પરિક્રમા- નગીનદાસ સંઘવી / ત્રણ કેન્દ્રશાસિત વિસ્તાર અને ગુજરાત

article by nagindassanghvi

Divyabhaskar.com

Dec 02, 2019, 11:55 AM IST
પરિક્રમા- નગીનદાસ સંઘવી
દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા દમણ અને દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના કાંઠે આવેલા દીવ એ ત્રણ વિસ્તારોને એકબીજા સાથે જોડીને એક કેન્દ્ર શાસિત વિસ્તાર (u.t.) બનાવવાનો ખરડો લોકસભામાં રજૂ થવાનો છે. દીવ-દમણ અને દાદરા નગર હવેલી ભૂતકાળના પડછાયા જેવાં ટપકાં છે અને પોર્ટુગલી શાસનમાંથી મુક્તિ મળી છતાં તેમને અલગ હિસ્સા તરીકે સાચવી રાખવામાં આવે છે. ગુજરાતના પેટમાં આવેલા આ વિસ્તારો બધી રીતે ગુજરાત સાથે જોડાયેલ છે, પણ તેમનો વહીવટ ગાંધીનગરથી ચાલવો જોઇએ તે દિલ્હીથી ચાલે છે. આ અલગાવી ગુજરાતના રાજકીય આગેવાનોના દાળદરનું પરિણામ છે. ખરી રીતે તો આ પ્રદેશોને ગુજરાતમાં વિલીન કરી દેવા જોઇએ કે જેથી ભારત સરકારનો વહીવટી ખર્ચ બચે ને ગુજરાતનું પ્રાદેશિક માળખું વધારે સુરેખ બનાવી શકાય.
ગુજરાત અને મહારાષ્ટ્ર બંને પાડોશી રાજ્યો છે અને લાંબા ગાળા સુધી એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે. 1960 પહેલાં અમદાવાદ, સુરત અને ભરૂચનો વહીવટ મુંબઇથી ચાલતો હતો તે વાત હવે ભૂલી જવામાં આવી છે. લાંબો વખત સાથે રહ્યા છતાં અને પાડોશી હોવા છતાં પ્રદેશવાદની બાબતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. ગુજરાત કરતાં મહારાષ્ટ્રનો વિસ્તાર લગભગ બમણો છે છતાં વધારે ને વધારે પ્રદેશોને પોતા સાથે જોડી દેવાની ઝંખના મરાઠી આગેવાનોમાં અતિશય પ્રબળ હોય છે. 1961માં ભારતે પોર્ટુગલી સામ્રાજ્યવાદનો નાશ કર્યા પછી મહારાષ્ટ્રના આગેવાનોએ ગોવા પ્રદેશને મહારાષ્ટ્રમાં જોડી દેવા માટે જબરી ઝુંબેશ ચલાવી હતી અને તે વખતના અતિશય પ્રભાવી રાજ્યપુરુષ યશવંતરાવ ચવાણે તે માટે ભારત સરકાર પર દબાણ કર્યું હતું.
ગોવા એ મહારાષ્ટ્રમાં જોડાવું કે અલગ રહેવું તે બાબતમાં લોકમત લેવાયો (1966) અને ગોવાના બહુમતી મતદારોએ મહારાષ્ટ્રમાં જોડાઇ જવાનો ઇન્કાર કર્યો છતાં હજુ આજે પણ ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષ અતિશય મજબૂત પક્ષ છે અને વર્ષો સુધી આ પક્ષે ગોવામાં સરકાર ચલાવી છે. દયાનંદ બાંદોડકર જીવ્યા ત્યાં સુધી ગોવાના મુખ્યમંત્રી રહ્યા. આજની ભાજપ સરકારમાં પણ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષનો ટેકો છે.
બીજો દાખલો આપવો હોય તો 1956માં ભારતમાં ભાષાકીય રાજ્યોની રચના થઇ ત્યારે મહારાષ્ટ્રનો બેળગાંવ-નીપાણી જિલ્લો કર્ણાટકને સોંપાયો, કારણ કે બેળગાંવ શહેરમાં મરાઠી ભાષિકોની બહુમતી હોવા છતાં જિલ્લામાં કાનડી બોલનારની સંખ્યા ઘણી મોટી હતી. 1956ને આજે સાઠ વરસ વીતી ગયાં છે, પણ મરાઠી આગેવાનો-ખાસ કરીને શિવસેના બેળગાંવને જતું કરવા કે ભૂલી જવા તૈયાર નથી.
પણ બેળગાંવ વિસ્તાર મહારાષ્ટ્રને કદી મળવાનો નથી. 1956ના હેવાલની ફેરતપાસણી માટે મહારાષ્ટ્ર સરકારના દબાણના કારણે ભારત સરકારે મહાજન પંચની નિમણૂક કરી અને આ પંચનો જે કોઇ ચુકાદો આવે તે કબૂલ રાખવાની બાંયધરી પણ આપી. મહાજન કમિશનનો હેવાલ કર્ણાટકની તરફેણમાં આવ્યો. ચુકાદો કબૂલ રાખવાનું વચન આપવામાં આવેલું તે બધા મહારાષ્ટ્રીય આગેવાનો ભૂલી ગયા અને હજુ પણ બેળગાંવની માગણી ઊભી રાખી છે.
ગુજરાત આનાથી તદ્દન ઊંધું છે અને ગુજરાતના રાજકારણી આગેવાનો આ બાબતમાં આંધળાભીત અને મૂરખ છે. દમણ, દીવ અને દાદરા નગર હવેલી ગુજરાતના વિસ્તારમાં આવેલા છે. આ વિસ્તારોમાં ગુજરાતીઓની જ વસ્તી છે. આ વિસ્તારોને ગુજરાતથી અલગ રાખવાનું એક પણ રાજકીય કે વહીવટી કારણ નથી. છતાં છેલ્લાં પચાસ વર્ષથી આ તદ્દન અયોગ્ય વ્યવસ્થા ચાલતી રહી છે અને એક પણ ગુજરાતી આગેવાને તે બાબતમાં ચૂંકારો પણ કર્યો નથી. આ વિસ્તારોમાં કોઇપણ જાતની આફત આવી પડે ત્યારે જરૂરી તમામ પ્રકારની મદદ ગુજરાત સરકાર કરે છે.
આ ટચૂકડા વિસ્તારોને ગુજરાત સાથે જોડી દેવામાં આવે તો બધી રીતે સહુ કોઇની સગવડ સચવાઇ જાય છે અને કશી અગવડ ઊભી થવાનો સંભવ નથી છતાં ‘આગુ સે ચલી આતી હૈ’ તેવી આ પરંપરાગત ગોઠવણ આજે પણ ટકી રહી છે.
દીવ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું ટપકું છે. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ રાજવી સુલતાન મહમ્મદ બીઘરો (જેને બેગડો કહેવાય છે) આખા ભારતમાં નમૂનેદાર શાસક હતો. તેણે ભારતમાં પહેલી જ વખત મોટી બે તોપ આયાત કરીને દીવમાં ગોઠવી કે જેથી પોર્ટુગીઝોનું આક્રમણ ખાળી શકાય. આ તોપ માટે તુર્કીસ્તાનથી સંખ્યાબંધ તોપચીઓ દીવમાં વસાવવામાં આવ્યા અને તે જમાનામાં દીવ બંદર ઉસતુર્કના નામે જાણીતું હતું. સુલતાન મહમ્મદ બીઘરાનું નૌકાદળ ઇજિપ્તની સાથે મળીને પોર્ટુગીઝોનો સામનો કરતું હતું, પણ આ બધું પડી ભાંગ્યું અને દીવ પોર્ટુગીઝોના હાથમાં ગયું.
આ બધી વાતો જૂની છે, પણ દીવનો દરિયાકાંઠો હજુ જેમનો તેમ છે અને સહેલાણીઓ માટે ગોવાની ગરજ સારી શકે તેમ છે. આ તમામ કેન્દ્રશાસિત વિસ્તારોને ગુજરાતમાં ભેળવી દેવાથી ગુજરાતમાં ટૂરીઝમના વિકાસની નવી દિશા ખોલી શકાય તેમ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતના ટાપુઓના વિકાસની દરખાસ્ત રજૂ કરી હતી, પણ ગુજરાતના આગેવાનો તેનું મહત્ત્વ સમજ્યા હોય તેવી છાપ પડતી નથી.
[email protected]
X
article by nagindassanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી