તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

...તો પછી યુદ્ધના પરિણામ માટે પણ તૈયાર રહેવું પડે!

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પુલવામાની પરિક્રમા કરવાની અથવા તેનો બદલો વાળવાનું આપણા માટે શક્ય નથી તે હકીકત ગમે તેટલી અણગમતી હોય, પણ સ્વીકારી લીધા સિવાય ચાલે તેમ નથી. આ હત્યાકાંડનો બદલો લેવાશે, લશ્કરને છૂટો દોર આપી દેવાયો છે. પાકિસ્તાનને દુનિયાભરમાં એકલું અટૂલું પાડી દેવાશે તેવાં આગેવાનોનાં ઉચ્ચારણો માત્ર વાયુના ગુબ્બારા છે. દુશ્મન જોડે લડવા માટે દરેક દેશના લશ્કરને બધી બાબતમાં ખુલ્લો દોર કાયમના માટે આપી જ રખાય છે. દુશ્મનને ખતમ કરવામાં લશ્કર કોઈ ખાસ પરવાનગીની રાહ જોતું નથી, પણ ત્રાસવાદી ટોળકીઓ સામે લડવાનું લશ્કરને કદી ફાવતું નથી. લશ્કર હંમેશાં ખુલ્લી રીતે લડે છે અને જે બળપ્રયોગ કરવાના હોય તે બધા ખુલ્લંખુલ્લા કરે છે. ત્રાસવાદી ટોળકીઓ પોતાની રણનીતિ અને પોતાના હુમલાઓ ખાનગી ખૂણે ઘડે છે અને તેમાં શૂરવીરતા કરતાં લુચ્ચાઈનું પ્રમાણ હંમેશાં ઘણું વધારે હોય છે.

 • લશ્કર હંમેશાં ખુલ્લી રીતે લડે છે, જ્યારે ત્રાસવાદી ટોળકીઓ પોતાની રણનીતિ અને હુમલાઓ ખાનગી ખૂણે ઘડે છે. તેમાં શૂરવીરતા કરતાં લુચ્ચાઈનું પ્રમાણ વધુ હોય છે

પુલવામામાં મરણ પામેલાની સંખ્યા આપવામાં આવી છે, પણ ઘાયલ થયેલાની સંખ્યા અનેક ગણી વધારે હોવી જોઈએ. આપણા સૈનિકો પર થયેલા હલ્લાને પાકિસ્તાન લશ્કરે કરેલો હુમલો ગણીને ભારત લશ્કરી કારવાઈ કરી શકે છે અને અમેરિકાએ કહ્યું છે તેમ ભારતને પોતાના સંરક્ષણ માટે જરૂરી તમામ કારવાઈ કરવાનો હક્ક છે. દુનિયામાં કોઈ પણ રાજ્ય સાચા કે ખોટા કારણસર લશ્કરી કારવાઈ કરી શકે છે અને કરે છે પણ ખરા, પણ યુદ્ધ અતિશય ગંભીર બાબત છે. લડાઈ શરૂ કરવાનું આપણા હાથમાં છે, પણ તેનાં પરિણામ કેવાં આવશે? પાકિસ્તાનની સહાયે કોણ ઊતરશે તે કહેવાનું શક્ય નથી. વળી, ભારત અને પાકિસ્તાન બંને દેશો પાસે અણુશસ્ત્રો છે અને અણુશસ્ત્રોનું યુદ્ધ અટકાવવા માટેના પ્રતિભાવ જુદા જુદા હોઈ શકે છે. પાકિસ્તાને આ હુમલાની જવાબદારી નકારી છે અને ચૂંટણી જીતવા માટે આ હુમલાનું આયોજન કરવામાં આવ્યું તેવો વિચિત્ર આરોપ પણ મૂક્યો છે.
ભારત સરકારે હાથમાં આવ્યો તેવો પહેલો ઉપાય લીધો છે અને પાકિસ્તાની માલસમાન પર 200 ટકા જેટલી કમરતોડ આયાત જકાત નાખી છે. પાકિસ્તાન પણ આવું જ પગલું ભરશે તેવું સ્વાભાવિક રીતે જ માનવું જોઈએ. ભારત સરકાર લોકોની અવરજવર બંધ કરી શકે છે અને કરતારપુરના યાત્રાધામની ભારત સરકારે આપેલી સવલત પાછી ખેંચી લઈ શકાય છે, પણ પાકિસ્તાન પાડોશી દેશ છે અને તેની સાથેના તમામ સંબંધો તોડી નાખવાનું શક્ય નથી.
આટલા બધા સૈનિકો સામટા ગુમાવવાથી ભારતીય લશ્કરની ટીકા કરવી ઠીક નથી, પણ જે થયું તે સહેલાઈથી સમજાવી શકાય તેમ નથી. આટલો મોટો લશ્કરી કાફલો જઈ રહ્યો હોય ત્યારે બિનઅધિકારી વાહનો પર સામાન્ય રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે. ઉચ્ચ હોદ્દેદારોની સલામતી માટે ટ્રાફિક બંધ કરી દેવામાં આવે છે. આ વખતે ટ્રાફિક બંધ થયો હોય તો ત્રાસવાદી ટ્રક અથવા ટ્રકો લશ્કરી કાફલાની નજીક પણ આવી શકે નહીં. અખબારી હેવાલ મુજબ આત્મઘાતી ટ્રકમાં સાડા ત્રણસો ટન જેટલો RDX હતો. આ બધું એક ટ્રકમાં હતું કે એક કરતાં વધારે ટ્રક હતી તેની ચોખવટ લશ્કરે કરી નથી. સલામતી દળની સુરક્ષા માટેની યોગ્ય તકેદારી અંગે પણ તપાસ થવી ઘટે છે.
આટલો આત્મઘાતી સામાન, આટલી ટ્રક અને આટલા આયોજન ખર્ચ માટે જરૂરી અઢળક નાણાં ક્યાંથી અને કેવી રીતે આવ્યાં તે આપણે જાણતા નથી, પણ દુનિયાભરની ત્રાસવાદી સંસ્થાઓને નાણાભીડ કદી પડી નથી અને વિનાશને ટેકો આપનાર લોકોની સંખ્યા દુનિયામાં ઓછી નથી.
આવી ઘટના બને ત્યારે આમજનતામાં હતાશા અને ઉશ્કેરાટનું પ્રમાણ વધી જાય છે, પણ જેણે ઉપાય શોધવા છે તેણે તો માથું ઠંડું રાખીને વિચારનો આશરો લેવો જોઈએ. આવું અમેરિકામાં પણ બન્યું છે અને ન્યૂ યોર્કના ટ્રેડ સેન્ટર તથા અમેરિકાના લશ્કરી મથક પેન્ટેગોન પર કરવામાં આવેલા ત્રાસવાદી હલ્લામાં ત્રણ હજાર લોકો મર્યાનું કહેવાય છે. નોંધ પણ છે કે અમેરિકન પ્રમુખે શાંતિથી પણ મક્કમતાથી જાહેર કર્યું કે ઓસામા બિન લાદેને પોતાના મોતને આમંત્રણ આપ્યું છે અને ઓસામાએ મરવું જ પડશે. આ કામ પાર પડતાં દસ વરસ લાગ્યાં. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર આવેલી ટોરા-ટોરા પર્વતમાળામાં છુપાયેલો ઓસામા નાસી છૂટ્યો અને પાકિસ્તાનની લશ્કરી છાવણીના શહેરમાં જઈ ભરાયો. તેની ભાળ મેળવવામાં આવી, તેની પાકી ઓળખ થઈ અને અમેરિકાની લશ્કરી ટુકડીએ છેવટે તેનો જીવ લીધો. વેર કદી જૂનાં થતાં નથી અને વેર વાળવા માટે જરૂરી લાંબી યાદશક્તિ ભારતે પણ કેળવવી પડશે.

nagingujarat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો