માનસ દર્શન- મોરારિબાપુ / સત્યની સાથે, પ્રેમની પાછળ અને કરુણાની આગળ ચાલો

article by moraribapu

Divyabhaskar.com

Dec 02, 2019, 12:41 PM IST

માનસ દર્શન- મોરારિબાપુ
એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બાપુ, ઓશો એવું કહ્યા કરતા હતા કે સત્યના પ્રકારમાં લોકો બે પ્રકારના જ નિર્ણય કરે છે. ક્યારેક ક્યારેક આપણે લોકો સત્યને આપણને અનુકૂળ બનાવી લઇએ છીએ. સત્યનો અર્થ આપણને અનુકૂળ કાઢી લઇએ છીએ. ક્યારેક ક્યારેક આપણે સત્યને અનુકૂળ થઇ જઇએ છીએ. આ ઓશોનું મંતવ્ય છે. હું પ્રણામ કરું ઓશોને, મને કોઇ મુશ્કેલી નથી. તો ઓશોએ ઠીક કહ્યું કે આપણે સત્યને અનુકૂળ થઇ જઇએ છીએ અથવા તો સત્યને તોડી-મરોડીને આપણને અનુકૂળ બનાવી લઇએ છીએ. ઓશોના ઘણા શિષ્યો મારી પાસે આવે છે અને એ ઇચ્છે છે કે ઓશોએ જેવું કહ્યું એવું જ બાપુ કહે; એમ થાય તો એ ખુશ! અને મારો મત જુદો હોય છે તો એ નારાજ! જ્યારે મેં ઓશો કરતાં જુદું મારું નિવેદન કર્યું તો એક માણસને તો તાવ આવી ગયો!
તો ઓશોએ સત્યના બે વિકલ્પો બતાવ્યા છે. એ એમનું મંતવ્ય છે. હું એમને સલામ કરું છું. કોઇ નથી કરતું, પરંતુ મેં માત્ર ઓશો માટે પૂનામાં એક કથા કરી છે ‘માનસ
-નૃત્ય’; કેમકે એ નૃત્યના, નર્તનના માણસ હતા. મને લાગે છે કે સત્યને કોઇ પોતાને અનુકૂળ બનાવી લે છે અથવા તો ખુદ સત્યને અનુકૂળ બની જાય છે, બંને સારી વાત છે, પરંતુ જો મને તમે પૂછો તો હું એમ કહીશ કે સત્યને અનુકૂળ બનાવી લેવું એ સ્વાર્થ નથી? આપણો હેતુ નથી કે એને આપણને અનુકૂળ બનાવી લેવું અથવા તો સત્યને અનુકૂળ થઇ જવું એ શું ગતાનુગતિ નથી કે બધા જઇ રહ્યા છે પ્રવાહમાં તો આપણે પણ ઘેટાંની માફક ચાલ્યા જઇએ! એ ભીડ નથી શું? મારી માન્યતા એવી છે કે હિંમત હોય તો સત્યની સાથે સાથે ચાલો. સત્યના પણ ગુલામ ન બનો અને સત્યને પરાધીન બનાવીને તમે એના સ્વામી ન બનો. અનુકૂળ થવાની વાત જ મારી સમજમાં ઊતરતી નથી.
સત્યની સાથે ચાલો અને પ્રેમની પાછળ ચાલો. એમાં આપણું કલ્યાણ છે, કેમ કે પ્રેમની પાછળ ચાલવા છતાં પણ પ્રેમ આપણને ક્યારેય પરાધીન નહીં કરે. પ્રેમની પાછળ ચાલો, જ્યાં પ્રેમ છે ત્યાં જાઓ. દુનિયા કંઇ પણ કહે. પ્રેમનું અનુસરણ કરો, મોહનું નહીં. જો આપણામાં મોહ પણ હોય તો મોહને પણ પ્રેમનું અનુસરણ કરાવો. મોહને પણ પ્રેમની પાછળ ધક્કો મારો તો મોહ પણ પ્રેમ થઇ જશે. જેમણે જેમણે પરમાત્માને મહોબ્બત કરી છે એ બધા એમની પાછળ ચાલ્યા છે. હા, આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પાછળ નથી ચાલ્યા. ગોપીઓ પ્રેમ કરતી હતી. કૃષ્ણએ કહ્યું, હું આવીશ. ગોપીઓ સમજી ગઇ કે અમને મનાઇ કરી દીધી કે તમે મથુરા ન આવશો. તો ગોપી પ્રેમની પાછળ ન ગઇ; પ્રેમીના વચન પાછળ ચાલી.
પ્રેમની પાછળ ચાલો. પ્રમાણ; મેં એક દિવસ વિશ્વાસનાં લક્ષણો ગણાવતાં ગણાવતાં ‘દોહાવલી રામાયણ’માંથી કહ્યું હતું કે તુલસીએ અંગદના ચરણને વિશ્વાસ કહ્યો હતો. ‘અંગદ પદ બિસ્વાસ.’ એટલા ભરોસાથી એણે પગ રાખ્યો કે રાવણ, તારી સભામાંથી કોઇ તલના દાણા જેટલો પણ મારો પગ હટાવી શકે તો રામ પાછા ફરી જશે અને જાનકીને હું હારી જઇશ. પાંડવોએ તો પોતાની પત્નીને જુગારમાં મૂકી હતી. એનો થોડો અધિકાર પણ સમજી લો કે પત્ની એમની હતી, પરંતુ આ તો મા છે; એક આહ્્લાદિની શક્તિ છે અને એને એક વાનર જુગારમાં મૂકે છે! વાનરોએ કહ્યું કે આ તો લાજ રહી ગઇ, પરંતુ અંગદજી, જો તમારો પગ ઊઠી ગયો હોત તો? અંગદે કહ્યું, વિશ્વાસમાં જો-તો નથી હોતું. તો અહીં અંગદના ચરણ છે વિશ્વાસ અને વિશ્વાસ અને પ્રેમ પર્યાય છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રેમદેવતા હશે અને જ્યાં પ્રેમદેવતા હશે ત્યાં વિશ્વાસ હશે જ; સંશય હશે જ નહીં. તો અંગદ પદ એ વિશ્વાસ છે અને વિશ્વાસનો પર્યાય પ્રેમ છે. સીતાની શોધ કરનારી અંગદની ટુકડીના આગેવાન છે હનુમાનજી.
પાછેં પવન તનય સિરુ નાવા.
અંગદના અનુગમનમાં હનુમાનજી ચાલે છે, કેમ કે અંગદપદ વિશ્વાસ છે. વિશ્વાસ પ્રેમ છે અને પ્રેમની પાછળ ચાલો. પ્રેમ કોઇની પીડા નથી જોઇ શકતો. પ્રેમ સૌને આગળ કરશે, પરંતુ આગળ કરનારા આગળ થવાને કારણે દુ:ખી થઇ જશે તો પ્રેમને માઠું નહીં લાગે. એ ખુદ આગેવાની કરવા લાગશે, પરંતુ પ્રેમનો સ્વભાવ છે કે પાછળ ચાલો. સત્યની સાથે ચાલો, સાહસ હોય તો. પ્રેમની પાછળ ચાલો, સમર્પણ હોય તો. પરંતુ કરુણાની આગળ ચાલો કે મારી પાછળ કોઇની કરુણા આવી રહી છે; મારી પાછળ કોઇનો હાથ આવી રહ્યો છે. કરુણાને સદૈવ પાછળ રાખવી. અને એ વિશ્વાસ સાથે જે કરુણાને પાછળ રાખે છે એને અનુભવ હશે કે બાળક ચાલતા શીખી રહ્યું છે ત્યારે એની મા પાછળ પાછળ જઇ રહી હોય છે. તો સત્યની સાથે, પ્રેમની પાછળ અને કરુણાની આગળ ચાલો. આ ત્રણ ગતિ શીખી લો તો પણ ખૂબ જ આનંદ થશે.
બાળક માના ગર્ભમાં નવ માસ સુધી રહે છે. એને કોઇ જ્ઞાન નથી અને ચેતનાને તો જ્ઞાન હોય છે, જીવને તો જ્ઞાન નથી હોતું. બાળકની જે આત્મચેતના છે એને તો જ્ઞાન છે કે આ મારી મા છે અને એવું બાળક જ્યારે ચાલતા શીખે ત્યારે શું પોતાની માને પરેશાન કરવા માગશે? આત્મચેતનાએ તો જાણ્યું કે આ મારી મા છે, એણે મને મુક્ત કર્યો છે. જોકે, એ શરીરના બંધનમાં તો છે જ, બાકીનું બંધન મારે કાપવું છે. ગર્ભબંધનમાંથી એણે મારી આત્મચેતનાને બહાર કાઢી, હવે આગળનું બાકીનું કામ હું કરીશ, પરંતુ બાળકની ચેતનાને ખબર છે કે માના ગર્ભમાં મારી ઘણી દેખભાળ થઇ છે તો એ બાળક જો ચાલે તો શું મા એની પાછળ પાછળ નથી જતી? એનો મતલબ છે કે કરુણાને પાછળ રાખો. ગમે તેટલા પણ તમે આગળ ચાલો, કરુણા તમારો પીછો કરે કે બેટા, ભાગ નહીં, ભાગ નહીં. આપણને શીખવવામાં આવ્યું છે કે ગુરુની પાછળ પાછળ ચાલો, પરંતુ ખરેખર તો ગુરુને પાછળ રાખી દો. ગુરુ પાછળ હોવા જોઇએ. કરુણા પાછળ હોય. સત્યની સાથે ચાલવામાં હિંમત તો જોઇએ. અડધે રસ્તે લથડી પણ જઇએ. ઘણા લોકો નીકળી પણ જાય. પ્રેમની પાછળ ચાલવામાં પણ જીવનો સ્વભાવ અહંકારનો છે, પરાધીનતાનો છે, કંઇ પણ થાય, પરંતુ કરુણાને કાયમ પાછળ રાખવી. કરુણા વિના સત્યનો સંગ પણ નહીં કરી શકીએ. કરુણા વિના આપણે લોકો પ્રેમને ઓળખીને એની પાછળ પણ નહીં જઇ શકીએ. કરુણા જોઇએ અને એવા કરુણાનિધાન છે મારા રામ.
શંકરની એક મૂર્તિ વિશે તુલસી કહે છે કે શંકર કૈવલ્યમુક્તિના દાતા છે. અતિ દુર્લભ છે કૈવલ્ય પરમ પદ. કૈવલ્યમુક્તિ બહુ દુર્લભ છે. એ કૈવલ્યમુક્તિ જે આપે છે એવા ભગવાન શંકર બહુ કરુણાવાન છે, પરંતુ થોડા કઠોર પણ છે. જે ખલ લોકો છે એમને તેઓ દંડ પણ આપે છે. એવા હે શંકર, હું આપને શરણે છું. મારી રક્ષા કરો. તો અહીં દંડ દેનારા શંકર છે. ધ્યાન દેજો, શંકરનું જરા કઠોર રૂપ છે, પરંતુ એ જે ખલ છે એને દંડ આપે છે અને અહીં ખલ કોણ છે એની સમજ આવી જાય તો શંકર દંડ આપે છે, એ કરુણા પણ કરી રહ્યા છે એ સમજાઇ જશે. ખલ કોણ? ઇર્ષ્યાને કારણે, દ્વેષને કારણે બીજાની મજાક ઉડાવ્યા કરે એને તુલસીએ ખલ કહ્યા છે. ઇર્ષ્યાને કારણે, તેજોદ્વેષને કારણે બીજાની મજાક કરવી એ ખલ નંબર એક છે.
ખલ પરિહાસ હોઇ હિત મોરા.
કાક કહહિં કલકંઠ કઠોરા.
તુલસીદાસજી કહે છે કે બીજાની મજાક, ઇર્ષ્યા કરે; બીજાની ઊંચાઇ સહન ન થતી હોય અને બીજાની મજાક કરે એવા ખલને મારા શંકર દંડ આપે છે, પરંતુ કરુણાવાન જે દંડ આપે છે એ પણ પ્રાસાદિક હોય છે. તુલસી સમાધાન લે છે કે કોઇ મારી-તમારી ઇર્ષ્યા કરે, મજાક કરે તો શું કરવું? કાગડો હોય છે એ કાયમ એમ જ કહેશે કે કોકિલનો કંઠ કઠોર છે. એવી રીતે જે ખલ હશે એ ભલા માણસની નિંદા કરશે જ; એમાં આપણે શું કામ માઇન્ડ કરીએ? એક વસ્તુ યાદ રાખજો, તમારા પ્રારબ્ધમાં જે હશે એ કોઇ માઇનો લાલ છીનવી નહીં શકે અને જો પ્રારબ્ધમાં નહીં હોય તો દુનિયામાં કોઇ આપી નહીં શકે. તમે તમારી મસ્તી વધારો. ઇર્ષ્યા તો દુનિયા કરશે. સતજુગમાં પણ ઇર્ષ્યાળુ હતા. સતજુગમાં ઋષિઓ એકબીજાની ઇર્ષ્યા કરતા હતા.

(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી