પરિક્રમા- નગીનદાસ સંઘવી / સેવાની કાયમી જરૂર ઇચ્છવા યોગ્ય નથી

article ny nagindassanghvi

Divyabhaskar.com

Aug 12, 2019, 06:17 PM IST

પરિક્રમા- નગીનદાસ સંઘવી
​​​​​​​સમાજસેવી સંસ્થાઓ, મંડળો અને વ્યક્તિઓની બાબતમાં ગુજરાત આખા ભારતમાં અગ્રેસર છે અને મહાત્મા ગાંધીજીએ આઝાદી આંદોલનના એક ભાગ તરીકે સમાજસુધારણા અને સમાજસેવાનું મહત્ત્વ સમજાવ્યું ત્યાર પછી આવી સેવાપ્રવૃત્તિઓમાં ભરતી ચડી છે, ચડતી જાય છે.
ગુરુ, મા-બાપ અને પોતાના સ્વામીની સેવા કરવાનો ઉપદેશ જગતના ઘણા ખરા ધર્મોમાં અપાયો છે, પણ માનવસેવા જ ઈશ્વરની સેવા છે તે ખ્યાલ સૌથી પહેલો ઇસુના ઉપદેશમાં જોવા મળે છે. ‘હું ભૂખ્યો હતો અને તેમણે ખવડાવ્યું, હું ઉઘાડો હતો અને તેમણે મને ઢાંક્યો’ તેવાં વાક્યો બાઇબલમાં છે તેટલા બીજા કોઈ પણ ધર્મના ગ્રંથમાં મળતા નથી અને સમાજસેવાની અનેકવિધ સંસ્થાઓ સ્થાપવી અને ચલાવવી તે ધર્મશ્રદ્ધાળુ ખ્રિસ્તી મિશનરીઓ પોતાનો ધર્મ સમજે છે. આ સેવાસંસ્થાઓ અને સેવાકાર્યના વપરાશ વટાળ પ્રવૃત્તિ માટે કરવામાં આવ્યો તે પાછળથી પ્રવેશેલી વિકૃતિ છે. વિક્રમસંવત ઓગણીસો છપ્પનના દુષ્કાળ વખતે ગુજરાતમાં ભોજન-અનાજ પામનાર અનેક લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો તે હકીકત જાણીતી છે. ધર્મ ફેલાવવા માટે જોરતલબી અને તલવારબાજી કરતાં પણ સેવાસંસ્થાઓ વધારે કારગર નીવડે છે અને અંતરિયાળ વિસ્તારોમાં જનસેવા પ્રવૃત્તિઓ ચલાવનાર મિશનરીઓના કારણે ખ્રિસ્તી
ધર્મ આજે દુનિયામાં સૌથી વધારે અનુયાયીઓ ધરાવે છે.
સેવાપ્રવૃત્તિને આપણા વિચારકોએ પરમ ગહન કહી છે અને યોગીઓ પણ સેવાનું રહસ્ય પૂરેપૂરું જાણી શકતા નથી તેવું સુભાષિત આપણે ત્યાં જાણીતું છે. (સેવા ધર્મો પરમ ગહનો, યોગીનામ્ અપી અગમ્ય:)
અપંગ, અશક્ત, બીમાર, વૃદ્ધો માટે જીવતરની દરેક પ્રકારની સેવા જરૂરી બની જાય છે. દુષ્કાળ, આગ, યુદ્ધ કે પૂરથી પીડાતા લોકોને ખોરાક પાણીથી માંડીને રહેઠાણ અને સલામતી સુધીની બધી સગવડો આપવી તે સેવાધર્મમાં સમાઈ જાય છે.
ખ્રિસ્તી ધર્મનો સેવા અંગેનો ખ્યાલ આજે બધા ધર્મો અને બધા દેશોએ સ્વીકારી લીધો છે અને દરિદ્રનારાયણની સેવાપૂજાને આપણે ધાર્મિક પ્રવૃત્તિનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ માનતા થયા છીએ, પણ સેવાપ્રવૃત્તિના કારણે લોકો પરગજુ બની જાય તો તે સેવાકાર્યનો વિપર્યાસ ગણાવો જોઈએ. એક દાખલો લઈએ તો આ વાત વધારે સ્પષ્ટ થશે. ભૂખ્યા માણસને ભરપેટ ભોજન આપવું તેનાથી મોટી સેવા હોઈ શકે નહીં. તેવી માન્યતાના પરિણામે ભારતના અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અન્નક્ષેત્રો ચાલે છે અને ગમે તે માણસ કશી રોકટોક કે સાબિતી પુરાવાની ભાંજગડમાં ઊતર્યા વગર નજીવી કિંમતે અથવા તદ્દન મફત પેટભર ખાઈ શકે છે.
જોઈએ ત્યારે અને જોઈએ તેવું ભોજન સહેલાઈથી મળતું થાય તો ગુજરાતમાં આળસુઓ અને ઢોંગીઓની જમાતમાં જબરો વધારો થતો રહે છે. સમાજના આર્થિક અને વહીવટી બોજામાં ઉમેરો થાય છે. કશું જ કામ કર્યા વગર સમાજ પાસેથી બધી સગવડો-સવલતો મેળવનાર આળસુ અને પરોપજીવી સાધુ સંન્યાસીઓની મોટી ફોજ લોકોની ધર્મશ્રદ્ધાના કારણે ટકી રહી છે. ભારતના ગરીબ સમાજ લગભગ ત્રીસેક લાખ જેટલા સંન્યાસીઓનો બોજ ઉઠાવે છે અને આ પરોપજીવી લોકો સંન્યસ્તના ખ્યાલને બદનામ કરી રહ્યા છે.
સમાજની સેવા થવી જરૂરી છે અને સેવાસંસ્થાઓની ઉપયોગિતા અંગે બેમત નથી, પણ સેવાપ્રવૃત્તિનું સુકાન સાચી દિશાએ વાળવાની જરૂર પણ સ્વીકારવી જોઈએ.
સેવાપ્રવૃત્તિ કે સેવાસંસ્થાનો ઉદ્દેશ વ્યક્તિને પરોપજીવી નહીં, પણ સ્વાવલંબી બનાવવાનો હોવો જોઈએ. ચીનના વિચારકો કહે છે તેમ તમે ભૂખ્યા માણસને માછલી ખાવા આપો તો તેનું પેટ એક ટંક માટે ભરાશે. તેને માછલી પકડતા શીખવો અને જાળ ગૂંથતા શીખવાડો તો તેનું પેટ કાયમ માટે ભરાશે. ડોક્ટરનો ધર્મ બીમારની સેવા કરવાનો છે, પણ ડોક્ટરીશાસ્ત્ર અને જ્ઞાનનો હેતુ તો તંદુરસ્તી જળવાય અને માણસ બીમાર પડે જ નહીં કે ઓછામાં ઓછી બીમારી ભોગવે તે હોવો જોઈએ. રોગી માટે દવાખાનાં-હોસ્પિટલો જરૂરી છે, પણ સમાજમાં જેટલાં દવાખાનાં હોય તે રોગગ્રસ્ત સમાજની નિશાની છે. તંદુરસ્ત માણસને દવા કે દવાખાનાની જરૂર પડતી નથી. ડોક્ટરી પ્રવૃત્તિનો આદર્શ આખા સમાજને એટલો તંદુરસ્ત બનાવવાનો છે કે કોઈને ડોક્ટરી સેવાની જરૂર ન પડે.
આ વિચારને થોડો અાગળ લઈ જઈએ તો સેવાપ્રવૃત્તિથી માણસ પાંગળો ને પાંગળો જ રહે તેવી સેવાની જરૂર કાયમી થઈ જાય અને સંસ્થા પણ કાયમી સંસ્થા બની જાય તે બહુ ઇચ્છવા જેવું નથી. સેવા એવી રીતે થવી જોઈએ કે શક્ય હોય તેટલા પ્રમાણમાં સેવાની જરૂર ઓછી થતી જાય. સેવાપ્રવૃત્તિ એવી રીતે ગોઠવાવી જોઈએ કે સેવા કરનારની જરૂર જ ન પડે. આવી આદર્શ સ્થિતિનો પૂરોપૂરો અમલ વહેવારું જગતમાં થવાનો નથી તે ખરું છે, પણ આદર્શને લક્ષમાં રાખીને તે દિશામાં બને તેટલા જવું જોઈએ. અનાથ બાળકોને સાચવવા માટે યતીમખાનાં જરૂરી છે, પણ સમાજરચના એવી ગોઠવવી જોઈએ કે યતીમખાનાની જરૂર જ ન રહે.
આ કંઈ સાગરઘેલડા જેવી વાત નથી, આવું બની શકે છે અને થયું પણ છે. આપણી જૂની સંયુક્ત કુટુંબપ્રથાના કારણે વૃદ્ધો પોતપોતાનાં કુટુંબોમાં જ સચવાઈ રહેતા અને તેથી ભારતીય સમાજમાં વૃદ્ધાશ્રમો હતા જ નહીં. હવે આવી સંસ્થાઓની જરૂર પડે છે. વૃદ્ધાશ્રમો આવકાર્ય નથી, પણ આજના સમાજમાં આવશ્યક બની ગયા છે. જૂની કુટુંબપ્રણાલી અને સંયુક્ત કુટુંબો હવેના જમાનામાં શક્ય નથી, પણ વૃદ્ધાશ્રમ જેવી સેવાસંસ્થાઓ એક જમાનામાં હતી
જ નહીં, કેમ કે વ્યવસ્થાતંત્ર જુદી રીતે
ગોઠવાયું હતું.
અન્નક્ષેત્રોમાં તંદુરસ્ત અને તગડા માણસોને ભોજન આપતા અગાઉ તેમની પાસેથી કશુંક કામ કરાવી લેવાનો અથવા તેમને હાંકી કાઢવાનો નિયમ હોવો જોઈએ. પરસેવાે પાડ્યા વગર જે ખાય છે, તે પાપનું ભોજન ખાય છે.
[email protected]

X
article ny nagindassanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી