત હતી, પણ રાજભાષા બદલાઈ જવાથી ફારસીનો પ્રભાવ વધવા લાગ્યો.

કાશ્મીરી ભાષા ઉપર ફારસી અને સંસ્કૃત ભાષાનો બહુ મોટો પ્રભાવ છે. કાશ્મીરી ભાષાનો જન્મ ‘પેચાશી અપભ્રંશમાંથી થયો છે.


કાશ્મીરી સંસ્કૃતિના પંડિતો પરદેશી જેવા લાગવા માંડ્યા. શીલીકંઠ નામના કવિએ ‘મહાનય પ્રકાશ’ ગ્રંથ લખ્યો હતો. મહેશ્વરાનંદ નામના લેખકે ‘મહાઅર્થમંજરી’ની રચના કરી હતી. કાશ્મીરમાં સૂફી સાહિત્યની શરૂઆત શેખ નુરુદ્દીન નામના સર્જકે કરી હતી. ‘બાણાસુરવધ’ એ કાશ્મીરનું મહાકાવ્ય ગણાય છે. હબ્બાખાતૂન 16મી સદીની શ્રેષ્ઠ કવયિત્રી છે. હબ્બાખાતૂને કાશ્મીરમાં ગીત કવિતાનો આરંભ કર્યો હતો. 18મી સદીમાં કરમ બુલંદખાન અને શાહ ગફુર જેવા સર્જકોની રચનામાં રહસ્યવાદની છાયા પડતી હતી. હસન સૂફી, રહેમાન દાર, મકબુલ શાહ અને દરવેશ જેવા કવિઓ રહસ્યવાદમાં ડૂબેલા હતા. એ પછી 19મી સદીના પૂર્વાર્ધમાં મોટાભાગના કવિઓ કૃષ્ણ કવિતા રચવામાં ડૂબી ગયા.‘કૃષ્ણાવતાર અને સુદામા ચરિત્ર’ કાશ્મીરી સાહિત્યની વિખ્યાત કૃતિઓ છે. સાહિબ કોલ નામના સર્જકે ‘કૃષ્ણાવતાર’ લખ્યું હતું અને દિવાકર પ્રકાશે ‘રામાવતાર ચરિત’નું સર્જન કર્યું હતું. ‘શંકર રામાયણ’ કાશ્મીરી સાહિત્યની આગવી કૃતિ ગણાય છે.


કાશ્મીરી સાહિત્યના આધુનિક યુગનો આરંભ 1851થી શરૂ થયો. અજીજુલાહ હકાની, કલંદર શાહ, અબ્દુલ અહમદ નજીબ, મોહ્યુદ્દીન ખ્વાજા અને અકરમ જેવા સર્જકોએ આ સમયગાળાને અફલાતૂન સર્જનોથી જીવતો રાખ્યો છે કાશ્મીરી નાટ્ય ક્ષેત્રમાં મોતીલાલ કયુમ અને અલી મહમદનાં નામ મશહૂર છે કાશ્મીરની આધુનિક રંગભૂમિમાં ‘લયલા પ્રેમદીવાની, છાયા અને રોશની કે મંદ હોને તક’ નાટકોએ ધૂમ મચાવી હતી.

ઉમાશંકર જોશી સાહેબે બહુ સાચું કહ્યું હતું : ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી?’


ઉમાશંકર જોશી સાહેબે બહુ સાચું કહ્યું હતું : ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી?’ કવિ સિતાંશુ યશશ્ચંદ્રને જે સરસ્વતી સન્માન મળ્યું છે એનો હરખ કરીએ. ‘વખાર’ કાવ્ય શાંતિથી વાંચો. સરકારી ફાઇલો ક્યાં પડી છે? વખારમાં. કમિશનોના રિપોર્ટ ક્યાં છે? વખારમાં. ભૂતકાળ એ વખાર જ છે. સરકારે વખાર તો વસ્તીની વચોવચ કોઈકે ઊભી કરી દીધી છે. સરકારી સાહેબનો એને ટેકો છે, પણ એ વખાર વસ્તીમાં રોગચાળો ફેલાવે છે એની ફરિયાદ લોકો કરે છે. સરકારી સાહેબ લોકોમાંથી 5-7ને વખારમાં નોકરી આપવાની લાલચ આપે છે, પણ કવિતાને અંતે તો લોકો પોતે જ એ વખારનાં તાળાં તોડી નાખે છે અને રોગચાળો ફેલાવતી ચીજોને ફેંકી દે છે અને સારી વસ્તુઓને ઉપયોગમાં લઈ લે છે. સરકારી સાહેબ જોતા જ રહી જાય છે. એ વખારમાંથી એક કાંડા ઘડિયાળ નીકળે છે. જેને લોકો એક બાળકના કાંડે બાંધીને સરકારી સાહેબને કહે છે, ‘હવેથી આ બાળક પોતાનો સમય પોતે જ જોઈ લેશે.’ અહીં મને સોલ્ઝેનિત્શીનનું એક વાક્ય યાદ આવી જાય છે કે રસ્તા ઉપર જતા સરકારી એરો જોવા મળે છે કે આ જગ્યાએ જવું નહીં. એરોની એ લીટી બહુ તોછડી લીટી છે. કવિ એ તોછડી લીટીને તોડીને કોઈ નવી જ સૃષ્ટિમાં સહૃદયોને લઈ જાય છે. કેટલી બધી વખારો વચ્ચે પ્રજા જીવતી હોય છે.

joshi.r.anil@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP