Home » Rasdhar » અનિલ જોશી
‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે

  • પ્રકાશન તારીખ13 Jun 2018
  •  
આજથી ૫૦ વર્ષ પહેલાં મેં એક કવિતા લખી હતી. એ કવિતામાં એક પંક્તિ છે, ‘પથ્થરથી અહલ્યાને છૂટી કરવાના હવે ટાંકણાને નથી રહ્યા મ્હાવરા એવા વૈશાખી તડકા છે આકરા.’ આજે મારે અહલ્યાના ભાવવિશ્વમાં થોડોક વિસામો લેવો છે. આજે સર્વત્ર રેપના કિસ્સાઓ છાપરે ચડીને પોકારે છે. સાધુ હોય કે સંત હોય કે પછી બાવાઓ કે બાપુઓ હોય એ પછી કોઈ રાજનેતા હોય એ બધાનું પાપ પ્રકાશિત થઇ ગયું છે. આનો અર્થ એવો નથી કે બધાજ સંત-મહાત્માઓ કે રાજનેતાઓ મહિલાઓને પોતાની વાસનાનો શિકાર બનાવે છે.

પ્રજામાં એક ભય છે એટલે જ તે બાવા-બાબાને શરણે જાય છે

ઘણા આદરણીય સંતો-મહાત્માઓ પોત પોતાના માર્ગે સમાજનું ચારિત્ર્ય પવિત્ર બનાવે છે, પણ એક સત્ય તરત સામે આવી જાય છે કે જેની પાસે સત્તા છે, અઢળક પૈસો છે, પોતાને રાજા ગણે છે એમની વાસનાની આગ સતત ભભૂકતી રહે છે. એટલે જ દીકરીઓની યોનીશુચીતા સલામત નથી રહી. અહીં મને સ્વર્ગના રાજા ઇન્દ્ર યાદ આવી જાય છે. રામાયણનાં ઉત્તરકાંડમાં બ્રહ્માજી ઇન્દ્રને જણાવે છે, ‘સૃષ્ટિની સુંદરત્તમ રચનાઓમાંથી તત્વ લઈને મેં અહલ્યાનાં અંગ-ઉપાંગમાં સમાવેશ કરીને મેં અહલ્યાની રચના કરી છે.’ સંસ્કૃત શબ્દકોશમાં અહલ્યાનો અર્થ ‘એવી ભૂમિ જે ખેડાઈ નથી’ થાય છે. આટલું જાણ્યા પછી કથા હવે શરૂ થાય છે.


રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલાપુરીનાં વન-ઉપવન જોઇને રામ પૂછે છે, ‘ભગવન આ સ્થાન જોવામાં તો આશ્રમ જેવું લાગે છે, પણ એવું કયું કારણ છે કે અહીં ઋષિ-મુનીઓ દેખાતા નથી?’
વિશ્વામિત્ર જવાબ આપે છે, ‘આ સ્થળ ક્યારેક ગૌતમ ઋષિનો આશ્રમ હતો. તેઓ પત્ની સાથે અહીં રહીને તપસ્યા કરતા હતા. એકવાર ગૌતમ ઋષિ આશ્રમની બહાર ગયા ત્યારે ઇન્દ્રએ ગૌતમ ઋષિનું સ્વરૂપ લઈને અહલ્યા પાસે પ્રેમની યાચના કરી. અહીં અહલ્યાએ ઇન્દ્રને ઓળખ્યો નહિ. અહલ્યાને મન ગૌતમ ઋષિ જ હતા એટલે અહલ્યાએ સ્વીકૃતિ આપી દીધી. દેવરાજ ઇન્દ્રએ અહલ્યાના શરીરનો ઉપભોગ કર્યો.


ઇન્દ્ર જ્યારે દુષ્કર્મ આચરીને ઇન્દ્રલોકમાં જતો હતો ત્યા જ ગૌતમ ઋષિ આવી પહોચ્યા અને એમની નજર ઇન્દ્ર ઉપર પડી. ગૌતમ આખો મામલો સમજી ગયા એટલે ગૌતમ ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો. એ પછી પત્ની અહલ્યાને પણ શાપ આપ્યો, ‘રે દુરાચારિણી, તું હજારો વર્ષ સુધી કેવળ હવા પીને કષ્ટ સહન કરતી પથ્થર અને રાખમાં પડી રહે. રામ જ્યારે વનમાં આવશે ત્યારે તારો ઉધ્ધાર થશે.’ આટલું કહીને ગૌતમ ઋષિ આ આશ્રમ છોડીને હિમાલય જઈને તપશ્ચર્યા કરવા જતા રહ્યા.’

‘રે દુરાચારિણી, તું હજારો વર્ષ સુધી કેવળ હવા પીને કષ્ટ સહન કરતી પથ્થર અને રાખમાં પડી રહે. રામ જ્યારે વનમાં આવશે ત્યારે તારો ઉધ્ધાર થશે.’


વિશ્વામિત્રની વાત સાંભળીને રામની આંખ અહલ્યાને શોધવા લાગી, પણ અહલ્યા ક્યાય દેખાઈ નહિ, પણ શાપિત અહલ્યાની દ્રષ્ટિ રામ પર પડી કે તરત એક સુંદર નારી રૂપે અહલ્યા પ્રગટ થઇ. અહલ્યાનો આ ફ્લેશબેક છે. અહીં તમે જુઓ કે ઇન્દ્ર પાસે સત્તા હતી, ઇન્દ્રાસન હતું, અપ્પર લક્ષ્મી હતી એટલે જ ઇન્દ્ર્રની કામુકતા છાપરે ચડી ગઈ. અહલ્યા વિષે ખૂબ લખાયું છે હકીકતમાં અહલ્યા શીલા નહોતી બની ગઈ, પણ આખા સમાજે એનો બહિષ્કાર કર્યો હતો. એ અછૂત કન્યા હતી, તે સાવ એકલી પડી ગઈ હતી. સહુ એને દુરાચારીણી માનતા હતા. આટલું જાણ્યા પછી અત્યારની વાસ્તવિક સ્થિતિ વિશે વિચારીએ તો આખી પ્રજામાં એક ભય છે એટલે જ તે બાવા-બાબાને શરણે જાય છે. રાજનેતાઓ પણ ભયભીત છે એટલે પોતાની વોટબેંક સાચવવા બાબા -બાપુઓને શરણે જાય છે. અહીં ગુજરાતી કહેવત યાદ આવે, ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.’


અહલ્યા માટે સંસ્કૃતમાં એક શ્લોક છે, अहल्या द्रौपदी सीता तारा मन्दोदरी तथा। पंचकन्याः स्मरेन्नित्यं महापातकनाशिन्याः॥ અર્થાત્
અહલ્યા, દ્રૌપદી, તારા, સીતા અને મંદોદરીનું રોજ સ્મરણ કરવું. આ પંચ કન્યા મહાપાપનો નાશ કરશે.


joshi.r.anil@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP