Home » Rasdhar » અનિલ જોશી
‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

ઇતિહાસનું ભાવવિશ્વ

  • પ્રકાશન તારીખ13 Jun 2018
  •  

સેન્ટ્રલ લંડનમાં 6 મહિના હું ટફનેલ પાર્કમાં રહેતો હતો એ વખતે ‘ધ ઇન્ક્વિઝિશન’ પુસ્તકની સારી એવી ચર્ચા થતી હતી. લંડનના દરેક કોફીશોપ અને પબમાં આ પુસ્તક વિશે લોકો વાત કરતા થઈ ગયા હતા. અહીં સમરમાં કોઈ ને કોઈ સારા પુસ્તકના વર્ગો ચાલતા હોય છે. ત્રણેક દિવસ સુધી એ પુસ્તક વિશે ખૂબ ચર્ચાઓ થાય છે. આપણે ત્યાં પુસ્તકોનાં વિમોચનો થાય છે, પણ પુસ્તક વિશે વાતો થતી નથી. ગુજરાત વાંચે એ કબૂલ છે, પણ ગુજરાત શું વાંચે? એ વિશે કોઈ કાંઈ બોલતું નથી.

ચર્ચ તરફથી સુધારણા વિરોધ ચળવળ શરૂ કરવામાં આવી

મેં લંડનમાં ‘ધ ઇન્ક્વિઝિશન’ પુસ્તકના વર્ગો ભર્યા હતા એની કેટલીક નોંધો પરથી એ પુસ્તક વિશે થોડી વાતો કરવી છે. ઇન્ક્વિઝિશનની દૃષ્ટિએ માર્ટિન લ્યુથરે સ્થાપેલો પ્રોટેસ્ટન પંથ તરત યાદ આવી જાય છે. લ્યુથરના સમયમાં જ આખા યુરોપમાં પ્રબોધન કાળ શરૂ થયો હતો. (રેનેસા) જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સુધારણા (રિફોર્મેશન) થવી શરૂ થઈ ગઈ હતી. જ્ઞાન અને વિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી જતી હતી. ગેલેલિયો અને બ્રૂનોના રિસર્ચને કારણે આખા યુરોપીય સમાજમાં ‘વિધર્મીવાદ’ (નાસ્તિક) વધુ લોકપ્રિય થતો જતો હતો. બીજું, છપાઈ અને મુદ્રણ કળાનાં મશીનોની શોધ થતા જ્ઞાનના ભંડારો બધા માટે ખૂલવા લાગ્યા. લોકો બુદ્ધિપૂર્વક વિચારવા લાગ્યા. હવે રોમન કેથોલિક ચર્ચને એવો ભય લાગ્યો કે હવે ચર્ચનું અસ્તિત્વ જોખમમાં છે. એટલે ચર્ચ તરફથી સુધારણા વિરોધ ચળવળ શરૂ કરવામાં આવી. ચળવળ અને યંત્રણા એક સ્પેનીશ ધર્મગુરુએ શરૂ કરી (1491-1556) એ પછી પોપ પોલ ત્રીજાએ 27 સપ્ટેમ્બર, 1540ના દિવસે આ યંત્રણાની વિધિપૂર્વક સ્થાપના કરી.


કેથોલિક ચર્ચે માર્ટિન લ્યુથરનાં પુસ્તકોની એક યાદી બનાવી ફતવો બહાર પાડ્યો કે ખ્રિસ્તીઓએ માર્ટિન લ્યુથરનાં આટલાં પુસ્તકો બિલકુલ વાંચવાં નહીં. એ યાદી (Index Librorum prohibitorm) નામે ઓળખાય છે. બીજી મહત્ત્વની વાત એ કે ચર્ચે ધાર્મિક સત્તાનું કેન્દ્રીકરણ કરી લીધું. એક બાજુ કેથોલિક ચર્ચ પ્રબોધન કાળમાં ઊભા થયેલા પડકારોનો સામનો કરી રહ્યું હતું અને બીજી બાજુ ખ્રિસ્તી ધર્મના રહસ્યવાદીઓએ નવા પડકારો ઊભા કર્યા. એવામાં જ્યુ સાન નામના એક કવિએ કવિતા લખી. ‘જે લોકો નબળી શ્રદ્ધા ધરાવે છે એને ચર્ચ સાથે રમવું હોય તો ભલે રમે. એ લોકોને ચર્ચની જરૂર છે. (પાનું 157) ચર્ચની સત્તામાંથી માણસે મુક્ત થવું જોઈએ. પરમેશ્વરને પામવા માટે દલાલોની જરૂર નથી’ આ શબ્દો માટે કવિની ધરપકડ કરવામાં આવી. પછી 1591માં કવિનું અવસાન થયું. પછી ચર્ચને બહુ મોડું સમજાયું કે ભૂલ થઈ છે એટલે કવિ જ્યુ સાનને સંતની પદવી આપો. 1992માં ચર્ચે પહેલી વાર કબૂલ કર્યું કે ગેલેલિયો સાથે અમે બહુ મોટી ભૂલ કરી છે. ઇતિહાસનું આ ભાવવિશ્વ છે. કવિ જ્યુ સાનની યાદમાં એક કવિતા હો જાય. રિલ્કેની આ કવિતા એન્જોય કરો.


નિષ્ઠા
મારી આંખો ફોડી નાખો,
છતાં હું તમને જોઈ શકીશ.
મારા કાનોમાં તમે સીસું રેડી દો,
છતાં તમારો અવાજ મારા સુધી પહોંચી જશે
મારા પગ કાપી નાખો,
છતાં હું તમારા સુધી પહોંચી જઈશ.
હું વાણીહીન છું છતાં હું તમને બૂમ પાડીને બોલાવીશ.
મારા બંને હાથ તમે તોડી નાખો,
છતાં હું તમને આલિંગન આપીશ.
મારા હૃદયની ગતિને તમે રોકી દો,
હાર્ટફેલ થવા દો,
પરંતુ મારું મસ્તક ધબકતું રહેશે.
મારા મસ્તકને તમે સળગાવીને રાખ કરી નાખો,
પછી હું મારી નસોમાં પ્રવાહિત ટીપાંઓ ઉપર,
તમને વહાવી જઈશ.

anil.r.joshi@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP