Home » Rasdhar » કાના બાંટવા
લેખક ‘દિવ્ય ભાસ્કર’ વરિષ્ઠ પત્રકાર છે અને સાથોસાથ સાંપ્રત વિષયો પર અધિકૃતતાથી કલમ પણ ચલાવી જાણે છે.

આજે 15મી ઓગસ્ટ, હવે શું કરશો દિવસભર?

  • પ્રકાશન તારીખ15 Aug 2018
  •  

જય હિન્દ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. સવારમાં મિત્રો-સ્વજનોને તિરંગાના ફોટો સાથેનાં ગ્રિટિંગ્સ મોકલી દીધાં?


વોટ્સએપ ગ્રૂપ્સમાં મેસેજ ફોરવર્ડ કરી દીધા? ડીપી તરીકે તિરંગો રાખી દીધો અથવા ડીપીનો ફોટો તિરંગાના રંગે રંગી દીધો? સવારથી અત્યાર સુધીમાં આટલું કરી લીધું? શાબાશ, વેરી ગુડ. અંદરથી સંતોષ થતો હશેને દેશભક્તિ દેખાડી દીધાનો? સંતુષ્ટિનો ઓડકાર આવી ગયો હશેને? બસ, આટલી સસ્તી દેશભક્તિ? બે ગ્રિટિંગ્સના જ દામની? થોડાએ તિરંગાને સલામી આપી હશે. બહુ થોડાએ આઝાદી અપાવનારા સેનાનીઓને યાદ કર્યા હશે. બસ? થયું? પત્યું? હવે શું કરશો આખો દિવસ? આજે તો રજા જ ને? છુટ્ટી. બે પ્રશ્ન ચર્ચવા છે આજે. પહેલો એ કે સ્વાતંત્ર્ય દિવસે આપણે શું કરવું જોઈએ? રજાની મજા માણવી જોઈએ કે પછી આઝાદીના પર્વ નિમિત્તે કશું એવું કામ કરવું જોઈએ જે દેશ માટે હોય. બીજો પ્રશ્ન સાવ મૂળિયાનો છે. સ્વાતંત્ર્ય પર્વની કે પછી પ્રજાસત્તાક પર્વની રજા શા માટે હોવી જોઈએ? તે દિવસે તો થોડું વધુ કામ કરીને દેશની ઉન્નતિમાં યોગદાન ન આપવું જોઈએ?

સ્વાતંત્ર્ય પર્વ માત્ર શુભેચ્છાઓ ફોરવર્ડ કરવા પૂરતું સીમિત રહી ગયું છે?

ત્રણ દસકા પહેલાંના રાષ્ટ્રીય પર્વની ઉજવણીઓ જેમની સ્મૃતિમાં હશે તેમને, પાંચ દાયકા પહેલાંની ઉજવણી જેમણે જોઈ હોય તેમને અને આઝાદીનો દિવસ જેમણે જોયો હોય તેમને પૂછશો તો ખ્યાલ આવશે કે માત્ર ઉજવણીનું સ્વરૂપ જ નહીં, પ્રજાનું માનસ પણ બદલાઈ રહ્યું છે. 1947માં તો દેશનું બચ્ચું બચ્ચું અદમ્ય ઉત્સાહમાં હતું. ગુલામીની બેડીઓ તૂટી હતી અને મહામૂલી આઝાદી મળી હતી. એ માહોલ અસંખ્ય લેખકોએ વર્ણવ્યો છે. પાંચ દાયકા પહેલાંની ઉજવણી થોડી ફીકી પડી હશે, પણ ગુલામીના ઘાવ તાજા હતા એટલે એની કિંમત પણ સમજાતી હતી અને દેશપ્રેમ લોહીની સાથે નસોમાં દોડતો હતો. ત્રણ-સાડાત્રણ દાયકા પહેલાંની ઉજવણી આ લખનારને પણ યાદ છે. સવારની ઊંઘ પ્રભાતફેરીના અવાજથી ઊડતી. સ્કૂલે તે દિવસે વહેલું પહોંચી જવાનું રહેતું. ધ્વજવંદન માટે અઠવાડિયા પહેલાંથી રિહર્સલ કર્યાં હોય, દેશપ્રેમ સાથે જોડાયેલી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હોય. લાઉડ સ્પીકર ત્યારે માત્ર વારે તહેવારે જ સંભળાતાં. એવાં લાઉડ સ્પીકર પર દેશભક્તિનાં ગીત વાગતાં હોય. ઉલ્લાસનું વાતાવરણ હોય. તે દિવસે દેશભક્તિનું ઘોડાપૂર આવ્યું હોય એવું ફીલ થતું.


આજે ધ્વજવંદન માટે જવાનો ઉત્સાહ કેટલા લોકોને હોય છે? શાળામાં ફરજિયાત ન જવાનું હોય તો બાળકોને જવાનો ઉત્સાહ હોતો નથી. સામાન્ય માણસ માત્ર મેસેજ મોકલીને દેશભક્તિ દર્શાવી દે છે. પ્રભાતફેરીઓ તો કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ. દેશભક્તિનાં ગીત હવે માત્ર ટીવી પરના ન્યૂઝમાં જ સંભળાય છે. આવું પરિવર્તન આવે જ. સ્વાભાવિક રીતે જ આવે. જેમ જેમ વર્ષો વીતતાં જાય તેમ તેમ આઝાદી અંગેની સમજ ઘટતી જાય અને મહત્ત્વ પણ ઓછું થતું જાય. આઝાદીની કિંમત ગુલામીમાં જ સમજાય છે. સ્વાતંત્ર્ય પર્વની ઘસાતી જતી મહત્તા વચ્ચે એ વિચારીએ કે સ્વાતંત્ર્ય દિવસે આપણે રજા માણવા સિવાય શું કરવું જોઈએ અથવા શું કરી શકીએ. અહીં આદર્શવાદી સલાહો આપવાનો ઉપક્રમ નથી, સામાન્ય માનવી સરળતાથી કરી શકે એવાં દેશહિતનાં કામો તરફ આંગળી ચીંધવાનો પ્રયાસ છે.

બીજો પ્રશ્ન રજા હોવી જ શા માટે જોઈએ એ છે. રાષ્ટ્રીય પર્વોના દિવસે તો દેશ માટે કશુંક કરવાનું હોય એટલે રજા જ ન હોવી જોઈએ ને? તે દિવસે તો ઊલટું થોડું વધુ કામ કરીને દેશના વિકાસમાં ફાળો આપવાનો હોય.

તમે કહેશો કે સ્વાતંત્ર્ય પર્વની રજા છે એટલે પિકનિક કરીએ, હરીએ ફરીએ, રિલેક્સ થઈએ એમાં ખોટું શું છે? કશું ખોટું નથી, પણ આ બધું તો તમે દર રવિવારે કરો જ છો ને? દરેક રજામાં, પછી તે ઈદની હોય કે દિવાળીની, ગાંધી જયંતીની હોય કે રામનવમીની કે જન્માષ્ટમીની, કરો જ છો ને? તો પછી આ બધા દિવસો અને સ્વાતંત્ર્ય પર્વમાં ફરક શું રહ્યો? આઝાદીના દિવસને આ બધાની પંગતમાં મૂકી શકાશે? જો હા પાડતા હો તો તમારી દેશભક્તિ વિશે એક વાર વિચારી જોજો. રજાનો દિવસ છે અને તમે ફ્રી છો. આજે એકાદ કામ દેશનું ન કરી શકો? કોઈ પૂછી શકે કે આઝાદી મળી ગઈ, હવે દેશ માટે આપણે શું કરવાનું? દેશ માટે સદૈવ, સતત ઘણું કરવાનું રહે છે. તમે તમારી શેરી સાફ કરાવી શકો, વંચિત બાળકોને બે કલાક ભણાવો, ટ્રાફિક પોલીસની સાથે મળીને વાહનચાલકોને ટ્રાફિક અંગે સમજણ આપો, તેમને શપથ લેવડાવો કે ટ્રાફિકના નિયમોનો ભંગ નહીં કરે, હોસ્પિટલમાં જઈને દર્દીઓને મદદ કરો, કોઈ સંસ્થામાં જઈને બે કલાક સેવા આપો, તમારાં જ્ઞાન, તમારા વ્યવસાય, તમારા એક્સપર્ટાઇઝનો નિ:શુલ્ક લાભ એક દિવસ જાહેર જનતાને આપો. ઉદાહરણ તરીકે ડૉક્ટર એક દિવસ મફત નિદાન કરે, વકીલ એક દિવસ કાનૂની સેવા મફત આપે ઇત્યાદી. થોડાં વૃક્ષો વાવો અને તેને ઉછેરવાની જવાબદારી લો. સારા પડોશી બનીને તેમને મદદ કરો, તમારી સોસાયટીનું કોઈ કામ કરો, બ્લડ ડોનેશન કરો, તમારા વિસ્તારની સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરો, સિવિક સેન્સ દર્શાવો, વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં બે કલાક સેવા આપો, કોઈ સ્થળે શ્રમદાન કરો. કેટલું બધું મળી આવશે કરવા જેવું, જો વિચારશો તો, પરંતુ એ માટે તમારે સૌ પ્રથમ નક્કી કરવું પડશે કે દેશ માટે આજે કંઈક કરીને રજાનો સદુપયોગ કરવો છે.


બીજો પ્રશ્ન રજા હોવી જ શા માટે જોઈએ એ છે. રાષ્ટ્રીય પર્વોના દિવસે તો દેશ માટે કશુંક કરવાનું હોય એટલે રજા જ ન હોવી જોઈએ ને? તે દિવસે તો ઊલટું થોડું વધુ કામ કરીને દેશના વિકાસમાં ફાળો આપવાનો હોય. સામાન્ય રીતે રૂટિનમાં જેટલો સમય કામ કરતા હો તેના કરતાં થોડો વધુ સમય કામ જો દેશના કરોડો લોકો કરે તો કેટલો ફાયદો થાય? કરોડો લોકોનો એક દિવસ સાવ નોન પ્રોડક્ટિવ જાય એના બદલે રાષ્ટ્રીય પર્વના દિવસે બધા નાગરિકો માત્ર દસ ટકા એક્સ્ટ્રા કામ કરે તો? કેવડો મોટો ફાયદો થાય? દેશ તમારાં, કરોડો નાગરિકોનાં, નાનાં નાનાં પ્રદાનોથી મહાન વિકસિત, ગૌરવશાળી બને છે એ યાદ રાખો.


છેલ્લો ઘા : દેશભક્તિ વર્ષમાં બે વખત પહેરવાનું પહેરણ નથી.
- ગત રાષ્ટ્રીય પર્વ નિમિત્તે લખેલા લેખનું શીર્ષક

kana.bantva@dbcorp.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP