માય સ્પેસ / મિટિંગ, ઈટિંગ એન્ડ ચીટિંગ

article by kajalozavaidhya

‘શું જમ્યો?' પૂછવું એ માની ‘કાળજી'નો હિસ્સો છે. બાળકને ભૂખ ન લાગી હોય ત્યારે પણ ઠાંસીને ખવડાવવું એ ભારતીય બાળઉછેરમાં પ્રેમની અભિવ્યક્તિ ગણાય છે

કાજલ ઓઝા વૈદ્ય

Jun 04, 2019, 02:29 PM IST

‘લંચ પર મળીએ’ કે ‘લેટ અસ મીટ ફોર ડિનર...’ કોર્પોરેટ જગતમાં આ વાક્યો લગભગ રોજ બોલાય છે. કોઈ પણ કામ માટે લંચ કે ડિનર પર મળવું બિઝનેસ ડીલ પાર પાડવાનો સૌથી સરળ અને આસાન રસ્તો છે. ખાવા બેઠેલા માણસને આપણી વાત સહેલાઈથી ગળે ઉતારી શકાય, કદાચ! ડિનર માટે મળવાનું હોય અને શરાબ પણ પિવાય તો કદાચ સામેના માણસના મનમાં ચાલતી વાતને સરળતાથી સમજી શકાય. આવી બધી ગણતરીઓ સાથે મીલ મિટિંગ્સ યોજાતી હશે, પરંતુ આપણા દેશમાં ‘ખાવું' એ મોટાભાગના લોકો માટે પ્રિય પ્રવૃત્તિ છે. કોઈ કારણ વગર મોઢામાં કંઈ નાખતા રહેવું એ આપણા સૌનો શોખ છે. સિગ્નલ ઉપર વેચાતી સિંગનાં નાનાં-નાનાં પડીકાંથી શરૂ કરીને સેવન કોર્સ ડિનર કે વિશાળ બુફે સ્પ્રેડ સુધી આપણે ખાવા માટે જીવતા માણસો બની ગયા છીએ. ભૂખ હોય કે ન હોય, પેટમાં ઓરતા રહેવું આપણી માનસિકતા બની ગઈ છે.
ક્યારેક આપણે જ આપણું એનલાઈઝ કરીએ તો સમજાય કે ખાવું એ આપણી જીવનશૈલીનો ભાગ બની ગયો છે. કોઈની પણ ઓફિસમાં ચા-પાણી, કોઈ પણ સમયે નાસ્તો, લગ્નો કે મરણ પ્રસંગે પણ ભોજન આપણે ત્યાં અનિવાર્ય હોય છે. સિનેમા જોવા જઈએ ત્યાં પોપકોર્ન, સમોસાં... રવિવારની સાંજે રસ્તા પર વેઈટિંગમાં ઊભેલાં ટોળાં અને પ્રવાસમાં લઈ જવાતાં નાસ્તા અને અથાણાં. આપણી પાસે કંઈ કરવાનું ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર ખાવાનો આવે છે! કોઈને પણ મળવા જઈએ તો ખાવાનો દુરાગ્રહ ક્યારેક ઈરીટેટ કરી નાખે એ હદે આપણા ઉપર ઠોકી બેસાડવામાં આવે છે. ‘ચા પીઓ' અથવા ‘આઈસક્રીમ ખાઓ' અથવા ‘બીજું કંઈ...' ત્યારે બહુ નવાઈ એ વાતની લાગે છે કે મળવા આવેલા માણસ સાથે વાતો કરવાને બદલે એને ખવડાવીને કયો આનંદ મળી જાય? જો કોઈ ઘસીને, ધરાર ખાવાપીવાની ના પાડે તો યજમાનને ખોટું લાગી જવાના ચાન્સ પણ નકારી ન શકાય! આ દેશમાં મળવા આવેલા મહેમાનને ‘ખાધા વગર' જવા ન દેવાય એવી એક મહેમાનગતિની માનસિકતા કેટલીયે સદીઓથી ઘર કરી ગઈ છે. ખરેખર આ માનસિકતા આજથી પચાસ-સાઠ વર્ષ પહેલાં સાચી હશે, કારણ કે દૂરથી આવેલા માણસો અઘરો પ્રવાસ કરીને આવ્યા હોય ને એટલા જ અઘરા પ્રવાસથી પાછા જવાના હોય તો એમને ખવડાવીને મોકલવા એ યજમાનની ફરજ હોઈ શકે, પરંતુ હવે દરેક ગલીએ ને એરપોર્ટ્સ, સ્ટેશન કે હાઈવે ઉપર જોઈએ તેટલું અને તેવું ભોજન ઉપલબ્ધ છે. આવા સમયમાં આપણે ઘેર આવેલા માણસને જબરજસ્તી ખવડાવવાનો દુરાગ્રહ આજની જીવનશૈલી સાથે જરાય મેળ ખાતો નથી.
મોટાભાગના લોકો બિનજરૂરી અને સ્વાદ માટે ખાય છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ ગૂગલ અને ટેલિવિઝન પર રેસિપીના કાર્યક્રમો સૌથી વધુ વ્યૂઅરશિપ મેળવતા કાર્યક્રમો છે. સ્વાદેન્દ્રિયના ગુલામ થઈ ગયેલા લોકોને કદાચ એવી ખબર પણ નથી કે જીભના ચટાકા બાકીની બધી ઈન્દ્રિયો અને અંગોને નુકસાન કરવા સિવાય બીજું કંઈ કામ કરતા નથી. ભારતના આખા માર્કેટનો 32 ટકા હિસ્સો ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી ધરાવે છે. ભારતનું ભોજન અને ગ્રોસરી માર્કેટ દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું માર્કેટ છે અને કુલ વેચાણનો 70 ટકા હિસ્સો ભોજન છે. ભારતમાં 2000થી વધુ જાણીતી અને પ્રસિદ્ધ રેસિપી છે.
6 ટકાથી 8 ટકા સ્કૂલનાં બાળકો અને 21 ટકાથી 24 ટકા જેટલી ટીનએજ છોકરીઓ ઓબેસિટીનો શિકાર છે. દેશના 5 ટકા જેટલા લોકો ઓબેસિટી અથવા વધુ વજનથી પીડાય છે. આમાં વારસાગત ઓબેસિટીને ન સ્વીકારીએ તોપણ છેલ્લા થોડા વર્ષોમાં વજન ઉતારવા માટે અનેક દવાઓ અને રસ્તાઓ શોધાયા છે, બલ્કે શોધવા પડ્યા છે! બેરિયાટ્રિક સર્જરી કે લાઈપોસક્શન જેવી ટ્રીટમેન્ટ વજન તો ઉતારી આપે છે, પરંતુ એની સાથે જોડાયેલાં ભયસ્થાનો વિશે હજી આપણી પાસે પૂરી માહિતી નથી.
જેમ આર્થિક રીતે ભારતમાં બે જબરજસ્ત વર્ગ પડી ગયા છે તેમ શારીરિક સ્વાસ્થ્યની બાબતમાં પણ બે વર્ગ એકદમ જુદા પડે છે. યુવાનો અને પૈસાવાળા-સંભ્રાત પરિવારોમાં એક વર્ગ એવો છે કે જે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છે. વજન ઉતારવું, સ્વસ્થ રહેવું અને ફિટ રહેવું એમને માટે જિંદગીનો મહત્ત્વનો હિસ્સો છે. બીજો વર્ગ એવો છે કે જે લોકોએ પોતાના વજનની પરવાહ કરવાનું છોડી દીધું છે. એ લોકો ફિટનેસને મૂર્ખામી ગણાવીને પોતાની જાતને છેતરતા થઈ ગયા છે. ‘જો ખાવાનું ન હોય તો જીવવાનું કેમ' કહેતો આ વર્ગ અનેક રોગનો શિકાર છે તેમ છતાં હવે સ્વાદેન્દ્રિય સિવાય એમની પાસે બીજી કોઈ ઈન્દ્રિયના આનંદ બચ્યા નથી! અદોદળું શરીર સેક્સ માણી શકે તેમ નથી, અમુક પ્રકારનાં કપડાં શોભતાં નથી, પ્રવાસમાં પણ એમને એમનું વજન પજવે છે-સગવડ સિવાય પ્રવાસ થઈ શકે એવું રહ્યું નથી, ડાયાબિટીસ, સ્લીપ એપ્નિયા, અપચો, ગેસ, એસિડિટીની સાથે સાથે એટલા બધા રોગ ધીમે ધીમે એમને ઘેરી વળ્યા છે કે આ બધું બદલવું હોય તો ક્યાંથી શરૂ કરવું એ એમને સમજાતું નથી!
વધેલું ભોજન ફેંકી ન દેવું જોઈએ એવું માનનારા ઘણા મધ્યમવર્ગીય પરિવારોમાં ખાવાનું કોઈને આપવું કે કચરામાં નાખવાને બદલે પેટમાં પધરાવવાનો રિવાજ છે! ‘આટલું જ છે, ખાઈ જાઓને.’ આ વાક્ય ભાગ્યે જ કોઈ ગુજરાતી ઘરમાં નહીં બોલાયું હોય! કચરાના ડબ્બામાંથી બચાવીને જે ભોજન પેટમાં નાખવામાં આવે છે એ કચરાનું જ કામ કરે છે. વધેલું ભોજન કોઈને આપી દઈ શકાય તો ઉત્તમ, જો એમ ન થઈ શકે તો ફેંકી દેવું એ જ યોગ્ય છે. 20 કરોડ જેટલા લોકો આ દેશમાં ભૂખે મરે છે. 2015ના આ આંકડા પ્રમાણે યુએનના રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી મોટો ભૂખમરો અહીં છે. ભારતમાં ઉત્પાદિત થતા ભોજનમાંથી 40 ટકા જેટલું ભોજન વેડફાય છે. લગભગ 21 મિલિયન ટન જેટલા ઘઉં ભારતમાં વેડફાય છે, વિશ્વમાં 50 ટકા જેટલું અનાજ આવી જ રીતે વેડફાય છે એમ યુએનનો રિપોર્ટ કહે છે.
ભારતમાં એવી કેટલીયે સંસ્થાઓ છે જે એક ફોન કરવાથી આવીને વધેલું ભોજન લઈ જાય છે એટલું જ નહીં, પોતાના ખર્ચે જરૂરિયાતમંદ લોકોને વહેંચી પણ આપે છે. એક તરફ અનેક લોકો ભૂખ્યા છે ને બીજી તરફ અનેક લોકો વધુ ખાવાથી રોગગ્રસ્ત થઈ રહ્યા છે!
ભારતમાં ભોજનને કારણે વધી રહેલા રોગ વિશે આપણે હજુ અજાણ છીએ, પરંતુ સત્ય એ છે કે જેમ બીજી કોઈ પણ બાબતમાં હદ ઓળંગવાથી, એક્સેસથી નુકસાન થાય છે એમ જ વધુ પડતું ભોજન પણ ભયાનક નુકસાન કરે છે. ઘરમાં કે ઓફિસમાં ભરી રાખેલો સામાન જેમ સડી જાય છે એમ પેટમાં પડેલું વધારાનું ભોજન બિનજરૂરી સામાનની જેમ કચરો બનીને શરીરને નુકસાન કરે છે. આપણા દેશમાં ‘ખાવું' એ માત્ર ભોજન સાથે જોડાયેલો શબ્દ નથી રહ્યો એનું કારણ પણ કદાચ આ જ છે. આપણે જરૂર ન હોય એવી સંપત્તિ, પૈસા કે પાવર કરપ્શનથી ભેગા કરતા હોઈએ ત્યારે એને ‘ખાવું' કહે છે. સત્ય તો એ છે કે પૈસા ખાઈ શકાય નહીં, તેમ છતાં એને ખાવા સાથે જોડીએ છીએ, કારણ કે એ બિનજરૂરી, ફક્ત લાલચ કે સ્વાર્થની જરૂરિયાતથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. કરપ્શન કે ભ્રષ્ટાચાર જેટલું નુકસાન કરે છે એટલું જ નુકસાન કદાચ સ્વાદને કારણે કરવામાં આવેલા ભોજનથી થાય છે. ભ્રષ્ટાચાર આપણને માનસિક રીતે નબળા, લાલચુ અને ગરજવાન બનાવે છે, જ્યારે વધારાનું ભોજન આપણને ચટોરા અને બેઠાડુ, આળસુ બનાવે છે. આનું કારણ વિચારીએ તો સમજાય કે સ્ટ્રેસ અને ફ્ર્સ્ટ્રેશન જીવનનો હિસ્સો બનતા જાય છે. છે એનાથી વધારે સૌને જોઈએ છે, પરંતુ હેસિયત, આવડત અને મહેનતથી વધુ મળતું નથી એટલે ‘જે જોઈએ છે' અને ‘જે મળે છે'ની વચ્ચેનો તફાવત અકળામણમાં પરિવર્તિત થાય છે. સાવ બાળપણથી આપણને શીખવવામાં આવ્યું છે કે ભોજનથી આનંદ મળે છે.
2019માં પણ મમ્મી માટે ‘ભોજન' એ એનો પ્રેમ દેખાડવાની સરળ અને મહત્ત્વની રીત છે. અમેરિકા વસતા બાળકને પણ, ‘શું જમ્યો?' પૂછવું એ ભારતીય માની ‘કાળજી'નો હિસ્સો છે. સાવ નાના બાળકને ભૂખ ન લાગી હોય ત્યારે પણ ઠાંસી ઠાંસીને ખવડાવવું એ ભારતીય બાળઉછેરમાં પ્રેમની અભિવ્યક્તિ કહેવાય છે. આવા સમયમાં જે ભાવતું હોય તે મળે ત્યારે થયેલો આનંદ સીધો સ્વાદેન્દ્રિય સાથે જોડાય છે. એટલે જ્યારે મન ઉદાસ હોય કે કશું ન ગમે ત્યારે ભાવતું ભોજન કે સ્વાદ આપણો મૂડ એલિવેટ કરી શકે એવું આપણે માની લીધું છે. ભૂખ હોય કે ન હોય, ખાવાથી સારું લાગે છે, એવું આપણે ધીમે ધીમે શીખ્યા છીએ અને આવનારી પેઢીને પણ શીખવાડી રહ્યા છીએ.
[email protected]

X
article by kajalozavaidhya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી