Home » Rasdhar » કાના બાંટવા
લેખક ‘દિવ્ય ભાસ્કર’ વરિષ્ઠ પત્રકાર છે અને સાથોસાથ સાંપ્રત વિષયો પર અધિકૃતતાથી કલમ પણ ચલાવી જાણે છે.

પરમ પ્રેમી કૃષ્ણ

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

પ્રેમરસ પા ને તું મોરના પિચ્છધર, તત્ત્વનાં ટૂંપણાં તુચ્છ લાગે. કૃષ્ણ શાશ્વત પ્રેમી છે, પ્રેમરૂપ છે. નિર્બંધ પ્રેમ કર્યો છે કૃષ્ણે. કૃષ્ણ વ્યક્તિત્વ જ એવું છે કે એના પ્રત્યે પ્રેમ ઉપજે. કૃષ્ણ વહાલા લાગે એવા ઈશ્વર છે. મીઠડા, મોહક, માદક. વ્રજની સ્ત્રીઓ કૃષ્ણની પાછળ ઘેલી ઘેલી થઈ જતી. કેવું અદ્્ભુત રૂપ હશે એનું? ભાગવત પુરાણમાં વ્રજનારીઓએ મદનમોહન કનૈયાનું વારંવાર વર્ણન કર્યું છે. મોરપિચ્છના મુગટથી શોભતા વાંકડિયા ઝુલ્ફાં, તેજસ્વી શ્યામ ચહેરા પર વિલસતું રહેતું મસ્ત મધુર સ્મિત, મદમત્ત ગજરાજ જેવી ચાલ, વિલાસભરી નજર, અમૃત પણ તુચ્છ લાગે તેવી સુધાથી ભરેલા હોઠ, લક્ષ્મીજીની ક્રીડાસ્થળી એવી વિશાળ છાતી. આવો પૂર્ણપુરુષ કઈ સ્ત્રીને ન આકર્ષે? ગોપીઓ, વિશેષપણે રાધા-કૃષ્ણનો પ્રેમ કવિઓએ ખૂબ ગાયો છે. રાધાનું નામ ભાગવતપુરાણમાં નથી, હરિવંશમાં નથી, મહાભારતમાં નથી એના ખુલાસાઓ પણ પછીથી ખૂબ આપવામાં આવ્યા છે. બ્રહ્મવૈવર્તપુરાણ સુધી રાધાનું નામ ક્યારેય લેવાયું નહોતું. પદ્મપુરાણે રાધાને સર્વોચ્ચ કૃષ્ણપ્રિયા તરીકે, તેમની પરાશક્તિના મૂર્તરૂપ તરીકે સ્થાપિત કરવામાં મોટો ફાળો આપ્યો છે. પુરાણોમાં જે લખ્યું હોય તે, રાધા કૃષ્ણનું અભિન્ન અંગ બની રહી છે. રામનું નામ પત્ની સીતાની સાથે લેવાય છે, કૃષ્ણનું નામ પ્રેમિકા રાધાની સાથે લેવાય છે. પ્રેમનું આનાથી મોટું સન્માન બીજું શું હોય? કૃષ્ણ કેવા પ્રેમી હતા? ગોપીઓએ કૃષ્ણને પોતાને જ પૂછ્યું હતું, ‘નાથ, ત્રણ પ્રકારના લોકો હોય છે.

જેના પ્રેમમાં પડી શકાય, જેને ચાહી શકાય, જેની સાથે રમી શકાય, ફાગ ખેલી શકાય, પ્રણયમગ્ન થઈ શકાય, જેનામાં ડૂબી શકાય, જેનામાં સમાઈ શકાય એવા ઈશ્વર એટલે કૃષ્ણ

પહેલા, એવા લોકો જે પ્રેમ કરનારને પ્રેમ કરે. બીજા એવા કે જે પ્રેમ નહીં કરનારને પ્રેમ કરે અને ત્રીજા એવા જે પ્રેમ કરનારને પણ પ્રેમ નથી કરતા અને નહીં કરનારને પણ નથી કરતા. સ્વામી, તમે કહો, આમાં કોણ શ્રેષ્ઠ?’ કૃષ્ણે જવાબ આપ્યો હતો કે, ‘જે પ્રેમ કરનારને પ્રેમ કરે છે તે તો પોતાનો સ્વાર્થ જ સાધે છે. પ્રેમ નહીં કરનારને પ્રેમ કરનાર કરુણાવાન હોય. સત્પુરુષ અને માતા-પિતા પ્રેમ નહીં કરનારને પણ પ્રેમ કરે. જે પ્રેમ કરનાર અને નહીં કરનાર બંનેને પ્રેમ નથી કરતા તેઓ ચાર પ્રકારના હોય છે. 1. આત્મારામ. જે પોતાનામાં જ રમમાણ હોય છે, મગ્ન હોય છે. 2. પૂર્ણકામ. ભોગમાં રહેવા છતાં તેની ઇચ્છા નથી કરતા, લિપ્ત નથી થતા, કામના નથી કરતા. 3. કૃતઘ્ન. જે પ્રેમ કરનારના ઉપકારનો બદલો નથી વાળતા. 4. ગુરુદ્રુહ. એવા ભયંકર અપરાધી જે પ્રેમનો પ્રતિભાવ નથી આપતા. ગોપીઓ, હું તો પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમનો એવો વ્યવહાર નથી કરતો, જેવો કરવો જોઈએ.’


કૃષ્ણે પ્રેમ કરનારને પ્રેમસ્વરૂપ, કૃષ્ણસ્વરૂપ બનાવી દીધા. હજી પણ બનાવતો રહે છે. ગોપીઓ કૃષ્ણમય, કૃષ્ણસદૃશ બની ગઈ. રાધાને તો ઉદ્ધવે આવીને કહ્યું કે કૃષ્ણ આ પૃથ્વી પર નથી રહ્યા ત્યારે રાધાએ કહ્યું હતું કે, ઓધાજી, બુઢ્ઢા થઈ ગયા છો એટલે તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. તમને કૃષ્ણ ક્યાંય નથી દેખાતા, પણ કૃષ્ણ તો અહીં જ છે, મારી પાસે. સદૈવ. ગોપીઓએ તો જ્ઞાનનો પાઠ ભણાવવા આવેલા ઉદ્ધવને પ્રેમભક્તિના પાઠ ભણાવી દીધા અને ઉદ્ધવ વ્રજમાંથી જતી વખતે ‘મોહન ગુન ગયૌ ભૂલી, ગોપી ગુન ગાવન લગ્યૌ.’ કૃષ્ણને જેણે પ્રેમ કર્યો તે કૃષ્ણમાં સમાઈ ગયા. કૃષ્ણે બધાને છોડવા પડ્યા. જન્મ થયો ત્યારે સગાં મા-બાપ, દેવકી અને વસુદેવને છોડીને પાલક માતા-પિતા યશોદા-નંદબાબા પાસે રહેવું પડ્યું. તેમને છોડીને ગોકુલ છોડીને મથુરા જવું પડ્યું. ગોપીઓને છોડવી પડી. પ્રાણપ્રિયા રાધાને છોડવી પડી અને છતાં, આ જેટલાને તેમણે છોડ્યાં તેમણે ક્યારેય કોઈ ફરિયાદ ન કરી, કારણ કે તેઓ કૃષ્ણને પામી ગયાં હતાં. કૃષ્ણરૂપ બની ગયાં હતાં. તેમાં કોઈ દ્વૈતભાવ રહ્યો જ નહોતો. સંપૂર્ણ અદ્વૈત. હજી હમણાંના જ ભૂતકાળમાં મીરાં પણ કૃષ્ણને આમ જ પામી ગઈ, તેમનામાં સમાઈ ગઈ. નરસિંહ, સુરદાસ કેટલાય ભક્તકવિઓ કૃષ્ણમાં લીન થઈ ગયા.


કૃષ્ણની ગોપીઓ સાથેની ક્રીડાનાં શ્રંૃગારિક વર્ણનો કવિઓએ કર્યાં છે. રસ નીતરતાં, વિલાસપૂર્ણ, કામોત્તેજક, ઇરોટિક. કૃષ્ણને ભજતા કેટલાક પંથને આ રુચે છે, કેટલાકને નથી રુચતું. કેટલાક આ પ્રેમને પ્લેટોનિક લવ સાબિત કરવાની કોશિશ કરતા રહે છે. કેટલાક તેને પ્રતીકાત્મક ઠરાવવા મથે છે. ભગવાન કાંઈ માણસ જેવો પ્રેમ કરે? પ્રણયક્રીડા-કામક્રીડા કરે અને એ પણ બીજાની પત્નીઓ સાથે? અમુક આ વાતને ગળે ઉતારી નથી શકતા. તેમને બાળકૃષ્ણ ગમે. યોદ્ધો કૃષ્ણ ગમે. ફિલોસોફર કૃષ્ણ ગમે. રાજા કૃષ્ણ ગમે. વિષ્ટિકાર કૃષ્ણ ગમે, પણ પ્રેમી કૃષ્ણની તેઓ બાદબાકી કરી નાખે છે. કૃષ્ણને ટુકડાઓમાં પૂજવા, માનવા સહેલા છે, સમગ્રપણામાં સ્વીકારવા મુશ્કેલ છે. ભાગવતમાં કૃષ્ણ પોતે ગોપીઓને કહે છે કે તમે તમારા પતિઓ, ઘરબાર બધું છોડીને આવી છો તે બરાબર નથી. ગોપીઓ કૃષ્ણની પાછળ પાગલ છે.

તે દલીલો કરે છે અને કૃષ્ણને મનાવી લે છે. રાસલીલા અને ઉપવનક્રીડાના વર્ણન પછી પરિક્ષિત રાજાને પણ આવા જ પ્રશ્નો થયા હતા એટલે તેમણે શુકદેવને પૂછ્યું કે, ‘મહારાજ, ઈશ્વરનો અવતાર તો ધર્મની રક્ષા માટે અને અધર્મના નાશ માટે થયો હતો. તેઓ ધર્મમર્યાદાના જાણકાર, ઉપદેશક અને રક્ષક હતા. પરસ્ત્રીનો સ્પર્શ ધર્મવર્જિત છે એવી અવસ્થામાં તેમણે પરાયી સ્ત્રીનાં આલિંગન, ચુંબન અને મર્દન કેમ કર્યાં? ભગવાન કૃષ્ણ પૂર્ણકામ હતા, તેમને કોઈ કામના નહોતી તે માનું છું છતાં, તેમણે કયા આશયથી આ નિંદિત કામ કર્યું એ અંગેની મારી શંકા દૂર કરો.’ શુકજીએ જે લંબાણભર્યો જવાબ આપ્યો તે પરિક્ષિતની શંકાઓને સર્વથા દૂર કરનાર લાગતો નથી, પણ તેમાંની એક વાત નોંધવા જેવી છે. શુકદેવ જવાબની શરૂઆત આ રીતે કરે છે, ‘સૂર્ય, અગ્નિ આદિ સમર્થ, તેજસ્વી પુરુષ ક્યારેક એવાં સાહસપૂર્ણ કામ કરે છે, જે ધર્મથી વિપરીત હોય છતાં તેમને તેનો દોષ લાગતો નથી.’ સમરથ કો નહીં દોષ ગુંસાઈ જેવું?


કૃષ્ણ આજના ઈશ્વર જ એટલા માટે છે કે તેમણે આવાં સાહસ કર્યાં. રાસલીલા અને ગોપીઓ સાથે વિચરણ, નૃત્ય, પ્રેમ ખુલ્લેઆમ, છુપાવ્યા વગર કરવાં એમાં હિંમત જોઈએ. કૃષ્ણે જો આ બધું છુપાવીને કર્યું હોત તો પાપ ગણાત. પાપ અને પુણ્યની અદ્્ભુત વ્યાખ્યા શ્રીકૃષ્ણે ભગવદગીતામાં કરી છે તે પછી ક્યારેક જોઈશું.


છેલ્લો ઘા :
દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાના,
ઓલી ગોકુળમાં કોણ હતી રાધા,
તો શું રે જવાબ દઈશ માધા.
તારું તે નામ તને યાદ નો’તું તે દિ’થી,
રાધાનું નામ હતું હોઠે.
ઠકરાણાં-પટરાણાં કેટલાંય હતાં તોયે,
રાધા રમતી’તી સાત કોઠે.
રાધા વિણ વાંસળીના વેણ નહીં વાગે,
શીદને સોગંદ એવા ખાધા,
તો શું રે જવાબ દઈશ માધા.
કૃષ્ણનો જવાબ :
ગોકુળ વનરાવન ને દ્વારકા,
એ તો પંડ્યે છે પહેરવાના વાઘા.
રાજીપો હોય તો અંગ પર ઓઢીએ, નહીં તો રખાય એને આઘા.
આ સઘળો સંસાર મારા સોળે શણગાર, પણ અંતરનો આતમ રાધા,
હવે પૂછશો મા કોણ હતી રાધા.

- ઇસુદાન આયદાન ગઢવી

kana.bantva@dbcorp.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP