Home » Rasdhar » મોરારિ બાપુ
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

અષ્ટમૂર્તિ શંકરનું પહેલું રૂપ છે ધ્રુવતારક સમો અટલ વિશ્વાસ

  • પ્રકાશન તારીખ11 Aug 2018
  •  

‘શંકર’ શબ્દનો શુદ્ધ અર્થ થાય છે, સૌનું કલ્યાણ કરવું. ‘શં કરોતિ ઇતિ શંકર’. ‘શ’ એટલે કલ્યાણ. સમાજનું કલ્યાણ કરે એ શંકર. શંકર સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે એટલા માટે એ આપણા દેશના મહાદેવ છે. શંકરનું અસલી એડ્રેસ તો કૈલાસ છે, પરંતુ સમાજનું કલ્યાણ કરવા માટે એ ગામોગામ બેઠા છે. ‘શંકર’ શબ્દનો બીજો અર્થ છે ધર્મકલ્યાણ. ધર્મને સંશોધિત કરીને ધર્મની ગ્લાનિ દૂર કરવી એ ધર્મકલ્યાણ છે. આત્મકલ્યાણ કરે એ શંકર. રાષ્ટ્રનું, સમગ્ર પૃથ્વીનું, અસ્તિત્વનું કલ્યાણ કરે એ શંકર.

ધ્રુવતારક પર વિશ્વાસ રાખીને જહાજ ચલાવવામાં આવે છે.
ધ્રુવતા એ અટલતા અને નિશ્ચિતતાનો પર્યાય છે

તલગાજરડી દૃષ્ટિને શંકરની અષ્ટમૂર્તિ દેખાઇ રહી છે એમાં એક મૂર્તિ છે ‘વિશ્વાસ’. વિશ્વાસ શિવસ્વરૂપ છે. ભવાની શ્રદ્ધા છે. એટલા માટે વિશ્વાસ અને શ્રદ્ધાનો જાતિસ્વભાવ ભિન્ન છે. તમે લાખ સ્ત્રી-પુરુષ સમાનતાની વાતો કરો પરંતુ સ્ત્રીપુરુષની સમાન નથી, પુરુષથી શ્રેષ્ઠ છે. પુરુષ અબજો વર્ષો સુધી તપસ્યા કરે તોપણ માતાઓના સ્વભાવમાં જે કરુણા છે એ પુરુષમાં નથી આવી શકતી. જગદ્્ગુરુ શંકરાચાર્ય શ્રદ્ધા અને વિશ્વાસને સંલગ્ન કરી દે છે. તુલસી શ્રદ્ધાને ભવાની અને વિશ્વાસને શંકર કહે છે. શ્રદ્ધા ત્રિગુણી હોય છે. ‘ગીતા’ એ કહ્યું, ‘ત્રિવિધા ભવતિ શ્રદ્ધા.’ વિશ્વાસ પુરુષ છે. વિશ્વાસ એને જ માનો જે ગુણાતીત હોય. આમ તો હું શ્રદ્ધાને પણ ગુણાતીત જ કહેતો રહું છું. આપણો વિશ્વાસ રજોગુણી હશે તો જ્યાં સુધી કામ હશે ત્યાં સુધી વિશ્વાસ ટકશે અને કામ પૂરું થઇ ગયા બાદ વિશ્વાસ ખતમ થઇ જશે અથવા કામ અધૂરું રહ્યું તો પણ વિશ્વાસ ચાલ્યો જશે. રજોગુણી વિશ્વાસ કૈલાસની માફક અખંડ-અટલ નથી હોતો. તમોગુણી વિશ્વાસ તો વિશ્વાસ છે જ નહીં, વિશ્વાસનો એક લિબાસ છે, એક મહોરું છે.

સત્ત્વગુણી વિશ્વાસનો અર્થ છે ગુરુનાં ચરણ પર દૃઢ ભરોસો. અષ્ટમૂર્તિ શંકરમાં જે વિશ્વાસ છે એ આ ત્રણેયથી પર એવો વિશ્વાસ છે.


‘રામાયણ’માં ચાર પ્રકારના વિશ્વાસનું વર્ણન છે. એક તો શંકર વિશ્વાસ છે. બીજો વિશ્વાસ છે, ‘ધ્રુવ બિસ્વાસુ અવધિ રાકા સી’. ધ્રુવને તુલસીએ વિશ્વાસનું પદ આપ્યું. ધ્રુવતારક ત્યાંનો ત્યાં જ રહે છે, હલતો નથી, સ્થાનાંતર કરતો નથી એટલા માટે ધ્રુવતારક પર વિશ્વાસ રાખીને જહાજ ચલાવવામાં આવે છે. ધ્રુવતા એ અટલતા અને નિશ્ચિતતાનો પર્યાય છે. શંકરમાં ધ્રુવતા પણ છે, ધ્રુવપણાવાળો વિશ્વાસ પણ છે. શિવની સામે સદ્્ભાવથી કોઇ જશે તો પણ એમના ધ્રુવ વિશ્વાસનો અનુભવ થશે, દુર્ભાવથી જશે તો પણ એના ધ્રુવ વિશ્વાસનો અનુભવ થશે એવું ‘માનસ’માં લખ્યું છે. શિવની સામે કામદેવ ધ્યાનભંગ કરવા ગયો તો કામદેવ જાણે છે કે દેવતાનો ચડાવ્યો હું જઇ રહ્યો છું પરંતુ શિવના વિરોધમાં મારું મૃત્યુ ધ્રુવ છે.


અષ્ટમૂર્તિની પહેલી મૂર્તિ વિશ્વાસનું ત્રીજું રૂપ તુલસી લખે છે, ‘બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા, તીરથરાજ સમાજ સુકરમા.’ તીરથરાજ પ્રયાગમાં જે અક્ષયવટ છે એને ગોસ્વામીજીએ વિશ્વાસનો વટ કહ્યો છે. ભગવાન શંકર કૈલાસના શિખર પર વટવૃક્ષની નીચે બેસીને જ કથાનો આરંભ કરે છે. ચોથા વિશ્વાસનો ઉલ્લેખ ‘ઉત્તરકાંડ’માં જ્યારે જ્ઞાનદીપની ચર્ચા તુલસીએ કરી ત્યારે થયો છે. કાગભુશુંડિને ગરુડે પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાન અને ભક્તિ વિશે આપનો શું અભિપ્રાય છે? તો જ્ઞાનને દીપ કહ્યો અને ભક્તિને મણિ કહી. દીપને પ્રજ્જ્વલિત કરવા માટે કેટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે? જ્ઞાનદીપનો આખો પ્રસંગ છે. ત્યાં સાત્ત્વિક શ્રદ્ધારૂપી ગાયને દોહવી છે એ સમયે તુલસીએ કહ્યું, વિશ્વાસ એ પાત્ર છે. ભગવાન શંકર સાથે પાત્રતાવાળી વાત પણ તલગાજરડી દૃષ્ટિએ જોડી છે. રામકથાની પાત્રતા એમને મળે છે, જે પહેલાં શિવકથામાં રુચિ પ્રાપ્ત કરે. તલગાજરડી દર્શનમાં પાંચમો વિશ્વાસ ‘દોહાવલિ રામાયણ’માં છે, ‘અંગદપદ બિસ્વાસ.’ અંગદે રાવણને સભામાં પગ રાખીને કહ્યું કે મારો પગ કોઇ ઉઠાવી લે તો રામ હારી જાય.


વિશ્વાસની ત્રણ ચાર વ્યાખ્યા છે, પણ તેની વાત ફરી ક્યારેક. તો મારે એટલું જ કહેવું છે કે અષ્ટમૂર્તિ શંકરનું પહેલું રૂપ છે વિશ્વાસ. તુલસીએ ‘વિનયપત્રિકા’માં કહ્યું છે, ‘બિસ્વાસ એક રામનામ કો...’ અને ‘માનસ’માં અદ્્ભુત વાક્ય છે, ‘બિનુ બિસ્વાસ ભક્તિ નહીં હોઇ...’ મારા શ્રોતા મને ઘણી વખત પૂછે છે કે બાપુ, આપ વિશ્વાસની વાત કરો છો તો ક્યાં સુધી વિશ્વાસ રાખવો? આ જનમજનમનો સોદો છે. એમાં કોઇ શોર્ટ કટ નથી. એમાં કોઇ ડાઇવર્ઝન પણ નથી હોતું. ક્યારેક ક્યારેક તો લોકો મને કહે છે, બાપુ, આપનો ભરોસો અમને રડાવી દે છે! પરંતુ ભરોસો તો ભરોસો છે. વિશ્વાસ વિશ્વાસ છે. હું પૂર્ણત: વિશ્વાસુ માણસ છું. વિશ્વાસ મારા શિવ છે. વિશ્વાસ મારો કૈલાસ છે.

(સંકલન : નીતિન વડગામા)
nitin.vadgama@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP