તડ ને ફડ- નગીનદાસ સંઘવી / વૃક્ષારોપણ : આપણે ઝાડ વાવીએ છીએ કે રોપાની હત્યા કરીએ છીએ?

article by nagindas sanghvi

Divyabhaskar.com

Aug 28, 2019, 04:56 PM IST

તડ ને ફડ- નગીનદાસ સંઘવી
પાંસઠ-સડસઠ વર્ષથી દર ચોમાસે વનમહોત્સવ અથવા વૃક્ષારોપણનો મહોત્સવ ઊજવાય છે. નેહરુના જમાનામાં કૃષીમંત્રી કનૈયાલાલ મુન્શીએ શરૂ કરેલો સરકારી વનમહોત્સવ હવે લોકમહોત્સવ બની ગયો છે અને લોકમહોત્સવોમાં મોટાભાગે જે ઘેલછા હોય છે તે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોવા મળે છે. છ દાયકાથી ઊજવાતા વૃક્ષારોપણ અને વનમહોત્સવ પછી વનવિસ્તાર ઘટતો જાય છે અને રહેઠાણ ગુમાવી બેઠેલા વનવાસી પશુઓ માનવ વિસ્તારમાં રખડતાં થયાં છે. આસામના હાથીઓ અને ગીરના સાવજોની વાતો અખબારોમાં સતત ચર્ચાય છે.
દર વર્ષે વૃક્ષારોપણ થાય છે છતાં વૃક્ષોની સંખ્યા કેમ વધતી નથી, તેનો વિચાર લોકો કે સંસ્થાઓ કદી કરતી નથી. વૃક્ષારોપણ મહોત્સવમાં આપણે ઝાડ વાવતા નથી, પણ વૃક્ષના નાનકડા રોપની હત્યા કરીએ છીએ. હજારો, લાખો અને કરોડો ઝાડનો ખો બોલાવીએ છીએ, કારણ કે ઝાડના ઉછેરમાં જે કાળજી અને માવજત જરૂરી છે તેનો કક્કો પણ જાણવાની કોઈ દરકાર રાખતું નથી.
ઝાડના ચાર-પાંચ ઇંચ રોપને નાનકડો ખાડો ખોદીને તેમાં દાટી દઈએ અને ઉપર ઝારીમાંથી થોડું પાણી રેડતી વખતે ફોટા પડાવીએ તેની વાહ-વાહ થાય, પણ તે રોપ કદી જીવે જ નહીં. પશુ-પંખીઓ કાં તો છૂંદી નાખે અથવા ચારા તરીકે ખાઈ જાય. ઉત્તરપ્રદેશની શાળાઓની કન્યાઓએ આ વખતે બાવીસ કરોડ રોપ વાવ્યા તેના ફોટાઓ છપાયા. આમાંથી મોટાભાગના છોડ નાશ પામ્યા.
ઝાડની વાવણીનો કસબ બધાને આવડતો નથી. છોડ થોડો મોટો હોવો જોઈએ. વૃક્ષોની સાઇઝ પ્રમાણે મોટો ખાડો ખોદવો પડે. યોગ્ય માટી અને ખાતરની પુરવણી કરવી પડે. આ છોડનાં મૂળિયાં જમીનમાં બાઝે ત્યાં સુધી, ત્રણ-ચાર વર્ષ સુધી તેની માવજત કરવી પડે. નવા રોપની ફરતે લોખંડની વાડ કરવી પડે. પંખીઓને રોકવા માટે જાળી નાખવી પડે. આ તાજા રોપાયેલા દરેક ઝાડની પાછળ સરેરાશ પાંચ વર્ષમાં પાંચસો રૂપિયા જેટલો ખર્ચ થાય. આટલું કરીએ તો કદાચ આ ઝાડ ઊગીને ટકી જાય.
નાનકડો રોપ તો બાળક છે અને તેના ઉછેર માટે નાણાં, સમય અને આવડત જરૂરી છે. આટલો ભોગ આપવાની તૈયારી ન હોય તેને ઝાડ વાવવાનો અધિકાર નથી.
દર વર્ષે ઊજવાતો વનમહોત્સવ કે વૃક્ષમહોત્સવ નરી ઢોંગબાજી છે અને અક્કલ વિહોણા રાજનેતાઓ માટે ક્ષણિક પ્રચારબાજીનું સાધન છે. એક રોપ વાવે તેની પાસેથી પાંચસો-છસો રૂપિયાની ડિપોઝિટ લેવી જોઈએ અને વૃક્ષ ઉછેરના નિષ્ણાતોને સોંપી દેવી જોઈએ.
વાવેતર પછી વૃક્ષ કે છોડની જે માવજત જરૂરી છે તે બાબતમાં આપણા ખેડૂતો પાસે જઈને ભણવું પડશે અને કઈ જગ્યાએ કયું ઝાડ જીવશે કે નહીં જીવે તેની જાણકારી મેળવવી જોઈએ. વૃક્ષોના ઉત્સવ વખતે આ બધાં ઝાડ આપણને કેટલાં ઉપયોગી છે તેની લાંબી પહોળી જાહેરખબરો છપાય છે, પણ જે કંઈ કરીએ તે માત્ર ઉપયોગ માટે જ કરીએ તેનાથી કામ ચાલી શકે તેમ નથી. વૃક્ષોની પોતાની આગવી જરૂરિયાત પણ જાણવી જોઈએ.
માનવ સમાજ માટે તદ્દન નકામાં ઝાડ પશુઓ કે પંખીઓ માટે જીવનભરનો ખોરાક હોઈ શકે છે. માણસની લાઇફસ્ટાઇલ વિશે ઘણી વાતો થાય છે. પશુઓને, પંખીઓને અને ઝાડને પણ પોતાની લાઇફસ્ટાઇલ હોય છે અને કુદરતમાં જેમ ઋતુચક્ર હોય છે તેમ જીવનચક્ર પણ હોય છે અને ઝાડ, પંખી, પશુ, માણસનાં જીવતર એકબીજા પર આધારિત હોય છે. ઝાડ આપણા રમવા માટેનું રમકડું નથી. તેનું પોતાનું સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ હોય છે. એક જ પ્રકારનાં વૃક્ષ હોય, પણ દરેક વૃક્ષ અલગ રીતે અને અલગ ક્રમે વિકસે છે. ઝાડ જીવતું પ્રાણી છે અને પાળેલાં પશુ, કૂતરાં, બિલાડા જેમ કેટલીક બીમારીમાંથી સાજા થવા માટે જરૂરી હોય છે તેમ વૃક્ષનો ઉછેર પણ માણસને અનેક બીમારીમાંથી ઉગારે છે. બાગબાનીના નામે ઓળખાતી પ્રવૃત્તિ મોટી ઉંમરના માણસો માટે કેટલી સહાયભૂત બની શકે છે તે નિષ્ણાતો જાણે છે. આપણે જાણતાં નથી.
દર વર્ષે અગણિત વૃક્ષોનો (રોપનો) નાશ થાય છે તેવા વૃક્ષારોપણનો ઉત્સવ ખરી રીતે હત્યાકાંડ તરીકે જુગુપ્સાપ્રેરક બનવો જોઈએ. ઝાડ ઉછેરતા ન આવડતું હોય અને તેના માટે જરૂરી જહેમત ઉઠાવવાની તૈયારી ન હોય તેણે આ પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ.
ભારત પર ભગવાનની ખાસ મહેરબાની છે કે અહીં નજીવી મહેનતે પણ ઝાડ ઊગી જાય છે. બરફછાયા વિસ્તારો અને રણપ્રદેશમાં ઝાડની કિંમત વધારે સમજાય છે.
ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજમાં વૃક્ષો અને જંગલોનો મહિમા આદી-અનાદીકાળથી ગવાતો રહ્યો છે. ફળ અને છાંયડો આપનાર વૃક્ષો આપણાં સુભાષિતોમાં પરોપકારી સજ્જન અને સંત કહેવાયા છે. રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોનાં મુખ્ય પાત્રોએ લાંબો વનવાસ વેઠ્યાનું કહેવાયું છે. આપણા બધા ઋષિ-મુનિઓ વનમાં વસતાં હોવાથી ભારતનું તત્વજ્ઞાન અરણ્યનું તત્વજ્ઞાન છે અને ઉપનિષદોના પૂર્વ ગ્રંથો આરણ્યક (વનમાં ચર્ચાયેલા) ગ્રંથો કહેવાયા છે.
તમામ પ્રાણી-પશુઓને ડરાવનાર અગ્નિને મર્યાદિત કરીને તેનો ઉપયોગ કરવાની જાણકારી માનવ સમાજે મેળવી ત્યારથી વૃક્ષો તો તેના માટે અનિવાર્ય બની ગયા. ખૂંખાર પશુઓના હુમલામાંથી બચવા માટે લાકડાં સળગાવીને પ્રવેશ દ્વારમાં રાખવામાં આવતી ઘૂણી કાળક્રમે અધ્યાત્મ સાધના કરનાર સાધુઓ અને અવધૂતોનો પર્યાય બની ગઈ અને કાચા ખોરાકને પકવવા માટેનો અગ્નિ પણ વૃક્ષોના લાકડા થકી જ પેદા થતો. હજુ આજે પણ ભારતનાં અનેક ગામડાંઓમાં વૃક્ષોના સુકાયેલા કરગડિયા ચુલામાં સળગાવીને રસોઈ પકવવામાં આવે છે.
વૃક્ષો અને જંગલો વરસાદને ખેંચી લાવે છે અને તેથી ખેતીવાડી માટે જરૂરી વરસાદનું વરદાન મેળવવા માટે વૃક્ષો અને જંગલો અતિશય જરૂરી છે તેવી માન્યતા એક કાળે ખૂબ જ પ્રચલિત હતી. જંગલો ઓછા થતાં જાય છે છતાં વરસાદમાં કશી ઘટ પડતી નથી તેવું અનુભવ્યા પછી આ માન્યતા પડતી મૂકવામાં આવી છે, પણ વૃક્ષો વગરનું માનવ જાતનું જીવતર કલ્પી શકાતું નથી.
આપણા વૃક્ષારોપણ અને વન મહોત્સવો વૃક્ષો ઉગાડવામાં કે વૃક્ષોની સંખ્યા વધારવામાં કશા ઉપયોગીમાં રહ્યા નથી, પણ વૃક્ષો જંગલોની ઉપયોગિતા વિશે બે મત નથી, તેથી આવા ઉત્સવોની ઊજવણી પાછળ સમય, શક્તિ અને સંપત્તિ બગાડવાનાં બદલે વૃક્ષોના વાવેતરનો વધારે વ્યવસ્થિત કાર્યક્રમ અપનાવવો જોઈએ અને વૃક્ષોનું વાવેતર એવી રીતે થવું જોઈએ કે જેટલાં વૃક્ષો વાવીએ તેમાંથી ઓછામાં ઓછા પંચોતેર-અેંશી ટકા જેટલાં ઝાડ ઉગવા જોઈએ. વૃક્ષારોપણ એક દિવસ કે એક સિઝનનો ઉત્સવ નથી. હકીકત લોકોનાં દિલ-દિમાગમાં બરાબર ઠસાવવી જરૂરી છે.
[email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી