તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોર અને દિશા, બન્નેમાંથી મુક્તિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.
કામ લાયક હોઉં નહિ હું સ્હેજ પણ,
તો હવે સંસારમાંથી મુક્ત કર.
આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર.
ભાર આપી દે હિમાલય જેવડો,
પણ મને આ-ભારમાંથી મુક્ત કર.
છીનવી લેવી જો ફોરમ હોય તો,
ફૂલના અવતારમાંથી મુક્ત કર.
- દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

સંબંધોના તમામ સ્વરૂપો માનવીને બાંધે છે જરૂર. લાગણી, વાત્સલ્ય, પ્રેમ, વિરહ માણસને બાંધી રાખે છે અને આ બંધન જીવવા માટે છે એમ કહીએ તો ખોટું નથી. સગપણોના આટાપાટા માનવીને જીવવાનું બળ પૂરું પાડે છે. બાળક જન્મે પછી તદ્દન અસહાય હોય છે. એનામાં પોતાની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાની શક્તિ નથી હોતી. સંપૂર્ણપણે અન્ય આધારિત! પણ જુઓ, એ માતાને જીવવાનું બળ આપે છે. માનું સમગ્ર જીવન, એની સંપૂર્ણ દિનચર્યા બાળકની આસપાસ ગોઠવાઇ જાય છે. મા બંધાઇ જાય છે. બાળક એનું સૌથી મોટું બંધન છે અને તોય મા માટે એ જીવવાનું સૌથી મોટું કારણ બની જાય છે એટલે જ યુવાન વયે વિધવા થયેલી સ્ત્રી ઘણીવાર એકલી જીવી જાય છે. એ દુનિયાની દૃષ્ટિએ એકલી હોય છે, પણ એનું બાળક એનો સૌથી મોટો સહારો હોય છે. આમ જુઓ તો જરૂર બાળકને છે, પણ બાળકની જરૂરિયાત એ જ માતાનું જીવવાનું કારણ બની રહે છે.
પતિ-પત્ની, કૌટુંબિક સંબંધો, મૈત્રી કે કોઇપણ સંબંધોની ભૂમિકા આ જ છે. એની તીવ્રતા કે વજન ઓછું-વત્તું હોય. તમામ સંબંધોનો આ જ પાયો અને ઉદ્દેશ છે, જેને ધર્મમાં સંસારની મોહમાયા પણ કહી છે. જીવન આખું આ સંતાકૂકડીમાં પૂરું થાય છે. ઇશ્વર કોઇને દેખાતો નથી. જ્યાં સુધી પૂરી શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી એ અનુભવાય પણ નહીં! અને ત્યાં સુધી જીવવા માટેનું બળ કયું? તો એનો જવાબ સંબંધોમાં જ આવે. સંબંધો હોય ત્યારે માનવીને એનો થાક પણ લાગતો હોય છે, પરંતુ એ જ સંબંધોનો અંત આવે ત્યારે પાછી એની તરસ જાગતી હોય છે. આ જ બધી માયાજાળ છે!
કવિતાના પ્રથમ શેરમાં આવું પરમ ચિંતન છે. સંપૂર્ણ મુક્તિ એટલે કોઇપણ ઇચ્છામાંથી મુક્તિ! ઇચ્છાઓ જ અંધકાર છે એટલે એ અંધકારમાંથી મુક્તિની માગણી છે. બીજો શેર સાંસારિક ભૂમિકા સુધી પહોંચી રહ્યો છે કેમ કે ત્યાં વાત શરતી છે, ‘જો અને તો’થી વાત મુકાઇ છે, પણ પોતાની જાતને સંસારમાં તદ્દન અપ્રસ્તુત જોવી એ પણ એક ઊંચાઇ છે અને તો પછી સંસારમાં રહેવાની જરૂર શું? અહીં સુધીના શબ્દો સંતવાણી કહી શકાય.  બાકીના શેરો મજાનું કાવ્યત્વ લઇને પણ એ જ ઇચ્છાઓમાં રમતા માનવીનું ચિત્રણ લઇને આવે છે. બધા આકારમાંથી મુક્તિ એટલા માટે જોઇએ છે કે ગમતો આકાર નથી મળ્યો! આ-ભારમાંથી મુક્તિ એટલા માટે જોઇએ છે કે એને બીજો કોઇ પસંદગીનો ભાર જોઇએ છે. માનવીની સમસ્યા જ આ છે. જે મળે છે એનો સ્વીકાર કરવો અઘરો છે કેમ કે આંખ સામે એક જુદી ક્લ્પના છે, આદર્શ છે. એ પામવું છે, એવું જ પામવું છે અને એના માટે આ બધી ગુંચવણો છે, સ્પર્ધા છે, હાર છે, જીત છે. બધો આધાર મનની સ્થિતિ, સંજોગો અને સમજણ પર છે. એક સરસ મજાનું ચિંતન લઈને આવતું આ કાવ્ય ગમી જાય એવું છે.
lata.hirani55@ gmail.com

અન્ય સમાચારો પણ છે...