તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

EVMમાં ઘાલમેલ : સસલાને ઊગેલાં શિંગડાં જેવી વાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના રાજકારણમાં સનસનાટી ફેલાવવાનું કામ તદ્દન સહેલું છે અને તેના માટે સત્ય કે પુરાવાની કશી જરૂર પડતી નથી. ભારતે વિકસાવેલા અને છેલ્લા દોઢ દાયકાથી દરેક ચૂંટણીમાં વપરાતાં વીજાણુ મતદાન યંત્ર (EVM) ખામીવાળાં છે, તેની સાથે ચેડાં કરીને મનધાર્યાં પરિણામ મેળવી શકાય છે અને 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ આવી ગેરરીતિ આચરીને લોકસભામાં પ્રચંડ વિજય મેળવ્યો, તેવી મોંમાથા વગરની વાત કરનાર ભાઈ સૈયદ શુજા ભારતીય અખબારોમાં રાતોરાત છવાઈ ગયો અને થોડો વખત ચમકતા રહેવાના છે.

 

આ હકીકત જાણનાર ગોપીનાથ મુંડે જેવા આગેવાન અને ગૌરી લંકેશ જેવા પત્રકારની હત્યા કરી નાખવામાં આવી તેવી પૂરતી પણ તેમણે જોડેલી છે. લંડનના વિખ્યાત વિદેશી પત્રકાર સંઘ(Foreign press association)ના હાજર રહેલા પત્રકારોએ શુજાએ કરેલી જાહેરાતો અંગે તેમણે કશા પુરાવા આપ્યા ન હોવાથી તેમના બધા દાવા નકારી કાઢ્યા છે. જે યંત્રની ખામીઓ તેમણે દર્શાવી તે યંત્ર ચૂંટણીપંચનું યંત્ર નથી તેવી ચોખવટ માજી ચૂંટણી કમિશનર નવીન ચાવલાએ કરી છે.

  • વિજ્ઞાનમાં કોઈ મત, ખ્યાલ, સિદ્ધાંત કે સાધન આખરી નથી. બધાં માટેનાં ખાંખાંખોળા સતત થતા જ રહે છે, તેથી શુજા સામે પોલીસ કેસ કરવો તે આપણી ભૂલ છે. આપણે સાચા હોઈએ તો ડરવાનું કારણ નથી અને ખોટા પડીએ, યંત્ર ખામીવાળું દેખાય
    તો તેમાં સુધારણા કરી શકાય

ગોપીનાથ મુંડે અકસ્માતમાં અવસાન પામ્યા અને ગૌરી લંકેશને ચૂંટણી સાથે કશી લેવાદેવા નથી તેવી ચોખવટ સંબંધિત વ્યક્તિઓએ કરી છે. પોતે આ યંત્ર બનાવનાર ભારતીય કંપનીમાં મોટા હોદ્દા પર હતા તેવી તેમની રજૂઆત કંપનીએ નકારી કાઢી છે અને સૈયદ શુજા નામના કોઈ માણસને અમે ઓળખતા નથી. બીજા નામે નોકરી કરી હોય તો તેમણે નામ આપવું જોઈએ. સૌથી વિચિત્ર વાત તો એ છે કે આ પત્રકાર પરિષદમાં તેમણે પોતાનું મોઢું ઢાંકી રાખ્યું હતું. પોતાની હત્યા થવાના ડરથી પોતે ભારતમાંથી ભાગી છૂટ્યાનું તેમણે કહ્યું છે, પણ આવું કશું થયાનું કોઈ જાણતું નથી.


લગભગ આખી દુનિયાએ શુજાને હસી કાઢ્યો છે, પણ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને વિખ્યાત ધારાશાસ્ત્રી કપીલ સિબ્બલે તેમની બધી વાત તંતોતંત સાચી હોવાનું સર્ટિફિકેટ આપ્યું છે. આવા ખ્યાતનામ વકીલની બુદ્ધિ પણ રાજકારણમાં કેવી દૂષિત થઈ જાય તેનો આ નમૂનો જેટલો નવાઈભર્યો છે તેટલો જ દુ:ખદ છે.


ચૂંટણીપંચે શુજા વિરુદ્ધ નોંધાવેલી પોલીસ ફરિયાદ ગેરવાજબી છે અને નુકસાનકારી છે. વિજ્ઞાનની દરેક શોધ અને દરેક યંત્રમાં ખામી હોઈ શકે છે અને આવી ખામી-ખરાબી અંગે સાચી રીતે કે તદ્દન ખોટી રીતે પણ આંગળી ચીંધનારનો ઉપકાર માનવો જોઈએ અને આપણા સિદ્ધાંતો અને આપણાં સાધનોની ફેર ચકાસણી કરવી જોઈએ. આવી ચકાસણી અનેક વખત થઈ ચૂકી છે. તમામ રાજકીય પક્ષોની હાજરીમાં થઈ છે અને કોઈ નિષ્ણાત યંત્રમાં ખામી દેખાડી શક્યો નથી તે દલીલ સાચી છે, પણ નકામી છે. પ્રયોગથી, ચકાસણીથી કંટાળે અથવા તેને નકારી કાઢે તે માણસ વિજ્ઞાનશાસ્ત્રીના નામને લાયક નથી. જેટલી વખત પડકાર ફેંકાય તેટલી વખત ચકાસણી કરવી જોઈએ.


ભાઈ સૈયદ શુજાને પોતાનું ખૂન થવાનો ડર લાગતો હોય તો તેમને ખાસ રાજદ્વારી મુક્તિ આપવી જોઈએ. કોઈ મજબૂત અને તટસ્થ રાષ્ટ્રના એલચી ખાતામાં તેમને રહેવાની સગવડ આપવી જોઈએ અને એલચી ખાતાની કચેરીમાં જ આ યંત્રની સપ્રયોગ ચકાસણી થવી જોઈએ. એલચી ખાતું એટલા માટે કે એલચી ખાતાનું મકાન અને કમ્પાઉન્ડ ભારતમાં હોવા છતાં ભારતીય પ્રદેશ નથી અને તેમાં ભારત સરકાર કે પોલીસ પ્રવેશ કરી શકતી નથી.

 

1964માં ચીની એલચી કચેરીના મકાનમાં તેના એક કર્મચારીને માર મારીને ફાંસીએ લટકાવી દેવાનું દૃશ્ય બારીમાંથી ઘણા પાડોશીઓએ જોયેલું. પોલીસને જાણકારી પણ અપાયેલી, પણ ચીનના એલચીએ અનિચ્છા દર્શાવવાથી ભારત સરકારે હાથ જોડીને બેસી રહેવું પડ્યું. પરદેશમાં ભારતના એલચીઓને પણ આવી જ સવલત અને આવો જ અધિકાર અપાય છે. આવી એલચી કચેરીમાં સૈયદ શુજાનો વાળ પણ વાંકો થવાનો નથી અને તેમનો અખતરો અને ચકાસણી માટે એલચી ખાતું ભારતીય નિષ્ણાતોને બોલાવી શકે છે.


વિજ્ઞાનમાં કોઈ મત, કોઈ ખ્યાલ, કોઈ સિદ્ધાંત, કોઈ સાધન આખરી નથી. બધાં માટેનાં ખાંખાંખોળા સતત થતા જ રહે છે, તેથી શુજા સામે પોલીસ કેસ કરવો તે આપણી ભૂલ છે. આપણે ચકાસણીથી ડરીએ છીએ. આપણે સાચા હોઈએ તો ડરવાનું કારણ નથી અને ખોટા પડીએ, યંત્ર ખામીવાળું દેખાય તો તેમાં સુધારણા કરી શકાય. પણ યંત્રમાં ખામી હોવાની વાત, આ વિજાણુ યંત્રમાં ઘાલમેલ થવાની વાત હંમેશાં હારેલા લોકો જ કરતા હોય છે અને કશા જ પુરાવા આવ્યા સિવાય કરતા હોય છે. લોકોએ પોતાને અને પોતાના પક્ષને ફગાવી દીધો છે તે વાત કબૂલ કરી લેવાની શક્તિ આવા નબળા પક્ષો અને આગેવાનોમાં હોતી નથી.


જો કે સૈયદ શુજાની વાતોની વિચિત્રતા પણ ધ્યાનમાં લેવી જોઈએ. 2014માં નરેન્દ્ર મોદી ઘાલમેલ કરીને જીત્યા તે સસલાને ઊગેલાં શિંગડાં જેવી વાત છે. 2014ની ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યાં સુધી તો બધી સત્તા કોંગ્રેસના હાથમાં હતી. નરેન્દ્ર મોદી તો માત્ર ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે માણસ ઉત્તરપ્રદેશમાં સત્તા ભોગવતા સમાજવાદી પક્ષના અખિલેશ યાદવના કબજાના યંત્રોમાં બગાડ કેવી રીતે કરી શકે? કેન્દ્રમાં સત્તા ભોગવનાર કોંગ્રેસ અથવા ઉત્તરપ્રદેશમાં સત્તા ભોગવનાર અખિલેશ યાદવે યંત્રોમાં બગાડ કરીને પોતાના દુશ્મન નરેન્દ્ર મોદીને વિજય અપાવ્યો તેવી વાત તો બેવકૂફ માણસ પણ માની શકે નહીં.


મોદીને લોકસભામાં અને કેટલાંક રાજ્યોમાં મળેલા વિજયના કારણે મોદી અજેય છે તેવી છાપ પત્રકારોએ ઊભી કરી અને લોકોએ માની લીધી. લોકસભાની ચૂંટણી જીત્યા પછી નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભૂંડી રીતે હાર્યા, બિહારમાં હાર્યા, પંજાબમાં હાર્યા, ગોવામાં હાર્યા, મણિપુરમાં હાર્યા, પેટા ચૂંટણીઓમાં પણ હાર્યા, છેલ્લે છેલ્લે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાર્યા. કર્ણાટકમાં તો સત્તા મેળવવામાં એક વેંતભર મત ઓછા પડ્યા. નરેન્દ્ર મોદી જો મતદાન યંત્રમાં ઘાલમેલ કરતા હોય અને કરી શકતા હોય તો આ બધું કેવી રીતે બની શકે? ઘાલમેલ થાય તો બધે જ કરી શકાય, પણ આ પરાજય પરંપરા દર્શાવે છે તેમ ભારતના વિજાણુ મતદાન યંત્રોમાં ઘાલમેલ થઈ શકતી નથી ઇતી સિદ્ધમ્!


ભારતની આમ જનતાનો રાજકીય અનુભવ એટલે ઓછો છે કે ગમે તેવી વાહિયાત વાત પણ લોકો અને ભલભલા આગેવાનો પણ માનતા થઈ જાય છે. 1971માં ઇન્દિરા ગાંધીને પછાડવા માટે એકઠા મળેલા પાંચ પક્ષોના મહાનુભાવો અજેય ગણાતા હતા. ‘ગરીબી હટાવ’નું સૂત્ર અને બેન્કોના રાષ્ટ્રીયકરણથી ફેલાયેલા જુવાળમાં ઇન્દિરા ગાંધી જીત્યાં અને પ્રચંડ બહુમતી મેળવીને જીત્યાં. ત્યારે મતપત્રકથી ચૂંટણી થતી અને મતદારે નામ પર શાહીથી થપ્પો મારવો પડતો. ઇન્દિરાને જિતાડવા માટે રશિયાએ ખાસ પ્રકારની શાહી મોકલી છે. વિરોધ પક્ષના નામે મારેલો થપ્પો અદૃશ્ય થઈ જાય અને ઇન્દિરાના ટેકેદારોના નામે મારવામાં આવેલો થપ્પો યથાવત્ રહે.


આવી તદ્દન મોંમાથા વગરની વાત ચાલી અને એવી ચાલી, એટલી ફેલાઈ કે 1971માં ઇન્દિરા અને રશિયન શાહી વિશે અખબારોમાં પણ ઊહાપોહ થયો.
આજે નર્યું ગાંડપણ લાગે તેવી આ વાતની ખાતરી કરવા ઇચ્છે તેણે તે કાળનાં છાપાં આર્કાઇવ્ઝમાં જઈને જોઈ લેવા. આપણી આમજનતા તદ્દન ભોળી (મૂરખ પણ કહી શકાય)
છે અને આગેવાનો લુચ્ચા છે. રાજકીય આગેવાનોની લુચ્ચાઈ તો દુનિયા આખીમાં જોવા મળે, પણ પથરાના ગણેશને દૂધ પાવા માટે ટોળે વળેલા લોકો પાસેથી બીજી શી અપેક્ષા રાખીએ?
nagingujarat@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો