Home » Rasdhar » નગીનદાસ સંઘવી
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

જા બિલ્લી કુત્તે કો માર...

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

એકદંડિયા મહેલમાં પૂરી દેવામાં આવેલી રાજકુમારીની પરીકથાની સમાંતર યુરોપમાં હાથીદાંતના મહેલ(Ivory tower)ની કથા છે. તફાવત એટલો છે કે આવા Ivory towerમાં રહેનાર દુનિયાની વાસ્તવિકતાથી તદ્દન બેખબર હોય છે. દુનિયાદારીની ઉપેક્ષા કરીને પોતાના કાલ્પનિક જગતમાં રાચનાર બુદ્ધિવંતો અને પોથીપંડિતો માટે પણ આ પરીકલ્પના વાપરવામાં આવે છે.

સર્વોચ્ચ
અદાલતની બીજી
ખંડપીઠે દેશના
તમામ ધર્મોનાં તમામ ધર્મસ્થાનોમાં પ્રવેશ, ચોખ્ખાઈ, આવક, વ્યવસ્થા અંગે સર્વેક્ષણ કરવાનો
આદેશ આપ્યો છે

દેશમાં લગભગ ત્રણ કરોડ જેટલા અદાલતી ખટલાઓ અધ્ધર પધ્ધર ટિંગાઈ રહ્યા છે તેના ઉકેલ માટે મથામણ કરવાના બદલે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ભારતને સુધારી નાખવાની પળોજણમાં પડ્યા છે. જાહેરહિતની અરજીના પાપના લીધે અદાલતોને પોતાનું કામ પતાવવામાં અગવડ ઊભી થાય છે તેની કશી દરકાર સર્વોચ્ચ અદાલત રાખતી નથી. ભારતના બંધારણ મુજબ અને કાયદાની રસમ પ્રમાણે કોઈ પણ આરોપીને ગુનેગાર ઠરાવવામાં ન આવે ત્યાં સુધી તે નિર્દોષ નાગરિક છે. છતાં આરોપીઓને રાજકારણમાંથી બાાકાત રાખવાની સલાહ અંગે ભારત સરકારે સર્વોચ્ચ અદાલત સામે પોતાનો પ્રકોપ ઠાલવ્યો છે.


આ ભાંજગડ પતી નથી ત્યાં સર્વોચ્ચ અદાલતની બીજી ખંડપીઠે જહાંગીરી હુકમ ફરમાવ્યો છે અને દેશના તમામ ધર્મોનાં તમામ ધર્મસ્થાનો, મંદિરો, મસ્જિદો, દેવળો, ગુરુદ્વારાઓમાં પ્રવેશ, ચોખ્ખાઈ, આવક અને વ્યવસ્થા અંગે સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો છે અને જિલ્લા કલેક્ટરે આ બાબતની ફરિયાદો હોય તો તપાસ કરીને તેનો હેવાલ અદાલતોને આપવો, અદાલતોએ આ હેવાલને જાહેરહિતની અરજી ગણીને તેની ચકાસણી શરૂ કરવી. આવા સર્વેક્ષણના વાજબીપણા અંગે કશી શંકા નથી. ભારતમાં ધર્મસ્થાનકોમાં નાણાંની અફરાતફરી જાણીતી બાબત છે અને પૂજારી-પંડાઓ મનમાની કરે છે. કેટલાંક મંદિરોમાં સ્ત્રીઓને પ્રવેશ અપાતો નથી. કેટલાંક હિન્દુમંદિરો ગંદકીનાં ધામ બની ગયાં છે અને ધરમની હાટડીઓ માંડીને લાગવગિયા વેપારીઓ રોજી રળે છે. લોકોની શ્રદ્ધાનો ગેરલાભ બધે લેવાય છે. મસ્જિદોમાં નમાઝ માટે સ્ત્રીઓ હાજરી આપી શકતી નથી. ખ્રિસ્તી દેવળોમાં સ્ત્રીઓ પૂજા કરી શકતી નથી અથવા ધર્મપ્રવચનો કરી શકતી નથી. આ બધી કુરૂઢિઓ નાબૂદ થવી જોઈએ. બધાં ધર્મસ્થાનો સ્વચ્છ હોય, બધા શ્રદ્ધાળુઓને આવવા-જવાની, ધર્મવિધિઓમાં ભાગ લેવાની છૂટ મળવી જોઈએ. આ બધું આદર્શ ભારતમાં જરૂરી છે અને વાજબી પણ છે, પણ આ કામ એટલું મોટું છે અને એટલું સંવેદનશીલ છે કે સરકારી અધિકારીઓ કે ન્યાયાધીશોની દખલગીરી સામે વિદ્રોહ થવાની સંભાવના નકારી શકાય નહીં.


નાનાં અને ચોપડે ન ચડેલાં ધર્મસ્થાનોની વાત જવા દઈએ તો સરકારી ચોપડે નોંધાયેલાં વીસ લાખ મંદિરો છે. ત્રણેક લાખ જેટલી મસ્જિદો, હજારો દેવળો અને સેંકડો ગુરુદ્વારાઓ છે. નાનકડા સંપ્રદાયોનાં ધર્મસ્થાનોની જબરદસ્ત સંખ્યાની જાણકારી કોઈ પાસે નથી.
ધર્મસ્થાનોની સ્વચ્છતાની તપાસણી અઘરું કામ નથી. ગંદકી માત્ર હિન્દુમંદિરોમાં અને હિન્દુ સંપ્રદાયોનાં મંદિરોમાં જ હોય છે. મસ્જિદો, દેવળો મોટાભાગે ચોખ્ખાંચણક હોય છે, પણ પ્રવેશ બાબતમાં હિન્દુમંદિરો અને મસ્જિદોના પોતપોતાના નિયમો હોય છે. શબરીમાલામાં સ્ત્રીઓના પ્રવેશનો મુદ્દો વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે અને દલિતોના પ્રવેશની વાત તો આનાથી પણ વધારે મુશ્કેલ અને મૂંઝવણભરી છે.

આદેશની નાફરમાની કરનાર ધર્મસ્થાનોનો વહીવટ સરકારે હાથમાં લઈ લેવો તેવો આદેશ આપી શકાય, પણ આવા આદેશો ‘જા બિલ્લી કુત્તે કો માર’ ગણાય છે. કૂતરાને મારી નાખવાનો હુકમ કરી શકાય, પણ બિલાડું આ કામ બજાવી કેવી રીતે શકે તેનો ખ્યાલ કરવો જોઈએ

આવક અને ખર્ચની બાબતમાં બધા ધર્મો અને બધા સંપ્રદાયો અંધારાના ઉપાસકો છે અને આ બાબતની તપાસ વખતે ખરા-ખોટાની પરખ કરવી લગભગ અશક્ય છે.


આ સર્વેક્ષણનો બોજ જિલ્લા કલેક્ટરો પર નાખવામાં આવ્યો છે. સીધાસાદા વહીવટી કામની બાબતમાં ક્લેક્ટરોની કાર્યક્ષમતા બહુ વખાણવા જેવી નથી અને વહીવટી તંત્રની તોછડાઈ અને ભ્રષ્ટાચાર અંગે આમજનતાનો મત જરા પણ સારો નથી. શ્રીમંત અને લાગવગિયા લોકોના કામની પતાવટ થાય છે, પણ ગરીબ માણસોએ જોડાં ઘસાઈ જાય તેટલા ધક્કા ખાવા પડે છે.
વહીવટી અધિકારીઓ અને કારકુનોને ભાંડવામાં આવે છે, પણ જિલ્લા કચેરીઓ પર કામનો અસહ્ય બોજો લાદવામાં આવ્યો છે. અધૂરામાં પૂરું હોય તેમ રાજકીય આગેવાનો અને કાર્યકરોની ભલામણોનો બોજો પણ જિલ્લા અધિકારીઓએ વેઠવો પડે છે.


આ વાસ્તવિકતાને વિસારે પાડીને ધર્મસ્થાનોના સર્વેક્ષણની કામગીરી જિલ્લા અધિકારીઓ પર નાખવામાં આવી છે. બોજો ઉપાડવાની શક્તિ કરતાં એક તણખલું પણ વધારે નાખવામાં આવે તો ઊંટની કમર તૂટી જાય છે, કારણ કે છેલ્લું તણખલું સૌથી વજનદાર અને અસહ્ય બોજો બની જાય છે, તેથી અંગ્રેજી ભાષામાં કહેતી છે કે ઊંટની કમર છેલ્લા તણખલાથી તૂટે છે (It is the last straw that breaks the camel's back). આમાં સમયનો પણ હિસાબ ગણવો જોઈએ. લંબાવેલા હાથે પાણી ભરેલો ગ્લાસ ઉપાડવો અઘરો નથી, પણ એકાદ કલાક આ સ્થિતિમાં જ ગ્લાસ પકડી રાખવો પડે તો બોજો અસહ્ય બની જાય છે.


જિલ્લા કચેરીઓ પાસે કામના ઢગલા પડ્યા છે અને સમયની પણ મર્યાદા છે. તેમાં ધર્મસ્થાનના સર્વેક્ષણનું કામ કરવું લગભગ અશક્ય છે.


સરકારી અધિકારીઓ આવો પ્રયાસ પણ કરે તો તેમાં રાજકીય વિતંડાવાદ શરૂ થયા વગર રહે નહીં. સર્વેક્ષણ કરનાર અધિકારી જુદા ધર્મનો હોય તો તેની કામગીરી પૂર્વગ્રહ પ્રેરિત ગણાશે અને સમાનધર્મી હોય તો તેના પર લાગવગ અને રુશવતખોરીના આરોપ લગાડવામાં આવશે.
બીજો મુદ્દો એ છે કે આ પ્રકારના સર્વેક્ષણ પૂરી રીતે થાય અને શાંતિથી પાર પડે તો પણ સરકાર કે અદાલતો કશાં નક્કર અમલી પગલાં ભરી શકે તેમ નથી. મંદિરો ગંદાં હોય છે તે જાણ્યા પછી તેની સફાઈ કોણ કરશે અને કોણ કરાવશે અથવા અબજો રૂપિયાની આવક અને ખજાનાઓ ધરાવતાં મંદિરો કે ગુરુદ્વારાઓનાં ભંડોળનો વાજબી ઉપયોગ કરવાની વાત સંચાલકોને મંજૂર નથી અને બીજું કોઈ તે બાબતમાં કશું કરી શકે તેમ નથી.


પોતાના આદેશની નાફરમાની કરનાર ધર્મસ્થાનોનો વહીવટ સરકારે હાથમાં લઈ લેવો તેવો આદેશ આપી શકાય, પણ લોકભાષામાં આવા આદેશો માટે ‘જા બિલ્લી કુત્તે કો માર’ ગણાય છે. કૂતરાને મારી નાખવાનો બિલાડીને હુકમ કરી શકાય છે, પણ બિલાડું આ કામ બજાવી કેવી રીતે શકે તેનો ખ્યાલ કરવો જોઈએ. પોતાની સલામતી માટે દરેક બિલાડીના ગળે ઘંટડી બાંધવાનો ઠરાવ ઉંદરડા પરિષદમાં સહેલાઈથી મંજૂર કરાવી શકાય, પણ બિલાડીના ગળે ઘંટડી બાંધવાનું કામ કયો ઉંદરડો બજાવી શકે?

3 Cr.

જેટલા અદાલતી ખટલાઓ દેશમાં અધ્ધર પધ્ધર ટિંગાઈ રહ્યા છે. તેને ઉકેલવાના બદલે
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ભારતને સુધારી નાખવાની પળોજણમાં પડ્યા છે.

20 Lakh
મંદિરો સરકારી ચોપડે નોંધાયેલાં છે.

3 Lakh
જેટલી મસ્જિદો છે. હજારો દેવળો છે અને સેંકડો ગુરુદ્વારાઓ છે. નાનકડા સંપ્રદાયોનાં ધર્મસ્થાનોની જબરદસ્ત સંખ્યાની જાણકારી કોઈ પાસે નથી.

nagingujarat@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP