Home » Rasdhar » મોરારિ બાપુ
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

શંકરરૂપ ગુરુનો જે આશ્રય કરે છે એમને તે વિશ્વમાં ઉજાગર કરી દે છે

  • પ્રકાશન તારીખ19 Aug 2018
  •  

અષ્ટમૂર્તિ શંકરનું એક રૂપ છે વિશ્વાસ અને બીજું રૂપ છે ગુરુરૂપ.
‘ગુરું શંકરરૂપિણમ્.’ ગુરુરૂપ શંકરની પૂરી વ્યાખ્યા ‘બાલકાંડ’ના શ્લોકમાં આવી જાય છે.
વન્દે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણમ્,
યમાશ્રિતો હિ વક્રોડપિ ચન્દ્ર: સર્વત્ર વન્દ્યતે.

શરીર સ્વયં વિભૂષણ છે, આત્માની શોભા છે શરીર. શંકરમાં જે જ્ઞાન અને વૈરાગ્ય છે એ એમની શોભા છે. એવી ‘માનસ’ની ત્રીજી મૂર્તિ શ્રીમૂર્તિ છે

એમાં ગુરુનાં બે લક્ષણ અહીં છે. પહેલું રૂપ છે, ‘વન્દે બોધમયં નિત્યં.’ જે બોધમય છે એ ગુરુ અને શંકર નિત્ય બોધસ્વરૂપ છે. કેટલાક લોકોનું ધ્યાનમય રૂપ હોય છે. કેટલાક લોકોનું જ્ઞાનમય રૂપ હોય છે. કેટલાક લોકોનું કર્મમય રૂપ હોય છે. કેટલાક લોકોનું ભાવમય રૂપ હોય છે. શંકર નિત્યબોધરૂપી છે. આપણો બોધ ક્યારેક ક્યારેક હોય છે, પછી છૂટી જાય છે. આપણે માણસ છીએ, જીવ છીએ, સંસારી છીએ. બોધમય ગુરુ બોલે નહીં તો પણ લાગે છે કે એ સ્વયં બોધ છે. આપણી અણસમજને કારણે બોધમય ગુરુને બોલવું પડે છે. બાકી એમને બોલવાની જરૂર નથી. એ સ્વયં બોધમય છે. હું તો એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે કોઈ બુદ્ધપુરુષ મળી જાય, એવા બોધમય ગુરુ મળી જાય તો એમની પાસે ચૂપચાપ બેસો. એ સ્વયં બોધમય છે. એ પ્રવાહિત બોધ છે. બોધનો સીધોસાદો અર્થ છે, વિશ્વમાં કોઈ સાથે વિરોધ નહીં એને બોધ કહે છે. રામનો પણ વિરોધ નહીં, કામનો પણ વિરોધ નહીં. બોધનો પણ વિરોધ નહીં અને ક્રોધનો પણ વિરોધ નહીં. કોઈનો વિરોધ નહીં.


નિઝામુદ્દીન બેઠા હતા અને અમીર ખુશરોએ કહ્યું કે બાબા, આપની નિત્ય સેવાની મને ખબર છે, પરંતુ ક્યારેક હું ચૂકી જાઉં છું તો આપ બોલતા કેમ નથી? આમ તો અમીર ખુશરો નિઝામુદ્દીનના ખૂબ અંતરંગ હતા, પરંતુ ગુરુએ થોડો ઠપકો પણ આપ્યો કે હજી તું પૂર્ણતા સુધી નથી જઈ શક્યો. સંકેતથી સમજે એ આશ્રિત ક્યાંનો? મારા મનને તું વાંચ. એ શિષ્ય છે જે ગુરુના મનને વાંચી લે છે અને એ ગુરુ છે જે શિષ્યના આત્માને વાંચી લે છે. બંને સ્વાધ્યાયી છે. બંને એકબીજાનું અધ્યાપનકાર્ય કરે છે. તો કહેવાનો મતલબ કે ગુરુમૂર્તિ શંકર બોધમય છે. ઠાકુર રામકૃષ્ણને જોતાં જ લાગે છે કે આ માણસ બોધમય છે.


શંકરૂપ ગુરુનો જે આશ્રય છે એમને તે વિશ્વમાં ઉજાગર કરી દે છે. ભલે તે વાંકો હોય, મલિન હોય પણ એ વક્ર ચંદ્રને પણ વિશ્વવંદ્ય બનાવી દે છે. પૂર્ણિમાના ચંદ્રની ઘણાને તકલીફ હોય છે, પરંતુ બીજના ચંદ્રની કોઈ ધર્મને તકલીફ નથી. વક્ર ચંદ્ર જગતમાં સર્વત્ર વંદનીય છે. પોતાના વક્ર આશ્રિતને જગતમાં ઉજાગર કરી દે એ ગુરુનું લક્ષણ છે અને મોટેભાગે બધા બુદ્ધપુરુષો પાસે વક્ર લોકો રહેતા હતા. તમે વિચાર કરો, જીસસ પાસે પણ બેઇમાન લોકો નીકળ્યા. બેઇમાની દરેક યુગમાં રહી છે, પરંતુ કોઈ બુદ્ધપુરુષ પાસે જાઓ તો તમારા દોષો ન ગણાવશો. અંધરાએ સૂરજ પાસે જઈને માથું પછાડવાની જરૂર નથી. એનું ત્યાં પહોંચવું જ પૂરતું છે. આપણે પાપ કરીને પણ કેટલાં કરી શકીએ? થોડું ખોટું બોલી લઈએ ને એવું જ કંઈક કરી શકીએ. બોધમય ગુરુ બધાનો સ્વીકાર કરે છે. શંકરે વક્ર ચંદ્રને ઠોકર ન મારી કે ચરણમાં ન રાખ્યો, પરંતુ મસ્તક પર ચડાવ્યો.


તો અષ્ટમૂર્તિ શંકરનું બીજું રૂપ ગુરુરૂપ અને હવે એ અષ્ટમૂર્તિનું ત્રીજું રૂપ. ‘રામચરિતમાનસ’ના બીજા સોપાન ‘અયોધ્યાકાંડ’ના મંગલાચરણના શ્લોકમાં ત્રીજી મૂર્તિનો સંકેત છે, જેને તલગાજરડી દૃષ્ટિ કહેશે ‘શ્રીશંકર.’ ‘શ્રી’નો સીધોસાદો અર્થ થાય છે ઐશ્વર્ય. ‘શ્રી’ શક્તિવાચક શબ્દ છે. આપણે ત્યાં વેદોમાં નારાયણ માટે પુરુષસૂક્ત છે, આદિશક્તિ માટે શ્રીસૂક્ત છે, પરંતુ શ્રી એટલામાં સીમિત નથી. આપણે શિવના એક સ્થાનને કહીએ છીએ ‘શ્રીશૈલમ્.’ શ્રીનો એક અર્થ છે માતૃવૈભવ, વાત્સલ્યવૈભવ, પરંતુ એનો મતલબ ‘શ્રી’ કોઈ માતા સાથે જ લાગે એવી વાત નથી. વિશ્વામિત્ર રામની આગળ ‘શ્રી’ લગાવે છે, ‘શ્રીરામ રામં રઘુનંદન રામં.’ આપણે ‘શ્રીરામ’ કહીએ છીએ. મહામંત્રમાં ‘શ્રી’ લગાવવાની જરૂર નથી.
ગુરુ શંકરરૂપ છે અને ‘શ્રીશંકર’ છે તો એની કેટલી શ્રી છે એ એક જ શ્લોકમાં તુલસીએ દર્શાવી છે,
યસ્યાં કે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગા મસ્તકે,
ભાલે બાલવિધુર્ગલે ચ ગરલં સ્યોરસિ વ્યાલરાટ્.


શ્રીશંકરની પહેલી શ્રી છે નગાધિરાજ પર્વતરાજની પુત્રી જે શિવના અંકમાં બેઠી છે. વિશ્વાસની ‘શ્રી’ શ્રદ્ધા છે. શ્રીશંકરની બીજી મૂર્તિ છે કે એમના મસ્તક પર ગંગા વહી રહી છે અને ગંગા જેવો બીજો વૈભવ કયો? વ્યાલ-સાપ પણ શંકરની શ્રી છે. વિષ પણ એમની શોભા બની જાય છે. બુદ્ધપુરુષની વિષમ પરિસ્થિતિ પણ એમની શોભા લાગે છે. માણસ જેટલો બુદ્ધતા તરફ જાય છે એટલી એની વિષમ પરિસ્થિતિ વધતી જાય છે. ‘સોऽયંભૂતિ’ જેના બે અર્થ. એક તો ભૂતિ એટલે ભસ્મ અને શાસ્ત્રીય બોલીમાં ભૂતિને વિભૂતિ કહે છે. ભસ્મ ત્રણ જગાએથી નીકળે છે. ચૂલામાંથી ભસ્મ નીકળે છે, જે ગામડાનું ઐશ્વર્ય હતું. એ ભસ્મનું સ્થાન આપણે લગભગ ખતમ કરી દીધું.

ભસ્મ યજ્ઞકુંડમાંથી, અતીતના ધૂણામાંથી આવે છે અને ત્રીજી ચિતાની ભસ્મ. ચિતાની ભસ્મનો વધુમાં વધુ ઉપયોગ મહાદેવે કર્યો. ભગવાન શંકર કાશી જાય છે તો ત્યાં મહાસ્મશાનમાં નિવાસ કરે છે. એ ત્રણેય પ્રકારની ભસ્મ શ્રીમૂર્તિનું લક્ષણ છે. તમે આભૂષણ પહેરો તો પરમાત્મા અને સાધુ-સંત પણ ખુશ થાય છે, પરંતુ શરીર સ્વયં વિભૂષણ છે, આત્માની શોભા છે શરીર. શંકરમાં જે જ્ઞાન અને વૈરાગ્ય છે એ એમની શોભા છે. એવી ‘માનસ’ની ત્રીજી મૂર્તિ શ્રીમૂર્તિ છે.
(સંકલન : નીતિન વડગામા)
nitin.vadgama@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP