Home » Rasdhar » મધુ રાય
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

ઇગુજફિફે, યુએસએ

  • પ્રકાશન તારીખ15 Aug 2018
  •  

ગયા અઠવાડિયે એડિસન, ન્યૂ જર્સીમાં ઇન્ટનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ સંપન્ન થયો જેમાં ગગનવાલા અમુક રીતે સંડોવાયેલા હોવાના કારણે તેના તોરમાં હજી મુઠ્ઠીઓ વાળીને લાંબાં ડગતાં ભરતા હીરોની જેમ ફરે છે. વડા વડા હીરો હિરોઇનોની હાર્યે સેલ્ફિયુ ખેંચાવીને, ફિલ્મસ્ટાર્સોની ભેળા ભાઈબંધી બાંધીને, વીસ વીસ નાની ને મોટી ને જાડી ને પાતળી, ખીખીખી હસવાની ને ડસક ડસક આંસુડે રડવાની ને ભાગમભાગિંગ ને ધમપછાડિંગ કરતી ફિલ્મું જોઈને આંખું ઠારી ને બસ પાછા ડાઢી કરીને ને માથામાં સુગંધીફુલ તેલ ભૂંસીને નવા બુસકોટ પેરીને તૈયાર થૈ ગ્યા છિયેં આવતા વરસનો રંગમેળો જોવાને.


અરે યાર, હજી અમારા તો ‘બિલીવ’માં નથી બેસતું કે ગુસ્મુજરાતીના દીકરાવ આવી ફિલ્મું ઉતારે, યુ ફોલો? હજી અમારા મગજમાં ભલે મનહર દેસાઈ ને નિરૂપા રોયની નહીં તો બી નૈંન ચકચૂર છેની પિન અટકેલી છે. કદાચ છલાંગ મારીને પિન જઈ બેસે બૌબૌ તો ભવની ભવાઈ યાતો રાજુના રોંગ ટર્ને, સપોઝ ને અચાનક આ ફિ.ફે.માં ‘બહુરૂપી’ જેવા સબજેક ઉપર જ્ઞાનગમ્મતવાળી ડોક્યુમેન્ટરી! ‘કરસનદાસ’ના સુલભ શૌચાલયમાં રોમાન્સ? ઓસ્ટ્રેલિયામાં રંગદ્વેષ? ‘ભંવર’ મેં કઠપૂતલી ઉપર ફીચર? હિચકોકના ‘ધ રોપ’ની જેમ એક બંગલે મેં બંદ ફેમિલીની નીતિ–અનીતિની સવ્વા બે કલાકની બહસ કરતી ‘ચલ મન જીતવા જઈએ’?

આવો ફેસ્ટિવાલ આપણા ઉમરે પહેલી વાર આવ્યો હોય તયેં આપણે એમાંથી ભૂલું ગોતિયેં કે એને બથ ભરીને ભેટી પડિયેં?

ગુજ્જુભાઈની ફેક સ્પાય થ્રિલર? ‘રતનપુર’ની ચોકીમાં ક્લૂઝોની ને કાતિલોની એકડી બગડી ઘૂંટતી મર્ડર મિસ્ટ્રી? અમેડાબાડી લેડી રેડિયો જોકીકે દિલધડક ‘લવની ભવાઈ’કા? એન્ડ વોટ અબાઉટ મગજમેડ નારીના કાન ફાડી નાખે તેવા ‘ચિત્કાર’ ગુજરાતી સ્ક્રીન ઉપર? રૂપેરી પરદાના ‘સુપરસ્ટાર’ના પ્લેટોનિક પિયારની સોક્રેટિક દાસ્તાં! આવતી કાલના ઇમોશનલ ડિસ્ટોપિયામાં સંબંધોમાં ‘ઓક્સિજન’ ફૂંકવા ભાડૂતી ભાઈભાંડુ ને ભત્રીજાનો બિઝનેસ? એલા આપણે એકવીસમી સદીમાં આઈ ગ્યા કે? કહાંથી આયવા આ બધા ન્યૂ–ન્યૂ સબજેક? વોટ હેપન્ડ ટુ ઓલ ધી પાઘડીવાળાઝ ને માતાજીવાળાઝ ને ધેટ ગામડાઝ ને ગરબાઝ ને ગાડાંઝ કા ક્રાઉડ? ને ઘેલા ગગનવાલા! ડોન્ટ ફરગેટ શોર્ટ ફિલ્મ્સ, હોં કે! લવલી લિટલ ‘રમ્મત ગમ્મત’, ‘ડાયરી’, ‘90 સેકન્ડ્ઝ’, ‘સેલ્ફી પર સે’... અને ડોક્યુમેન્ટરી? ‘ગીર’ ઉપર અઢી કલાકની ટોકી? નારીના પુરુષાર્થની નમણી કહાણી ‘મહાગામિત સુનીતા’ની.


ને ઓહ હેલો, હેલો! એક વન્ડરફુલ પ્રદેશની વન્ડરફુલ વાર્તા ઉપરથી સત્તર વરસની વન્ડરફુલ વાટ જોયા બાદ રિલીઝ થતી ‘ધાડ’! હાથે ચીટિયો ભરવાનું મન થાય છે કે ગુજરાતી સાહિત્યકારની વાર્તા ઉપરથી બબ્બે ગુજરાતી ફિલ્મુ? વેપારીના દીકરા ગુજરાતીને એવું તે શોભે? અરે મોટા! ગુજરાતી શું અક્ખા ઇંડિયા કા ટોટલ કા ટોટલ સાહિત્યકાર મોઢે મેં આંગળા ઘુસા કે દેખતા રહી જાય તેવી ‘રેવા’? ભરો ચામડીને બીજો આધિયાતમીક ચીટિયો, નર્મદે...અ હર...અ!


અરે વેઇટ વેઇટ વેઇટ! ‘શરતો લાગુ’ અને ‘ઢ’ કોમ્પિટિશનમાં નહોતી. એમાંથી ‘શરતો લાગુ’ જોવાનું ચુકાઈ ગયું છે ને ગગનવાલાએ તેના માલિકોની ડાઢીમાં હાથ નાખીને તેની ડીવીડી કે જે કાંઈ મળે તે માટે કાલાંવાલાં કરેલ છે અને એન્ડમાં ‘ઢ’. રાષ્ટ્રીય સમ્માનપ્રાપ્ત આ ગુજરાતી ફિલ્મની બાળકોની મનોહર કહાનીમાં છે ભેદભરમ ને જાદુઈ સનસનાટી ભરેલો દાદાનો ડંગોરો! ભઈ વાહ, અર્ચન ત્રિવેદીને હાફ મુંડન ને હાફ વાળ સાથે દાદાના રોલમાં જોવાનો આનંદ આવ્યો અને બાળકો તો એવા રસગુલ્લા જેવા લાગ્યા કે હાથ લંબાવીને સ્ક્રીન ઉપરથી ઉપાડીને પધરાવી દઈએ હઈયામાં. ઓહો ડબલ ડેકર ડાયરેક્ટર! લેડી ડાયરેક્ટર! પરભાષી ડાયરેક્ટર, દીકરા ડાયરેક્ટર ને ડેડી છે એક્ટર! નાટકના જે ડાયરેક્ટર તે ફિલમનાયે ડાયરેક્ટર! કેવું ફાઇન!
એમ? તો બધું ફાઇનમફાઇન લાગ્યું? કાંઈ ગોટાળા, કાંઈ ભૂલચૂક, કાંઈ ખોટા ઉપાડા, કાંઈક ગાલાવેલી વાતું કે કશીય ખામી ક્યાંય ન દેખાણી? વાચક સર સાહેબ, આવો ફેસ્ટિવાલ આપણા ઉમરે પહેલી વાર આવ્યો હોય તયેં આપણે એમાંથી ભૂલું ગોતિયેં કે એને બથ ભરીને ભેટી પડિયેં?


પણ તમે માઉથમાં ફિંગરિંગ કરીને ફોર્સ કરો છો તો બેચાર મામૂલી ગફલતુની વાતેય કરસું આવતી ખેલે. એમ સમજો ને કે આ ‘ઇન્ટર’ પઈડો. તમતમારે ફ્રેસ થઈને આવો પછી માંડસું ‘આમ નોતું’ ને ‘તેમ નોતું’ની ડાયલી ડાયલી વાતુ. જય જયંત ખત્રી!
madhu.thaker@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP