Home » Rasdhar » નગીનદાસ સંઘવી
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

થોથાં લઈને જ્ઞાની હોવાનો દાવો કરનાર લોકો વધારે ઢોંગી છે!

  • પ્રકાશન તારીખ26 Aug 2018
  •  

પુસ્તકોના મહત્ત્વ અને ઉપયોગિતા વિશે ભણેલા લોકો ઘણી વધારે અતિશયોક્તિ કરતા હોય છે. પુસ્તકો તેમના લેખકોની માનસિક આવૃત્તિ છે અને સમજપૂર્વક પુસ્તક વાંચીએ ત્યારે તેના લેખક જોડે મનમેળાપ કર્યાનો અનુભવ થાય છે.


પણ બધાં પુસ્તકો એકસરખાં હોતાં નથી. અંગ્રેજીમાં કહેવાય છે તેમ કેટલાંકનાં માત્ર પાનાં ફેરવી જવા જેવાં હોય છે, કેટલાંક વાંચી નાખવા જેવાં હોય છે, કેટલાંકને ઘોળીને પી જવા પડે છે. વધારે પુસ્તકો વાંચનાર વધારે જ્ઞાની કે સમજદાર હોય છે તે મોટી ભ્રમણા છે. ‘મારા વિરોધીઓએ જેટલાં પુસ્તક વાંચ્યા છે તેટલાં મેં વાંચ્યા હોત તો હું પણ તેમના જેટલો જ બેવકૂફ બન્યો હોત’ તેવું હોબ્સનું કથન તદ્દન સાચું છે.

પુસ્તકો તેમના લેખકોના અનુભવ સંગ્રહ અને તેમની બુદ્ધિમત્તાનું પરિણામ હોય છે અને તેમના વાચનથી આપણા અનુભવવિશ્વની લંબાઇ-પહોળાઇ વધે છે

પુસ્તકો વાંચવાની પણ ઉંમર હોય છે. નાનાં બાળકો કે યુવાનો માટે ગીતા પાઠ ફરજિયાત બનાવનાર ફાંસીના માંચડે ચડવાલાયક છે. ચાલીસ વરસથી નીચેનો સામાન્ય માનવી ગીતા કે બાઇબલ કે કુરાન વાંચે તેમાંથી કશું સમજવાનો નથી. જીવતરના અનુભવ વગરનું વાંચન સમય અને શક્તિનો નર્યો બગાડ છે. ઘરમાં મોટીમસ લાઇબ્રેરી વસાવનાર માણસ શ્રીમંત હોઇ શકે છે પણ તે સમજદાર જ હોય તેવું માની લેવાની જરૂર નથી. પુસ્તકો મિત્ર અને શત્રુ બંનેની ગરજ સારે છે અને તેથી તેમની પસંદગીમાં અતિશય કાળજી રાખવી ઘટે છે.


આપણી સમજ, અનુભવ, ઉંમર અને અભિગમ પ્રમાણે પુસ્તકોની પસંદગી ફેરવાતી રહે છે. પુસ્તકો તેમના લેખકોના અનુભવ સંગ્રહ અને તેમની બુદ્ધિમત્તાનું પરિણામ હોય છે અને તેમના વાચનથી આપણા અનુભવવિશ્વની લંબાઇ-પહોળાઇ વધે છે. આપણા જેવા સામાન્ય માણસોની દુનિયા સંકુચિત અને એક તરફી હોય છે. ડાકુની મનોદશા, સંતનો અનુભવ અને અભિગમ, રાજકારણીનાં ખેલ-કપટ કે કલાસાધકોના સંઘર્ષ કોઇ એક માણસ પોતાની જિંદગીમાં સીધી અથવા પ્રત્યક્ષ રીતે અનુભવી શકતો નથી પણ તેમના લખેલા અથવા તેમના વિશે લખાયેલા ગ્રંથો આપણને જગત અને જીવનને સમજવામાં ઉપયોગી થઇ પડે છે. પુસ્તકો દ્વારા પરકાયા પ્રવેશ કરીને આપણે ગુનાખોરી, ગરીબાઇ, શ્રીમંતાવસ્થા, વિજ્ઞાનવિશ્વ કે સાહસિકોની સૃષ્ટિમાં જોડાઇ શકીએ છીએ.


પણ પુસ્તકો આપણું જીવન નથી પારકાની કથા છે. પારકાના વિચારો કે અનુભવો છે તે હકીકત સતત ખ્યાલમાં રાખવી જોઇએ. ગુજરાતી પુસ્તકોની વાત કરીએ તો પ્રકાશકો અને પુસ્તકોનું વેચાણ કરનાર લોકોના કહેવા પ્રમાણે ગુજરાતી ભાષામાં સૌથી વધારે વેચાણ ધાર્મિક ગ્રંથોનું થાય છે. મેનેજમેન્ટ અને સ્વવિકાસના ગ્રંથો પણ ખપે છે અને વૈદકનાં પુસ્તકોની માગ પણ હોય છે. સાહિત્યના ગ્રંથો અથવા જ્ઞાનગ્રંથોનું વેચાણ અતિશય ઓછું હોવાથી પ્રકાશકો આવા ગ્રંથો છાપવા માટે બહુ રાજી હોતા નથી. ગુજરાતમાં સાહિત્યકારો અને સાહિત્યના કાર્યક્રમો અતિશય લોકપ્રિય હોય છે તેથી આ અનુભવ થોડો વિચિત્ર લાગે છે.


ધર્મગ્રંથોના વેચાણ અને વાંચનના કારણે ગુજરાતની પ્રજા વધારે ધર્મનિષ્ઠ છે તેવું માની લેવાની જરૂર નથી. પણ ધાર્મિકપણાનું ચલણ ઘણું વધારે હોવાનો સંભવ છે. ધર્મ અને ધાર્મિકપણું એકબીજાના પર્યાય નથી પણ સામાન્ય વાતચીતમાં આ બંને વિભિન્ન મનોવૃત્તિઓની સેળભેળ કરી નાખવામાં આવે છે. ધાર્મિકતા નર્યો બાહ્યાચાર છે. મંદિરે જવું, પાઠપૂજા કરવાં, ટીલાંટપકાં કરવાં કે ધર્મક્ષેત્રના લોકો પ્રત્યે અહોભાવ ધરાવવો તેને ધાર્મિકપણું કહી શકાય. ધર્મમાં કશો બાહ્યાચાર હોતો નથી. સત્ય, નીતિ કે સદાચરણનું શક્ય હોય તેટલા પ્રમાણમાં પાલન કરવું તે ધર્મ છે અને જેમના ધર્મ વિચાર પરત્વે આપણે સૌથી વધારે આકર્ષણ ધરાવીએ છીએ તેવા તમામ વિચારકોએ માત્ર બાહ્યાચારને વખોડી કાઢ્યો છે. મોટાભાગના લોકો પ્રમાણિક અને નીતિમાન હોય છે અને બાહ્યાચાર પણ પાળે છે. તેમને વખોડી કાઢવાની જરૂર નથી પણ કેવળ બાહ્યાચાર જ હોય અને આંતરિક કક્ષા તદ્દન ખાલીખમ હોય તેવા ઢોંગી લોકોને નરસિંહે/કબીરે ફીટકાર વરસાવ્યો છે.


આ બાબતમાં સામાન્ય અનુભવ એવો છે કે કેવળ ભણેશરી લોકો અને મોટા થોથાં-પોથાં લઇને જ્ઞાની હોવાનો દાવો કરનાર લોકો પ્રમાણમાં વધારે ઢોંગી હોય છે. પુસ્તકો તેમનું ઢોંગીપણું ઢાંકવાના સાધન બની જાય છે. આપણે ત્યાં વાપરવામાં આવતો ‘પોથીપંડિત’ શબ્દ તેમને પૂરેપૂરી રીતે લાગુ પાડી શકાય છે.
nagingujarat@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP