Home » Rasdhar » મધુ રાય
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

ને રંગ રાતોના રસિયા

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

ફિલ્મની માતૃભાષા છે દૃશ્યો. ફિલ્મોમાં સતત અનવરત બોલાતા સંવાદ દખલ પણ કરતા હોય છે. બાજુના ઓરડામાં ગુજરાતીમાં નાટકનું રિહર્સલ થતું હોય તો આપણને તે એક્ટર લોકોની બોલવાની ચાવળાઈ ઉપરથી, બનાવટી હાસ્ય કે બનાવટી ડૂમાના પાજી અવાજોથી ખ્યાલ આવી જાય કે નૌટંકીનું રિહર્સલ ચાલે છે.

ફિલ્મનો જન્મ નાટક પછી થયો તેથી શરૂઆતની ‘ટોકી’ ફિલ્મોમાં નાટકની નકલ થતી

ફિલ્મનો જન્મ નાટક પછી થયો તેથી શરૂઆતની ‘ટોકી’ ફિલ્મોમાં નાટકની નકલ થતી. ક્રમે ક્રમે ફિલ્મે એક સ્વતંત્ર ચાક્ષુષ (મીન્સ કે વિઝુઅલ) કલા તરીકે કાઠું કાઢ્યું અને ચલચિત્રમાં ‘ચિત્ર’નું મહત્ત્વ લોકોને સમજાયું. ગુજરાતી ફિલ્મો હજી શૈશવમાં છે. હજી ગુજરાતીમાં નાટકીય તરીકાથી સંવાદો બોલાય છે, કેમેરા પ્રેક્ષકના દૃષ્ટિબિંદુથી ફિલ્મ ઉતારે છે અને બે અભિનેતાઓનો સીન હોય તો તે બંને એકમેકની સામે નહીં પણ પ્રે–ક્ષ–કોની સામે જોઈને સંવાદો બોલે છે. અથવા એક જણ બોલતું બોલતું પૂંઠ ફેરવીને બારી પાસે ચાલ્યું જાય છે અને બારીના કાચ સામે ડબલ ડબલ શબ્દોમાં ડાયલોગ બોલે છે:, ‘ત્હો હું ત્હને... ત્હો હું ત્હને કદી માફ નહીં કરું, કદી માફ નહીં કરું.’ પછી સામી વ્યક્તિ ફક્ત એક જ શબ્દ બોલે, ‘પ્હણ...’ અને સંભવ છે કે પહેલી વ્યક્તિ દોડી આવીને બીજી વ્યક્તિનું મોં દાબી દે. અથવા ગાવા માંડે. અલબત્ત, સાચેસાચ જિંદગીમાં આવું ક્યાંય કદી બનતું નથી.


ફિલ્મનો ધર્મ છે સાચેસાચો વાસ્તવ રજૂ કરવો. બોલવું કમતી અને બતાવવું જ્યાસ્તી. સંવાદો બોલવાની લઢણ સામાન્ય માણસોની સ્વાભાવિક વાતચીત જેવી હોવી ઘટે, ચીપી ચીપીને બોલતા એક્ટરોની ચાબાઈ જેવી નહીં.


ગુજરાતી ફિલ્મુત્સવની શ્રેષ્ઠ ફિલ્મ, જે કદાચ આજ સુધીની શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ છે, કદાચ રાષ્ટ્રીય કક્ષાની કે સંભવત: વિશ્વ કક્ષાની ગંજાવર ગજાની ફિલ્મ છે, તેમાં પણ કરણની નજર પહેલી વાર સુપ્રિયા ઉપર પડે છે ત્યારે સ્લો...મો...શ...ન અને પાછળ સંગીતના સિસકારા! જંગલના આશ્રમમાં સુપ્રિયાનો રઇસ પોશાક! મુસ્લિમ બાબા કરણને જિંદગાનીનું ‘ગનાન’ આપે છે તે વખતે અને કાલેવાલી માતા કરન પાસે અંતિમ રહસ્યને સ્ફૂટ કરે છે તે વખતે ‘અદ્દલ નાટક’ના સીન ભજવાતા દેખાય છે. મનોજ શાહ અને કપિલદેવ બંને ડ્રામાધિરાજો પોતપોતાની રીતે ‘ઓક્કે’ છે, પરંતુ એક્ટરીની નોખી નોખી સ્ટાઇલના કારણે અકારણ જોડેલા જણાય છે. ‘રેવા’માં કરણ અને પુરિયા સૌથી વધુ સ્વાભાવિક છે. નાની ફિલ્મોમાં રમ્મત ગમ્મત સિવાય અને ફીચરમાં માનો કે ‘ઢ’ અને કંઈક અંશે ‘કરસનદાસ’ સિવાય નાટકનો કિનખાબી અંગરખો બધી ફિલ્મોએ ઓઢેલો છે.


પરંતુ આહ્્લાદક વાત તે છે કે ‘ઓક્સિજન’, ‘કરસનદાસ’, ‘ભંવર’ વગેરેમાં અનોખી મૌલિકતા છે, ચિત્કાર એક સીમાચિહ્્નરૂપ નાટકનું જાણે આર્કાઇવલ સંસ્કરણ છે અને ‘ધાડ’ એક પ્રદેશને નમન કરે છે. અહીં ફારસ છે, પેરોડી છે, લવ છે, લસ્ટ છે, આણિ દરેકે દરેક ફિલ્મની બોલીઓ, લઢણો અને લહેકાઓ બને તેટલા મૌલિક છે.


ગયા અઠવાડિયે ન્યૂ જર્સીમાં થયેલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની વિગત આપી હતી. એમાંના વિષયોનું વૈવિધ્ય અને અગાઉ કરતાં અચાનક વિકસિત થયેલી છટા ગગનવાલાને મોહી ગયેલી. બે-ત્રણ વસ્તુ જે નહીં રુચેલી તે આ નાટકિયાવેડાં, હાઇ આર્ટનો સ્વાંગ અને યસ! ગુજરાતી લિપિનો અભાવ. નાની મોટી વીસ ફિલ્મોમાં ‘ધાડ’ સિવાય દરેકમાં ક્રેડિટ ટાઇટલ અંગ્રેજીમાં હતાં. તે ફિલ્મો વિશેની જે ચોપડી આયોજકોએ છાપેલી તેમાં પણ અંદરના એક પાના સિવાય પૂંઠા ઉપર કે બીજે કશેય ગુજરાતીનો અક્ષર નહોતો. તેના કારણ તરીકે તાજેતરમાં જાડા થયેલા વિદ્વાને જણાવ્યું કે આજકાલ ફિલ્મ જોવા કોલેજિયનો જ જતા હોય છે એમને આવું જ જોઈએ છે અને એમને ગુજરાતી વાંચતાં આવડતું નથી. હાલાંકિ ન્યૂ જર્સીના ફિલ્મુત્સવમાં જોવા આવેલા દર્શકો હતા પાંદડું લીલું ને રંગ રાતોના રસિયા, જુવાનિયા નહીં. જેમને ગુજરાતી વાંચતાં આવડતું નહોતું તે કોલેજિયનો તો ગુજરાતી ફિલ્મો માટે પણ ‘કુડન્ટ કેર લેસ’ હતા.

ગગનવાલાએ બ્રિલિયન્ટ તર્ક કરતાં કહેલું કે બે કંપનીઓ છે, સેમસંગ અને એપલ. સેમસંગ કંપની લોકોને તે આપે છે જે લોકોને જોઈએ છે. જ્યારે એપલ કહે છે કે લોકોને ખબર નથી કે તેમને શું જોઈએ છે, એવું અદ્્ભુત કાંઈ આપો કે તે જોતાંવેંત લોકો પાગલ થાય. આ તો સહેજ ગમ્મત ઓન્લી, કેમ કે ગગનવાલા કોઈ બી ચીજના જ્ઞાતા નથી અને એમના સેલફોનની ચાવી ઊતરી જાય ત્યારે તેમાં ચાવી ભરતા પણ એમને ફાવતું નથી. જય ધ્રુવ અંકલ!
madhu.thaker@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP