રાહે રોશન- ડો. મહેબૂબ દેસાઇ
27 નવેમ્બરના રોજ સ્વેચ્છિક સંસ્થાઓના સંચાલકો, શિક્ષણશાસ્ત્રીઓ અને આગેવાનોની એક બેઠક લોખંડવાલા પાર્ટી પ્લોટમાં મળી હતી. 21અને 22 ડિસેમ્બરના રોજ રિવરફ્રન્ટ પર યોજનારા મેઘા એજ્યુ ફેસ્ટના આયોજન અર્થે આ બેઠકનું આયોજન થયું હતું. જેમાં આયોજન સાથે ઇસ્લામના શિક્ષણ વિશે વિચારો જુદા જુદા પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયા હતા. આજે એ સંદર્ભે ઇસ્લામના ઇલ્મ અને આલિમ વિષયક વિચારોની વાત કરીએ.
હજરત મહંમદ સાહેબ (સ.અ.વ.)પર ઊતરેલ પ્રથમ વહીનો પ્રથમ શબ્દ હતો ‘ઇકરાહ’. જેનો અર્થ થાય છે પઢ, વાંચ. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌ પ્રથમ વહી માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું છે, ‘પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાત હતો તે બધી તેને શીખવી છે.’
ઇલ્મ અંગેની હજરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની કેટલીક નોંધપાત્ર હદીસો જાણવા જેવી છે.
‘શહીદોના ખૂન કરતા વિદ્યાર્થીની શાહી વધુ પવિત્ર છે.’
‘જ્ઞાન પ્રાપ્તિ માટે જે ઘર છોડે છે, તે ખુદાના માર્ગે કદમ માંડે છે.’
‘ચીનમાં પણ વિદ્યા મળે તો એ પ્રાપ્ત કરવાની તલબ રાખો.’
‘જે જ્ઞાનની શોધમાં મુસાફરી કરે છે, તેને ખુદા અવશ્ય માર્ગ બતાવે છે.’
ઇલ્મ એટલે જ્ઞાન, વિદ્યા, જાણકારી કે વિજ્ઞાન. આલિમ એટલે જ્ઞાની, વિદ્વાન. ઉર્દૂ ભાષાના આ શબ્દનો અર્થ શબ્દકોશમાં આપતા કહેવામાં આવ્યું છે, ‘જેના વાણી વર્તન અભ્યાસ અનુસાર આચરણમાં પણ હોય તેવો વિદ્વાન એટલે આલિમ.’
સામાન્ય રીતે જ્ઞાન અને વિજ્ઞાનના ઉપાસકને જ આપણે આલિમ કહેવાનું અને સ્વીકારવાનું પસંદ કરીએ છીએ, પણ તે આપણી સંકુચિત સમજ છે. તે સત્ય નથી. વાળ કાપવામાં કે સંવારવામાં નિષ્ણાત હોય તો તે એ વિષયનો જ્ઞાની કે આલિમ છે તેમ કહેવાનું આપણે મોટે ભાગે પસંદ કરતા નથી. પરિણામે તેને આલિમ કે વિદ્વાન જેવું માન કે સન્માન આપતા નથી, પણ ઇસ્લામ સરળ અને ગહન ગમે તેવું જ્ઞાન ધરાવનાર ગરીબ-અમીર, દોસ્ત-દુશ્મન નાના-મોટા, સૌને જ્ઞાની કે આલિમ કહી તેને માન સન્માન આપવાનું કહે છે.
એક વખત હજરત ઈમામ આજમ (ર.અ) ડોલીમાં બેસી ભરબજારમાંથી પસાર થઇ રહ્યા હતા. એકાએક તેમની નજર એક ગરીબ સફાઈ કામદાર પર પડી. મેલાં ઘેલાં વસ્ત્રોમાં હાથમાં ઝાડું લઇ તે રસ્તો વાળતો હતો. હજરત ઈમામ અજમએ ડોલી ઊભી રાખી. ડોલીમાંથી ઊતરી ભરબજારમાં લોકો જુએ તેમ એ સફાઈ કામદારનો હાથ ચૂમી તેના ખબરઅંતર પૂછ્યા. એ જોઈ એક શિષ્યએ તેમને જિજ્ઞાસાથી પૂછ્યું, ‘આપે એ સફાઈ કામદારને આટલી ઈજ્જત શા માટે બક્ષી?’ આપે ફરમાવ્યું, ‘એ સફાઈ કામદારને કૂતરાનું સારું જ્ઞાન છે. એકવાર મારે કૂતરાઓની પુખ્તતાની નિશાની જાણવી હતી. ઘણી તપાસ કરી પણ તેની ચોક્કસ નિશાની મને ન મળી. અંતે આ સફાઈ કામદારને એકવાર અચાનક પૂછ્યું. તો તેણે એક જ વાક્યમાં મને તેની નિશાની જણાવતા કહ્યું, ‘જ્યારે કૂતરો એક પગ ઊંચો કરી લઘુશંકા કરે ત્યારે તે પુખ્ત થઇ ગયો છે તેમ માનવું.’ નાનામાં નાના માણસ પાસે પણ જ્ઞાનનો એવો ભંડાર હોય છે, જે મોટા જ્ઞાની પાસે પણ નથી હોતો. તેણે આપેલ આ જ્ઞાન બદલ હું તેને આલિમ માનું છું અને તેથી જ ભરબજારમાં તેનો હાથ ચૂમી મેં તેની ઈજ્જત કરી છે.’ જ્ઞાનનો મહિમા અપરંપાર છે. તેનું મૂલ્ય અનેકગણું છે, પણ તેનો અહંકાર જરૂરી નથી. જ્ઞાન ખુદાએ બક્ષ્યું છે તો એ ખુદાની મહેરબાની છે. રહેમત છે. અલ્લાહનો શુક્ર છે. તેનો ગર્વ કે અભિમાન ખુદાની બક્ષેલ દોલતનું અપમાન છે એમ દૃઢપણે માનવું દરેક જ્ઞાની કે આલિમ માટે અનિવાર્ય છે.
એ જ રીતે જ્ઞાનીના જ્ઞાનમાં જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ તેની નમ્રતા વધતી જાય છે. જેમ આંબાને ફળ લાગે તેમ તે ઝૂકતો જાય છે. તેમ જ જ્ઞાનીની નમ્રતા અને નિરાભિમાન વધવા જોઈએ. એક જ્ઞાની બીજા જ્ઞાનીને ક્યારેય ઉતારી પાડવાનો પ્રયાસ નથી કરતો. તેના પર પોતાના જ્ઞાનનો રોફ નથી છાંટતો. બલકે, સાચો જ્ઞાની એ છે જે બીજાના જ્ઞાનનો આદર કરે છે. તેને માન સન્માન આપે છે. જ્ઞાન એ તો દરિયો છે. તેમાં તો દરેક વિચારને માન છે. સ્થાન છે. દરેક વિચારનું મહત્ત્વ છે. વિચારમાં અધૂરપ કે ગેરસમજ હોઇ શકે, પણ વિચાર સાચો કે ખોટો નથી હોતો. અલબત્ત, વિચાર નૈતિક કે અનૈતિક જરૂર હોય છે. જ્ઞાની માનવી એવા અનૈતિક વિચાર સામે પોતાનો નૈતિક વિચાર મૂકી શકે છે, પણ તેના અમલીકરણ માટે દુરાગ્રહ નથી સેવતો.
ટૂંકમાં, આજે મેઘા એજ્યુ ફેસ્ટ જેવા મેળાઓ દ્વારા પણ જ્ઞાનનો વિસ્ફોટ થઇ રહ્યો છે કારણ કે જ્ઞાન કે ઇલ્મ એ માનવજીવનની અનિવાર્યતા છે. એટલે જ આવા શૈક્ષણિક આયોજનોને નવી પેઢીના ઘડતર અને ચણતર માટે આપણે સૌએ પ્રોત્સાહિત કરવા જોઈએ.
www.mehboobdesai.blogspot.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.