તું દુ:ખી થાય છે એમાં એને મજા આવે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્વેત કબૂતર કાળું લાગે! મન કેવું નખરાળું લાગે!
કોની યાદ વસી છે મનમાં, ઘરમાં કાં અજવાળું લાગે!
માણસ છે પણ માણસ ક્યાં છે, સ્વાર્થસભર કૂંડાળું લાગે!
ચોખ્ખેચોખ્ખી ભીંત અચાનક, કરોળિયાનું જાળું લાગે!
- મીરાં આસિફ

દુનિયાના દરેક સંબંધ આપણને સુખ જ આપે એવું જરૂરી નથી, કેટલાક સંબંધો દુ:ખ પણ આપતા રહે છે. અમુક લોકોની ફિતરત જ સેડેસ્ટિક પ્લેઝર મેળવવાની હોય છે. દરેક માણસે એક વાત સમજવાની, સ્વીકારવાની અને અનુસરવાની હોય છે. મારી લાગણી કોઈની રમત માટે નથી. આપણાં પ્રેમ, લાગણી, સ્નેહ, સંવેદના અને આદરને જો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવાતાં હોય તો સાવચેત થઈ જવાની જરૂર પડે છે. દરેક માણસની પોતાની અનોખી સંવેદનાઓ હોય છે. સંબંધ માટે પોતાની વ્યાખ્યા હોય છે. વધુ પડતી સંવેદના બેવકૂફીમાં ન ખપવી જોઈએ. સંબંધો વન-વે ન હોય. બંને તરફે આગ એકસરખી હોવી જોઈએ. આપણા અવાજનો પડઘો પડવો જોઈએ. આપણે સાદ પાડીએ ત્યારે હોંકારો મળવો જોઈએ. દરેક સંબંધની એક નિયતિ હોય છે. સંબંધમાં નિયત અને દાનત સારી રહેવી જોઈએ. પોતાની વ્યક્તિ માટે બધું જ કરો. માત્ર એટલું ચેક કરતા રહો કે, એને કદર તો છે ને? એને અણસાર તો છે ને કે એક વ્યક્તિ છે જે સતત મારામય છે. મારા માટે પ્રાર્થના કરે છે. તેને મારી ચિંતા છે. જો એ ન હોય તો સંબંધો પર વિચાર કરવો જરૂરી બને છે.

  • આપણાં આંસુની જેને કદર ન હોય એના માટે રડવું એ મૂર્ખામી છે

એક છોકરી હતી. બગીચામાં બેસીને એકલી એકલી રડતી હતી. માળીએ તેને રડતી જોઈને કારણ પૂછ્યું. છોકરીએ કહ્યું કે, હું જેને પ્રેમ કરું છું એને મારી કદર જ નથી. હું એના માટે બધું જ કરું છું. એના તરફથી કોઈ પ્રતિસાદ મળતો નથી. વાત કરું તો મારું મોઢું તોડી લે છે. મને સતત ઇગ્નોર કરે છે. આ સાંભળીને માળીએ કહ્યું, હવે મારી વાત સાંભળ. હું માળી છું. ફૂલ-છોડ ઉછેરું છું. એક વખત ક્યારો બનાવીને હું નિયમિત પાણી પીવડાવતો હતો. જમીનમાંથી કંઈ સળવળાટ જ જોવા મળતો નહોતો. મને આશ્ચર્ય થયું. મેં તપાસ કરી. મને ખબર પડી કે, હું જે ક્યારામાં પાણી પીવડાવું છું, ત્યાં તો કોઈ બીજ જ નથી! બીજ ન હોય તો કૂંપળ ક્યાંથી ફૂટવાની? આપણે સંબંધોમાં પણ ક્યારેક એવું જ કરતા હોઈએ છીએ. બીજ ન હોય ને પાણી પીવડાવતા રહીએ છીએ. તું પણ એવું જ નથી કરતી ને?
સંબંધ વાવીએ ત્યારે એ પણ જોવું જોઈએ કે, બીજ તો છે ને? બીજ હોય તો એ પણ વિચારવાનું કે એમાંથી કૂંપળ ફૂટે એવું તો છે ને? કૂંપળ ફૂટવી જોઈએ, છોડ ઊગવો જોઈએ, ફૂલ પણ આવવાં જોઈએ, તો જ સંબંધની સુગંધ ફેલાય. આપણાં આંસુની જેને કદર ન હોય એના માટે રડવું એ મૂર્ખામી છે. વધુ પડતું ઢળી જવું પણ ક્યારેક જોખમી બને છે. છોડને વધુ પડતું પાણી પીવડાવીએ તો પણ છોડ બળી જાય છે. ડગલાં એકસાથે પડે તો જ હાથ હાથમાં રહે. સંબંધમાં ગતિ અને મતિ મેન્ટેન થવી જોઈએ. સંબંધો જાળવવા એ એક કલા છે.
મૂડ અને માનસિકતામાં ક્યારેક ચેઇન્જ આવે એ સ્વાભાવિક છે. અમુક સમયે આપણે મજામાં ન હોઈએ. અમુક વખતે આપણી વ્યક્તિ ઉદાસ હોય. આવા સમયે ઝઘડો કે નારાજગી થાય. એવું કામચલાઉં હોવું જોઈએ. દૂર ગયા પછી પાછા નજીક આવી જવાનું હોય છે. એ પણ સહજ હોવું જોઈએ. થોડુંક મનાવીએ અને માની જાય. થોડુંક પેમ્પર કરીએ અને ફરીથી પ્રસરી જાય. હાથ પાછો હાથમાં આવી જાય. સાથમાં સાંનિધ્ય વર્તાવવું જોઈએ. આપણને અણસાર મળી જતો હોય છે. ડિસ્ટન્સ લાગે ત્યારે પ્રયાસ કરીને અંતર ઘટાડવામાં પણ કંઈ ખોટું નથી. કેટલા પ્રયાસો કરવા એ નક્કી કરવાનું હોય છે. કોઈ દેખાતું બંધ થઈ જાય પછી હવાતિયાં મારવાનું બંધ કરવું જોઈએ. બંનેની મંજિલ એક હોય તો જ સફર લાંબી ચાલે. મંજિલ અલગ-અલગ હોય તો રસ્તા ફંટાઈ જતા હોય છે.
એક છોકરા અને છોકરીની આ વાત છે. બંનેને પ્રેમ થયો. ધીરે ધીરે છોકરીએ પોતાના પ્રેમીને લાઇટલી લેવા માંડ્યો. એને ખબર પડી ગઈ કે, આને હવે મારા વગર ચાલવાનું નથી. એ પ્રેમીને ઇગ્નોર કરવા લાગી. પ્રેમીને કોઈ રિસ્પોન્સ ન આપે. છોકરો એને પાગલની જેમ પ્રેમ કરે. પ્રેમિકા તરફથી કોઈ પ્રતિસાદ ન મળે. પ્રેમી દુ:ખી થાય. એક વખત પ્રેમીને એના મિત્રએ કહ્યું કે, તું દુ:ખી થાય છે એમાં એને મજા આવે છે. તને પેઇન આપવામાં એને પ્લેઝર મળવા લાગ્યું છે. તારી વેદના એને નથી સ્પર્શતી તો તારો પ્રેમ ક્યાંથી સ્પર્શવાનો? તારી સંવેદનાને મજાક ન બનવા દે. કોઈને પ્રકાશ આપવા માટે આપણે આપણી જાતને બાળીએ ત્યારે એ પણ જોવું જોઈએ કે એ પ્રકાશને જાણવા અને માણવા એની આંખો ખુલ્લી તો છે ને? એની આંખો જ બંધ હશે તો એને કંઈ જ દેખાવવાનું નથી. એણે તો જાણી જોઈને આંખો બંધ રાખી છે. હવે તારે તારી આંખો ખોલવાની જરૂર છે.
કોઈને વહેમમાં રાખવા જેવું પાપ બીજું કોઈ નથી. તમને કોઈ પ્રેમ કરતું હોય એની તમને કેટલી કદર છે? કોઈ તમારા માટે સતત ઘસાતું હોય ત્યારે તમને તેનો અંદાજ કે અણસાર કેટલો હોય છે? તમે ક્યારેય એને કહો છો કે, તું મારા માટે જે કરે છે એનો મને ખ્યાલ છે. એનો મને આદર છે. અમુક વખતે આપણા થોડાક શબ્દો જ પૂરતા હોય છે. એક પતિ-પત્નીની આ વાત છે. પત્ની પતિ માટે બધું જ કરી છૂટે. પતિ એક પ્રોજેક્ટ પર કામ કરતો હતો. રાત-દિવસ મહેનત કરે. પત્ની નાની-નાની વાતોનું ધ્યાન રાખે. પતિ સરખું કામ કરી શકે એ માટે વાતાવરણ તૈયાર કરી દે. પતિ તેની પ્રશંસા કરતો એક શબ્દ પણ ન બોલે. જાણે કોઈ જાણ જ ન હોય. આખરે એ પ્રોજેક્ટ પૂરો થયો. તેનો પ્રોજેક્ટ ફર્સ્ટ આવ્યો. તેને સન્માનવા માટે એક કાર્યક્રમ યોજાયો. પતિએ ખુશી વ્યક્ત કરી. એ પછી આ પ્રોજેક્ટ દરમિયાન તેની પત્નીએ જે કંઈ કર્યું હતું એની નાનામાં નાની વાત યાદ કરીને બેમોઢે વખાણ કર્યાં. પત્નીને થેંક્યૂ  કહ્યું, લવ યુ કહ્યું. આ શબ્દો સાંભળીને પત્નીની આંખો ભીની થઈ ગઈ. પત્નીને થયું જાણે આજે એના સન્માન સાથે મને પણ એવોર્ડ મળી ગયો!
આપણી વ્યક્તિને ક્યારેક એક જ વ્યક્તિની પ્રશંસા, પ્રેમ અને આદર જોઈતાં હોય છે અને એ આપણે હોઈએ છીએ. આપણને એનું કેટલું ભાન હોય છે? તમારી લાઇફમાં એવું કોણ છે જેને તમારી પ્રગતિ અને સફળતાની પરવા છે. કોણ તમારા માટે પ્રાર્થનાઓ કરે છે? કોને તમારું પ્રાઉડ છે? કોઈ મુકામ પર પહોંચો ત્યારે એને જરાક યાદ કરો. એને કહો કે, મારી સફળતામાં તારી સંવેદનાઓની પણ અસર છે. તમને હસતા જોઈને કોની આંખોના ખૂણા ખુશીથી થોડાક ભીના હોય છે? જો એવું કોઈ હોય તો એની ભીનાશનો થોડોક ભેજ તમારા અસ્તિત્વમાં પણ વર્તાવો જોઈએ. એને કંઈ જ જોઈતું હોતું નથી. એ તો તમને ખુશ જોઈને જ ખુશ હોય છે. આપણી જવાબદારી છે કે એને બિરદાવી એની ખુશીને અપરંપાર કરી દઈએ.
સંબંધને પણ સમયે સમયે તપાસતા રહેવું પડે છે. હવે આ સંબંધમાં કોઈ સત્વ રહ્યું છે? આપણું દિલ ધડકતું હોય તો એનો ધબકાર એને પણ અસર કરતો હોવો જોઈએ. કોઈ સંબંધ સતત પીડા આપતો રહે ત્યારે એનો અંત આણવામાં કંઈ જ ખોટું હોતું નથી. સંબંધ જિંદગીને મહેકાવવો જોઈએ. તેનાથી સારું લાગવું જોઈએ. જે સંબંધ સુખ, શાંતિ, સ્નેહ અને સાંત્વના ન આપતો હોય એ સંબંધ સાચો હોતો નથી. સંબંધમાં નાની-નાની વાતોનું પણ ખૂબ મહત્ત્વ હોય છે. નાની વાતોને જે નજરઅંદાજ કરે છે એને ઘણી વખત મોટી વાતની પણ પરવા હોતી નથી. એક છોકરા-છોકરીની આ વાત છે. બંને વચ્ચે સારી દોસ્તી. છોકરી એક વખત મોપેડ પર જતી હતી અને સ્લિપ થઈ ગઈ. તેનો ગોઠણ છોલાઈ ગયો. તેના દોસ્તને વાત કરવાનું મન થયું. છોકરીએ પછી વિચાર્યું કે, જવા દે, નથી કહેવું! હું કહીશ તો એને મારા કરતા વધુ પેઇન થશે. છોકરાને ખબર પડી. તેણે કહ્યું કે, તેં મને કેમ ન કીધું? છોકરીએ કહ્યું, સામાન્ય ઈજા હતી, એવું તો ચાલ્યા રાખે. મને ખબર છે કે તને કહ્યું હોત તો તારા પેટમાં ફાળ પડત. મને દર્દ થયું એના કરતાં વધુ વેદના તને થાત! આપણે ક્યારેક આપણી વ્યક્તિ દુ:ખી ન થાય એટલે આપણા દુ:ખને પણ છતું કરતા નથી. આપણી પીડાથી કોઈને વેદના થતી હોય તો એવા સંબંધ સોળે કળાએ જીવી લેવાના હોય છે. એવાં પેઇન પણ પ્યારાં લાગતાં હોય છે. જેને કોઈ ફેર પડતો ન હોય એના માટે દુ:ખી થતા રહેવું એ આપણી સંવેદનાનું જ અપમાન કરવા જેવું હોય છે. જરૂરી નથી કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ આપણને પ્રેમ કરતા જ હોય, આવા સંબંધમાં એક હદથી વધારે વહેવામાં ડૂબવાનું જોખમ વધુ રહે છે. ⬛
છેલ્લો સીન : સંબંધમાં એટલી સમજ પણ કેળવવી પડે છે કે, ક્યાં અલ્પવિરામ અને ક્યાં પૂર્ણવિરામ મૂકવાની જરૂર છે. દરેક વાર્તાનો અંત સુખદ જ હોય એવું જરૂરી નથી. - કેયુkkantu@gmail.com

અન્ય સમાચારો પણ છે...