Home » Rasdhar » મોરારિ બાપુ
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

ભગવાન શંકર રામદન્તા પણ છે અને કામહન્તા પણ છે

  • પ્રકાશન તારીખ26 Aug 2018
  •  

ભગવાન શંકરની અષ્ટમૂર્તિમાં એક મૂર્તિ વિશ્વાસ શંકર, બીજી મૂર્તિ ગુરુ શંકર, ત્રીજી મૂર્તિ શ્રી શંકર અને ચોથી મૂર્તિ છે સ્વયંભૂ શંકર. ‘સ્વસંભવમ્ શંકરમ્’, સ્વયંભૂ જ્યોતિર્લિંગ જે માનવામાં આવે છે. શંકરની આ ચોથી મૂર્તિ સ્વયંભૂ મહાદેવની પૂજા-અભિષેક કરવાની પાંચ વિધિ છે. ષષ્ઠમ્ કૈલાસ પીઠાધીશ્વર વિષ્ણુદેવાનંદગિરિ મહારાજ-દાદાજી વિષ્ણુદાદા-એમણે ઉપનિષદો પર ભાષ્ય કર્યું છે. એમણે કેટલીક સંસ્કૃતમાં રચનાઓ પણ કરી છે. એમાં જ્યાં સ્વયંભૂ શંકરની ચર્ચા છે ત્યાં પાંચ વસ્તુ બતાવી છે. સ્વયંભૂ મહાદેવની સેવાનાં પાંચ સૂત્રો વિષ્ણુદેવાનંદજીની પ્રસાદીરૂપે મળ્યાં છે. એક, સ્વયંભૂ શંકરની પૂજાનો સમય મધ્યરાત્રિ દર્શાવવામાં આવ્યો છે.

બારથી ત્રણ વાગ્યા સુધીનો સમય મહાદેવનો સમય છે. બારથી ત્રણની વચ્ચે કોઈ શિવ ભજે તો અડધી રાતે સૂરજ ઊગે!
ચારે બાજુ અજવાળાં થાય!

અને શિવની સાધનાનો સમય રાત્રિ જ છે. પરંતુ એનો મતલબ એવો નથી કે દિવસે સાધના ન કરવી. દિવસે દર્શન ન કરવાં. દિવસે અભિષેક ન કરવો. એવી કોઇ વાત નથી. એ બધું કરી શકાય. પરંતુ શિવનો સાધનાસંબંધી જે સમય છે એ મધ્યરાત્રિ છે. એટલા માટે આપણે શિવ સાથે રાત્રિ જોડી છે. શિવદિન નથી મનાતો. શિવરાત્રિ જ મનાય છે. એનું ઘણું મહત્ત્વ છે, એટલે શિવની સાધનાનો સમય રાત્રિ જ મનાયો છે. જે કોઇ બુદ્ધપુરુષ હશે એમનો સાધનાકાળ સદૈવ રાત્રિ જ માનવામાં આવ્યો છે. એ રાત્રિમાં સાધના કરે છે. એ રાત્રિ વિશેષ રૂપની જાગૃતિનું નામ છે. તો દાદાજીની ટિપ્પણી કહે છે કે મધ્યરાત્રિએ સ્વયંભૂ શિવલિંગની ઉપાસના કરવી. અને મારું માનવું, જાણવું અને સમજવું છે ત્યાં સુધી બારથી ત્રણ વાગ્યા સુધીનો સમય મહાદેવનો સમય છે. બારથી ત્રણની વચ્ચે કોઇ શિવ ભજે તો અડધી રાતે સૂરજ ઊગે! ચારે બાજુ અજવાળાં થાય! તો જ્યાં સાધનાપદ્ધતિનું સંવિધાન છે ત્યાં સ્વયંભૂ શંકરની પૂજાનો સમય રાત્રિના બારથી ત્રણ દરમિયાનનો છે.


બીજું, રાત્રિએ કોઇ સ્વયંભૂ શિવલિંગની સાધના કરે એમને શિવજી સામે પોતાના દોષોનું વર્ણન કરવાની મનાઇ છે. ‘હું પાપી છું!’ એવું ન કહેવું. શિવને ખરાબ લાગે છે. પરંતુ આપણે પાપી, આપણે ખોટા, એવું કહેવાની આપણને આદત પડી ગઇ છે! તો સ્વયંભૂ શિવની ઉપાસનામાં દોષ ન ગાવા. શું માણસમાં કોઇ સારી બાબત નથી? કહો કે હું તારો દીકરો છું. મારાથી ભૂલ થઇ ગઇ પણ તું તો મારો બાપ છે ને! સ્વયંભૂની આરાધના કરો. પોતાના દોષ ન ગાઓ. કહો કે હું તારો દીકરો છું. ગંગાજળ નહીં તો આંસુ લઇને આવ્યો છું. ત્રીજી વાત એ છે કે સ્વયંભૂ શિવની આરાધનામાં કોઇ પણ સામગ્રીની મનાઇ છે. ન ગુલાલ, ન અબીલ, ન ઘી, ન દૂધ, ન પંચામૃત.

હવે બધાં ચડાવે છે પરંતુ એમાં કોઇ સાધનસામગ્રીની જરૂર નથી. શંકરને બહુ દૂધ ચડાવવાની પણ જરૂર નથી. કોઇ બાળકને દૂધ પિવડાવી દો. થોડું ચડાવો જરૂર પણ વધારે ચડાવવાની કોઇ જરૂર નથી. પરંતુ ધર્મના આસન પરથી પણ એના પક્ષધર બનીને કહેવામાં અાવે છે કે દૂધ ચડાવવું જ જોઇએ. થોડા પ્રેક્ટિકલ બનો. ધર્મને ધર્મના રૂપમાં સમજો. પૂજાની સામગ્રીની જરૂર નથી. આંસુ હોય તો આંસુથી કરો અભિષેક. અથવા તો થોડો જળનો અભિષેક ઠીક છે. ચોથી વાત, સ્વયંભૂ શિવલિંગની સેવકાઇની કે સેવા-પૂજા કર્યા પછી પણ કંઇ માગો નહીં. કંઇ પણ ન માગો. પરંતુ આપણી આદત છે. આપણે જીવ છીએ એટલે આકાંક્ષાઓ રહે છે. પરંતુ ચોથું સૂત્ર છે કે આકાંક્ષા ન રાખો. કંઇ માગો નહીં. અને વિષ્ણુદાદા પાંચમું અને અંતિમ સૂત્ર કહી ગયા કે એ દાની છે. એ આપ્યા વિના નહીં રહે. આપણે આકાંક્ષા ન કરીએ પરંતુ એ આપ્યા વિના નથી રહેતો. એ આપણને ખાલી હાથે નથી જવા દેતો. જેમ ગરીબમાં ગરીબ બાપની દીકરી જાય છે ત્યારે કોઇને ખબર ન પડે એવી રીતે કોઇની પાસેથી ઉછીનો રૂપિયો લઇને પણ દીકરીને એનો બાપ આપે છે એમ સ્વયંભૂ શંકરના ઘેરથી કોઇ ખાલી હાથ નથી જતું. તો આ છે અષ્ટમૂર્તિ સ્વસંભવમ્ શંકરનું ચોથું રૂપ.


‘માનસ’ની અષ્ટમૂર્તિ શિવની આગળની મૂર્તિ, ‘કંદર્પऽહં શંકરં’ કંદર્પ એટલે કામદેવ અને ‘કંદર્પऽહં’નો અર્થ છે કામદેવને ખતમ કરનારા. એ પાંચમી મૂર્તિ છે. જોકે પાંચમી મૂર્તિનો માત્ર આટલો જ અર્થ લેવામાં આવે તો તો એ ખોટો સિદ્ધ થશે કેમ કે શંકરે રતિને વરદાન આપ્યું હતું. પરંતુ ભગવાન શંકર રામદન્તા પણ છે અને કામહન્તા પણ છે. શંકર અહીં રામદન્તા પણ છે, રામને આપનારા પણ છે. ‘તુમ્હરે ભજન રામ કો પાવૈ.’ હનુમાન શંકર છે. અને શંકર કામહન્તા પણ છે. એ પહેલાં રામને આપે છે. અને લાગે કે મેં એને રામભક્તિ આપી, રામમય બનાવ્યા. પરંતુ કોઇ વસ્તુ એના રામભજનમાં ભંગ ન કરી દે એટલા માટે ક્યારેક ક્યારેક સાધકને માટે કામહન્તા પણ બને છે. બાકી કામ નાબૂદ જ થઇ જાય એવો ‘માનસ’નો અભિપ્રાય છે જ નહીં. ‘માનસ’ કહે છે, કામ રહેવો જ જોઇએ. શંકર કામહન્તા હોવા છતાં પણ લગ્ન કરે છે, સંસારમાં જાય છે. તથાકથિત લોકોએ શતાબ્દીઓથી સંસાર સમક્ષ એક ખોટો સંદેશ આપ્યો છે કે કામ નષ્ટ થઇ જાય, ક્રોધ અને લોભથી માણસ મુક્ત થઇ જાય. એ સારી વાત છે. સિદ્ધાંતના રૂપમાં ઠીક છે પરંતુ જીવનમાં મુશ્કેલ છે, એટલે ભગવાન શંકર કામહન્તા છે એનો મતલબ એ કે માણસના મનમાં હદથી વધારે કામ પેદા ન થવો જોઇએ. બાકી કામ ન હોય તો જગત ચાલે જ નહીં. સ્વયં શિવ તો કામને બાળી શકે છે. પરંતુ આપણ જેવા સંસારીઓ પાંચ વસ્તુ સમજી લે તો શંકરની પાંચમી મૂર્તિની ઉપાસના મનાશે. આ પાંચ સૂત્ર જે મૂળ શિવસૂત્ર છે એ જિનસૂત્રમાં પરિવર્તિત થયાં છે.


એક, સિંહનું ગૌરવ હોવું જોઇએ. ‘શાર્દૂલ ચર્મામ્બર’, ભગવાન શંકરમાં સિંહનું ગૌરવ છે. સિંહ ક્યારેય ભીડનો હિસ્સો નથી બનતો, એ એકલો જ ફરે છે. મારા મહાદેવ કૈલાસ પર એકલા કેમ બેઠા છે? શિવનું અસલી સ્થાન ભીડ નથી. સિંહનો સંસાર બહુ દેખાતો નથી. એનો વિહાર સાર્વજનિક નથી હોતો. બીજું, હાથી જેવું સ્વાભિમાન હોય. હાથી બહુ જ ગૌરવશાળી પ્રાણી મનાય છે. એક સમયે રાજા-મહારાજા હાથી પર જ સવારી કરતા હતા. હાથી એ છે જે કૂતરા ભસતા હોય તો પણ એને નજરઅંદાજ કરીને ચાલ્યો જાય છે. શંકરને દક્ષે આટલી બધી ગાળો દીધી, ખૂબ જ નિંદા કરી પરંતુ એનામાં હાથીનો સ્વભાવ છે. કોઇ પણ ભજનાનંદી વ્યક્તિમાં આ સ્વાભાવિકતા હોય એ આવી સમ્યક્્તા ગ્રહણ કરી શકે છે. હાથીનો વિહાર પણ જગત જોઇ શકતું નથી.

ત્રીજું, સર્પની અનિયત આશ્રિતતા એ ‘કંદર્પऽહં શંકર’નું લક્ષણ છે. સર્પનો નિવાસ એક જગ્યા પર સ્થિર નથી રહેતો. એનું કોઇ પાકું સરનામું નથી હોતું એવી રીતે ભભૂત શંકરનું પણ સરનામું નથી હોતું. એ ક્યારેક કાશીમાં મળે, તો ક્યારેક કૈલાસમાં પણ નીકળે. જે વાયુ જેવા અસંગ હોય એ ‘કંદર્પऽહં શંકર’ છે. હવા આપણા સૌનો પ્રાણ ટકાવી રહી છે, આપણું જીવન ચલાવી રહી છે. પરંતુ શ્વાસમાં આવે છે અને નીકળી જાય છે. એવી રીતે ભજન કરતાં કરતાં દુનિયાને ખબર ન પડે એવી અસંગતા પ્રાપ્ત કરશે એ ‘કંદર્પऽહં શંકર’ની સાધનાને ઓળખી શકશે. પછી મૃગની નિર્દોષતા. હરણની આંખો નિર્દોષ હોય છે. એનામાં મૃગનું ભોળપણ છે. અને શંકરને ભોળા તો કહીએ જ છીએ. એટલે એ પણ ‘કંદર્પऽહં શંકર’નું એક લક્ષણ છે. પાંચમું રૂપ ‘ગંગા શશાંકપ્રિયં’, ગંગાના સ્નાનથી આપણે પવિત્ર થઇ ગયા એવું માનીએ છીએ. અને થઇ જ જઇએ છીએ. આ ગંગા શંકરના મસ્તક પર વહે છે એટલે શંકર પવિત્ર થઇ ગયા એવું નથી. એ જન્મજાત પવિત્ર છે. ગંગા તો એમના મસ્તક પર આવીને ગૌરવ પ્રાપ્ત કરી ગઇ. જીવને ગંગા પવિત્ર કરી શકે છે, શિવને નહીં. શિવ સ્વયં પવિત્ર છે. તો એ પણ ‘કંદર્પऽહં શંકર’નું લક્ષણ છે.
(સંકલન : નીતિન વડગામા)
nitin.vadgama@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP