પત્રકારત્વની વિદ્યાપીઠ સમા પીઢ પત્રકાર કાંતિ ભટ્ટ ‘દિવ્ય ભાસ્કર’માં ‘આસપાસ’ અને ‘ચેતનાની ક્ષણે’ જેવી લોકપ્રિય કોલમો લખે છે.

રામનું નામ રુદિયામાંથી રટાય તો ચમત્કાર થાય

  • પ્રકાશન તારીખ02 Dec 2018
  •  

વિષાદપ્યમૃતં ગાહ્યં બાલાદપિ સુભાષિતમ્
અમિત્રાદપિ સદવૃત મેધ્યાદપિ કાંચનમ્
- ભગવાન મનુ

તરજુમો: વિષમાંથી પણ અમૃત શોધીને ગ્રહણ કરવું બાળકને પણ ગુરુ માની તેની વાણીમાંથી સુભાષિત પકડી લેવું. વેરી (દુશ્મન) પણ જો અમુક સારું આચરણ કરતો હોય તો તેના વખાણ કરીને તેનાં સારાં કૃત્યનું ગ્રહણ કરવું. ગંદી જગ્યામાંથી જો સોનું મળે તો તે લઈ લેવું જોઈએ. રામ ભયે જેહિ દાહિને, સબે દાહિને તાહિ
- તુલસીદાસજી

આજે આપણે રામનો મહિમા ગાવો છે પણ તે પહેલાં જરા થોડીક ‘ચડતી ભાંજણમાં’ વિદેશ ફિલોસોફરોની વાત કરી પણ રામનો મહિમા ગાઈશું:

ભગવદ્ગોમંડળમાં લખ્યું છે કે રામે ‘હજારો’ વર્ષ રાજ કર્યું. કોઈનું અકાળે મોત થયું નહોતું. સામાન્ય પ્રજાનું પણ નહીં! અને કોઈ સ્ત્રીને રામરાજ્યમાં વૈધવ્ય આવ્યું નહીં!!!

ગુર્જિયેફનું આખું નામ જ્યોર્જ ઈવાનિવિચ ગુર્જિયેફ હતું. તેણે મોટા ભાગની જિંદગી એશિયામાં ગાળેલી. તે શિષ્યો સાથે દેશાટન કરી રખડતા. તે કહેતા કે ફિલસૂફી અને શ્રદ્ધા (ખાસ કરીને રામનામની શ્રદ્ધા) એ ભારતની દેણ છે. સિદ્ધાંતો એ ઈજિપ્ત (જૂના)ની દેણ હતી. અને તેને પ્રેક્ટિસમાં મૂકનારા ઘણા દેશો હતા. પર્શિયા, ઈરાક (જૂનુ) અને તુર્કીમાં સિદ્ધાંતો પાટલે બેઠા હતા. આમાં ક્યાંય યુરોપ કે અમેરિકાનું નામ નહોતું. તે બન્ને ભોગી દેશો હતો. ભોગમાં મસ્ત રહેતા. ગુર્જિયેફ સત્યના શોધક હતા- જગતના રહસ્યના શોધક હતા. તેમના પિતા સુથારી કામ કરતા જ્યારે તેનો પુત્ર ઉત્તમ વસ્ત્રો વણતો. અને પછી પથ્થરો તોડતા! સ્ત્રીઓએ પહેરવાની કંચુકી તેમની સ્પેશિયાલિટી હતી. તેમાં પૈસા કમાયા પછી તેમનેે જગતનાં રહસ્યો જાણવાનું મન થયું. પછી પોતાની જ કમાણીમાંથી તેમણે જગત પ્રવાસ આદર્યો.


તેઓ એ પ્રોસેસમાં ઘણા મિસ્ટીકોને- રહસ્યવાદીઓને મળ્યા. તે પ્રક્રિયામાં જોયું કે ઓસ્પેન્સ્કી નામના પત્રકાર સત્યની શોધમાં હતા. (ધીરજ રાખો- રામની વાત ધીરે ધીરે આવશે). ગુર્જિયેફને મિસ્ટીસિઝમમાં રસ પડ્યો. માણસ પણ એક યાત્રિક પૂતળું છે, તે બહારના સંયોગોની અસરથી નાચે છે. તે પોતાના જ ભય અને આકાંક્ષાથી પીડાય છે. માનવી કદી એકનો એક રહેતો નથી, તે બદલાયા કરે છે. કેટલીક વખત તેનું આગવું વ્યક્તિત્વ ઓગળી જાય છે.


ઓસ્પેન્સ્કીએ ગુર્જિયેફને પૂછયું ‘માનવી ક્યારે આ યંત્રણામાંથી છૂટી શકે?’ ગુર્જિયેફે જવાબમાં કહ્યું કે આ એક ગંભીર સવાલ છે. માનવી ‘યંત્ર’ બનતો અટકી શકે છે પણ તે માટે જરૂરી છે કે માનવી આ ‘યંત્રને’ સમગ્ર રીતે જાણે. ઓસ્પેન્સ્કીને સમાધાન ન થતાં આગળ પૂછ્યું ‘માનવી જો આ સમગ્ર ‘યંત્ર’ને જાણવાની ક્ષમતા ન રાખતો હોય તો શું કરવું?’


‘તો શું કરવું? જવાબ છે? તમે હિન્દુસ્તાન જાઓ. ત્યાં પૂર્વ (પૂરબ)ના લોકો રામ નામમાં કેવી શ્રદ્ધા રાખે છે તે નજરે જોઈ આવો.’ ભારતમાં મંદિરોમાં કદાચ તેમણે લોકોની ભીડ જોઈ હશે. પૂરબની રામભક્તિથી માંડીને કદાચ દક્ષિણમાં મદુરાઈનું મીનાક્ષી મંદિર જોયું હશે. આજેય મીનાક્ષી મંદિરમાં દર શુક્રવારે ઘણા બધા (લાખ્ખો) ભક્તોની (દર્શનાર્થીની) ભીડ થાય છે. ઘણા વિદેશીઓ રામનામ અને મીનાક્ષી મંદિરમાં લોકોને જે શ્રદ્ધા છે તે જોવા આવે છે.


કેટલીક ટુરિસ્ટ એજન્સીઓ ભારતની મિસ્ટીક-ટૂર કરાવતા અને કરાવે છે. તેઓ કહે છે કે અહીં હિન્દુસ્તાનમાં મેરેજ અને પોતાને બાળક જન્મે તે માટે લોકો મીનાક્ષી દેવી અને રામ પાસે માગણી કરે છે. જે લોકોનાં લગ્ન ન થતાં હોય તેનાં લગ્ન થઈ જાય છે. બાળક થાય છે. આ શ્રદ્ધા છે. આજે તો આ પ્રદેશમાં શ્રદ્ધાના વ્યાપ સાથે ઈન્ફોટેક ઉદ્યોગ ખીલ્યો છે. તમે જાતે જ ટ્રાય કરી જુઓ- આવું જ રામના નામનું છે. રામમંદિરની ભક્તિનું છે.


મસ્જિદ કે મંદિર માનવીની શ્રદ્ધાનો સ્રોત છે- વિરામ છે. સૈનિકોને પણ રામમંદિર કે મસ્જિદ વગર ચાલતું નથી. ભારતના સૈનિકો પૈકી તે ઉત્તર પ્રદેશના હોય તેની પલટન સરહદે હોય અને લડવા જાય તો રામલલ્લાના મંદિરે મિલિટરીની ટ્રક સૌથી પહેલી જાય છે. કેટલાક સૈનિકોની છાવણીમાં રામની પૂજા થાય છે. દા.ત. આજે અયોધ્યામાં વિવાદિત મંદિર-મસ્જિદ પાસે સૈનિકો ઊભા હશે તેમાં જે સૈનિક હિન્દુ હશે તેના ખિસ્સામાં હનુમાન ચાલીસા કે ગીતા કે રામનું પુસ્તક હશે. તેના મોઢે રામનામ હશે. ભારતીય લશ્કરની કાયમી કે અસ્થાયી છાવણીમાં શિવરાત્રી, હોળી, રામનવમી, હનુમાન જયંતી, દશેરા, દિવાળી, ગુરુપુરબ, રમઝાન-ઈદના તહેવારો ઊજવાય છે.


એક નિવૃત્ત ઓફિસર મેજર જનરલ ચાંદ લખે છે કે રામનવમીને દિવસે ભારતના આર્મ્ડ ફોર્સીસ અને સર્વિસમેન એવા યુનિટોમાં જાય છે જ્યાં લશ્કરી તંત્ર થકી રામમંદિર રચાયું હોય. તે મંદિરમાં રામનામની ધૂન લેવાય છે અને રામનવમીના દિવસે રામાયણની ચોપાઈઓ પઢવામાં આવે છે. દેવી દુર્ગાની આરતી થાય છે પછી દશેરામાં ‘બડાખાના’માં હિન્દુઓ સાથે મુસ્લિમ અને શીખ સૈનિકો જોડાય છે! એ પ્રકારે જ ઈદ-ઉલ-ફીતરમાં જે જે યુનિટોમાં મસ્જિદ હોય ત્યાં નમાજ પઢ્યા પછી ફીસ્ટ થાય છે તેમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ જોડાય છે. આ ભારત છે- ભાઈ સાહેબ! રામ ઐતિહાસિક સિદ્ધ પુરુષ હતા. સિદ્ધ પુરુષને વૃદ્ધાવસ્થા આવતી નથી. સિદ્ધોની કૃપા તેમને ફળે છે. ભગવદ્્ગોમંડળમાં લખ્યું છે કે રામે ‘હજારો’ વર્ષ રાજ ર્ક્યું. કોઈનું અકાળે મોત થયું નહોતું. સામાન્ય પ્રજાનું પણ નહીં! અને કોઈ સ્ત્રીને રામરાજ્યમાં વૈધવ્ય આવ્યું નહીં!!! રામનું નામ રટીને જ કળિયુગમાં અટલ બિહારી વાજપેયી અને તેના ‘શિષ્ય’ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.


ભારતમાં આ લખું છું ત્યારે પણ મોરારિદાસથી માંડીને ગામડાનો લખમણિયો ખાતો પીતો અને ગાજતો છે. 16 જૂન, 1946ના રામનામ નામના મંત્ર વિશે મહાત્મા ગાંધીએ લખેલું કે રામનામ કેવળ થોડા માણસો માટે નથી, સૌને માટે છે. જે રામનામ રટે છે તે પોતાને માટે એવો ‘ખજાનો’ એકઠો કરે છે જે ખૂટતો જ નથી. તેની રામકથાઓ સેંકડોમાં રાહ જોઈને ઊભી હોય છે. તે રામનામનો પ્રભાવ છે. રામનામ થકી જે ‘ખજાનો’ ભેગો થાય તેમાંથી જેટલું કાઢો તેટલું પુરાઈ જાય છે! શ્રદ્ધા છે? તેને અંત નથી. ઉપનિષદ કહે છે કે પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તોય પૂર્ણ જ શેષ રહે છે! રામનામ શરીરમાં, મનમાં અને આત્મામાં એમ સર્વ આધિ, વ્યાધિ, ઉપાધિનો ઉલાજ છે પણ તેની શરત છે કે રામનું નામ દિલમાંથી- હૈયામાંથી ઊઠવું જોઈએ. તુલસીદાસજીની ગેંરટી હતી કે રામને દાહીને રાખો (જમણે) તો જીવનમાં બધી જ અનુકૂળતા છે. આ વાતનો ધડો લઈને આયોધ્યામાં એક બાજુ મંદિર અને એક બાજુ મસ્જિદ બનાવવાનું સોનેરી સમાધાન થશે?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP