તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવિસ્મરણીય ફિલ્મકાર મહેબૂબ ખાનના જીવન-પુરુષાર્થની વાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેદના : યાદગાર અનુભવ
ફૂલ કે સાથ કાંટે ઇસલિયે હૈ કિ દુનિયા,
સૌંદર્ય કો દેખે તો પર ફોગટ મેં ન છૂ લે,
પ્રકાશ કે સાથ તાપ ઇસલિયે હૈ કિ દુનિયા,
ઉસે પાયે તો ઉસકી કીમત સમજે,
ઇસી પ્રકાર કવિ કે ગીત મેં વેદના ઇસલિયે,
હૈ કી દુનિયા ઉસે ગાયે તો પર ભૂલ ન સકે.
- કવિ નીરજ
(કાવ્યસંગ્રહ ‘દર્દ દિયા હૈ’ પુસ્તકમાંથી)

 

આજે એક ઉમદા પુસ્તકની વાત, જેને તમે સહેલાઈથી નજરઅંદાજ કરો, પણ પછી ખરીદીને વાંચો તો હાથમાંથી મૂકવાનું મન નહીં થાય. પુસ્તકની લેખિકા છે, નસરીન મુન્ની કબીર (Nasreen Munni Kabir). નવાઈની વાત છે કે લંડનની પ્રકાશક કંપનીને ભારતના સિનેમા ઉદ્યોગ અને ખાસ કરીને અમુક યાદગાર કલાકારોના જીવનના પુરુષાર્થની વાત લખવાનું મન થયું. તેમાં શબાના આઝમીથી માંડીને શાહરુખ ખાન અને ખાસ તો જૂની જ્વેલરીના મોતી જેવા મહેબૂબ ખાનની વાત છે. તેમાં આપણે મહેબૂબ ખાનના જીવનને પસંદ કરીએ. એટલા માટે કે એ ગુજરાતનો પોયરો છે અને ‘ભણ્યા કરતાં ગણ્યો’ વધુ છે.

 

મધર ઇન્ડિયા ફિલ્મનું ટાઇટલ એક અમેરિકન લેખિકાના પુસ્તક મધર ઇન્ડિયા ઉપરથી મહેબૂબ ખાને ઉપાડી લીધેલું. તેમાં સ્વાધીનતા અને સેલ્ફ રુલની વાત છે

તેમનું જાણીતું નામ છે મહેબૂબ ખાન. ઘણાને નવાઈ લાગશે કે મહેબૂબ ખાન ગુજરાતનો પોયરો છે. 9 સપ્ટેમ્બર, 1907માં ગુજરાતના શહેર બિલિમોરામાં જન્મેલા મહેબૂબ ખાનનું શરૂનું નામ રમઝાન ખાન હતું. મહેબૂબ ખાન ગ્રેજ્યુએટ નથી કે ઇવન મેટ્રિક્યુલેટ પણ નથી. તેને શાળાનું ભણતર રાઝ ન આવ્યું. સોળ વર્ષની ઉંમરથી જ સિનેમા સાથે લગાવ થઈ ગયો. આ શોખને પૂરો કરવા તેઓ ઘરેથી ભાગીને મુંબઈ આવી ગયા.


મુંબઈમાં તે સમયે ‘ઇમ્પીરિયલ સ્ટુડિયોની બોલબાલા હતી. મહેબૂબ ખાન ઘણું રખડ્યા અને કાલાવાલા કર્યા, પણ કોઈ સ્ટુડિયોમાં મહેબૂબ ખાનને કામ ન મળ્યું. તેના પિતાને લાગ્યું કે તેનો રખડુ દીકરો ‘ખીલે બંધાય’ એટલે તેની શાદી જુવાન ફાતિમા સાથે કરાવી. લગ્ન બાદ અયુબ નામનો બેટો પણ જન્મ્યો. દીકરો ખીલે બંધાશે અને અયુબનો બાપ પણ થયો, પણ મહેબૂબ ખાનનું દિલ હજી ફિલ્મ સાથે લાગેલું હતું. ફરીથી મહેબૂબ ખાન ઘરેથી ભાગી ગયા. ‘ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીના’ સ્થાપક અરદેશર ઈરાનીની મહેબૂબ ખાન સાથે કોઈએ ઓળખાણ કરાવી. અરદેશર ઈરાની પ્રથમ ટોકીઝની ફિલ્મ 1931માં ‘આલમઆરા’ના ડિરેક્ટર હતા. અરદેશર ઈરાની તો મહેબૂબ ખાનની લગની અને ફિલ્મ માટેના ઝનૂનથી ઇમ્પ્રેસ થયા અને તેની એક ફિલ્મ ‘અલીબાબા અને ચાલીસ ચોર’માં મહેબૂબ ખાનને કામ આપ્યું. તેમાંથી ધીમે ધીમે આગળ વધીને મહેબૂબ ખાને 1943માં પોતાની કંપની ‘મહેબૂબ પ્રોડક્શન્સ’ સ્થાપી. તે કંપનીનો મુદ્રાલેખ લોકોના હૃદયને ચોંટી ગયો. મુદ્રાલેખ શું હતો?


‘મુદ્દઈ લાખ બુરા ચાહે તો,
ક્યા હોતા હૈ, વહી હોતા હૈ,
જો મંજૂરે ખુદા હોતા હૈ’


આપણને સૌને મોઢે થઈ જાય (યાદ રહી જાય) તેવા આ ચોટડૂક શબ્દો છે. ઉપરાંત તેણે તેની કંપની માટે એક ચિત્ર પસંદ કર્યું. તે ચિત્રમાં દાતરડું અને હથોડો હતાં. મહેબૂબ ખાને કહ્યું કે આપણે સૌ આ સૃષ્ટિના કારીગર-મજૂર છીએ. જીવનમાં ઘણા બધા વિવિધ હથોડાના માર ખાય ત્યારે માનવીના ચારિત્ર્યનો સુંદર ઘાટ ઘડાય છે.


મહેબૂબ ખાનને ‘તાજમહાલ’ની સુંદર સ્ટોરી ઉપરથી ફિલ્મ ઉતારવી હતી, પણ 28 મે, 1964ના રોજ તેમને હાર્ટએટેક આવ્યો અને તાજમહાલની ફિલ્મ બનાવવાનું તેમનું સપનું અધૂરું રહ્યું. માત્ર અઠ્ઠાવનની ઉંમરે તેઓ જીવન સાથે સંઘર્ષ કરીને ગુજરી ગયા. મહેબૂબ ખાન પંડિત જવાહરલાલ નેહરુના છેવટ સુધી ચાહક રહ્યા. આજે પણ તેમના જૂના સ્ટુડિયોમાં મહેબૂબ ખાન અને જવાહરલાલ નેહરુનો સાથે સાથે પાડેલો ફોટો લટકે છે.


મહેબૂબ ખાનના પુરુષાર્થનાં ફળ તેમના પુત્રો આજે 2019માં ચાખે છે. 28 મે, 2014ના મહેબૂબ ખાનના મરણની 50મી તિથિ હતી ત્યારે તેમના પુત્રો શૌકત અને ઇકબાલે (જે અત્યારે મહેબૂબ સ્ટુડિયો ચલાવે છે-બાંદરામાં). રૂ. 10 લાખનું દાન ફિલ્મી સ્ટુડિયોમાં કામ કરનારા કારીગરોના ફંડમાં આપ્યું હતું. એક વાત યાદ રહે કે મહેબૂબ ખાનનું નામ લેવાય ત્યારે ‘મધર ઇન્ડિયા’ જે ફિલ્મ ભારતીય પાર્લામેન્ટમાં પણ બતાવાઈ હતી તેને યાદ કરાય છે. 30 વર્ષના ‘પુરુષાર્થ પછી’ ‘મધર ઇન્ડિયા’ ઉતારી હતી. તે મુંબઈમાં અનેક ટોકીઝોમાં આખું વર્ષ કે વધુ ચાલી હતી. મધર ઇન્ડિયાએ તેના સમયમાં રૂ. 8 કરોડનો વકરો કર્યો હતો.


મધર ઇન્ડિયા ફિલ્મનું ટાઇટલ એક અમેરિકન લેખિકાના પુસ્તક મધર ઇન્ડિયા ઉપરથી મહેબૂબ ખાને ઉપાડી લીધેલું. તેમાં સ્વાધીનતા અને સેલ્ફ રુલની વાત છે. 1955માં મહેબૂબ ખાને ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ તે પહેલાં જ તેનું ફિલ્મીકરણ શરૂ કરી દીધેલું. તે વખતે વાસ્તવમાં ઉત્તરપ્રદેશમાં નદીમાં ‘જાલમ પૂર’ આવ્યાં હતાં. એ નદીના પૂરની વચ્ચે મહેબૂબ ખાને ‘મધર ઇન્ડિયા’નું શૂટિંગ (વરસતા વરસાદમાં પલળતાં પલળતાં) કર્યું હતું. ફિલ્મનું બજેટ માત્ર ફોટાગ્રાફી માટે 40 લાખનું હતું. આ બજેટ ત્યારે ઊંચામાં ઊંચા રેકોર્ડવાળું ગણાતું હતું. લોકેશન શૂટિંગમાં મહેબૂબ ખાને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં ગામડાંઓ પસંદ કર્યાં. ‘મધર ઇન્ડિયા’ બનાવવામાં ત્રણ-ત્રણ વર્ષ લાગી ગયાં.


ખેતરમાં નદીનાં પૂર આવે છે તે સીન (દૃશ્ય) માટે 500 એકર જમીન પાણીના પૂર માટેનો વાસ્તિવક શોટ કરવા પોતાની મરજીથી એક ખેડૂતે આપી દીધી. શૂટિંગ વખતે 300 જેટલાં બળદગાડાં, 200 ખેડૂતો, 50 ઘોડા અને એક-બે ડઝન હળને શૂટ કરાયાં. ફિલ્મમાં આગનો સીન આવે છે તે સુરત નજીકના ઉમરા ગામનો  ખરેખરી આગમાં લેવાયાે. એ વખતે નરગિસ અને સુનીલ દત્તે કોઈ ડબલને બદલે પોતે જ જાતે આગ સામે બાથ ભીડીને મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ને રિયલ ફિલ્મ બનાવી.

 

આગના સીન વખતે એકાએક પવન બદલાયો અને આગે નરગિસને ભરખવા કોશિશ કરી, પણ સુનીલ દત્તે આગમાં કૂદીને નરગિસને બચાવી લીધી. અેમ છતાં નરગિસ અને સુનીલ બન્ને દાઝી તો ગયાં તેથી શૂટિંગ અટકાવવું પડેલું. ઘાયલ હાલતમાં નરગિસ કામ કરવા તૈયાર હતી, પણ સુનીલ દત્તને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. ત્યાં તેની સેવા નરગિસે કરી.

 

એ વખતે જ નરગિસનો ખરો પ્રેમ સુનીલ દત્ત તરફ વળ્યો. ફિલ્મમાં સુનીલ દત્ત નરગિસનો બેટો હતો તે આ યાદગાર અકસ્માતમાં સુનીલે જે ભાગ ભજવ્યો તેના ઇનામરૂપે તેને નરગિસ નામની વિખ્યાત અભિનેત્રી પત્ની તરીકે મળી. વાત લાંબી છે, પણ પ્રેમ પ્રેમ પ્રેમ આપણે રટીએ છીએ, પણ આ પ્રસંગે ઉપરથી લાગે કે જાતને જોખમમાં મૂકીને પોતાના ભાવિ જીવનસાથીને જાનની પરવાહ કર્યા વગર બચાવે છે તેને ખરો પ્રેમ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...