તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢંઢેરાનો અમલ થાય છે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મતદાનના તબક્કાઓ ઝડપભેર પસાર થઈ રહ્યા છે અને જોતજોતાંમાં આપણે પરિણામની રાહ જોતા થશું. આ ચૂંટણી પોતે શા માટે લડી રહ્યા છે અને પોતે સત્તાધારી બને તો પોતે શું કરવા ધારે છે તેની યાદી દર્શાવતાં વચનનામાં (મેનિફેસ્ટો) ઘણા પક્ષોએ પ્રગટ કર્યાં છે, પણ રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસનાં મેનિફેસ્ટો સૌથી વધારે મહત્ત્વનાં ગણાય છે અને સૌથી વધારે ચર્ચાય છે. સહુ કોઈ જાણે છે તેમ ચૂંટણી અગાઉ અથવા ચૂંટણી દરમિયાન જે વચનો આપવામાં આવે છે તે ભગાભાઈના ઢોલ જેવાં છે. આવા ઢોલ સતત વાગ્યા કરે છે, પણ તેનું કશું પરિણામ કદી આવતું નથી. નરેન્દ્ર મોદીએ આપેલાં વચન પળાતાં નથી તેનો ગાજોવાજો કરનાર કોંગ્રેસી આગેવાનો પોતાનો રેકોર્ડ તપાસી જાય તે જરૂરી છે. 1971માં ગરીબી નાબૂદ કરવાનું વચન ઇન્દિરાજીએ આપ્યું હતું. હિન્દુસ્તાનની ત્રીજા ભાગની વસ્તી હજુ એક જ ટંક જમી શકે છે. મનનું ધારેલું બધું કામ માણસ કોઈ દિવસ પૂરેપૂરું સાકાર કરી શકતો નથી. અડધું, અધુરું થાય તે તો ઠીક પણ તે કરવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવે તેટલી જ અપેક્ષા રાખી શકાય.

  • રાજકીય પક્ષાપક્ષીને થોડી વેગળી મૂકીને ભારતના નાગરિક તરીકે આ બંને ઢંઢેરાઓને જોઈએ તો આ બંને એકબીજાના પૂરક જેવા દેખાય છે

કોંગ્રેસનો મેનિફેસ્ટો-ન્યાયપત્ર અને ભાજપનો ઢંઢેરાે સંકલ્પ પત્રના નામે ઓળખાય છે. ન્યૂનતમ અાયયોજનાના અંગ્રેજી પ્રથમાક્ષરોથી ન્યાય શબ્દ બનાવવામાં આવ્યો છે અને કોંગ્રેસનું આ વચન કદી પાળી શકાય તેવું કોઈ માનતું નથી. ગરીબીની રેખા તળે જીવતા પાંચ સાડા પાંચ કરોડ (નક્કી આંકડો કોઈ જાણતું નથી.) કુટુંબોને દર વર્ષે 72000 રૂપિયાની રકમ આપવામાં લગભગ વર્ષે ત્રણ સવા ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય. બુલેટ ટ્રેન જેવી નરેન્દ્ર મોદીની યોજનામાં દસ વર્ષે એક લાખ કરોડ ખર્ચાશે. દેશનાં તમામ સરકારી દવાખાનાં અને સરકારી નિશાળો બંધ કરી દેવામાં આવે તો કદાચ સરકાર આટલી રકમ ખર્ચી શકે. રેલવેમાં એક પણ નાગરિકે ઊભા-ઊભા મુસાફરી કરવી પડે ત્યાં સુધી રેલવેમાં એરકન્ડિશન્ડ ડબ્બાઓ જોડવા તે પણ મહાપાપ છે. ‘ન્યાય’નું આયોજન નરાતા‌ળ જુઠ્ઠાણું છે. આ ઉપરાંત ખેડૂતોને અવારનવાર કરજ માફી આપવી પડે તેના કરતાં ખેડૂતોએ કરજ કરવું જ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી, ભારતીય સમાજને દ્વેષમુક્ત કરવો અને તમામ બંધારણીય સંસ્થાઓનું સશક્તિકરણ કરવું. આ આદર્શ સ્થિતિએ પહોંચતા આપણને દાયકાઓ લાગી જવાના છે. કટોકટી પછી જનતા પક્ષની સરકાર બની ત્યારે વડાપ્રધાન મોરારજી દેસાઈએ દસ વર્ષમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવાનું વચન આપેલું. તેને ચાલીસ વર્ષ થયાં અને મોરારજીભાઈ ગયા છે, પણ અસ્પૃશ્યતા ગઈ નથી.
ભાજપનો સંકલ્પ પત્ર લગભગ આટલો જ લાંબો અને આટલો જ વાહિયાત છે. નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના રાજવટને ધ્યાનમાં લઈએ તો આ સંકલ્પ પત્ર ભાજપનો નથી, પણ કોમવાદથી આંધળા ભીંત બની ગયેલા સંઘ પરિવારનો છે. ત્રાસવાદને જડમૂળથી નાબૂદ કરવાની મનીષા આવકાર્ય છે, પણ ભારતમાં સમાજ અને અર્થતંત્ર વધારે ન્યાયી અને વધારે સમતોલ ન બને ત્યાં સુધી ત્રાસવાદ એક યા બીજા રૂપે પ્રગટ થતો જ રહેવાનો છે, કારણ કે ત્રાસવાદ અન્યાયથી પીડાતા સમાજની પીડાનો આર્તનાદ છે. કાશ્મીરની સ્વાયત્તતા જોડે ચેડાં કરવાની ચેષ્ટા ભારત માટે અનેક આંતરિક અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ ઊભી કરશે. મુસ્લિમ સમાજની કમજોરી અને મસ્લિમ સ્ત્રીઓની હાલાકી નિવારવા માટે નિકાહ હલાલ અને ત્રિવાર તલાકનો અંત આણવો ઘટે છે, પણ આ કમજોરીઓને છાપરે ચડાવીને આપણે મુસ્લિમ સમાજને સુધારવા માગીએ છીએ કે મુસલમાનોને બદનામ કરવા માગીએ છીએ તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. બંધારણ અને કાયદાના ચોકઠામાં રહીને રામમંદિર બાંધવાનું કે સબરીમાલામાં સ્ત્રીઓને પ્રવેશ આપવાનું શક્ય નથી. આવી બાબતોમાં જોરતલબી વાપરવામાં આવે તો સમાજમાં પડેલી તિરાડો વધારે ને વધારે ઊંડી થતી જાય છે. વડીલો અને અશક્તોને થયેલા જખમની સારવાર હળવે હાથે અને પ્રેમભરી રીતે થવી જોઈએ, તેમ સામાજિક દૂષણો પણ નરમાશ અને સમજાવટથી જ નાબૂદ કરવાં જોઈએ. ગાય અને ગૌરક્ષાનાં ઝનૂનનો ઉલ્લેખ સંકલ્પ પત્રમાં નથી અને સંકલ્પોની જોડાજોડ આ વચનનામામાં સૂત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકીય પક્ષાપક્ષીને થોડી વેગળી મૂકીને ભારતના નાગરિક તરીકે આ બંને ઢંઢેરાઓને જોઈએ તો આ બંને એકબીજાના પૂરક જેવા દેખાય છે. ભાજપે દેશની સુરક્ષા, સલામતી અને સશક્તિકરણને મહત્ત્વ આપ્યું છે. જ્યારે કોંગ્રેસે દેશમાં આંતરિક શાંતિની સ્થાપના માટે ગરીબી, બેરોજગારી અને અસમાનતાની નાબૂદી પર ભાર મૂક્યો છે. ભારતને બંનેની જરૂર છે. શસ્ત્રથી રક્ષિત દેશમાં જ સુશાસન શક્ય છે અને કેવળ શસ્ત્ર અથવા જોરતલબીથી સામાજિક ન્યાય અને આર્થિક સમતુલાની સ્થાપના થઈ શકતી નથી. દેશના વિકાસ માટે બંનેની જરૂર છે. શસ્ત્ર પણ જોઈએ અને સમૃદ્ધિ પણ જોઈએ. ગરીબ સમાજના દૂબળા હાથમાં ગમે તેવું બ્રહ્માસ્ત્ર પણ આત્મનાશી થઈ પડે અને અરક્ષિત સમાજની સમૃદ્ધિ લૂંટી લેનારની સંખ્યા ઓછી નથી. ચૂંટણી ઝુંબેશના આવેશયુક્ત માહોલમાં જે કહેવાયું હોય તેને બ્રહ્મસત્ય માની લેવાની જરૂર નથી. મોદી ફરી વખત વડાપ્રધાન બને તો દેશમાંથી લોકશાહીનો નાશ થશે તેવું જવાબદાર આગેવાનોએ કહ્યું છે. તેનાથી ગભરાઈ ઊઠવાનું કારણ નથી. એક વ્યક્તિ ગમે તેટલી સમર્થ હોય, પણ દેશની તાસીર બદલાવી શકતી નથી. મોદી લોકશાહીનો નાશ કરી શકે તે લોકશાહી મરેલી અથવા મરવા યોગ્ય ગણાય. ‘તમે રોમન લોકશાહીનો નાશ કર્યો’ તેવા આરોપના જવાબમાં જુલિયસ સિઝરે કહેલું કે, ‘રોમની લોકશાહી ક્યારનીય મરી પરવારી હતી. મેં તો માત્ર તેનું મડદું બારીની બહાર ફગાવી દીધું છે.’ ભારત ભાંગી પડશે, તેના ટુકડા થઈ જશે. લોકશાહી ચૂંટણીઓ હવે પછી થવાની નથી, તેવી કાળવાણી ભારતના અભ્યાસી પરદેશી વિદ્વાનો 1956થી કરતા રહ્યા છે. ભારતની લોકશાહી આ બધી અવળવાણીને હાથતાળી દઈને હજી સુધી હસતી રમતી રહી છે.
nagingujarat@gmail.com

અન્ય સમાચારો પણ છે...