ચેતનાની ક્ષણે / સૂર્યસ્નાન : કુદરતનો એક મફત ડૉક્ટર સૂર્ય

article by kanti bhatt

ઘણાં બાળકોમાં કેવિટીની ખામી દૂર કરવા બાળપણમાં જ તેમને સૂર્યસ્નાન લેવડાવવું જોઈએ. સૂર્યનાં કિરણો લેવાથી ચામડીની કેલ્શિયમને પચાવવાની શક્તિ વધી જાય છે

કાંતિ ભટ્ટ

Jun 03, 2019, 07:29 PM IST

‘સનલાઈટ એન્ડ હેલ્થ’ એક અદ્્ભુત સૂર્યની શક્તિની મહત્તા સમજાવતું પુસ્તક.
મોડે મોડે પશ્ચિમના તબીબોને ‘સૂર્યસ્નાન’ જેવો શબ્દ ગળે ઊતર્યો છે. મારી પાસે ડો. માઈકલ જે. લીલીક્વીસ્ટનું અદ્્ભુત પુસ્તક છે. તેમાં સૂર્યના સવાર અને કોમળ સાંજના તડકામાં બેસવાથી કેવી રીતે શરીરની ત્વચાને સુંદર બનાવાય છે તે લખ્યું છે. ચામડીના રોગ શહેરોમાં સામાન્ય થઈ ગયા છે. સ્ત્રીઓ આજે હાથપગ ખંજવાળ્યા કરે છે અને તેના કરતાં પુરુષો વધુ ખંજવાળે છે! એક ગુજરાતી સાપ્તાહિકના તંત્રી હરકિસનભાઈ મહેતાને સોરાયસિસ થયેલો. આ ચામડીનો રોગ જેટલો ભયાનક ચિતરાઈ ગયો છે તેવો નથી. એલોપથીના ડોક્ટરો તો સોરાયસિસ થાય એટલે કેટલાક અજ્ઞાનવશી દાક્ટરો દર્દીને તડકામાં ફરવાની કે સૂરજથી ડરવાનું કહે છે, તડકામાં ફરવાની ના કહે છે. એ મોટું અજ્ઞાન છે. સૂર્ય તો ઊલટાનો વગર પૈસાનો ડોક્ટર છે. તેનાં કોમળ કિરણો મફતમાં મળતી ઔષધી છે. સોરાયસિસના દર્દીએ ખાસ સૂર્યસ્નાન લેવું જોઈએ.
મુંબઈથી 137 માઈલ દૂર અગર પૂણેથી 37 માઈલ દૂર મહાત્મા ગાંધી સ્થાપિત ‘નેચરક્યોર આશ્રમ’ છે તેના દર્દી અને પછી સેવક તરીકે (રૂ. 65ની માસિક સેવાવૃત્તિ) હું આઠ વર્ષ આશ્રમમાં સેવક તરીકે રહેલો છું. નેચરક્યોર સેન્ટરના તમામ દર્દીને સવારે કોમળ તડકામાં સૂર્યસ્નાન ફરજિયાત છે. મેં સૂર્યસ્નાનથી મારી ચામડીનો રોગ મટાડેલો. સ્ત્રી-દર્દીઓ માટે ઉરુલીકાંચનમાં એક ખાસ અગાશી છે ત્યાં સ્ત્રીદર્દી સૂર્યસ્નાન લઈ શકે છે.
અમેરિકાના વિજ્ઞાનીઓએ જોયું છે કે સૂર્યનાં કિરણો લેવાથી ચામડીની કેલ્શિયમને પચાવવાની શક્તિ વધી જાય છે. હજી દાંતના ડોક્ટરોએ એક સત્ય સમજવાની જરૂર છે. બાળકોને જ્યારે દાંત-દાઢ ઊગતા હોય ત્યારે તે સવારે જરૂર સૂર્યનાં કિરણો (સૂર્યસ્નાન દ્વારા) લે તો તેના દાંત વચ્ચેની કેવિટી (ખાલી જગ્યા રહેતી નથી). બત્રીસેબત્રીસ દાંત લાઈનબંધ સરસ રીતે ગોઠવાઈને બરાબર જડબાંમાં તૈયાર થાય છે.
આજે ઘણાં બાળકોને હું જોઉં છું કે તેના દાંતના ચોકઠામાં કેવિટી-ખાલી જગ્યા ખૂબ હોય છે. આ ખામી દૂર કરવા બચપણમાં જ તેને સૂર્યસ્નાન લેવડાવવું જોઈએ. ખરેખર તો દાંત સૌંદર્ય બક્ષે છે. દાંતની પંક્તિ લાઈનસર ગોઠવાય તો બાળક વધુ સુંદર દેખાય છે. વધુ સુંદર લાગે છે.
અહીં વચ્ચે વિષયાંતર કરીને તમને એક ન જાણેલી વાત કહું છું. ગાંધીજી જૂહુમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા હતા, ત્યારે રાત્રે 9 વાગ્યે બહાર ફરવા નીકળ્યા. આખો દિવસ ધોમધખતો તાપ 14-6-44ના દિવસે સહન કર્યો હતો. ગાંધીજીને ઊંઘ આવતી નહોતી. તે ફરવા નીકળ્યા અને સૂરજનાં કિરણોથી જાણે તેમને સવારે કવિતા સ્ફુરી તે તેમણે રાત્રે 9 વાગ્યે કવિતા સ્ફુરતા લખી! તે કવિતા લખીને પછી આપણે સૂર્યની આપણી વાત કરીએ. ગાંધીજીએ રચેલું કાવ્ય વાંચો:-
(વિષયાંતર માટે માફી માગું છું)
‘મકબરા જઈને જુઓ જેમાં સૂતા સુલતાન છે, એ કબ્રથી કે’શે અમારો દેશ હિન્દુસ્તાન છે. હિન્દુ-મુસલમાં નામ જુદા સૌ હિન્દુનાં બાળકો, નથી કોઈ જુદા કોઈથી સહુ એક વૃક્ષની ડાળ છે. એમ સમજીને સદા જો સંપીને સંભાળશો તો તમારા દેશની ચડતી થયેલી ભાળશો. આ દેશ નંદનવન થશે. કંચન હતો આ દેશ તે ફરી પાછો કંચન થશે. (જુહુ તા. 14-6-1944).
ગાંધીજીને જુહુના દરિયાકિનારે ફરતાં ફરતાં તેમના એક ભક્તએ મજાકમાં પૂછ્યું, ‘આ ચંદ્ર, આ સૂરજ અને આ તારા, આકાશ એ બધાનાં ભાગલા પડ્યા હોત તો માનવી તેના ભાગલા પણ પાડત! સૂરજ કોને ભાગ આવત? પાકિસ્તાન કે ભારતને ભાગે!’ તમારી કલ્પના આધી ચાલશે નહીં એટલે સૂરજ અને ચંદ્રમા જેમ આઝાદ છે, જેવા આઝાદ છે તેવા તેને રહેવા દઈએ. તેના ભાગલા ન પાડીએ. અસ્તુ.
‘સન લાઈટ એન્ડ હેલ્થ’- પોઝિટિવ એન્ડ નેગેટિવ ઈફેક્ટ્સ ઓફ ધ સન (Sun)- આ પુસ્તકનું મથાળું છે.
રોમન કવિ હોમરે ઓડિસીમાં લખેલી એક પંક્તિ સનલાઈટના પુસ્તકના શરૂમાં આપી છે ‘વ્હાય હેવ યુ લેફટ ધ લાઈટ ઓફ સન ધાઉ પુઅર-યુ.’ આ સૂરજ આડે મોટા મોટા
બંગલા અને બહુમાળી મકાનો બનાવીને માનવ અપરાધી બન્યો છે. 24 કલાકમાં અડધોઅડધ સમય ઉગ્ર કે કોમળ સૂરજનો તાપ મળે છે તેનો લાભ લેતો નથી.
હિન્દુસ્તાની કે પાકિસ્તાની તરીકે તમે જાણો છો કે સૂરજ અને ચંદ્રને દિવ્ય દેવતાનું સ્વરૂપ આપ્યું છે. હિન્દુસ્તાનને વાદે વાદે અમેરિકનો પણ છેક 1980થી સૂરજનું મહત્ત્વ સમજ્યા છે. ઘણા અમેરિકનો સૂર્યના પૂજક (વરશીપર્સ) પણ બન્યા છે, તેની સૂરજ પ્રત્યેની શ્રદ્ધામાં થિઓસોફિસ્ટોએ ઉમેરો કર્યો છે. જૂના જમાનામાં યુરોપ, અમેરિકા અને બીજા દેશોમાં સૂર્યનાં મંદિરો બાંધવામાં આવ્યાં હતાં અને સૂર્યની પૂજા-અર્ચના કરતા હતા. ઘણા શ્રદ્ધાળુ સૂર્યને દેવતા અને દિવ્ય-ડોક્ટર માનીને તેને ભજવાથી ટીબી અને બીજા રોગ સારા
થશે તેવી શ્રદ્ધા ધરાવતા હતા. શરીરમાં પડેલા ઘાવને ખુલ્લા રાખીને સૂર્યનાં કિરણો દર્દીને આપતા હતા.
આધુનિક વિજ્ઞાન એટલે કે આધુનિક એલોપથી ડોક્ટરો સૂર્યને દોસ્તને બદલે દુશ્મન માને છે. (નોટ ફેન્ડ બટ ફો-Foo).
ડો. માયકલ જે લીલીક્વીસ્ટ તેમના પુસ્તકના સાતમા પાનાથી સૂર્યને ભજનારા જગતના લોકોની વાત કરે છે. નીચેની વાતો તમે નોંધી લેજો:-
⬛ આપણાં વૃક્ષો, જુદા જુદા છોડ અને વેલાઓ સૂર્યનાં કિરણોનાં સંગ્રાહક છે! (ધે હેવ ધ એબિલિટી ટુ સ્ટોર ધ સન્સ એનર્જી). સૂર્યનો લાભ લેવા ઘરમાં વૃક્ષો કે લીલા છોડ ઉગાડજો.
⬛ શરૂમાં જ માનવ સમજ્યો કે સૂરજનાં કિરણોથી સ્ત્રી-પુરુષની ફર્ટિલિટી વધે છે. ગરમ દેશોમાં એટલે જ વસ્તીવધારો વધુ છે. ગુઆચેતા (Guacheta) અને કોલંબિયા નામના બન્ને ઔષધશાસ્ત્રી માનતા કે સૂરજનાં કિરણો સ્ત્રી-પુરુષને ફળદ્રુપ બનાવે છે! મહાત્મા ગાંધી નેચરક્યોર સેન્ટરમાં ઘણી સ્ત્રીઓ જેને સંતાનો થતાં નહોતાં તેને ડો. શરણપ્રસાદજી અને તેની પહેલાંના ડોક્ટરો સૂર્યસ્નાન કરાવીને સંતાનપ્રાપ્તિ કરવામાં મદદરૂપ થતા!
⬛ પુરાણા ઈજિપ્તમાં લોકો સૂર્યને પૂજતા! ચૌદમી સદીમાં ઈજિપ્તમાં સૂર્યમાં માનનારા ‘સૂર્ય ધર્મ’ પણ પાળતા હતા.
⬛ પુરાણા ગ્રીક અને રોમન લોકો સૂર્યના પૂજક (વરશીપર્સ) હતા. સૂર્યને એપોલો કહેતા અને ગોડ ઓફ લાઈટ કહેતા. ઘણા લોકો સૂર્યને ‘ગોડ ઓફ હીલિંગ’ પણ માનતા-સર્વ દુ:ખની દવા માનતા!

X
article by kanti bhatt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી