ભાવવિશ્વ / રેઢિયાળ સરકારી નિશાળો

article by anil joshi

અનિલ જોશી

Jan 30, 2019, 07:52 PM IST

26 જાન્યુઆરી આવે એટલે અનેક સ્મૃતિઓ દિમાગમાં ઝગારા મારે છે, પણ મારે આજે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિશેે વાત કરવી છે. થોડા સમય પહેલાં મારા પત્રકાર દોસ્ત કૌશિક મહેતાએ એક બ્રિલિયન્ટ લેખ લખ્યો હતો તેનો એક અંશ અહીં અક્ષરશ: મૂકવાની લાલચને નથી રોકી શકતો. કૌશિક મહેતા લખે છે તે વાંચીને ગુજરાતની ઉછરતી પેઢી માટે વ્યથિત થઈ જવાય છે. આખો લેખ અહીં મૂક્યો છે તે વાંચો.

  • યુવાનોનાં શિક્ષણનો પાયો જ કાચો હોય તો એમના હાથમાં દેશનું ભવિષ્ય સુરક્ષિત કઈ રીતે રહેવાનું?

માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જાહેર થયેલા તાજા અહેવાલ મુજબ પ્રાથમિક શિક્ષણમાં 35 રાજ્યોમાં ગુજરાત 33માં ક્રમે છે. ભાજપની નવી સરકારના નવા મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા આ રિપોર્ટ જાહેર કરાયો છે એટલે ગુજરાત સરકાર એની સામે આંગળી ચીંધી શકે તેમ નથી. પ્રાથમિક શિક્ષણમાં મેઘાલય પહેલા નંબરે છે અને ગુજરાત કેરળ, દીવ દમણ, સિક્કિમથી પણ પાછળ છે. દર વર્ષે રાજ્ય સરકાર પ્રવેશોત્સવ ઊજવે છે અને શાળાઓમાં સંખ્યા વધે છે, પણ પ્રાથમિક શાળાઓમાં 2013-14માં એનરોલ્મેન્ટ એક ટકો ઘટ્યું છે.

સરકારી શાળાઓની સંખ્યા વધવી જોઈએ એના બદલે ઘટી છે. ગયા વર્ષે જ સરકારે કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે એ શાળાને નજીકની શાળામાં ભેળવી દીધી હતી. શિક્ષકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષમાં 42 હજાર શિક્ષકો ઘટ્યા છે એવું આ નવો રિપોર્ટ કહે છે. એનો અર્થ એવો થયો કે નવી ભરતી થતી નથી અને શિક્ષકોની ઘટ વધતી જાય છે. હા, ધોરણ પાંચ પછીની સ્થિતિમાં ગુજરાતનો ક્રમ દેશમાં 19મો છે.

માળખાકીય સ્થિતિ સુધરી છે એમાં પાંચમો ક્રમ છે અને શિક્ષણ વિકાસ આંકમાં આઠમા ક્રમે છે. 2008થી 2013-14 સુધીમાં ગુજરાત સરકારે પ્રવેશોત્સવ પાછળ 13 કરોડથી વધુ ખર્ચ કર્યો છે. આમ છતાં સ્થિતિ સુધરી નથી. એક અન્ય અહેવાલ મુજબ રાજ્યના 21 જિલ્લામાં 14130 શાળામાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં બેસે છે. ધોરણ 1થી 5માં 1693 અને ધોરણ 6થી 8મા 21268 શિક્ષકોની ઘટ છે. આવી જ સ્થિતિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં છે.

બિન શૈક્ષણિક સ્ટાફમાં પણ જગ્યાઓ ખાલી છે. 26 જિલ્લાની શાળાઓમાં 23209 ઓરડાની ઘટ છે. હવે જરા દક્ષિણ એશિયાઈ વિદ્યાર્થીઓમાં જ્ઞાન અંગે એક રિપોર્ટ જાહેર થયો છે. તેમાં જણાવાયું છે કે, ભારત સહિતના દેશો શિક્ષણ પાછળ ખર્ચ તો કરે છે, પણ ગુણવત્તા નબળી છે. પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સરવાળા બાદબાકી કરી શકતા નથી. પોતાની વાત બે વાક્યોમાં લખીને સમજાવી શકતા નથી. 100 આંકડા કે કક્કાનું જ્ઞાન છે.

ગુજરાતમાં એક એનજીઓ છે, નવસર્જન. આ સંસ્થાએ ગુજરાતના 10 જિલ્લા, 35 તાલુકાની 182 શાળાઓમાં તપાસ કરી. તારણો એવાં છે કે અહીં એક સ્કૂલમાં માત્ર ત્રણ જ ટોઇલેટ છે. 13 શાળામાં તો ટોઇલેટ જ નહોતાં. 42માં લાઇબ્રેરી નહોતી તો 70માં લેબ નહોતી. 30 સ્કૂલમાં મેદાનો નહોતાં. જ્યાં આ સર્વે થયો એમાં સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે જ અને એમાં વિદ્યાસહાયકોથી કામ ચલાવાય છે. એમને 5-6 હજાર પગાર મળે છે. એમાં એની શાળા ઘરથી દૂર હોય તો ટ્રાન્સપોર્ટ ખર્ચ, વધુ દૂર હોય તો જે તે જગ્યાએ રહેવું પડે, મકાનનું ભાડું એ બધું ગણીએ તો પાછળ વધે શું? અને આવો શિક્ષક શું ભણાવવાનો? વિદ્યાસહાયકોને કાયમી કરવા જોઈએ એવી માગણી છે અને હાઇકોર્ટમાં કેસ પણ થયો હતો. પછાત વિસ્તારમાં આવેલી શાળામાં તો સ્થિતિ વધુ ખરાબ છે અને ઘણી જગ્યાએ શાળામાં સંખ્યા વધી છે એ પાછળનું કારણ મધ્યાહ્્ન ભોજન છે. ગરીબ પરિવારો એટલે બાળકોને શાળાએ મોકલે છે કે એક વખતનું ભોજન તો એમને મળે ને?


વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવા શક્તિનો વારંવાર ઉલ્લેખ કરે છે. ભારત સૌથી યુવા દેશ છે એ વાત સાવ સાચી છે, પણ આ યુવાનોનાં શિક્ષણનો પાયો જ કાચો હોય તો એમના હાથમાં દેશનું ભવિષ્ય સુરક્ષિત કઈ રીતે રહેવાનું? બિહારમાં થોડા વર્ષ પહેલાં દોઢ લાખ શિક્ષકોની ભરતી થઈ હતી. એમાંના 50 હજારની તપાસ થઈ તો માલૂમ પડ્યું કે 20 હજારના ડિગ્રી પ્રમાણપત્રો બોગસ છે. એથીય આગળ વાત કરીએ તો એક પત્રકારત્વ સંસ્થામાં પ્રવેશ માટે ઇન્ટરવ્યૂમાં 90 ટકાને ખબર નહોતી કે વડાપ્રધાનની ચૂંટણી કઈ રીતે થાય છે. કેટલાકને તો નેહરુ અને ઇન્દિરા વચ્ચે શો સંબંધ છે એ ખબર નહોતી. તેઓ તુલસીદાસને જાણતા નહોતા. બે ત્રણે તો એવું કહ્યું કે રામાયણ નામની સિરિયલ સાથે એમનો સંબંધ છે. આ છે આપણા શિક્ષણ અને એના વિદ્યાર્થીઓની સ્થિતિ!


ભારતમાં શિક્ષણ માટે બે લાખ સિતેર હજાર કરોડ ખર્ચાય છે. હવે માગણી કરાઈ છે કે આ ખર્ચ બમણો થવો જોઈએ. યુપીમાં સ્થિતિ બદતર છે. ત્યાં હેડ માસ્તરોની એક બેઠકમાં સરકારી અધિકારીએ કહ્યું કે, બધાં બાળકોને પ્રવેશ આપો. એમને મારપીટ ન કરો અને પાસ કરી આગલા ધોરણમાં મોકલો અને પછીના વર્ષેય એ પ્રવેશ લે એ માટે ચોક્સાઈ રાખો. આવું તમે કરી શક્યા તો સમજવું કે તમે લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. આનો અર્થ એ છે કે વિદ્યાર્થી ભણવા આવે કે ન આવે એનું નામ શાળામાં હોવું જોઈએ. એ આવે કે ન આવે એને પાસ કરી દો. આવું જ બધે ચાલે છે. પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો હોય પછી ઉચ્ચ શિક્ષણની ઇમારત નબળી જ રહેવાની એ સ્વાભાવિક છે.’ પ્રાથમિક શિક્ષણનો આખો સિનારિયો કૌશિકે મૂકી દીધો છે. સરકારની આ દિશામાં કોઈ ઇચ્છાશક્તિ જ નથી, કેમ કે પ્રાથમિક શાળાના બાળકો પાસે વોટ આપવાનો અધિકાર નથી.

[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી