Home » Rasdhar » મોરારિ બાપુ
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

પ્રાપ્તિના પ્રલોભનથી કરવામાં આવેલું કોઈ પણ કર્મ દૂષિત થાય

  • પ્રકાશન તારીખ05 Aug 2018
  •  

બે ત્રણ જિજ્ઞાસાઓ છે. ‘જો હું ભક્તિ ન કરું અને માત્ર ગરીબની સેવા કરું અથવા અન્યને સહાય કરું તો ભગવત્ પ્રાપ્તિ થઇ શકે?’ એવું પૂછવામાં આવ્યું છે. જરા વિચિત્ર લાગશે પરંતુ કૃપયા, પહેલાં તો કંઇ પણ કરો અને એ કરવાથી મને એની પ્રાપ્તિ થશે, એ જ ભૂલી જાઓ.

ગાંધીબાપુ આપણને આઝાદી અપાવી શક્યા પરંતુ એમણે પ્રાર્થના ક્યારેય છોડી નહીં

પ્રાપ્તિના પ્રલોભનથી કરવામાં આવેલું કોઇ પણ કર્મ થોડું-ઝાઝું દૂષિત થઇ જ જાય છે. શું ગરીબની સેવા કરવામાં જ એટલું બધું નથી મળી જતું કે પછી સચ્ચિદાનંદની પ્રતીક્ષા કરીએ? ‘મા ફલેષુ કદાચન.’ એવું ‘ગીતા’ વાક્ય આપણને ભારતીયોને ધાવણમાં પિવડાવવામાં આવ્યું છે. તો એક વાત તો એ કે આમ કરું અને આ મળે, એવો વ્યાપાર બંધ કરવો. બીજી વાત પૂછવામાં આવી છે કે હું ધ્યાન અને પૂજા ન કરું તો ચાલે? જો તમે કંઇ ધ્યાન, કંઇ સુમિરન, કંઇ હરિનામનો આશ્રય કરશો તો ગરીબોની સેવા કરવા માટે પણ વિશેષ બળ મળશે; નિરાભિમાનતા આવશે. નહીંતર સેવામાં અહંકાર આવી શકે છે. એટલા માટે આ જ મહાન છે અને હરિનામ, ધ્યાન વગેરે બધું ગૌણ છે, એવી તુલના ન કરવામાં આવે તો સારું.


ગાંધીબાપુ આપણને આઝાદી અપાવી શક્યા પરંતુ એમણે પ્રાર્થના ક્યારેય છોડી નહીં. યોગ્ય સમયે તેઓ પ્રાર્થના કરતા રહેતા હતા. કરાવતા રહેતા હતા. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ભજન, ભક્તિ વગેરે તમારું જે કંઇ સાધન હોય એ કરો; ગરીબોની સેવા કરો જ કરો. એ ખૂબ જ જરૂરી છે. આપણે ત્યાં એક સૂત્ર આવ્યું છે કે ‘માનવસેવા એ જ પ્રભુસેવા.’ એ સૂત્ર સારું છે.

પરંતુ એક જૈન મુનિએ એના પર કોમેન્ટ કરી છે. એમણે એવું કહ્યું છે કે ‘માનવસેવા એ જ પ્રભુસેવા’, એ વાત પૂર્ણ નથી. જીવમાત્રની સેવા એ પ્રભુસવા છે. એમાં પહાડોની સેવા, નદીઓની સેવા, જળની સેવા, પૃથ્વીની સેવા, પ્રકૃતિનાં જેટલાં ભિન્નભિન્ન તત્ત્વો છે એ પ્રત્યેકની સેવા થવી જોઇએ. જેમ કે જળ પ્રદૂષિત ન કરવામાં આવે, જળનો બગાડ ન કરવામાં આવે, એ જળની સેવા છે. ઘણાં બધાં રાસાયણિક ખાતરો દ્વારા પૃથ્વીના રસ-કસને શોષવામાં ન આવે, એ ધરતીની સેવા છે. આપણે માનવસેવા તો કરીએ જ છીએ પરંતુ જીવમાત્રની સેવા કરીએ. અને જગદ્્ગુરુ આદિ શંકરાચાર્ય આપણને શીખવી ગયા કે ‘ભૂતદયા’; ભૂત એટલે પંચમહાભૂત. આકાશ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ એ બધાંની સેવા; એ બધાં પ્રત્યે કરુણા.

‘રામચરિત માનસ’માં સંબોધનનો એક શબ્દ છે ‘જય જીવ.’ જીવમાત્રનો જય હો. જડ-ચેતન બધાની સેવા થવી જોઇએ. જે તમે કરતા હો એને નકારો નહીં. તમારા માટે એ ઠીક છે. પરંતુ એને સિદ્ધાંત ન બનાવો. પ્રાર્થના પણ જરૂરી છે.


દાંભિક લોકો દ્વારા સાચો સંદેશ પણ સફળ નથી થતો. સાચો સંદેશ સાચા માણસ દ્વારા જાય છે તો લોકો એનો સ્વીકાર કરે જ છે. તો પ્રાર્થનાને બાપુએ પકડી રાખી. તમે વાંચ્યું હશે કે આપણને આઝાદી મળી એ પહેલાંની એક પ્રાર્થનાસભામાં ગાંધીની આંખો ભીંજાઇ ગઇ હતી અને એમણે એવું નિવેદન કર્યું હતું કે આજે મારું કોઇ સાંભળતું નથી! મને એવું લાગે છે કે હું અરણ્યરુદન કરી રહ્યો છું! મારી વાત સાંભળવામાં આવી હોત તો દેશનું વિભાજન ન થાત. મારી વાત સાંભળવામાં આવી હોત તો પંજાબના ટુકડા ન થયા હોત. મારી વાત સાંભળવામાં આવી હોત તો વિશ્વ સમક્ષ જે વિભીષિકા આવી એ ન આવી હોત. અને પછી બાપુનું એક દર્દપૂર્ણ વાક્ય હતું કે પહેલાં હું બહુ મોટો માણસ મનાતો હતો, આજે હું સાવ નાનો માણસ બની ચૂક્યો છું.

એક વાત યાદ રાખજો કે જ્યારે આ સ્મૃતિ ખંડિત થાય છે ત્યારે આંખોમાં કંઇક બીજી ચીજો સ્થાન પામવાનું શરૂ કરે છે. અને એ ચીજ છે દ્વેષ, રાગ, સ્પર્ધાત્મક મૂલ્યાંકન. એ ચીજ છે નિંદા, અસૂયા. એ ચીજ છે અમર્ષ. સાવધાન!

પરંતુ એ માણસે પ્રાર્થના કયારેય ન છોડી. રામનામ ન છોડ્યું. હરિનામ ન છોડ્યું. જીવન કોણ ચલાવી રહ્યું છે? અહેતુ ભગવત્્નામ. પ્રકૃતિનાં પ્રત્યેક તત્ત્વની સેવા થવી જોઇએ. આપણે અારતી કરીએ છીએ તો જળનો ઉપયોગ કરીએ છીએ. દીવો પ્રગટાવીએ છીએ તો અગ્નિનો ઉપયોગ કરીએ છીએ. વાયુનો-ધૂપનો ઉપયોગ કરીએ છીએ. આકાશમાં એને ઘુમાવીએ છીએ. આપણે પ્રત્યેક તત્ત્વની આરતી કરીએ છીએ. આરતી માત્ર એક મૂર્તિની જ નથી હોતી. પાંચેય તત્ત્વની હોય છે. તો સેવા ખૂબ કરો પરંતુ સ્મરણ છૂટવું ન જોઇએ. ‘માનસ’ના દર્શન મુજબ માણસનું હરિભજન છૂટે એ જ સૌથી મોટી વિપત્તિ છે.


કહ હનુમંત બિપતિ પ્રભુ સોઇ.
જબ તવ સુમિરન ભજન ન હોઇ.


એક વાત યાદ રાખજો કે જ્યારે આ સ્મૃતિ ખંડિત થાય છે ત્યારે આંખોમાં કંઇક બીજી ચીજો સ્થાન પામવાનું શરૂ કરે છે. અને એ ચીજ છે દ્વેષ, રાગ, સ્પર્ધાત્મક મૂલ્યાંકન. એ ચીજ છે નિંદા, અસૂયા. એ ચીજ છે અમર્ષ. સાવધાન! મારા હનુમાનજી કહે છે કે હરિ, તારી સ્મૃતિ છૂટી જાય એ આ સંસારમાં અમારા જેવા માટે મોટામાં મોટી વિપત્તિ છે. અલ્લાહ કરે, દુનિયામાં કોઇ ગરીબ ન રહે. અહીં જે ગરીબી છે એ સાધુપણાની ગરીબી છે. ગંગાસતી કહે છે-ભક્તિ રે કરવી એણે રાંક થઇને રહેવુું...

(સંકલન : નીિતન વડગામા)
nitin.vadgama@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP