‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

‘ફ્રી-કેશબેક’ સરકારને લાવો!

  • પ્રકાશન તારીખ24 Apr 2019
  •  

રાહુલ ગાંધીની 72,000વાળી સ્કીમ ગરીબોને શા માટે બહુ પસંદ પડી જાય છે? કારણ કે 72,000 રૂપિયા ‘ઘેરબેઠાં’ મળી જવાના છે!
એ જ રીતે તમે જુઓ, યંગસ્ટર્સમાં ‘સ્વીગી’ અને ‘ઝોમેટો’ જેવી એપ શા માટે હિટ થઈ ગઈ? કારણ કે ખાવાની આઇટમો ‘ઘેરબેઠાં’ મળી જાય છે!

  • માર્કેટિંગમાં સૌથી વધારે હિટ શું છે? FREE! બરાબર?

હવે જસ્ટ વિચાર કરો, મોદી સરકારે તમને ‘ઘેરબેઠાં’ શું આપ્યું? શૌચાલય? ચાલો, માનીએ છીએ કે મોદી સાહેબની માર્કેટિંગમાં માસ્ટરી છે, પણ બધું માર્કેટિંગ વિદેશોમાં જ થયું! ઇન્ડિયાની ઇમેજ ફોરેનમાં સુધરી, પણ દેશમાં બગડી, કારણ શું? માર્કેટિંગ!
તમને અમારી વાત શરૂઆતમાં જરા ટેઢી લાગશે, પણ પછી ધીમે રહીને તમને સમજાશે. માર્કેટિંગમાં સૌથી વધારે હિટ શું છે? FREE! બરાબર? બીજા નંબરે શું આવે? 50 ટકા OFF! એ સિવાય પણ ઘણા આઇડિયા ચાલે છે. જેમ કે, CASH BACK, 20 ટકા EXTRA, બે ખરીદો અને ત્રીજું મફત. વગેરે.
હવે જુઓ, પેલી 72,000 સ્કીમમાં તો ‘ઘેરબેઠાં’ પણ છે અને ‘ફ્રી’ પણ છે! તમારે કશું કરવાનું જ નથી! (આમેય તમે ‘કશું ના કરો’ તો તમે ગરીબ જ થઈ જાવ!) એટલે જ એ સ્કીમ બહુ લોભામણી લાગે છે. હા, એમાં ફૂદડી માર્યા પછી ઝીણા અક્ષરોમાં ‘શરતો લાગુ છે! જેમાં શરત એ છે કે અમે સત્તામાં આવીએ તો!’
અમારો મુદ્દો એ છે કે સત્તામાં હો ત્યારે શું શું કરી શકાય? દાખલા તરીકે જેટલી સાહેબે GSTનો અમલ કરાવતાં કરાવતાં વેપારીઓને આંખે પાણી લાવી દીધાં હતાં. એના બદલે બોસ, GSTની સ્કીમ મૂકતી વખતે જ એનાઉન્સ કર્યું હોય કે ‘GST નંબર લેનારને ત્રણ મહિના સુધી TAX FREE!’
બોલો, ધનાધન નંબરો લેવાઈ ગયા હોત ને? અચ્છા હજી ભરોસો નથી પડતો? મને કહો, ‘જીઓ’નું નેટવર્ક માર્કેટમાં શી રીતે ઘૂસી ગયું? સિમ્પલ મેથડ હતી. ‘ત્રણ મહિના સુધી અનલિમિટેડ અને ફ્રી!’ તો બોલો, એ જ રીતે GST છવાઈ જાત ને?
અચ્છા, જેટલી સાહેબ CASH BACK તો આપતા જ નથી? તમે 25 ટકા GST ઘુસાડીને વરસ પછી ઘટાડીને 18 ટકા કરો છો એના કરતાં શરૂઆતમાં જ સ્કીમ રાખોને, કે 40 ટકા કેશબેક! આવી જાવ.
યાર, હજી દિમાગમાં નથી ઊતરતું? અલ્યા ભઈ, મોલમાં ‘સેલ’ આવે ત્યારે 2 શર્ટ ઉપર ત્રીજું ફ્રી શી રીતે આપે છે? બધા જાણે છે કે હકીકતમાં તો 1 શર્ટનો ભાવ જ 2 શર્ટ જેટલો ચીરીને લે છે, છતાં 2 ઉપર 3 મળે તો લોકો કેવા હોંશે હોંશે ખરીદવા દોડે છે?
‘સેલ’થી યાદ આવ્યું, જે રીતે બજારમાં સેલ માટે તહેવારોની સિઝન આવે છે એ રીતે ઇન્કમટેક્સ કોર્પોરેટ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ વગેરેના પણ ‘સિઝનલ સેલ’ કાઢોને? માર્ચ મહિનાની અમુક તારીખ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરો તો ‘અપ-ટુ 10,000 રૂપિયા કેશબેક!’ (ડિસ્કાઉન્ટ વાસી થઈ ગયું, લોકોને ‘કેશ’ જોઈએ છે ‘કેશ’, ભલે એ મોબાઇલમાં જ હોય.)
અચ્છા, ‘ટાઇઅપ’ કરોને? જેમ કે, 1 કરોડથી વધારે ઇન્કમટેક્સ ભરનારને ફ્લાઇટ-બુકિંગ, હોટલ બુકિંગ, શોપિંગ વગેરેમાં ‘અપ-ટુ 10 લાખનું કેશબેક. તો કરોડપતિની પત્નીઓ જ કહેશે કહું છું સાંભળો, ‘વધારે ટેક્સ ભરોને?’
જુઓ ભાઈ, એડવર્ટાઇઝિંગનો રૂલ છે: જે ચીજ લોકોને જોઈતી જ નથી એની ડિમાન્ડ ઊભી કરી આપે એ જ સાચું માર્કેટિંગ! હવે તમે જ કહો, ‘ટેક્સ’નું આનાથી સારું માર્કેટિંગ બીજી કઈ રીતે થઈ શકે?
હજી બીજા આઇડિયાઝ બાકી છે. આવતા બુધવારે વાત. (નોંધ: આ લેખનું કટિંગ સાચવીને રાખજો. એમાંય સ્કીમ છે!) mannu41955@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP