Home » Rasdhar » મનીષ મહેતા
લેખક ‘DivyaBhaskar.com’ના એડિટર છે. રાજકારણથી સમાજકારણ સુધીની ઘટનાઓની નસ પકડીને સરળ ભાષામાં પેશ કરે છે.

ઋતુચક્ર, ભ્રષ્ટાચારચક્ર કે પંચવર્ષીય ચૂંટણીચક્ર?

  • પ્રકાશન તારીખ09 Jul 2018
  •  

સંસદમાં રાષ્ટ્રપતિના પ્રસ્તાવ અંગે વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું તેની બહુ ચર્ચા થઇ. રામાયણની કોમેન્ટથી મહાભારત પણ સર્જાયું. મોદીના ભાષણમાં ચૂંટણીનો એક મહત્ત્વનો મુદ્દો હતો. કોંગ્રેસસહિત તમામ વિપક્ષને એવું લાગ્યું કે 2019ની લોકસભાની ચૂંટણી હવે કદાચ 2018માં જ થઇ જશે. મોદીએ લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી યોજવા માટે ફરી વિપક્ષને આગ્રહ કર્યો, પણ વિપક્ષ એમ માનવા તૈયાર નથી.
ભારતમાં ચૂંટણી એ બારમાસી તહેવાર છે. લોકસભા ઉપરાંત રાજ્યોની વિધાનસભા, નગરપાલિકા, ગ્રામપંચાયત, જિલ્લા પંચાયત... ચૂંટણીઓનો પાર નથી. આટલા વિશાળ દેશના કોઇક રાજ્યમાં ક્યાંક તો ચૂંટણી ચાલુ જ હોય છે. ચૂંટણીપંચ તેમાંથી નવરું જ નથી પડતું અને સૌથી ગંભીર વાત તો એ છે કે ચૂંટણીના બહાને વહીવટીતંત્ર સાવ ઠપ થઇ જાય છે. આચારસંહિતાના નામે (લીધે નહિ) રીતસર ગર્વનન્સ પર અત્યાચાર થાય છે અને સતત ચાલતો રહે છે. પણ આ વાત આપણે માનીએ એટલી સહેલી નથી. મોદીએ સંસદમાં કહ્યું કે 1967 પહેલાં આપણે લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ યોજતા હતા પણ પછી એ બંધ કરી દીધું.


જરા વિચારો. પહેલાંના સમયમાં લગ્નપ્રસંગ પણ આ જ રીતે થતા. ઘરમાં છોકરી કે છોકરો મોટાં થઇ ગયાં હોય અને માગાં આવતાં હોય ત્યારે અગાઉ મા-બાપ એવું વિચારતાં કે બંને ભાઇ-બહેનને કે બંને ભાઇઓને કે બહેનોને સાથે વરાવી દઇએ. આની પાછળનું એક ગણિત એ કે એકસાથે બંને પ્રસંગ ઊકલી જાય અને ભાર હળવો થાય. સૌથી મોટો ફાયદો આર્થિક રીતે. ખર્ચ ઘટી જાય. દેવું કરીને પણ સંતાનોને પરણાવતાં મા-બાપ અગાઉ આવું જ કરતાં. હવે સમય બદલાયો છે, સારો છે કે ખરાબ છે એવું નથી કહેતા પણ બદલાયો છે જરૂર.


મોદી ગુજરાતી છે. પહેલા વાત કરીએ ખર્ચની. 2014ની લોકસભાની ચૂંટણીમાં 4000 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. આવી જ રીતે રાજ્યોની ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. બે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામી અને એસ વાય કુરેશી મોદીની આ પ્રપોઝલ સાથે સહમત છે. બંનેનું કહેવું છે કે આ શક્ય છે કારણ કે મતદારો અને સિક્યોરિટી સ્ટાફ તો એ જ છે અને સ્થળ પણ એ જ છે તો પછી એકસાથે વોટિંગ કરાવવું વધુ સારું છે.

કોંગ્રેસમાં ઇન્દિરા ગાંધી તેમના ઘણા સાહસિક નિર્ણયને કારણે પ્રખ્યાત થયાં હતાં અને એવી જ રીતે કટોકટી જેવા નિર્ણયને કારણે બદનામ પણ થયાં હતાં

સમસ્યા એ છે કે તેના માટે તમામ પક્ષોએ એક થઇને બંધારણીય સુધારા કરવા પડે. ડાબેરી, આમ આદમી અને કોંગ્રેસ પાર્ટી સહમત નથી. જીએસટીમાં જેમ તમામ પક્ષોએ ભલે સર્વસંમતિથી નહિ પણ બહુમતીથી કાયદો પસાર કર્યો એવી જ રીતે રાજ્યો અને સંસદની ચૂંટણી સાથે યોજવા માટે એકસૂર વ્યક્ત કરવો પડે. આ કામ અશક્ય નથી પણ અઘરું જરૂર છે.


આમ જોઇએ તો મોદી આ મામલે ફરી કોંગ્રસને કઠેડામાં ઊભી કરશે. 1971માં ઇન્દિરાએ રાજ્ય-સંસદની ચૂંટણી સાથે કરાવવાની પરંપરા તોડી હતી અને વહેલી ચૂંટણી કરી દીધી હતી. મોદી કદાચ વહેલી ચૂંટણી કરીને એ સાઇક્લિક પરંપરા પાછી ચાલુ કરે તો નવાઇ નહિ. કોંગ્રેસમાં ઇન્દિરા ગાંધી તેમના ઘણા સાહસિક નિર્ણયને કારણે પ્રખ્યાત થયાં હતાં અને એવી જ રીતે કટોકટી જેવા નિર્ણયને કારણે બદનામ પણ થયાં હતાં. ઇન્દિરાએ પોતાના ફાયદા માટે વહેલી ચૂંટણી યોજી હતી એવી જ રીતે મોદી પણ પોતાના ફાયદા માટે અને ઐતિહાસિક નિર્ણય બતાવવા માટે આવું કરી શકે. કોંગ્રેસને આની ગંધ આવી ગઇ છે.


પણ પ્રેક્ટિકલી આવું કરવું શક્ય છે ખરું? ચૂંટણી નિષ્ણાતો કહે છે કે 2024થી આવું કરવું શક્ય છે પણ એકાદ-બે લોકો એવું પણ માને છે કે જો શાસકપક્ષમાં ઇચ્છાશક્તિ હોય તો 2019માં જ આવું કરી શકાય. વન નેશન વન ટેક્સ પછી હવે વન નેશન વન ઇલેક્શન સૂત્ર વહેતું થવાનું છે. પી. ચિદમ્બરમે આને વધુ એક જુમલો ગણાવ્યો છે. ગોપાલસ્વામી જેવા પૂર્વ ચૂંટણી કમિશનર તો ખુલ્લેઆમ કહી ચૂક્યા છે કે ભારતમાં ચૂંટણી એટલે ભ્રષ્ટાચારની ગંગોત્રી. જેટલી ચૂંટણી વધુ એટલો ભ્રષ્ટાચાર વધુ. ચૂંટણીચક્ર એટલે ભ્રષ્ટાચારચક્ર.


વહીવટમાં અને વિકાસનાં કામોમાં અનુકૂળતા રહે અને લોકોને અગવડ ન પડે કે ખર્ચ ઘટે એ બધા ઉપરાંત મોદીને શું ફાયદો? 2014માં મોદી તેમની લોકપ્રિયતાની ચરમસીમા પર હતા અને તેના આધારે તેમને સૂંડલામોઢે મત મળ્યા. મોદીવેવને કારણે ભાજપ આખું ઉત્તરપ્રદેશ તાણી ગયું અને ઇતિહાસ રચાઇ ગયો. મોદી જાણે છે કે દરેક વખતે ઇતિહાસ રચવો શક્ય નથી. મોટાભાગનાં રાજ્યોમાં ભાજપને મહત્તમ બેઠકો મળી ચૂકી છે. સ્વાભાવિક રીતે જ આમાં હવે ઘટાડો થવાનો છે. મોદીની ગણતરી એ છે કે લોકપ્રિયતા વધુ ઘટે એ પહેલાં આ વેવથી વધુ નફો રળી લેવો. જો આ વેવની તાકાત સાવ ક્ષીણ થઇ જાય તો ઘણે ઠેકાણેથી સત્તા ગુમાવવી પડે. બીજું, આ અને આવા ઇનોવેટિવ (નવી પેઢીના લોકો માટે ખાસ) આઇડિયાથી વોટરોને ઇમ્પ્રેસ કરી શકાય. તાર્કિક રીતે મોદી ખર્ચ ઘટાડવાની વાત કરે છે તો તેમાં ખોટું શું છે? આ વાત કોઇના પણ ગળે ઊતરી જાય એવી છે. જે વિરોધ કરે તેને દેશવિરોધી બતાવી શકાય કારણ કે દેશના પૈસા વેડફાય છે એ પણ હકીકત છે. જે આ સૂચિત દરખાસ્તનો વિરોધ કરશે તેને પણ ચૂંટણીપ્રચારમાં મોદી આડેહાથ લેશે અને તેમને ભ્રષ્ટાચારના સપોર્ટર ગણાવશે. મોદીની આ યોજનાનું નામ છે એક ઝાટકે કોંગ્રેસમુક્ત ભારત!

manrajmehta@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP