અમેરિકા નિવાસી મધુ રાય ગુજરાતી ભાષાના વરિષ્ઠ નવલકથાકાર, નવલિકાકાર અને કટાર લેખક છે.

અમેરિકાના થ્રી ‘ઇન્ડિયન્સ’

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

અમેરિકાના રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર છે ત્રણ ખૂંખાર મહિલાઓ, જેમને એક યા બીજી રીતે ‘ઇન્ડિયન’ કહી શકાય: તે ત્રણે ડેમોક્રેટિક પાર્ટીની સેનેટર છે તેમજ અલગ અલગ પાર્શ્વભૂથી વિભૂષિત છે.


પ્રથમ છે ગળે ગલગોટાના હારથી શોભંતા તુલસી ગબ્બાર્ડ, જે હિન્દુ છે, શાકાહારી છે અને હલો! તુલસીબેન આર્મીમાં સોલ્જર તરીકે ઇરાકમાં કબડ્ડી કબડ્ડી કરી આવ્યાં છે.

  • કેરોલ અમેરિકન મહિલા છે, જેમણે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કરેલો છે

વળી, તુલસીબેન સીરિયાના પ્રમુખ અસદને મળી આવ્યાં છે તથા જણાવે છે કે અમેરિકાએ બહારના દેશોના રાજકાજમાં દખલ કરવી નહીં જોઈએ. તુલસી ગબ્બાર્ડે અમેરિકન લોકસભામાં હવાઈ રાજ્યનાં પ્રતિનિધિ તરીકે ગીતા ઉપર હાથ રાખીને શપથ લીધા છે. કિન્તુ દરઅસલ તુલસીબેન કે એમના બીજા ત્રણ ભાઈ ભક્તિ, જય તથા અર્યન અને બહેન વૃંદાવન કે તે સૌનાં માતા-પિતામાંથી કોઈ ભારતીય નથી.


માત કેરોલ રેગ્યુલર અમેરિકન ગોરી મહિલા છે, જેમણે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કરેલો છે અને તાત માઇકલ અમેરિકના સમોઆ ટાપુના આદિવાસી કેથોલિક ક્રિશ્ચિયન છે. તે આખું કુટુંબ હળીમળીને ક્રિસમસ બી ઊજવે છે ને જન્માષ્ટમીમાં નંદ ઘર આનંદ ભયાવે છે. માતા કેરોલે હરે કૃષ્ણ પંથના એક અનુયાયીની કંઠી બાંધેલી અને બચપણથી તુલસીને શાકાહાર તથા ભજન કીર્તનના સંસ્કાર આપેલા.

તુલસીએ 21મા વર્ષે રાજકારણમાં પ્રવેશ કરેલો. તુલસીબેન ભારતના વડાપ્રધાન મોદીના સમર્થક છે. ગયા વર્ષે ન્યૂ યોર્કમાં ઇન્ડિયન અમેરિકન બિઝનેસ ફોરમમાં ભાગ લેવા તુલસીબેન આવેલાં અને એક્ટર અનિલ કપૂરની ચીખાચીખી પછી તેમને બોલવાનું આવેલું તોપણ તુલસી ગબ્બાર્ડ ગાજ્યાં નહીં ગયેલાં. હાલ સંકુચત વિચારોના વિરોધી તેમજ જન સાધારણના હિતૈષી છે કિન્તુ પ્રારંભમાં તુલસી ગબ્બાર્ડ તેમજ પિતા માઇકલ ગબ્બાર્ડ સમલિંગી સંબંધના વિરોધી હતા. હવે તુલસી કહે છે કે આર્મીમાં કામ કર્યા પછી મારી આંખો ઊઘડી છે અને મારા વિચારોમાં ફરક પડેલો છે. હસમુખી તુલસીએ અન્ય મહિલાઓની માફક ટ્રમ્પ સામે ‘લોહા લિયા હૈ’.


બીજી ‘ઇન્ડિયન’ નારી કમલા હેરિસની નસોમાં સચમુચિયું ઇન્ડિયન બ્લડ વહે છે, કેમ કે તેની કેન્સર વિશેષજ્ઞ માતા ડોક્ટર શ્યામલા ગોપાલન મૂળ તમિળનાડનાં નિવાસી હતાં, જેમણે જમાઇકા દેશના નિવાસી પ્રોફેસર ડોનાલ્ડ હેરિસ સાથે પ્રભુતામાં પગલાં માંડેલાં. એમની સુપુત્રી કમલા કેલિફોર્નિયા રાજ્યનાં સર્વોચ્ચ સરકારી વકીલ હતાં અને અમેરિકાની સંસદમાં ચુંટાયા બાદ તેમણે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકેના ઉમેદવાર કેવેનૌની ચપળ સરકાર વકીલની છટાથી ઊલટ તપાસ કરેલી. તે સમયના એટર્ની જનરલ સેશન્સને મેટરનલ ગ્રાન્ડમધરનું સ્મરણ કરાવેલું. જેપી મોરગન ચેઇઝ નામની રાક્ષસી કંપની ગ્રાહકો સાથે ક્રૂર છેતરપિંડી કરતા પકડાયેલી ત્યારે તે કંપનીના વડાના મોંએ ફીણ આવી જાય એટલી ચપળતાથી સવાલો કરેલા.


ઉભય ઇમિગ્રાન્ટોની બેટી કમલા પોતાની સભાઓમાં ગર્વથી કહે છે મારું નામ છે ક–મ–લા, જેનો સંસ્કૃતમાં અર્થ છે ક–મ–ળ. મને કાદવ અડકતો નથી. કમળાબેન સામાન્યજનને ન્યાય મળે તે માટે લડત આપવાનાં છે. જનસાધારણને કર રિયાયત, સમગ્ર જનતાને આરોગ્ય વીમો અને ઇમિગ્રેશનમાં માનવતાવાદી વલણ. પોતાની લડતને બિલકુલ ભ્રષ્ટાચારનો પડછાયો પણ ન લાગે તે હેતુથી કમલા હેરિસે વડી કંપનીઓ પાસેથી લખલૂટ નાણાકીય સહાય સ્વીકારવાની પણ ના પાડી છે.


અને ત્રીજાં ‘ઇન્ડિયન’ મહિલા છે સેનેટર એલિઝાબેથ વોરન. તે કહે છે કે મારામાં અમેરિકાના આદિવાસી ‘રેડ ઇન્ડિયનો’નું પણ શોણિત છે. તેમની ઠિઠૌલી કરતાં નામદાર ટ્રમ્પે કહેલું કે ડીએનએ ટેસ્ટથી પુરવાર કર તો દસ લાખ ડોલર આપું. સેનેટર વોરને તેવો ટેસ્ટ કરાવીને પુરવાર કર્યું તો નામદાર ટ્રમ્પ હવે આખી વાતનો ઉલાળિયો કરતાં કહે છે કે, ‘મું તો બોયોયે નતી ને ચાયોયે નતી!’ વોશિંગ્ટન પોસ્ટ નામે અખબાર કહે છે કે નામદાર ટ્રમ્પ આ બે વરસમાં સાડાસાત હજાર વાર જુઠ્ઠું બોયેયા છે.


નામદાર ગઝલકાર શોભિત દેસાઈ તરન્નુમે છે કે ચન્દ્ર ઉપર મોટેલ બાંધનાર ગુજરાતી હશે, સમથિંગ, સમથિંગ. આ ત્રણ ‘ઇન્ડિયન’ લેડીઝનો પદક્ષેપ આશા જન્માવે છે કે કદીક સાચેસાચી કોઈ અમલા, બિમલા કે કમલા અમેરિકાના કેપિટલના હ્વાઇટ હાઉસની ગાદી ઉપરથી કઢલા દૂધ પીતાં પીતાં જન્માષ્ટમી ઊજવશે.

જય દેવકીનંદન!
madhu.thaker@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP