હવામાં ગોળીબાર / પોઝિટિવિટીના પૂર આવ્યાં છે

article by mannu shekhchalli

મન્નુ શેખચલ્લી

Jan 23, 2019, 04:03 PM IST

જૂના જમાનામાં સારું હતું. કોઈ ‘કમ્પેરિઝનો’ નહોતી અને કોઈ મહાન ‘પ્રેરણા’ આપનારા પણ નહોતા. એ સમયે કોઈ ડોબા, લૂઝર, નિષ્ફળ, એવરેજ જુવાનની વાટ લાગી ગઈ હોય તો એ પોતાની જાતને કહી શકતો હતો કે, ‘ટણપા, આ જ તારા નસીબ છે. વૈતરું કર બેટા, વૈતરું.’

  • પોઝિટિવ થિંકિંગની ‘પ્રેરણા’ આપનારાઓ એક તૂત ચલાવ્યે રાખે છે કે, ‘એવરિબડી ઇઝ સ્પેશિયલ!’

પણ આજે? એક તો આખું સોશિયલ મીડિયા હેપિનેસ અને ‘પોઝિટિવિટી’થી છલકાય છે. સાલું, બધા જ જલસા કરે છે! રોજ કોઈની બર્થ-ડે કે એનિવર્સરી હોય છે. દર અઠવાડિયે અઢાર ફેમિલીઝ મસ્ત રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય છે. દર શુક્ર-શનિવારે પંચાવન જણા પોસ્ટ મૂકે છે. એન્જોયડ ફલાણું મૂવી, સ્ટૂપિડ હતું, પણ મઝા પડી. સાલી બધી છોકરીઓ કોઈ ને કોઈ છોકરા જોડે ફોટો પડાવતી હોય છે. બધા છોકરાઓ સ્ટાઇલમાં હોય છે. વેકેશનોમાં તો આખી દુનિયાના લોકો જલસાં જ કરવાં નીકળી પડ્યાં હોય છે અને પેલો લૂઝર?


એ લૂઝર, ડોબો, એવરેજ વ્યક્તિ આવું બધું જોઈને જલીને ખાક થઈ રહ્યો છે. એ લિટરલી ‘શીટ’ જેવું ફીલ કરી રહ્યો છે. તોય, શું એ લૂઝરની હિંમત છે કે એ ફેસબુકમાં લખે કે ‘ફીલિંગ લાઇક શીટ! નોબડી લવ્સ મિ... આઈ એમ અ બોર્ન લૂઝર!’
જો ભૂલેચૂકે એવું લખી નાખ્યું તો આખી દુનિયા એની ઉપર તૂટી પડશે, ‘બકા, બી પોઝિટિવ! બી પોઝિટિવ!’ પણ અલ્યા, કેવી રીતે?


સૌથી મોટો દાટ પેલા પોઝિટિવ થિંકિગની ‘પ્રેરણા’ આપનારાઓએ વાળ્યો છે. એ લોકો સતત એક તૂત ચલાવ્યે રાખે છે કે, ‘એવરિબડી ઇઝ સ્પેશિયલ! ભગવાને દરેક માનવીમાં એક ખાસ શક્તિ આપી છે. બસ, તમારે એને શોધી કાઢવાની છે!’ જાણે કે ઉપર બેઠેલો ભગવાન, આખા વર્લ્ડમાં જે રોજની 1,37,689 ડિલિવરીઓ થાય છે એમાં દરેકને માટે અલગ અલગ ‘ટેઇલર-મેઇડ’ શક્તિઓનું પ્લાન્ટેશન કરવા નવરો બેઠો હોય અને એ શક્તિને ‘તમારે જાતે શોધી કાઢવાની છે.’

એટલે શું? યાર, આ તે કંઈ ‘પઝલ’ છે? કોઈ ગેઇમ છે? IITની જેમ કંઈ અઘરી એન્ટ્રન્સ એક્ઝામ છે?
અરે બોસ, હકીકત એ છે કે બધા ‘સ્પેશિયલ’ નથી હોતા! પેલા સૈફ અલી ખાન અને કરીના કપૂરને ત્યાં જે જન્મ્યો છે ને, તૈમૂર, એને સ્પેશિયલ કહેવાય અને શું બધાએ ‘સ્પેશિયલ’ કામો જ કરવાનાં છે? જો એમ જ હોય તો ટ્રાફિક હવાલદાર કોણ બનશે? રેલ્વેમાં ટીસી કોણ બનશે? રિક્ષાઓ, ટેક્સીઓ કોણ ચલાવશે? ‘નેગેટિવ’ લોકો?


આ ‘સ્પેશિયલ-સ્પેશિયલ’ કરીને એવો દાટ વાળ્યો છે કે બિચારા ઓર્ડિનરી યંગસ્ટરોને ‘ઓર્ડિનરી હોવું’ એ જ બહુ મોટો ગુનો લાગે છે! ઉપરથી આ પોઝિટિવ મોટિવેશનવાળા સલાહોય કેવી કેવી આપે છે? કહે છે કે, ‘રોજ અરીસામાં જોઈને પોતાની જાતને કહો કે હું સફળ થઈને જ રહીશ!’
લો બોલો! જે ભઈલું સ્કૂલમાં કે કોલેજમાં કદી 53.3 ટકાથી વધારે માર્કે પાસ નથી થયો અને જેના ચહેરા ઉપર સત્તર બ્રાન્ડની ટ્યૂબો લગાડવા છતાં ‘પિમ્પલ્સ’ મટવાનું નામ જ નથી લેતા, એ ભઈલું કેટલા દહાડા લગી અરીસામાં જોઈને આવું બોલી શકવાનો છે? (બિચારો ખિલને લીધે બે વર્ષથી ‘સેલ્ફીઓ’ લેતો બંધ થઈ ગયો છે!)


આ પોઝિટિવિટી ફેલાવનારાઓને અમારી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમારી આ ‘પ્રેરણા-ઝુંબેશ’ બંધ કરો. હકીકત તો એ છે કે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલા આ ‘સ્પેશિયલ’ બની જવાના વાવરને કારણે દેશના 100 યુવાનોમાંના જે 85 જણા ‘ઓર્ડિનરી’ છે, તે બિચારા રોજેરોજ એવા ‘નેગેટિવ’ વિચારો કરતાં થઈ ગયાં છે કે યાર, હું કેમ ‘પોઝિટિવ’ નથી?
છોડો યાર, વટથી કહો, હું ‘ઓર્ડિનરી’ છું!

[email protected]

X
article by mannu shekhchalli

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી