Home » Rasdhar » કાના બાંટવા
લેખક ‘દિવ્ય ભાસ્કર’ વરિષ્ઠ પત્રકાર છે અને સાથોસાથ સાંપ્રત વિષયો પર અધિકૃતતાથી કલમ પણ ચલાવી જાણે છે.

કૃષ્ણ આજના ઈશ્વર

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

ઈશ્વર તોફાની હોય? નટખટ હોય? હસતા, મજાક કરતા હોય? નાચતા હોય? ગાતા હોય? પ્રેમ કરતા હોય? યુવતીઓ સાથે રાસ રમતા હોય? નાનું સરખું કપટ કરી લેતા હોય? લીલા કરતા હોય? પોતાની પ્રતિજ્ઞા તોડતા હોય?


સામાન્ય રીતે ન હોય ને? ઈશ્વર તો ગંભીર હોય. શાંત હોય. નાચવા-ગાવાની તો વાત જ છોડો. પ્રેમ? ટચ... ટચ... ટચ... લીલા? સંભવ જ નથી. કપટ? વિચારી પણ ન શકાય. જગતના તમામ ઈશ્વર આવા જ છે, શ્રીકૃષ્ણને બાદ કરતાં. કૃષ્ણે ઈશ્વર માટેના તમામ નિયમો તોડી નાખ્યા છે. તે અદ્્ભુત ભગવાન છે. તે તોફાન કરે છે અને જ્ઞાન પણ આપે છે. તે હળવાફુલ છે. કોઈ ભાર નહીં. જગતનિયંતા હોવા છતાં સામાન્ય માનવીની જેમ વર્તે છે. સામાન્ય માનવીના થઈને રહે છે.

કૃષ્ણપર્વ જન્માષ્ટમીમાં કૃષ્ણમય થઈ
જવા માટે તૈયાર થઈ ગયેલા કૃષ્ણભક્તો માટે નાચતા-ખેલતા, હસતા-ગાતા, નટખટ નંદકિશોર એવા અનોખા ઈશ્વરનો અનોખો પરિચય

કૃષ્ણ વર્તમાનના ઈશ્વર છે, આજના ઈશ્વર છે. હંમેશાં આજના જ ઈશ્વર રહેશે, વર્ષો, દાયકાઓ, સદીઓ પછી પણ. રિલેવન્ટ રહેશે. પ્રાસંગિક. દરેક ઘટના, પુરુષ, મહાપુરુષ, ગ્રંથ, ધર્મગ્રંથ, દર્શન જે કાલખંડમાં થઈ ગયા હોય તેમાં રિલેવન્ટ હોય. સમયના તે પડાવ પર તે પ્રસ્થાપિત થઈ ગયા હોય. બહુ ઓછા મહાપુરુષો, દર્શન, ગ્રંથ એવાં છે જે સમયની, કાળની સાથે ચાલતાં રહે છે એટલે સતત વર્તમાનમાં રહે છે. ગઈકાલે પણ વર્તમાનનાં હતાં, આવતીકાલે પણ વર્તમાનનાં હશે. તે ક્યારેય અપ્રાસંગિક બનતાં નથી. નિત્ય નવાં રહે છે. કૃષ્ણ આવા ઈશ્વર છે, મહાભારત આવો ગ્રંથ છે, ભગવદગીતા આવું દર્શન છે. સમયના વહેણની સાથે ચાલ્યા કરે છે એટલે તે તમને આજનું જ લાગે છે, આજ માટે સૌથી વધુ રિલેવન્ટ લાગે છે, ઉપયોગી લાગે છે, અનુસરણીય લાગે છે. ઓશોએ કૃષ્ણને ભવિષ્યના ઈશ્વર કહ્યા હતા. હવે ઘણા કહેવા માંડ્યા છે, પણ કૃષ્ણ વર્તમાનના ઈશ્વર છે. અર્જુનના વર્તમાનના, અભિમન્યુના વર્તમાનના, પરિક્ષિતના વર્તમાનના, સૂરદાસના વર્તમાનના, મીરાંના વર્તમાનના, મારા વર્તમાનના, તમારા વર્તમાનના, તમારી-મારી આવનારી પેઢીઓના વર્તમાનના. કૃષ્ણ વહેતા રહેશે સમયની સાથે. આપણે કાલખંડમાં સ્થિર રહી વિસરાઈ જઈશું, અપ્રાસંગિક બની જઈશું ત્યારે પણ ભગવદગીતાનું ગાન થતું હશે, કૃષ્ણનું મર્માળું સ્મિત હશે, કૃષ્ણ વધુ સમજાતા હશે.


મહાભારતમાં વેદવ્યાસે કહ્યું છે કે વિશ્વમાં જે કાંઈ છે તે મહાભારતમાં છે અને એમાં નથી તે દુનિયામાં ક્યાંય નથી. મહાભારતમાં બધું જ છે. સારાંની નબળાઈઓ અને ખરાબની સારપ છે. બ્લેક અને વ્હાઇટ વચ્ચેના અસંખ્ય ગ્રે શેડ્સ તેમાં છે. તેમાં નીતિની સાથે અનીતિ છે. ધર્મની સાથે અધર્મ પણ છે. આદર્શની સાથે કપટ પણ છે. આ મહાગ્રંથમાં કૃષ્ણ વિવિધ સ્વરૂપે ઉપસે છે. એક કૃષ્ણમાં અનેક કૃષ્ણ છે. નટખટ કાનુડો છે, ગાયો ચરાવતો ગોપાલ છે, વાંસળી વગાડનાર મુરલીધર છે, ગોપીઓનો પ્રિય ગોપીશ્વર છે. ગીતાનું જ્ઞાન આપનાર માધવ છે, દ્રૌપદીના ચીર પૂરનાર ગોવિંદ છે, દ્વારકાના અધિપતિ દ્વારકાધીશ છે, બ્રહ્માંડના સ્વામી જગન્નાથ છે, યોગના અધિષ્ઠાતા યોગેશ્વર છે. મોરપિચ્છમાં જેટલી રંગછટાઓ છે એટલી કૃષ્ણમાં છે. દરેક ખૂણેથી અલગ રંગ ઝળકે અને એટલે જ કૃષ્ણ બધાને ફાવે તેવા ઈશ્વર છે. કેટલાકને બાળ સ્વરૂપે ફાવે, નિર્દોષ નટખટ. તેઓ બાલગોપાલની પૂજા કરે છે. કેટલાકને લીલા કરતા કૃષ્ણ ફાવે. કેટલાકને જ્ઞાની કૃષ્ણ ફાવે. કેટલાકને દ્વારકાધીશ કૃષ્ણ ફાવે. બધા માટે કૃષ્ણ ઉપલબ્ધ છે.


કૃષ્ણના જન્મ અને મૃત્યુ બંને વિશિષ્ટ છે. ઈશ્વરના અવતારોના જન્મ કોઈ મહાન ઘટના રૂપે, મહાન પરિસ્થિતિમાં થતા નથી. રામ, મહાવીર, બુદ્ધ વગેરેના જન્મ રાજકુમાર તરીકે, ઈશુનો જન્મ કુંવારી માતાના પેટે થયો. કૃષ્ણનો જન્મ જેલમાં થયો, બંદીવાન માતા-પિતા. પોતાના પર જન્મતાં જ મૃત્યુ પામવાનો ખતરો, કારણ કે મામા કંસે કૃષ્ણના અગાઉ જન્મેલા સાત સહોદરોને મારી નાખ્યા હતા. આઠમની કાળી, મેઘલી રાતે જન્મ. કોઈ સુવિધા નહીં. ઉછાળા મારતી યમુનાના પૂરમાં તણાઈ જવાનું પણ જોખમ. જન્મતાં જ માની ગોદને બદલે વાંસના સૂંડલામાં સૂઈને જેણે જન્મ નથી આપ્યો એવી સ્ત્રીના પુત્ર થવા પહોંચવાનું. તેનો પ્રેમ સંપાદિત કરવાનો, સવાયા પુત્ર થઈને રહેવાનું. તમામ વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે જન્મ અને છતાં બાલ કૃષ્ણના મુખ પર એવું મીઠું સ્મિત કે માતા યશોદા ભાવવિભોર થઈ જાય.


આઠમ અને અધરાત. બંને બાજુ પખવાડિયાની સાત-સાત તિથિ. મધ્યની તિથિ અષ્ટમી અને બરાબર મધરાત. સંધિકાળ. કૃષ્ણ એવા સમયે જન્મ્યા જ્યારે સત અને અસત બેયની બરાબર વચ્ચેનો કાળ હતો. પરિત્રાણાય સાધુનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગેનાં વચન પ્રમાણે જ્યારે કૃષ્ણ જન્મ્યા ત્યારે પૃથ્વી પર ધર્મનો ક્ષય થઈ રહ્યો હતો. રાક્ષસો ઉત્પન્ન થઈ રહ્યા હતા. પૃથ્વી ત્રાહિમામ્ થઈ ચૂકી હતી. આ સમયે જ કૃષ્ણ કેમ જન્મ્યા? વિવિધ દેવોના અંશરૂપ મહારથીઓ, વિદ્વાન પુરુષોએ શા માટે આ જ સમયે જન્મ લીધો?

મહાભારતના આદી પર્વમાં કહેવાયું છે કે ત્રાહિમામ્ થઈ ગયેલી પૃથ્વી અસુરો, અસત્, દુરાચાર, અધર્મનો ભાર ઉઠાવવામાં અસમર્થ બની ગઈ અને પ્રજાપિતા બ્રહ્મા પાસે ગઈ. બ્રહ્માજીએ વિવિધ દેવોને આજ્ઞા કરી કે પૃથ્વીનો ભાર ઉતારવા તમે પોતે પોતાના અંશો દ્વારા પૃથ્વી પર અવતાર લો. આ દેવો ઇન્દ્રની આગેવાનીમાં વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા અને તેમને અવતાર ધારણ કરવાની વિનંતી કરી. વિષ્ણુ અને દેવતાઓ તે પછી પૃથ્વી પર અવતાર લેવા માંડ્યા. દ્યો નામના વસુ ભીષ્મ તરીકે, સૂર્યના અંશરૂપે કર્ણ, ધર્મના પુત્ર તરીકે યુધિષ્ઠિર અને વિદુર, ઇન્દ્રના પુત્ર તરીકે અર્જુન, વાયુદેવના પુત્ર તરીકે ભીમ, અશ્વિનીકુમારોના પુત્ર તરીકે સહદેવ અને નકુલ, શેષનાગના અંશરૂપે બલરામ, રુક્મિણીના રૂપે લક્ષ્મીજી, સોળ હજાર અપ્સરાઓએ મનુષ્ય યોનિમાં જન્મ લીધો જે શ્રીકૃષ્ણની રાણીઓ બની. લાંબું લિસ્ટ આપવામાં અાવ્યું છે મહાભારતમાં દેવતાઓ અને અસુરોના પૃથ્વી પર જન્મનું.


કૃષ્ણનો જન્મ માણસ માટે પ્રતીકાત્મક છે. વિપરીત પરિસ્થિતિ વચ્ચે, જોખમો વચ્ચે અસ્તિત્વ માટેનો તુમુલ સંઘર્ષ. જરા પણ ઢીલું મૂકતાં જ ખતમ થઈ જવાનો ખતરો. માણસ સતત આવું જ તો જીવન જીવે છે. જન્મથી મૃત્યુ સુધી અનિશ્ચિતતા સામે, અસંભવ સામે લડતો રહે છે. પરિસ્થિતિ સામે ઝઝૂમતો રહે છે. ક્યારેક જીતે છે, ક્યારેક હારે છે, ક્યારેક પડે છે, ક્યારેક ચડે છે. કૃષ્ણનું જીવન અંત સુધી ક્યારેય સંઘર્ષરહિત, સરળ રહ્યું જ નથી. કંસના વધ પછી કૃષ્ણ પોતે રાજા બન્યા નહીં, નાના ઉગ્રસેનને બનાવ્યા રાજા. કાલયવનને લીધે ભાગવું પડ્યું. સુવર્ણ દ્વારકા વસાવી એના ઉપર પણ હુમલા થતા રહ્યા. મહાભારતના યુદ્ધમાં ભલે પ્રત્યક્ષ લડ્યા નહીં, પણ અપ્રત્યક્ષ રીતે તો આખું યુદ્ધ કૃષ્ણ જ લડ્યા છે. અઢાર દિવસના યુદ્ધના કેન્દ્રમાં અર્જુન કે ભીષ્મ કે કર્ણ કે દુર્યોધન કે યુધિષ્ઠિર નહીં, કૃષ્ણ જ રહ્યા છે.


જન્મથી મરણ સુધી ક્ષણેક્ષણ સંઘર્ષ છતાં કૃષ્ણ સદા હસતા રહ્યા. હળવા રહ્યા. ભાર વગરના ભગવાન રહ્યા. યોગીનાં આ તો લક્ષણ છે. ગીતામાં કૃષ્ણને મહાયોગેશ્વર હરિ કહેવામાં આવ્યા છે. શ્રાવણમાં કૃષ્ણને યાદ કરવાનો આ સિલસિલો ચાલુ જ રહેશે.

(ક્રમશ:)

છેલ્લો ઘા:
ઠુમક ઠુમક પગ ઘુમક કુંજ મધુ
ચપલ ચરણ હરિ આયે
આયે રે મેરે પ્રાણ લુભાવન આયે
આયે રે મેરે નૈન લુભાવન આયે
(પંડિત ભીમસેન જોશીના સ્વરમાં આ ભજન માણજો, જન્માષ્ટમી સુધરી જશે.)

kana.bantva@dbcorp.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP