તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરાકાર ગુરુતત્ત્વ આપણા માટે આકાર ધારણ કરે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

‘રુદ્રાષ્ટક’ના પહેલા બંધમાં ગુરુનાં જે સ્વાભાવિક લક્ષણો છે, એ છે નિર્વાણરૂપ અને બ્રહ્મસ્વરૂપ. રૂપ બહિર્ છે અને સ્વરૂપ ભીતર છે. રૂપનું અર્થઘટન બુદ્ધિથી થાય છે. સ્વરૂપનો બોધ આવા વિશેષ હૃદયની આંખે થયેલા દર્શનથી થાય છે.
નિરાકારમોંકાર મૂલંતુરીયં.
ગિરા ગ્યાન ગોતીતમીશં ગિરીશં.
‘રુદ્રાષ્ટક’ના માધ્યમથી ગુરુનું વિશેષ દર્શન થઈ શકે છે. નિરાકાર; ગુરુનો કોઈ આકાર નથી હોતો. આકાર કેવળ દૈહિક હોય છે. ઠીક છે, આપણે ગુરુની મૂર્તિ રાખીએ. એ આપણી નિષ્ઠાનો સવાલ છે. ગુરુની છબી રાખીએ, સારી વાત છે. કેમ કે આપણને કંઈક જોઈએ છે, પરંતુ ત્યાં સુધી દ્વૈત બની રહે છે. જોકે, એવું પણ સૂત્ર છે કે ગુરુ અને શિષ્યમાં દ્વૈત હોવું જોઈએ. ગુરુપરંપરામાં આ મારા ગુરુ. હું એમનો શિષ્ય, એવું દ્વૈત માનવામાં આવ્યું છે, શંકરાચાર્યની વાત જુદી છે. આપણે તો આકાર જોઈએ, પરંતુ તત્ત્વત: એવી સમજ પણ હોવી જોઈએ કે ગુરુતત્ત્વ નિરાકાર છે, આપણા માટે તે આકાર ધારણ કરે છે. એ એમની કરુણા છે અને એમનો આકાર એ કોઈ સંસારની માયા અને જનમજનમના કર્મફળને કારણે નથી થતો હોતો. એ તો નિજ ઇચ્છાથી થાય છે. એ ઇચ્છે કે મારે પ્રગટ થવું છે તો પ્રગટ થઈ જાય. તો મૂળમાં તત્ત્વત: ગુરુ નિરાકાર છે. આપણા જેવા માટે આકાર જોઈએ એ વાત જુદી છે. મૂર્તિ આપણે આપણી શ્રદ્ધા સમર્પિત કરવા માટે બનાવી છે કે શિવ-પાર્વતી બેઠાં છે.

 • એકવીસમી સદીમાં ગુરુ એવા હોવા જોઈએ કે જે આપણને કહે, મારા હાથમાંથી ગદા લઈ લો, સિતાર પકડાવી દો!

શબ્દોમાં, કવિતામાં, કથામાં, પ્રસંગોમાં પણ આપણે મૂર્તિ ઘડી છે. તત્ત્વત: એનો કોઈ આકાર નથી. છતાં પણ પૂર્વની સભ્યતાએ એને શિવલિંગના રૂપમાં પ્રસ્તુત કર્યાં છે. ન મુખ, ન કાન, ન નાક, ન હાથ, ન પગ. કોઈ કર્મેન્દ્રિયો નહીં. કંઈ નહીં. બસ, શિવલિંગના રૂપમાં. એ નિરાકારનું પ્રતીક છે. છતાં પણ તુલસીદાસજીના મત અનુસાર વાનરાકાર છે. જે નિરાકાર છે એ આપણા જેવાઓ માટે વાનરના આકારમાં આવ્યા.
મારી તલગાજરડી આંખે ‘રામચરિત માનસ’માં શંકરના નિરાકારમાંથી જે હનુમાનના રૂપમાં આકાર ધારણ કર્યો એનાં પંદર રૂપ દેખાય છે, એમાં સૌથી પહેલું રૂપ છે, ‘વાનરાકાર વિગ્રહી પુરારી.’
 વાનરાકાર એવા હનુમાને પંદર રૂપ લીધાં છે. પહેલું રૂપ વાનરાકાર. કળિયુગમાં જો હનુમાનજી પાસે રહેવું હોય, આશ્રિત રહેવું હોય તો હનુમાનજીની ભીષણ મૂર્તિઓનો પ્રયોગ હવે ન કરવો જોઈએ.
શતાબ્દીઓથી હાથમાં ગદા ધારણ કરેલા અને વીરાસનમાં ઊભેલા હનુમાનજીની મૂર્તિ જોવા મળે છે! એમને બેસવા દો, શાંતિથી બેસવા દો. નહીંતર મંદિરોમાં જે મૂર્તિ હોય છે એમાં એક ગદા અને પહાડ હોય છે! હવે એમને શાંતિ લેવા દો. ખબર નહીં, આપણા હોય એટલે આપણાપણામાં રાગાત્મિકા બુદ્ધિ પણ આવી જાય છે.
મને તો શાંતિથી બેઠેલા હનુમાનનું આ રૂપ બહુ સુંદર લાગે છે. મારા હનુમાન જુદા છે.
સારા લાગે છે. શાંત બેઠા છે. ધ્યાન કરવું હોય તો પણ આ રૂપ આરામ આપશે. યોગ કરવો હોય તો પણ એમની સામે બેસી જાઓ. ‘માનસ’નો
પાઠ કરવો હોય; વિદ્યા અર્જિત કરવી હોય તો એમની સામે બેસીને વિદ્યા પ્રાપ્ત કરવા માંડો. એ બળ, બુદ્ધિ વિદ્યા આપનારા છે. તો એક વાનરનું રૂપ. બીજું રૂપ છે, બિપ્ર રૂપ ધરી કપિ તહ ગયઉ.
તો આ પંક્તિ અનુસાર ‘માનસ’માં હનુમાનજીએ વિપ્ર આકાર ધારણ કર્યો છે. હનુમાનજીના પંદર રૂપે છે એ પંદરે પંદર ગુરુનાં રૂપ છે. એમાં સૌથી પહેલું ગુરુનું રૂપ છે વાનર, પરંતુ જે વાનરવેડા કરે એ ગુરુની વાત અહીં નથી! જે બુદ્ધતામાં બેસી ગયા હોય, જેમણે વિચાર આપીને કહી દીધું હોય કે મારા હાથમાંથી ગદા લઈ લો, સિતાર આપી દો; એવા ગુરુની વાત હું કરું છું. એ કહેતા હોય કે મને ગદામાંથી હવે મુક્ત કરો! મને કોઈ વાદ્ય પકડાવી દો.
વાનરવેડા કરે એ ગુરુ નહીં. બુદ્ધતાના રંગે રંગાયેલા સ્વર્ણિમ ગુરુ; ગોલ્ડનગુરુ. મારું વ્યક્તિગત માનવું છે કે મારું બધું જ ગુરુ છે. મારા માટે ગુરુ જ સર્વસ્વ છે. મારા માટે તો ગુરુ જ સાધ્ય છે. ગુરુ ફર્નિચર નથી કે તમે અહીંથી ખુરશી લઈને અહીં રાખી દો! ગુરુ પરમાત્મા છે. આ મારો બિલકુલ અંગત વિચાર છે. તમે આ વિચાર સાથે અસહમત થઈ શકો છો. સ્વતંત્ર રીતે વિચાર કરી શકો છો અને તમારી પોતાની માન્યતા સાથે ચાલી શકો છો.  તમારે મારી પાછળ આંધળી દોટ મૂકવાની જરૂર નથી. હું ક્યારેય ન ઇચ્છું કે કોઈ સહેજેય વિચાર કર્યા વિના, પોતાના વિનય-વિવેકને તસ્દી આપ્યા વિના મારી વાત બેઠેબેઠી માની લે, સ્વીકારી લે. એક શે’ર છે-
તૂ ઇસ કદર મુઝે અપને કરીબ લગતા હૈ.
તુઝે અલગ સે જો સોચૂં તો અજીબ લગતા હૈ.
આ શે’ર સાંભળીને દ્વૈતભાવ ટળી જશે. એમાં કહેવાયું છે કે તું મારું સર્વસ્વ છે. તો હનુમાનજીનાં જે પંદર રૂપ છે એ ગુરુનાં સ્વાભાવિક લક્ષણ છે. એક, નિરાકાર, બીજું, વાનરાકાર. તો ગુરુનું એક સ્વાભાવિક લક્ષણ છે વાનર; વાનરવેડા નહીં! ચાંચલ્ય નહીં, સ્થૈર્ય, બુદ્ધતા. ગુરુ પર પહાડનો બોજ નથી કે ગુરુના હાથમાં ગદાનો બોજ નથી. એવા ગુરુ વાનર જેવા, જે નિર્ભાર છે. એકવીસમી સદીમાં ગુરુ એવા હોવા જોઈએ કે જે આપણને કહે, મારા હાથમાંથી ગદા પણ લઈ લો, સિતાર પકડાવી દો! તો વાનરરૂપ ગુરુનું એક રૂપ છે. ‘હનુમાનચાલીસા’માં હનુમાનજીનું વિપ્રરૂપ છે,
સૂક્ષ્મ રૂપ ધરી સિયહિં દિખાવા.
બિકટ રૂપ ધરી લંક જલાવા.
તો વાનરરૂપ, વિપ્રરૂપ, સૂક્ષ્મ રૂપ, વિકટ રૂપ, ભીમરૂપ, લઘુ રૂપ, વિશાલ રૂપ એમ ભિન્ન-ભિન્ન રૂપમાં ગુરુ પેશ થઈ રહ્યા છે. હનુમાનજીનું એક રૂપ છે દૂત રૂપ.
રામ દૂત મૈં માતુ જાનકી.
સત્ય સપથ કરુણાનિધાન કી.
સીતાજીને શોધતાં શોધતાં હનુમાનજી જ્યારે લંકામાં આવેલી અશોકવાટીકામાં પહોંચે છે ત્યારે તેઓ રામના દૂત બનીને સીતાજીને મળે છે. રામનો સંદેશ સીતાજીને આપે છે અને સીતાજીનો સંદેશ રામ સુધી પહોંચાડવાની ફરજ બજાવીને દૂતકાર્ય કરે છે.
હનુમાનજીનું એક રૂપ છે સેવકરૂપ.
સૌ અનન્ય જોકેં અસિ મતિ ન ટરઈ હનુમંત.
મૈં સેવક સચરાચર રૂપ સ્વામિ ભગવંત.
મા જાનકી સમક્ષ હનુમાનજીનું પુત્રરૂપ છે. પછી સેવકરૂપ, સખારૂપ. તમને જાણીને નવાઈ લાગી શકે કે  શ્રી હનુમાનજીનું એકરૂપ છે દેવીરૂપ. પાતાળમાં ગયા ત્યારે એમનું દેવીરૂપ છે. સખારૂપ, દેવરૂપ, મસક સમાન રૂપ, હનુમાનજીનું મહાવીર રૂપ, વિકટરૂપ, ભીમરૂપ અને હનુમાનજીનું મને બહુ પ્રિયરૂપ છે મૌનરૂપ, જેમાં હનુમાનજી મૌન ધરીને રામનામમાં લીન થઈ જાય છે.
(સંકલન : નીિતન વડગામા)
nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો