Home » Rasdhar » કાના બાંટવા
લેખક ‘દિવ્ય ભાસ્કર’ વરિષ્ઠ પત્રકાર છે અને સાથોસાથ સાંપ્રત વિષયો પર અધિકૃતતાથી કલમ પણ ચલાવી જાણે છે.

દારૂબંધીથી પાણીપૂરીબંધી

  • પ્રકાશન તારીખ01 Aug 2018
  •  

પુરુષોને જેટલી દારૂબંધી કઠે એટલી જ મહિલાઓને પાણીપૂરીબંધી ખૂંચે. પુરુષો ડ્રાય સ્ટેટમાં દારૂ વગર રહી શકે, પણ મહિલાઓ પાણીપૂરી વગર નહીં રહી શકે. પાણીપૂરીબંધી સંપૂર્ણપણે લાગુ પાડવામાં આવશે તો ગુજરાત ખરા અર્થમાં ડ્રાય બનશે. મોંમાં પણ પાણી નહીં આવે,

મહિલાઓને. રોગચાળો ફાટી નીકળવાને કારણે વડોદરામાં તો પાણીપૂરી પ્રતિબંધિત થઈ ગઈ છે, રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રીએ આખાં ગુજરાતમાં પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી દીધી છે. આ તો સ્ત્રીઓના મૂળભૂત અધિકાર પર તરાપ છે! એક વણ ઉકેલાયેલો કોયડો એ પણ છે કે પાણીપૂરી મહિલાઓ જ શા માટે ખાય છે? પુરુષોને પાણીપૂરી સાથે કયું વેર હોય છે? આ કદાચ એક જ એવી વાનગી છે જે જેન્ડર બાયસ્ડ છે. બીજો યક્ષપ્રશ્ન એ છે કે ગંદી જગ્યાઓની પાણીપૂરી જ કેમ વધુ લોકપ્રિય અથવા નારીપ્રિય હોય છે?

પાણીપૂરી પરનો પ્રતિબંધ મહિલાઓના અધિકાર પરની તરાપ છે. બાય ધી વે, સ્ત્રીઓ પાણીપૂરી કેમ વધુ ખાય છે?

સ્ત્રીઓને પાણીપૂરી સ્વર્ગપૂરીથી પણ વધુ પ્રિય હોય. શા માટે આવું હશે? પાણીપૂરી ચટાકેદાર હોય એટલે? એ ખાધા પછી પણ જમી શકાય એટલે? એ ખાઈને પણ પેટ ભરી લઈ શકાય એટલે? ઊભાઊભ ખાઈ લઈ શકાય એટલે? આ બધું તો પુરુષોને પણ લાગુ પડે જ ને? કદાચ, ફરક માનસિક હશે. રોજ રસોઈ બનાવનાર મહિલાઓ સ્વાદથી થોડી ઉબાઈ જતી હશે અને સર્વ સ્વાદના મિશ્રણ જેવી પાણીપૂરી સ્વાદેન્દ્રિયને પૂર્વવત્ કરી આપતી હશે? પાણીપૂરીમાંના સ્વાદની ‘અતિ’ ઉદ્દિપક જેવું કામ કરતી હશે? સ્વાદ બહુ વિચિત્ર ચીજ છે. જીભનો ચટાકો ક્યારેય પૂરો થતો નથી. કોઈ એક ચીજથી ઉબાઈ જાય અને એ ઉબ દૂર પણ થઈ જાય.

મોટાભાગના પુરુષો રસોઈ બનાવતા નથી હોતા એટલે તેમને સ્વાદના આવા ચટાકાની જરૂર નહીં હોય? માનસશાસ્ત્રીઓ જાણે. બીજા પ્રશ્નનો જવાબ જાણતાં પહેલાં આ ફકરો વાંચો :
‘ઓઘડના હાથની ભેળ ખાવી એક લહાવો ગણાતો. આખા સુવર્ણદ્વીપમાં આ ભેળની, વિશેષ તો એ ભેળમાં ભેળવાતી ચટણીની ખ્યાતિ ફેલાઈ ગયેલી. ભેળ ભેળના આ દુર્દમ્ય આકર્ષણનું મૂળ રહસ્ય ચટણીમાં હતું અને ચટણીના સ્વાદનું રહસ્ય એના કૂંડામાં રહેલું હતું. માટીના જે ઠામડામાં ઓઘડ ચટણી બનાવતો એ ચોવિસ વર્ષ જૂનું થઈ ગયું હતું. ચોવિસ વર્ષમાં કૂંડું કદી સાફ જ નહોતું થયું. રોજ એ કૂંડાંમાં અડધી-પડધી ચટણી વધે એમાં જ વખતે દહાડે વધારાનાં આંબલી-ખજૂર ઓગળતાં હોવાથી માટીના એ ઠીબડામાં ઠીકાઠીકનો આથો જામ્યો હતો અને એ આથાનો અસહ્ય કોહવાટ પોતે જ આ ચટણીનું કામણ બની રહ્યું હતું. ખજૂર-આંબલીનું ચોવીસ વર્ષ જૂનું કોહવાટવાળું મિશ્રણ કામણગારું જ નહીં, માદક પણ બની ગયું હતું.’

ચુનીલાલ મડિયાની અફલાતુન પોલિટિકલ સેટાયર ‘સધરા જેસંગનો સાળો’માં ઓઘડ ભેળવાળાની ભેળ અને ચટણી શા માટે લોકપ્રિય હતી એનું આ વર્ણન છે. આ વ્યંગ્યમાં સત્યનો અંશ પણ છે. પ્રખ્યાત પાણીપૂરી ગંદી જગ્યાની આસપાસ હોવાનું કારણ પણ કાંઈક આવું જ હશે. બની શકે કે ગટરના સડાનો વાયુ આથો પેદા કરનાર હોય. પાણીપૂરીમાં એકદમ સડી ગયેલાં બટાકા વધુ વપરાય તેનું પણ આર્થિક ઉપરાંત કોઈ કારણ હોવું જોઈએ. બટાટાની અંદરનો સડો, તેમાંની ઇયળો સાફ થતાં હશે કે કેમ એ તો ભૈયાજી જાણે, ન થતાં હોય તો તે પણ સ્વાદમાં ઉમેરો જ કરતાં હશે ને? મજાની વાત એ છે કે મહિલાઓ જાણતી હોય છે કે પાણીપૂરીમાં વપરાતી સામગ્રી ઉતરતી ગુણવત્તાની હોય છે.

છતાં પાણીપૂરી તો ખાય જ છે, ઉપરથી ખાઈ લીધા પછી એક મસાલાપૂરી પણ માગે જ. બહાનું એવું કાઢે કે મોંમાંથી તીખો સ્વાદ દૂર થઈ જાય, પણ એ પૂરી ખાઈને ઉપર પેલું વધેલું પાણી પી જાય! ભારતમાં જ નહીં, નેપાળમાં પણ પાણીપૂરીને પાનીપૂરી જ કહેવાય છે, ક્યાંક ગોલગપ્પા, પુચકા, બતાશા, ગુપચુપ, પાની કા પતાસા વગેરે નામથી ઓળખાય છે, એક માત્ર અમદાવાદમાં પાણીપૂરીને પકોડી કહેવામાં આવે છે. પકોડાની નારીજાતી પકોડી કહેવાવી જોઈએ, નાનું પકોડું એટલે પકોડી, પણ કોણ જાણે કઈ કમાણીએ અમદાવાદીઓ પાણીપૂરીને પકોડી પણ કહે છે, અમુક સમજદાર જોકે, પાણીપૂરી કહીને ન્યાય કરે છે ખરા. મુંબઈગરાઓ પાણીપૂરીની જેમ રગડાપૂરી પણ પસંદ કરે છે જેમાં વટાણાનો રગડો પૂરીમાં ભરીને આપવામાં આવે છે.

ગુજરાતમાં સરકાર પ્રતિબંધ મૂકવાની વાતો કરે છે, પણ નારીશક્તિ વિફરશે તો શું થશે એની ગણતરી હજી તેમણે માંડી લાગતી નથી.

ઓરિસ્સામાં પાણીપૂરી ગુપચુપ કહે છે. મોંમાં આખી પાણીપૂરી મૂકી દીધા પછી ચૂપ રહેવું પડે એટલા માટે આવું નામ પડ્યું હશે કે ગોલગપ્પાના ગપ્પાની સાથે ચૂપનું મિશ્રણ કર્યું હશે? ઓરિસ્સાની આજુબાજુના ઘણા રાર્જ્યોમાં ગુપચુપ જ નામ છે, પણ ઉડિયા ભાષા જેને સહુથી વધુ મળતી આવે છે તે બંગાળીમાં તેને પુચકા કહેવામાં આવે છે. મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં ફુલ્કી પણ કહેવામાં આવે છે. નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોય એ ન્યાયે પાણીપૂરી પૂરીને ફોડીને તેમાં સ્વાદિષ્ટ પાણી ભરીને બનાવાતી વાનગી છે, જેને દેશભરમાં મહિલાઓ વધુ પસંદ કરે છે.


ગુજરાતમાં સરકાર પ્રતિબંધ મૂકવાની વાતો કરે છે, પણ નારીશક્તિ વિફરશે તો શું થશે એની ગણતરી હજી તેમણે માંડી લાગતી નથી. પાણીપૂરી બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં, એવી વસ્તુઓથી બનતી હોય તો તેના સામે પગલાં લઈને સારી વસ્તુઓથી હાઇજેનિક વાતાવરણમાં બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ, એક વાનગી ઉપર પ્રતિબંધ મૂકવો વધુ પડતું છે. હા, સવાલ એ છે કે ચોખ્ખી જગ્યાએ, ચોખ્ખા પદાર્થોથી બનેલી પાણીપૂરીનો સ્વાદ મહિલાઓની જીભે વળગશે ખરો? ઓઘડની ચટણીની વાત સાચી પડશે?
છેલ્લો ઘા : સ્ત્રીઓને પ્રશ્ન : પાણીપૂરી નાસ્તો છે કે ભોજન?

kana.bantva@dbcorp.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP