Home » Rasdhar » મધુ રાય
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

હરનિશ જાની તિરછી નજરે

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

હરનિશભાઈનો પરિચય મને થયો ત્રેવીસેક વર્ષ પહેલાં રાહુલ શુક્લના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ત્રણ જિંદગીને સલામ’ના લોકાર્પણ વખતે. તે દિવસથી આજ સુધી તેમની જિગરજાની અને રાહુલભાઈની કદરદાની બાર્લી–ના ઉમદા શરાબની જેમ પરિપક્વ થતી રહી છે. જાનીનું સ્વાસ્થ્ય સારું હતું ત્યારે ઘણીવાર અમે ત્રણ ખાવા–પીવા જતા અને જાનીસાહેબની વાતો ત્યારે પણ સતત ચાલુ રહેતી. વાતો જાનીસાહેબને માટે શ્વાસોચ્છ્વાસ જેટલી જરૂરી હતી. દિલ વિશે, દિમાગ વિશે, દુનિયા વિશે જાનીસાહેબનો દૃષ્ટિકોણ કાયમ તિરછો રહેતો. એમની વાતોમાં સતત વિસ્મયભાવ અને વિનોદરસના પરપોટા ફૂટતા. કોઈપણ રેડ બ્લડેડ અમેરિકનની જેમ જાનીસાહેબ મિત્રો સાથે ખાવાની, પીવાની, ચાહવાની અને ઇશ્કની વાતો લિજ્જતથી કરતા.

જાનીસાહેબ જેનાં કરતા તેનાં ચિક્કાર વખાણ કરતા

હરનિશભાઈ અમેરિકા આવ્યા ત્યારે અહીંની પ્રજા, અહીંના સમાજ, સાહિત્ય, સંગીત, સિનેમા, ટીવી, ખાણીના ને પીણીના રસિક ઉપભોક્તા બનેલા. હસવા હસાવવાના સ્વભાવ છતાં જાની છીછરા નહોતા: અમેરિકામાં જાતે સહેજ સ્થિર થયા કે તેમણે પરિવારના લોકોને એક પછી એક અમેરિકા બોલાવી સેટલ કરેલા. પોતાનાં માતા-પિતા માટે, પત્ની હંસાબહેન અને પુત્ર-પુત્રીઓ માટે હરનિશભાઈને ખસૂસ ગર્વ અને ગૌરવ હતાં.


ભારતમાં થોડી વાર્તાઓ લખેલી એમણે, પણ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો ગંભીર રસ એમની પાછલી ઉંમરે વિકસ્યો. તે સબબ એમને અમેરિકાના ગુજરાતી સાહિત્યકારો અને ક્રમે ક્રમે ગુજરાતના સાહિત્યકારોની સંગત થઈ. જેવું બોલતા એવું જ લખતા તેથી પોતાના હાસ્યનાં લખાણો થકી એમણે સેંકડો મિત્રો અને હજારો ચાહકો મેળવ્યા. તે સિનેમાની વાત લખે કે ક્રિકેટની કે મિસ અમેરિકાની કે સાઇનફેલ્ડના ટીવી શોની કે એક્સવાયઝેડની કે ટ્રિપલ એક્સની, પણ વાતના વળાંકે વળાંકે આપણને આપોઆપ હસવું આવે. છેલ્લે છેલ્લે તે પ્રોફેશનલ કોમેડિયનોની માફક ઠેર ઠેર પ્રોગ્રામો આપતા થયેલા. તે પ્રોગ્રામોમાં થતી ભીડ જોઈને મને ઈર્ષા આવતી, પણ મને આશ્વાસન આપવા જાનીસાહેબ પંજો ફેરવીને કહેતા કે અમે તો ‘લોકો’ના લેખક છીએ અને તમે તો (અહોભાવની મુદ્રા) ‘લે–ખ–કો’ના લેખક છો. જાનીસાહેબ જેનાં વખાણ કરતા તેનાં ચિક્કાર વખાણ કરતા. કશું ન ગમ્યું હોય તો તેની ઝાઝી પિંજણમાં નહીં પડતા.


તેમના વિનોદી નિબંધો વાંચીને જ્યેષ્ઠ હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને ગુજરાતી ભાષાના અનન્ય ઉદ્યમી રતિલાલ ચંદરિયા હરનિશભાઈના અવ્વલ ‘ફેન’ બની ગયેલા. એમની કોલમોના ચાહકોની એક રેગ્યુલર ગેંગ બનેલી ગુજરાતમાં અને ફેસબુક ઉપર એમની સ્તુતિ થવા લાગેલી. અલબત્ત, આ બધાની પણ મને અસૂયા થતી, પરંતુ ખરેખર તો મિત્રની કીર્તિનો ગર્વ પણ થતો હતો, કેમ કે હું સતત એમને કોલમ લખતા રહેવા ઉત્સાહ આપતો. જાનીસાહેબ પણ કહેતા કે આમ ફરજિયાત લખવાનું આવે છે તે વસ્તુથી જિંદગીમાં ચાનક રહે છે.


છેલ્લાં અઢાર વર્ષથી હરનિશભાઈને નોકરી નહોતી. એ અઢાર વર્ષોમાં એમને ચારેક વાર હાર્દિક હુમલા આવી ચૂકેલા અને શી ખબર કેટલા જંતરડા એમણે હૃદયની નસોમાં નંખાવેલા. હોસ્પિટલ–નિવાસ એમના માટે નવો નહોતો, પણ દરેક વખતે જાનીસાહેબ હસતાં હસતાં પાછા આવતા. અમે કહેતા કે નર્સ લોકો સાથે અડપલાં કરવા મળે એટલે જાની માંદા થાય છે.


જાનીસાહેબને છેલ્લે છેલ્લે ઓછું સંભળાતું હતું, જે ખોટને પણ હરનિશભાઈએ દરેક મુસીબતની જેમ વિનોદમાં રોકડી કરી લીધી હતી અને જાનીસાહેબ અેવરેજ બે-ત્રણ અઠવાડિયે કોલ કરતા અને કહેતા કે મને તો સંભળાતું નથી એટલે તમારે કાંઈ બોલવાની જરૂર નથી. હું જ બોલ્યા કરીશ. દરેક કોલમાં એવરેજ પોણો કલાક વાતો કરતા, મારી કોલમ વિશે, પોતાની કોલમ વિશે, કોઈ બીજાની અભદ્ર હરકત વિશે અથવા ઈશ્વર જાણે શાના વિશે– કેમ કે કેટલીક વાર આપણા કાન સારા હોવા છતાં આપણું ધ્યાન પણ બીજે ચાલ્યું જતું અને કેટલીક વાર યાદદાસ્ત ક્ષીણ થવાને કારણે પહેલાં કરેલી વાત ફરી ફરી કરતા.


હવે જાનીસાહેબ આ દુનિયામાં નથી. હવે જાનીસાહેબ એવા સ્થળે છે જ્યાં તે સરવા કાને બધ્ધું સાંભળી શકે છે. આપણને થાય કે તે તોફાની સ્મિત સાથે પ્રિયજનોનાં કલ્પાંત સાંભળતા હશે? કે (ઈર્ષાની મુદ્રા) કોઈ પરીની પાંખો ઉપર આંગળીઓ ફેરવતા હશે? ભાઈ, હરનિશભાઈ છે!
madhu.thaker@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP