લેખક વરિષ્ઠ પત્રકાર અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

લ્હોર ગામનો માનસિક રોગ અને નિદાન

  • પ્રકાશન તારીખ20 May 2019
  •  

કડી તાલુકાનું લ્હોર અને મોડાસાનું ખંભીસર ગામ એના જાતિવાદી માનસના કારણે આજકાલ ચર્ચામાં છે. બંને ગામના અનુસૂચિત સમાજના લોકોએ પોતાના ઘરે લગ્ન અવસરે ગામમાં વરઘોડો કાઢ્યો. હવે આ ગામનો વણલખ્યો જાતિવાદી કાયદો છે કે અનુસૂચિત જાતિના લોકોએ લગ્નપ્રસંગે વરઘોડાે નહીં કાઢવાનો. વરઘોડો કાઢ્યો, એ ગામના કહેવાતા ઠેકેદારોને ન ગમ્યું. ઠેકેદારો એટલે કોણ? ગામના કહેવાતા ઉજળિયાતો. વરઘોડો કાઢવાની સજારૂપે ગામના અનુસૂચિત સમાજના લોકોનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. એમાં આખું ગામ જોડાયું.
સમય બદલાયો, પણ હજુ કેટલાક લોકોની જાતિવાદી માનસિકતા નથી બદલાઇ. હજુ ગામડામાં આજે પણ કેટલીક જ્ઞાતિઓ સત્તરમી-અઢારમી સદીની માનસિકતામાં જીવી રહી હોય એવાં એમનાં વાણી-વર્તન છે. અનુસૂચિત જાતિના કોઇ કુટુંબમાં લગ્ન હોય અને ગામમાં વરઘોડો ન કાઢવા દેવો આ કઇ જાતની વિકૃતિ? આ ઘટના માનસિક રોગનું વરવું રૂપ છે. જોકે, લ્હોર કે ખંભીસર ગામની ઘટના તો એક પ્રતીક છે, આવું ઘણી જગ્યાએ બન્યું છે, બની રહ્યું છે અને ભવિષ્યમાં નહીં બને એની કોઇ ગેરંટી પણ નથી. કારણ જાતિવાદ હિન્દુ સમાજની નસ નસમાં ઘૂસેલો માનસિક રોગ છે. એટલી હદે એ રોગ ફેલાયેલો છે કે અનુસૂચિત જાતિના લોકો ગામના મંદિરમાં ન જઇ શકે, ઘરમાં કોઇનું મરણ થયું હોય તો ગામના સ્મશાનમાં શબ ન લઇ જઇ શકે. આવી તો અનેક વિકૃત પરંપરાઓ અસ્તિત્વમાં છે. સૌએ એક વાત સમજી લેવી પડશે કે હવે આ વિકૃતિ ચાલે પણ નહીં અને કોઇ સહન પણ ન કરે. ‘હું ઊંચો, પેલો નીચો’ આ વિકૃત માનસિકતામાંથી બહાર આવવું જ પડશે. જાતિવાદનાે ઠેકો લઇને સામાજિક તાણાવાણાને છિન્નભિન્ન કરનારાએ સમજવું પડશે કે, દેશનો રાષ્ટ્રીય ગ્રંથ દેશનું ‘બંધારણ’ છે અને એની લક્ષ્મણરેખામાં સૌએ જીવવાનું છે. સૌ સમાન છે. આપસમાં સંવાદ અને સમન્વયથી જ પ્રશ્નો ઉકેલાશે.
જોકે, મોટાભાગના લોકો જાતિવાદી ઘટનાઓમાં આંખ આડા કાન કરે છે, જે સક્રિય બને છે એ ઉપરછલ્લા ઇલાજ કરે છે. રાજકીય દલાલો નિવેદનો કરી ફરી આવી કોઇ ઘટના બને એની રાહ જુએ છે. આવી ઘટનાઓ ન બને એ માટે કોઇ એના મૂળમાં જતું નથી કે નથી કોઇ સાતત્યપૂર્ણ પ્રયત્નો થતા. જાતિવાદીઓ એમના મનસૂબા પાર પાડવા સક્રિય છે. અનુસૂચિત જાતિ સોફ્ટ ટાર્ગેટ છે, ત્યારે અનુસૂચિત જાતિમાં આજે આત્મસન્માન ભરી શકે, એના સામર્થ્યને જગાડી શકે એવું રાજકીય-સામાજિક નેતૃત્વ નથી, જે એમને આવા સમયે સાચી દિશામાં લઇ જઇ શકે.
આવી ઘટના બને છે ત્યારે સૌથી ખતરનાક પાસું હોય છે સમાજને ટુકડામાં વિભાજિત કરવા માંગતા જાતિવાદી લોકોની સક્રિયતા. એ સૌથી ગંભીર પ્રશ્રો ઊભા કરે છે. આવા સમયે પોલીસ, વહીવટી તંત્ર, જાતિવાદથી ઉપર ઊઠીને કામ કરતી સંસ્થા અને ગામના સમજુ જ્ઞાતિ આગેવાનોએ આવા પ્રશ્રો ઉકેલવા સક્રિય થવું જોઇએ. એવું થાય તો માહોલ ખરાબ થતો અટકે.
જાતિવાદી રોગને નાબૂદ કરવામાં સૌથી દુ:ખદ બાબત હોય તો સાધુ-સંતોની ભયાનક હદે ઉદાસીનતા અને અકર્મણ્યતા. આવા મામલામાં જેટલું સાધુ-સંતો કરી શકે એટલું સામાજિક આગેવાનો ન કરી શકે. જે તે પંથ-સંપ્રદાયના લોકો પર સાધુ-સંતોની સારી પકડ હોય છે. એ ધારે તો આવા મામલે ઘણું કરી શકે છે, પણ એ સૌ મૌન છે. સમગ્ર સમાજના હિતમાંય સાધુ સંતો પોતપોતા પંથ-સંપ્રદાયના વાડામાંથી બહાર આવી ગામડાંઓમાં જઇ સમતા-બંધુતા-મમતા-સમરસતાની ભાવગંગા વહેતી કરે, એ ધર્મસેવા અને રાષ્ટ્રસેવા જ છે!
બીજું, માત્ર કાયદાથી જ લોકો કે સમાજનું રક્ષણ થતું નથી. કાયદો જરૂરી છે, પણ કાયદાથી સમાજમાં બંધુતા, એકાત્મતા કે મમતા આવતી નથી. કાયદો સમાજમાં ડર ચોક્કસ પેદા કરે છે અને કાયદાનો ડર હોવો પણ જોઇએ, પણ આવા પ્રશ્નમાં કાયદાની સાથે સાથે એકાત્મતા અને બંધુતાનો માહોલ સર્જાય એવા પ્રયત્નો પણ જરૂરી છે. એટલે જ ડો. આંબેડકરે આવા પ્રશ્ને ઠક્કરબાપાને એક લાંબો પત્ર લખ્યો હતો, એમાં ડો. બાબાસાહેબ લખે છે: ‘એક પ્રશ્ન એટલે ગામના સ્પૃશ્યો તરફથી અસ્પૃશ્યોનો થનારો બહિષ્કાર. સૌ જીવે છે, તેવી રીતે જીવવાનો પ્રયત્ન અસ્પૃશ્યો કરે અથવા તો અસ્પૃશ્યો માટે આવો પ્રયાસ થઇ રહ્યો છે, એવું તેઓ જાણતાં જ ગામના સ્પૃશ્ય હિન્દુ લોકો અસ્પૃશ્યોનો સખત રીતે સામાજિક બહિષ્કાર કરશે તેમજ તેમના કામ-ધંધાઓ બંધ કરશે અને તેમને જીવનજરૂરી વસ્તુઓ મળવા પર પ્રતિબંધ ફરમાવશે. સ્પૃશ્યો તરફથી થતા આ તિરસ્કારને કારણે સ્પૃશ્ય અને અસ્પૃશ્ય એવા સ્પષ્ટ ભેદભાવ થયા છે. આ તિરસ્કારની ભાવના નષ્ટ કરવાનો એક ઉત્તમ ઉપાય એટલે આ બંને વર્ગમાંના લોકોનો સંબંધ અને સહવાસ એક થવો જોઇએ. બંને વર્ગોને એકરૂપ કરી એકબીજાને પોતીકાપણું લાગી આવે એવા પ્રસંગો નિર્માણ કરવા જોઇએ. આ વાત અમલમાં આવે તો તેનું સારું પરિણામ આવશે. આના કરતાં વધારે પરિણામદાયી અને એકરૂપ બનાવનારું સાધન બીજું ભાગ્યે જ કોઇ હોઇ શકશે.’
પત્રના અંતમાં ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘અસ્પૃશ્યોદ્ધારના કામ માટે ઉપયોગ હોય તેવા નિષ્ઠાવાન, પરિશ્રમી અને આસ્થા ધરાવતા માણસો જોઇએ. આવું કાર્ય સફળ કરવા માટે પ્રેમ અને પોતીકાપણાની ભાવના અત્યંત જરૂરી છે. મિ. બેલફોરે એવું કહ્યું છે કે, ‘બ્રિટિશ સામ્રાજ્યે ટકી રહેવું હશે તો તે કાયદાના બંધનથી ટકી નહીં શકે, માત્ર પ્રેમના બંધનથી ટકી શકશે.’ મને લાગે છે કે, આ જ સિદ્ધાંત હિન્દુ સમાજની બાબતમાંયે એકદમ યોગ્ય રીતે લાગુ પડે છે. સ્પૃશ્ય અને અસ્પૃશ્ય આ બંને માત્ર કાયદા-કાનૂનનાં બંધનોથી ભેગા નહીં થાય. ફક્ત પ્રેમ એ જ એક બંધન તેમને સાથે રાખી શકશે.’
ડો. બાબાસાહેબ આંબેડકરના આ પત્રનાે દરેક શબ્દ આજે પણ એટલાે જ સાચો, ઉપયોગી અને માર્ગદર્શનરૂપ છે.
namaskarkishore@gmail.com

x
રદ કરો

કલમ

TOP