Home » Rasdhar » કાના બાંટવા
લેખક ‘દિવ્ય ભાસ્કર’ વરિષ્ઠ પત્રકાર છે અને સાથોસાથ સાંપ્રત વિષયો પર અધિકૃતતાથી કલમ પણ ચલાવી જાણે છે.

મનને મારીને જીવવું કે બિન્ધાસ્ત, જલસાથી?

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

તજી દેવું કે ભોગવવું? અઘરો પ્રશ્ન છે. સદીઓથી માણસ આ પ્રશ્નમાં અટવાતો રહ્યો છે. ‘તેન ત્યક્તેન ભૂંજિથા’ ત્યાગીને ભોગવી જાણો કહીને આનો તોડ કાઢવાનો પ્રયાસ થયો છે, પણ પ્રશ્નનું પૂરું સમાધાન તો એનાથી પણ નથી થતું. પોતાને જાણવાની ઉત્કંઠાનો કીડો જેને કરડી ગયો છે એ તમામ મનુષ્યો ત્યાગ અને ભોગની પસંદગી વચ્ચે ઝોલાં ખાધા કરે છે, બાકીના માંહી પડીને મહાસુખ માણે છે. જેને પ્રશ્ન નથી તેમને મજા છે. પ્રશ્ન નથી તેમને સમસ્યા પણ નથી. એ દિશામાં જે વિચારતા નથી તેમના માટે તો પ્રશ્ન થવો જ સંભવ નથી.

ઋણં કૃત્વા ધૃતં પિબેત: ચાર્વાકનો ઉપભોગવાદ પસંદ કરવો કે મોટાભાગના ધર્મોએ ચીંધેલો ત્યાગનો માર્ગ? પૃથકજન બાપડો આખી જિંદગી ગૂંચવણમાં રહે છે

ધર્મો ત્યાગ શીખવે છે. ધર્મો ઉદાસીનતા શીખવે છે. ધર્મો અપરિગ્રહ શીખવે છે. ધર્મો સાદગી શીખવે છે. અમુક ધર્મો ગરીબાઈને મહિમામંડિત કરે છે, કેટલાક ધર્મો ઇન્દ્રિય નિગ્રહ શીખવે છે અને જે દુનિયામાં આપણે રહીએ છીએ ત્યાં બધું આનાથી ઉલટું છે. ભોગ છે, પરિગ્રહ છે, આનંદ છે, ઉલ્લાસ છે, વૈભવ છે, સંપત્તિ છે, કામ છે, સુખ છે. ટૂંકમાં માણસને જેમાં મજા આવે એવું બધું છે.


ભૌતિક સુખ-સાહ્યબી-આનંદનો જેટલો વિરોધ થાય છે એટલી જ ઝડપથી તે વિસ્તારતા રહે છે. તેનો ઉપભોગ વધતો રહે છે. મહાત્માઓ બિચારા ચિંતા કર્યા કરે છે કે દુનિયાનું શું થવા બેઠું છે, રસાતળ જશે. પશ્ચિમની સંસ્કૃતિ ભોગની સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિ યોગની સંસ્કૃતિ છે, એવા શબ્દાડંબર કરનારાની વાતમાં તાળીઓ પાડનારાઓ પણ તેમને ફોલો તો કરતા જ નથી. અરે, આવું કહેનારા સ્વયં પણ અમલ કરતાં નથી.


પૃથકજનો બાપડા આ બાજુ જવું કે પેલી બાજુ એમાં ગૂંચવાયેલા રહે છે. તેમનું મન ઊપભોગ તરફ ખેંચે છે, બુદ્ધિને ઉપભોગનો ડર લાગે છે. પરલોકમાં જઈશું ત્યારે પ્રોબ્લેમ થશે એવી ચિંતા રહ્યાં કરે છે. કેટલાકને મુક્તિની, મોક્ષની આકાંક્ષા રહે છે, કેટલાકને સ્વર્ગ કે વૈકુંઠ કે પરમધામની અપેક્ષા હોય છે.


ચાર્વાક કહી ગયો છે,
યાવત્ જીવેત સુખમ્ જીવેત્
ઋણં કૃત્વા ધૃતમ્ પિબેત્
ભસ્મીભૂતસ્ય દેહસ્ય
પુનરાગમનમ્ કુત:


જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો, દેવું કરીને ઘી પીવો, ભસ્મીભૂત થઈ જનાર દેહનું પુનરાગમન થવાનું નથી. કદાચ, ચાર્વાક અત્યારે સૌથી વધુ અનુસરાય છે. ચાર્વાકના દર્શનને નાસ્તિક દર્શન કહ્યું છે. વેદના પ્રમાણને ચાર્વાક કે તેમના ગુરુ બ્રહસ્પતિ માનતા નથી છતાં ચાર્વાકને ઋષિ ગણવામાં આવે છે. આજે ચાર્વાકના અનુયાયીઓ ભલે ન હોય, આખી દુનિયા એક દૃષ્ટિથી તો તેમનું જ અનુસરણ કરી રહી છે.


સામાન્ય માનવીની દુવિધા એ રહે છે કે કયો રસ્તો પસંદ કરવો? મનને મારીને જીવવું કે જલસા કરીને જીવવું? શાસ્ત્રો અને ફિલોસોફરો કહેતા હશે તે સાચું હશે કે નરી આંખે જોઈ શકાય, ઇન્દ્રિયોથી અનુભવી શકાય તે બધું સાચું? પ્રશ્ન તો એ છે કે જેમાં મજા આવે એવા બધાંનો જ નિષેધ શા માટે? અને જો એ બધું નિષેધ મૂકવા યોગ્ય જ હોત તો પછી કુદરતે તેમાં આનંદ આવે એવી વ્યવસ્થા શા માટે ગોઠવી? સંતો, ઓલિયાઓ, બુદ્ધોએ કેમ આ સંસારથી વિમુખ થઈ જવાનું સૂચવ્યું હશે? આવા પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તર નહીં આપી શકનારાઓએ મધ્યમ માર્ગો કાઢવાની કોશિષ કરી છે. વ્યવહારું ઉપાયો દર્શાવ્યા છે જેનો બેમાંથી કોઈ પક્ષ વિરોધ ન કરે. આવા ચતુર વિદ્વાનો દૂધ અને દહીં બંનેમાં પગ રાખે છે અને બેય બાજુ ઢોલકી વગાડે છે. તેઓ બેયનો સમન્વય કરીને ચાલવા જતાં અડબિડિયાં ખાઈ જાય છે અને સાથે અનુયાયીઓને પણ અજ્ઞાનના સાગરમાં ગોથાં ખવડાવી દે છે. તેઓ ભોગને છોડવાની વાતો કરે છે અને આચરણમાં ઉપભોગ તરફ ઢળેલા હોય છે. તેમને જોઈને અનુયાયીઓ એવી સમજણ વિકસિત કરી લે છે કે ત્યાગ દેખાડો, ભોગ છૂપાવો. અને પછી, અખો કહે છે તેમ બેય ડૂબી મરે છે.


મનને મારીને જીવવું કે જલસા કરી લેવા એ પ્રશ્નનો સૌથી સારો ઉત્તર ભગવદ્્ગીતા આપે છે. ‘સંસારમાં રત રહો, પણ કર્મ કૃષ્ણાર્પણ કરી દો. મન ઇશ્વરને સોંપી દો.’ સો સિમ્પલ. એકદમ સરળ. વાંચવું સરળ લાગે, પણ આચરણમાં મૂકવું સરળ નથી. ભગવદ્્ગીતા બહુ સરળ ગ્રંથ છે, તેને સમજીને જીવનમાં ઉતારતાં પગે પાણી આવી જાય તેમ છે. ભાષા સરળ અને વાત એકદમ સીધી. મોણ નાખ્યા વગરની સાતસો શ્લોકની ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જીવન જ નહીં, માનસશાસ્ત્ર સમજાવ્યું છે જે આજે પણ એટલું જ પ્રાસંગિક છે. કૃષ્ણએ કોઈ પ્રતિબંધ નથી મૂક્યો. લડવા પર પણ નહીં. માત્ર એટલી શરત રાખી કે કોઈ કામ તમારા સ્વાર્થ માટે નહીં, ઇશ્વરને ચરણે ધરવા માટે કરો. આજની દુનિયામાં ભગવદ્્ગીતા અને ભગવાન શ્રીકૃષ્ણ એટલા રીલેવન્ટ છે કે એવું લાગે તેઓ અાજના સમય માટે જ જન્મ્યા હતા.
આજનો માણસ જનક વિદેહીની જેમ જીવી શકે. ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં જનકનું ઉદાહરણ આપ્યું છે. સંસારના તમામ રંગરાગમાં રચ્યો પચ્યો રહેવા છતાં જનક સંપૂર્ણ નિસ્પૃહી હતો. કોઈ આસક્તિ તેને અડતી નહોતી. રાજપાટ, મહેલ, સુખ, વૈભવ બધું જ જલકમલવત્. સામાન્ય માનવી જો જલકમલવત્ રહીને દુનિયામાં જીવતો રહે તો ભોગ કે સુખ કે સમૃદ્ધિ છતાં તે અનાસક્ત, નિસ્પૃહ, વિમુક્ત, ડિટેચ્ડ રહી શકે.
જેમને પેલા આદી પ્રશ્નો પજવતા હોય તેમના માટે આ છે, બાકી તો તમ તમારે જલસા કરો, જ્યાં સુધી તમને પણ પ્રશ્ન ન થાય ત્યાં સુધી. જેમને આ પ્રશ્નોના ઉત્તર મળી ચૂક્યા છે અથવા જેઓ માને છે કે તેમને ઉત્તર મળી ગયા છે તેમને પ્રણામ.

છેલ્લો ઘા: સર્વોપનિષદો ગાવો : દોગ્ધા ગોપાલનંદનમ્
પાર્થો વત્સ: સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃત્ મહત્
(સર્વ ઉપનિષદોનું દોહન કરીને શ્રીકૃષ્ણએ ગીતા નામનું મહાન અમૃત પીરસ્યું છે.)
kana.bantva@dbcorp.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP