તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારી પોતાની બ્રાન્ડ કઈ અને કેવી છે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘એક સરસ મજાનાં બહેન હતાં. એ રોજ જિમમાં કસરત કરવા જાય. કેલરી બાળીને પરસેવાની કમાણી કરે. એક કલાકના વર્કઆઉટ બાદ કેટલા ગ્રામ ચરબી ઘટી કે વજનકાંટામાં કેટલો ફેરફાર નોંધાયો એ ગણતરી તો ઠીક છે, પણ એમના માથાના વાળથી પગના નખ સુધીના પરિધાનમાં સમગ્ર વિશ્વની કુલ નવ ટોપમોસ્ટ બ્રાન્ડ હતી, જેની અંદાજિત કિંમત તેત્રીસ હજાર પાંચસો થાય. એટલે એમ કહી શકાય કે તેત્રીસ હજારની અમૂલ્ય વસ્તુને રોજ પરસેવો બાઝી જતો. એ સરસ મજાના બહેનને એમની સહ‘જિમેન્દ્રીઓ’ હા, એટલે કે કસરત કરવા આવતી બહેનોને ઊંચી પોની ટેલમાં નાખેલા બક્કલની બ્રાન્ડથી લઈને ટ્રેક પેન્ટના રંગ મુજબ બદલાતા સ્પોર્ટ્સ શૂઝની બ્રાન્ડ કહેવામાં વિશેષ આનંદ આવતો અને કદાચ આ એ જ કારણ હતું કે, બ્રાન્ડેડ ગૌરવના વિશેષ આનંદને કારણે એમનાં ‘વજન ઘટાડો અભિયાન’માં રતીભર સફળતા નહોતી મળી.’ વેલ, આ તો હમણાં જ સાદી-સીધી અનબ્રાન્ડેડ કહી શકાય એવી મહિલાઓએ કહેલી વાત છે.

  • બ્રાન્ડ પ્રત્યેની ચાહ ઘેલછા બને ત્યારે એ આડંબર, અભિમાન અને બીજાને નીચા પાડવાની વૃત્તિમાં પરિવર્તિત થાય છે

બ્રાન્ડ પ્રત્યેનો પ્રેમ, બ્રાન્ડ પ્રત્યેનું આજીવન કમિટમેન્ટ અને બ્રાન્ડ સાથેનો લાગણીનો (માંગણીનો) નાતો સમજાય એવો છે. બજારમાં મળતી કોઈ પણ વસ્તુ કે અલગ અલગ સર્વિસની સાથે જોડાયેલ નામ સાથે એની લાક્ષણિકતા જોડાયેલી હોય છે, જેને આપણે બ્રાન્ડ કહીએ છીએ. નામ બોલતાંની સાથે તમારી નજર સમક્ષ એની છબી આવે અને એ સાથે એ વસ્તુની ગુણવત્તા અંગેનો અંગત અને સર્વસામાન્ય અનુભવ પણ જોડાય છે. આ મનોવૈજ્ઞાનિક પાસું છે. જ્યારે આપણે કોઈ ચોક્કસ બ્રાન્ડ સાથે નજદીકી અથવા સંતોષ અનુભવીએ છીએ ત્યારે એ આદતમાં તબદીલ થઇ જાય છે. મગજના સંવેદના કેન્દ્રોને અસર કરનાર બ્રાન્ડ માટેનો લગાવ એની જાહેરાતને કારણે અથવા આપણી અંદર રહેલી ભાવનાત્મક જરૂરિયાતને કારણે વધુ મજબૂત બને છે. આથી જ ‘જહાં બ્રાન્ડ હૈ, વહાં પ્રાઈઝ ટેગ ક્યા ચીજ હૈ?’ બ્રાન્ડ પ્રત્યેની ચાહ જ્યારે ઘેલછા બને ત્યારે એ આડંબર, અભિમાન અને બીજાને નીચા પાડવાની વૃત્તિમાં પરિવર્તિત થાય છે. વસ્તુની ઉપયોગિતા અને તેની સાથે જોડાયેલ જરૂરિયાત બાજુ ઉપર મુકાઈ જાય છે અને એ માત્ર સ્ટેટસ સિમ્બોલ બની જાય છે. માર્કેટિંગ ગુરુને આ વાતની પાકી ખબર છે, આથી જ‘સ્ટેટસ’ માટેની ભૂખને વધુ ને વધુ ઉત્તેજિત કરે છે. આપણી ગુરુતાગ્રંથિ મજબૂત થાય અને બીજાને લઘુતાગ્રંથિનો અનુભવ કરાવી શકાય એવી જોગવાઈ આ બ્રાન્ડપ્રેમમાં હોય છે. એટલે જ ઊંચા કોલરને પૈસાનો વ્યય નથી દેખાતો, એમાં બળતામાં ઘી હોમવાનું કામ સેલિબ્રિટી કરે છે. કરીનાનું કાજલ, આલિયા ભટ્ટની ટ્રિપ, પ્રિયંકા ચોપરાની બેન્ક જોઈને કોપી કરવાનું મન થાય તે સાહજિક છે, એમાં આપણને આપણી નહીં કરીનાની આંખો દેખાય. બીજાને પ્રભાવિત કરવાનો અહેસાસ અમુક ચોક્કસ સમયગાળા માટે સુખનો અનુભવ આપે છે.
બ્રાન્ડનું નામ તમારી લાયકાત કે યોગ્યતાનું માપદંડ નથી. ગજવાં ખાલી કરી નાખતી બ્રાન્ડ સામાજિક મહત્ત્વ આપે એ આપણને ગમતી માન્યતા છે. વાસ્તુના નામનો ભપકો અને વસ્તુના નામ સાથે જોડાયેલ તેજ કાયમી નથી અથવા બ્રાન્ડ એ તમારી ઓળખનો પર્યાય નથી જ. તમારો ખુદનો સ્વભાવ, ભાષા, વ્યવહાર અને વિચારો એ તમારી બ્રાન્ડ છે, વિશ્વ કક્ષાએ પ્રખ્યાત બ્રાન્ડ ધારણ કરીને તમારામાં દ્વેષ, ઈર્ષ્યા, અકારણ ગુસ્સો, ખેદ, જીવનના અસંતોષ અને ખાસ કરીને કંઈ જ કર્યા વગર શેખી મારવાની આદત હોય, બીજાને તુચ્છ સાબિત કરવાની ખેવના હોય તો પહેલો વિચાર તમારી પોતાની બ્રાન્ડ કેવી છે એ વિચારો.

અન્ય સમાચારો પણ છે...