ભાવવિશ્વ / ભયભીત છું

article by anil joshi

અનિલ જોશી

Jan 23, 2019, 06:35 PM IST

નસીરુદ્દીન શાહની જેમ હું પણ ભયભીત છું. એક તો છાપામાં આવતી જ્યોતિષશાસ્ત્રની આગાહીઓ મને ડરાવે છે. રોજ સવારે મોબાઇલ ખોલું તો એમાંય મારી મેષ રાશિને ચેતવણી આપવામાં આવે છે કે આજે વાહન અકસ્માતનો યોગ બની રહ્યો છે એટલે મુસાફરી ન કરવી. નછૂટકે જવું પડે તો હનુમાન ચાલીસાનો પાઠ કરીને નીકળવું. આરોગ્ય કથળવાનો યોગ બની રહ્યો છે. મૂડીરોકાણ વિચારીને કરવું. સવારે ઊઠતાવેંત જ ભવિષ્યવાણીનો ભય લાગે છે.

એમાંય વળી ટીવી ચેનલોમાં પણ જ્યોતિષ પંડિતો આવીને ગ્રહદશાનો ભય બતાવે છે. વર્ષો પહેલાં મેં એક કવિતામાં લખ્યું હતું કે, ‘મને માણસ હોવાની બહુ બીક લાગે છે.’ એક બીજો ભય દર વર્ષે પેન્શન લેવા માટે ‘હું હજી જીવતો છું’નું પ્રૂફ આપવા માટે લાંબું ફોર્મ ભરીને બેંકમાં જવું પડે છે. તો જ દુનિયા માને કે હું મરી નથી ગયો. રેલવેમાં ટ્રાવેલિંગ કરતો હોઉં એ વખતે વોશરૂમ જવું હોય તો મારી સીટ ઉપર રૂમાલ કે હેન્ડબેગ મૂકીને જાઉં છું જેથી મારા રિઝર્વેશન પર બીજો કોઈ આદમી બેસી ન જાય. ભય મારો પીછો છોડતો નથી. રેલવે સ્ટેશનની બહાર નીકળું છું તો ટ્રાફિકનો ભય લાગે છે. રિક્ષા મળતી નથી. મહાનગરના ટ્રાફિકમાં કોણ કોને ઠોકી દે એનો ભય લાગે છે. વીજળીનું બિલ હાથમાં આવે છે તો એની બીક લાગે છે. આ દેશમાં કાબેલિયત કરતા રિઝર્વેશનની બોલબાલા છે એટલે મને મારી કાબેલિયતનો સતત ભય લાગે છે.

બહાર જાઉં છું ત્યારે ઘરની ચાવી જીવની જેમ સાચવું છું. ચાવી ખોવાઈ જશે તો હું શું કરીશ એનો ભય લાગે છે. આધારકાર્ડ, એટીએમ કાર્ડનો ભય મારી સાથે જ ચાલતો હોય છે. મુંબઈમાં 14મે માળે સ્કાય સ્કેપરમાં રહું છું તો લિફ્ટનો ભય લાગે છે. લિફ્ટ બંધ થઈ જશે તો? મારી પાછળ ભયનાં એટલાં બધાં ટોળાંઓ પડ્યાં છે કે હું સાચે જ ભયભીત છું.


સાહિત્યની પણ હવે બીક લાગે છે. ગયા વર્ષે મારા : ‘ફોતરાં’ નિબંધની ઉઠાંતરી કરીને એક અધ્યાપકે પોતાના નામે ચડાવીને ટેક્સબુકમાં ઘુસાડી દીધો. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલોમાં ફેક ન્યૂઝની બીક લાગે છે. કવિ સંમેલનોમાં જેમ સંચાલક ઉર્ફે સૂત્રધાર વધુ પડતું બોલબોલ કરે એમ ન્યૂઝ ચેનલમાં દેખાતા એન્કરોની વધુ બીક લાગે છે.

પાનખરની બીક ના બતાવો જેવી કવિતા લખનાર મારા જેવો આટલો બધો બીકણ થઈ ગયો એટલે હું નસીરુદ્દીન શાહની બીકને સેલ્યૂટ કરું છું. યુગ એવો છે કે પોલીસનો ભય, સીબીઆઇનો ભય, જુઠ્ઠાણાંનો ભય, મંદિરનો ભય, મસ્જિદનો ભય, દરોડાનો ભય, નોટબંધીનો ભય, રમખાણોનો ભય, સાચું બોલવાનો ભય, પરીક્ષાનો ભય, પેપરો ફૂટવાનો ભય, બુલેટ ટ્રેનનો ભય, રેલીઓનો ભય, બિલ્ડિંગ ડિમોલિશનનો ભય, નિવૃત્તિનો ભય, હોસ્પિટલોનો ભય, સાધુ-સંતો અને બાવાઓનો ભય અને ભાષણોનો ભય કેટલો બધો વધી ગયો છે. યુવા કવિ સંકેત જોશીની આ નણદી કવિતા ઘણું બધું કહી જાય છે
काश इन्सान कब्र में जन्म लेता और माँ की कोख में दफ़न होता, तो शायद उसके पास मरने का एक बहाना भी उमदा होता ।

[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી