લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

મસૂદના નામે જશ ખાટવાની હોડ જામી છે

  • પ્રકાશન તારીખ08 May 2019
  •  

સવર્ષથી ચાકડે ચડેલા પ્રશ્નનો આખરે ઘાટેલો ઘાટ ઘડાયો છે અને યુનોની સલામતી સમિતિએ જૈશે મહમ્મદના સ્થાપક, સંચાલક અને સર્વોચ્ચવડા મસૂદ અઝહર પર વૈશ્ચિક ત્રાસવાદી હોવાની મહોર લગાવી છે. કોઈ દેશ મસૂદ અઝહરને પોતાના પ્રદેશમાં દાખલ થવા કે પસાર થવા માટેના વિઝા નહીં આપે, કોઈ પણ દેશમાં મસૂદના નામે જે કાંઈ સ્થાવર જંગમ મિલકત હશે તે ટાંચમાં લેવાશે. મસૂદ ભંડાેળ ઉઘરાવી કે એકઠું કરી શકશે નહીં અને હથિયાર કે સ્ફોટક સામગ્રીની ખરીદી કરી શકશે નહીં.
આ બધા પ્રતિબંધો કાગળિયા ઘોડા છે. પોતાના પર આ બદનામીનું જોખમ તોળાઈ રહ્યું છે તેની જાણકારી મળ્યા પછી મસૂદે પોતાની બધી મિલકત બીજાના નામે અને ખાતામાં ઓળવી દીધી હોય અને ટાંચમાં લેવા જેવું કશું બાકી રાખ્યું ન હોય. ત્રાસવાદી સંસ્થાઓ જાતે અથવા આગેવાનોના નામે ભંડોળ ઉઘરાવતી નથી. તેમના માટે ભંડોળની જોગવાઈ કરનારી સંસ્થાઓ પણ અલગ રીતે અને વાજબી ધોરણે નાણાં ઉઘરાવે છે અને અનેક ગળણે ગળાયા પછી, ફિલ્ટર થઈ થઈને નાણાંના હવાલા પાડવામાં આવે છે. આટલી લાંબી ચર્ચાબાજીના કારણે મસૂદને પોતાની બધી ગોઠવણ કરી લેવાની સગવડ મળી ગઈ છે અને આટલા મોટા ત્રાસવાદી સંગઠનના સંચાલકની ચાલાકી, હોશિયારી અંગે બેમત હોઈ શકે નહીં. સલામત સમિતિએ કાનૂન મુજબ જાહેરાતો કરી છે, પણ આ જાહેરાતોથી કશો અર્થ સરવાનો નથી. વૈશ્ચિક ત્રાસવાદીનો થપ્પો લાગ્યો તેથી જેટલી બદનામી થઈ છે તેના કરતાં વધારે પ્રતિષ્ઠા તેને ઇસ્લામી જગતમાં મળી ગઈ છે અને ઇસ્લામી સમાજમાં તેની વીરતાનાં ગુણગાન જેટલાં થાય તેટલાં ઓછાં પડશે.
પણ બધા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે તે મસૂદ રહેશે ક્યાં? તે સવાલનો જવાબ અઘરો નથી, કારણ કે ત્રાસવાદીને પણ પોતાના વતનમાં રહેવાનો અધિકાર અબાધિત રહે છે. ત્રાસવાદીઓને પોતપોતાના વતનમાં રહેવાની છૂટ આપવામાં આવે છે તેથી મસૂદ પાકિસ્તાનમાં રહી શકે છે. પાકિસ્તાની સરકારે તેની મિલકત ટાંચમાં લેવી પડે અને તેની પરદેશી સફર પર રોક લગાવવી પડે, પણ ત્રાસવાદીઓ હંમેશાં બીજા નામે અને બનાવટી પાસપોર્ટોના આધારે જ દુનિયા આખીમાં ઘૂમતા ફરે છે. વિમાની મથકે, દરિયાઈ બંદરે જે સલામતી જાંચ થાય છે તેમાં કોઈ ત્રાસવાદી કદી પકડાયાનું જાણ્યું નથી, કારણ કે ત્રાસવાદીઓ આ રીતે સફર કરતા જ નથી. તેમની અવરજવર જુદી રીતે થાય છે અને આડાઅવળા માર્ગે થતી હોય છે.
પાકિસ્તાને મસૂદની ધરપકડ કરવાની જાહેરાત કરી છે, પણ સરકાર કે અધિકારીઓની ચશમપોશી હોય તો જેલના સળિયા ઓગળી જાય છે અને જેલમાંથી બધી પ્રવૃત્તિ કરી શકાય છે. શ્રીમંત કેદીઓ અને રીઢા બદમાશો માટે જેલ ઊલટી રજવાડી મહેલ બની જાય છે અને પાકિસ્તાની જેલમાં મસૂદને કશો ત્રાસ કે હાલાકી ભોગવવા પડે અથવા તેના કામકાજમાં કશી અડચણ ઊભી થાય તેવો કશો સંભવ નથી. મસૂદ જેલમાં છે તેવા દસ્તાવેજી પુરાવા મળી ગયા પછી પણ મસૂદભાઈ ક્યાંના ક્યાં નીકળી જઈ શકે છે, પણ સલામતી સમિતિનો વૈશ્ચિક ત્રાસવાદીનો થપ્પો લગાવવાની આબરૂ લેવાની હોડ લાગી છે અને દસ વર્ષ સુધી મસૂદની પડખે ઊભા રહેનાર ચીની સરકારનો અભિગમ કેવી રીતે અને શા માટે બદલાયો તે ખરો મહત્ત્વનો પ્રશ્ન છે. મસૂદ સામેનો આરોપ ભારત સરકારે છેક 2010થી મૂક્યો છે અને છેલ્લાં ત્રણ વર્ષથી અમેરિકા અને અમેરિકાના પ્રભાવના કારણે બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવા યુરોપીય દેશોએ પણ મસૂદને વૈશ્ચિક ત્રાસવાદી ઠરાવવા માટે સંમતિ આપી. આ દબાણ વધારવામાં ભારતનો પ્રચાર અને અમેરિકાનો પ્રભાવ સરખા હિસ્સે જવાબદાર છે.
છેલ્લા ચાર વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના ઘણા દેશોના માનસ પલટાવવા માટેની મથામણ કરી છે અને છેવટે તેમાં તેમને જશ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈની જોરતલબી ચાલતી નથી અને ભારતની શેહ પડે તેટલી સત્તા કે શક્તિ આપણી પાસે નથી. આપણી પીઠ આપણે જાતે જ થાબડતા રહીએ, પણ આપણી મર્યાદિત શક્તિ હંમેશાં ખ્યાલમાં રાખવી જોઈએ.
વૈશ્ચિક રાજકારણના પ્રવાહોના કારણે અમેરિકા અને ચીન એકબીજાનાં વેરી બનતા જાય છે. વ્યાપાર, લશ્કરી તાકાત અને દક્ષિણ ચીની સમુદ્રની સર્વોપરિતા જેવા સવાલોના કારણે ચીન-અમેરિકાના સંબંધો સતત બગડતા ચાલ્યા છે. આ પરિસ્થિતિનો પૂરો લાભ ઉઠાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને બાજુની ઢોલકી વગાડવાની રાજનીતિ અપનાવી છે. અમેરિકા જોડેના રાજદ્વારી અને સંરક્ષણ સંબંધો સુધારવાની જોડાજોડ ચીન જોડે વ્યાપારી અને મૈત્રીભાવના સતત વિકસતા રહ્યા છે. મસૂદની બાબતમાં ચીનનો નીતિપલટો આ મૈત્રીભાવનું વુહાનમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચેની અનૌપચારિક મંત્રણાનું પરિણામ છે તેવો ગાંજોવાજો કરવામાં આવે છે.
મસૂદના રક્ષક હોવાની હવા જમાવીને ચીને મુસ્લિમ સમાજ અને મુસ્લિમ દેશોની ચાહના મેળવી લીધી છે અને અમેરિકા-યુરોપના અભિગમને અનુકૂળ થઈને પોતાની સરસાઈ દર્શાવી છે.
આ ચાહના અને આ સરસાઈ ચીન માટે બે રીતે ઉપયોગી છે. ચીને આખું એશિયા અને અડધા યુરોપને આવરી લેતો જે વ્યાપારી માર્ગ બાંધવાનું અને આ માર્ગની વચ્ચે આવતા એશિયાઈ અને આફ્રિકન દેશોમાં પોતાના મૂડીરોકાણ દ્વારા ઔદ્યોગિક વિકાસ કરવાની યોજના ઘડી છે તે મોટા ભાગના એશિયા-આફ્રિકાના મુસ્લિમ દેશોને આવરી લે છે અને મુસ્લિમ સમાજની ચાહનાથી ચીનનો માર્ગ વધારે સરળ બને છે, કારણ કે મધ્ય એશિયાના અને આફ્રિકાના મુસ્લિમ દેશો ગરીબ છે અને પછાત પણ છે. ચીની પ્રભાવ નવા જમાનાનો સામ્રાજ્યવાદ છે અને તેમાં લશ્કર કે રાજકારણ નહીં, પણ વેપાર અને મૂડીરોકાણ સાધન તરીકે વપરાય છે.
ચીને ગંજાવર મૂડીરોકાણ દ્વારા પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોને પોતાના દેવાદાર બનાવ્યા છે. આ દેશોમાં પોતાનું દેવું ચૂકવી આપવાની શક્તિ નથી અને તેથી તેમણે હંમેશ માટે ચીનના પ્રભાવ અને વર્ચસ્વને કબૂલ રાખવું પડે. ચીની માલસામાન માટે પોતાની બજારપેઠ ખુલ્લી મૂકવી પડે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચીનને અનુકૂળ આવે તે રીતે વર્તવું પડે. નાણાંની જાળ અદૃશ્ય હોય છે, પણ આ અદૃશ્ય તાંતણા અતિશય મજબૂત અને દેવાદારને જકડી રાખવા માટે સમર્થ હોય છે.
મસૂદ અઝહર મરણપથારીએ છે અને હવે ત્રાસવાદી પ્રવૃત્તિમાં બહુ ઉપયોગમાં આવે તેવો નથી તેથી પાકિસ્તાને તેને પડતો મૂક્યો છે અને ચીને પાકિસ્તાનની વાતને અનુમોદન આપ્યું છે તેવું કહેવાય છે. આમજનતા અને અખબારો લાંબા સંબંધો અને લાગણીઓની વાત કહે છે, પણ રાજકારણમાં લાગણીને ખાસ કશું મહત્ત્વ મળતું નથી. રાજાને કે સત્તા ભોગવનારને મિત્રો કે સગાંઓ હોતાં નથી તેવું ભાગવતનું કથન આજે પણ એટલું જ સાચું છે. રાજકારણમાં કોણ કોને કેટલું અને કેટલા વખત સુધી ઉપયોગી છે તેનો હિસાબ વધારે મહત્ત્વનો છે. બીજા લોકો તમને પડતા મૂકે તે પહેલાં તમારે તેમને હડસેલી મૂકવા જોઈએ તેવી શિખામણ ઇટાલીના કૌટિલ્ય મેકિયાવેલीીએ ચારસો વર્ષ અગાઉ આપી છે અને આ શિખામણ બધા રાજપુરુષો બધા જમાનામાં અને બધા દેશોમાં પાળતા આવ્યા છે.
nagingujarat@gmail.com

x
રદ કરો

કલમ

TOP