Home » Rasdhar » મધુ રાય
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

મીટ ડોક્ટર અક્ષય વેંકટેશ

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

ગયા બુધવારે બ્રાઝિલના રિયો દ હાનેરિયો નગરમાં ઇન્ટરનેશનલ કોન્ગ્રેસ ઓફ મેથેમેટિક્સનું અધિવેશન ભરાયેલું તેમાં ચાર ગાણિતીઓને કેનેડાનો વિખ્યાત ફીલ્ડ્ઝ મેડલ એનાયત થયો. તેમાંના એક છે દિલ્હીમાં જન્મેલા, ઓસ્ટ્રેલિયામાં ભણેલા, હાલ અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં સાંખ્યવિદ્યાના અધ્યયનમાં રચેલા ને અધ્યાપનમાં પચેલા અક્ષય વેંકટેશ!
આ ફીલ્ડ્ઝ મેડલ સાથે અપાતી રોકડ રકમ તો છે ફક્ત ૧૫,૦૦૦ કેનેડીયન ડોલરડી ઊરફે લગભગ આઠ લાખ રૂપરડી. પણ મિસ્તર! અંકજગતમાં આ મેડલનો દબદબો છે, માભો છે નોબેલ પ્રાઇઝ જેવો (નોબેલની રોકડી લગભગ ૯૭,૦૦૦ અમેરિકન ડોલરડી મીન્સ કે લગભગ પોણા સાત કરોડડી રૂપરડી)!


ફીલ્ડ્ઝ મેડલની સ્થાપના ટોરન્ટો, કેનેડાના ગણિતવિદ જ્હોન ચાર્લ્સ ફીલ્ડ્ઝના પુરુષાર્થથી ૧૯૩૨માં થઈ હતી. આ ચંદ્રક દર ચાર ચાર વર્ષે ૪૦ વર્ષ સુધીની ઉંમરનાં પ્રખર પ્રતિભાવંત ગણિતશાસ્ત્રીઓને એનાયત થાય છે. યાને તેવા પ્રખર પ્રતિભાવંત ગણિતશાસ્ત્રી છે, હમારે જાતભાઈ તમિળ માતાપિતાના સંતાન ૩૬ વર્ષીય પ્રોફેસર તિરુ અક્ષય વેંકટેશ. તમિળ ભાષામાં તિરુ મીન્સ શ્રી કે શ્રીમાન.

આ તિરુને તેનું રામાનુજન પારિતોષિક 2008માં
મળી ચૂકેલું

આ સમાચારથી જાતભાઈ જાતે આભા થઈ ગયેલા. કહે કે ગણિતના પ્રોફેસર લોકો એબસન્ટ માઇન્ડેડ હોય, લઘરવઘર હોય, એકલા એકલા બોલતા હોય ને દુન્યવી બાબતોમાં લાપરવાહ છતાં જિનિયસ હોય એવી સાધારણ માન્યતા છે. અપુન તો લાઇફ મેં બડા શૌકીન હૈ, જિનિયસ ફિનિયસ નહીં હૈ. હેં હેં, એ તો એની મોટાઈ કહેવાય કેમકે મડ્રાસી રન્ડઅ કોઓ–ફીઅ–ના રસિયા આ પ્રાધ્યાપકને આ ચંદ્રક અપાયો છે, ‘ગતિ સિદ્ધાન્ત (ડાયનામિક થિયરી) સાથે સંલગ્ન ગતિશીલ પદાર્થોના સમીકરણોના અધ્યયનથી સંખ્યા તત્ત્વસિદ્ધાન્ત (નંબર થિયરી)ની સમસ્યાઓનાં સમાધાન સંપન્ન કરવા બદલ’. હવે તમે ચતુર કરો વિચાર કે આ તિરુ કેવો બ્રેઇની હોવાનો!


તે બે વર્ષનો હતો ત્યારે તે માતાપિતાની સાથે ઓસ્ટ્રેલિયાના પર્થ નગરમાં આવેલો. ત્યાં તેણે ભૌતિકશાસ્ત્ર (ફીઝિક્સ) અને અંકશાસ્ત્ર (મેથેમેટિક્સ)ની આંતર્રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચંદ્રકો જીતવાનું 11 વર્ષની ઉંમરથી ચાલુ કરી દીધેલું. અને 13 વર્ષની વયે ફર્સ્ટ ક્લાસ ઓનર્સ સાથે સ્કૂલ પતાવી અક્ષય યુનિવર્સિટીમાં ભણવા ગયો અને 16 વર્ષે યુનિવર્સિટી કંપલીટ કરીને અક્ષયકુમારે 20મા વર્ષે પીએચડી કર્યું. ત્યાંથી તેણે અમેરિકાની પ્રચંડ ટેક્નોલોજીની એમઆઈટી સંસ્થામાં કામ કર્યું અને હાલ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અધ્પાપન કરે છે. અને શું કહ્યું? શાનું અધ્યાપન કરે છે? ટોપોલોજી, ઓટોમોર્ફિક જ્યોમેટ્રી અને અર્ગોડિક થિયરી! યસ, તમે ચતુર કરો વિચાર. પ્રકાંડ ગણિતજ્ઞ રામાનુજનના ગામ કુંભકોણમ પાસે આવેલી ષણ્મુગ આર્ટ્સ, સાયન્સ, ટેક્નલોજી એન્ડ રિસર્ચ યુનિવર્સિટી તેના પ્રથમાક્ષરો SASTRA થકી વધુ જાણીતી છે. આ તિરુને તેનું રામાનુજન પારિતોષિક 2008માં મળી ચૂકેલું. વધુમાં, એવણની રીસર્ચ માટે એવણને ઓસ્ટ્રોવસ્કી પ્રાઇઝ, ઇન્ફોસિસ પ્રાઇઝ અને સેલમ પ્રાઇઝ પણ પ્રાપ્ત થયેલ છે.


અઢી ઇંચના ફીલ્ડ્ઝ મેડલ ઉપર 14 કેરેટ ગોલ્ડનો વરખ હોય છે. ગયા બુધવારે બીજા ત્રણ ગણિતવિદોને પણ તે ચંદ્રક એનાયત થયેલો. તેમાં સૌથી નાની વયના છે યુનિવર્સિટી ઓફ બોન્નના પ્રોફેસર પીટર શોલ્ઝ, ઉ.વ. 30; સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ફિગાલી આલેસિયો ઉ.વ. 34; અને સૌથી મોટી વયના છે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના પ્રોફેસર ચોસર બિરકાર, ઉ. વ. 40. પ્રોફેસર બિરકારે પોતાનો ચંદ્રક, સેલફોન વગેરે એક બ્રીફ કેસમાં મૂકેલાં અને બ્રીફ કેસ પોતાના ટેબલ ઉપર મૂકી રાખેલું. રિયો દ હાનેરિયોમાં ગુનાખોરી, ચીલઝપટ ને ખિસ્સાકાતરુ વગેરે એવા ફૂલેલા ને ફાલેલા છે કે પ્રોફેસર બિરકાર હજી ‘થેંક્યુ’ બોલે ત્યાં તો બ્રીફ કેસ ગાયબ! તરત સિક્યુરિટી ને પુલિસ વગેરેએ ધમાલ કરીને બ્રીફ કસે તો શોધી કાઢ્યું પણ અંદરથી મુદ્દામાલ ગતિશીલ પદાર્થની જેમ ઊડી ગયેલો. હવે તે સમારંભની વીડિયોની એક એક ફ્રેમની જાંચ થઈ રહેલ છે.


તેનું તો જે થાય તે, પરંતુ આખા વિશ્વમાં ગણિતના ક્ષેત્રમાં સૌથી મોટો પુરસ્કાર અપાયાના સમાચાર છાપામાં જોતાં જ ગગનવાલાના કાન ભડકેલા: આમાં એક તો ઇંડિયન બચ્ચુ હોવાનો! અને વ્હાય નોટ! મીટ ડોક્ટર અક્ષય વેંકટેશ, જેની જિજ્ઞાસાના વિષય છે, સંખ્યા, ગતિ, આકાર... યાને જે સતહ ઉપર સર્વસમગ્ર જ્ઞાન એક પિંડ બની દર્શાય છે તે! જય જ્હોન ચાર્લ્સ ફીલ્ડ્ઝ!
madhu.thaker@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP