તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાય ધ વે, વ્હોટ ઇઝ જોશ, સર?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચાલીસ નામો, જેની આગળ શહીદ લખાઈ ગયું!
બાવીસ દિવસના ભાઈને સંભાળતો અઢી વર્ષનો દીકરો હોય કે બે દિવસ પછી જેનાં લગ્ન હતાં એવી મહેંદી મૂકેલી સૌભાગ્યકાંક્ષિણી. કોણ કેટલું દુ:ખી થયું અને જીવનભર કેટલું દુ:ખી રહેશે એ વિશેના ઘણા વોટ્સએપ ફર્યા. સૌએ પોતપોતાની રીતે સવાલો પૂછ્યા, આક્ષેપો મૂક્યા અને છાપાંઓએ, મીડિયાએ અંદરોઅંદર લડવાનાં કારણ શોધી કાઢ્યાં. સવાલ એ છે કે આપણે આવા ભયાનક બનાવોમાંથી શું શીખીએ છીએ?

 • આટઆટલા આતંકવાદી હુમલા પછી પણ ભારતના નાગરિકોએ પોતાની સલામતીના શિક્ષણ કે સેફ્ટી મેઝર્સ માટે શું કર્યું? ચેકિંગથી આપણો ઇગો હર્ટ થઈ જાય છે!

‘ઉરી’ રિલીઝ થઈ એ પછી બિલકુલ એવી જ રીતે આ ઘટના બની, કોઈએ નોંધ્યું છે કે નહીં, મને ખબર નથી. કેટલાક કિલો આરડીએક્સ હતો, ગાડી કઈ તરફથી આવી, રસ્તો બંધ હતો કે ખુલ્લો, ઓવરટેક કરી કે સામેથી ટકરાઈ. આપણે આ જ ચૂંથ્યા કરીએ છીએ. ખરેખર તો 1999ની 24મી ડિસેમ્બરની એ રાત યાદ કરવી જોઈએ, જ્યારે ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક કરીને અમૃતસર, દુબઈ, લાહોર ઘુમાવવામાં આવ્યું. ત્રણ આતંકવાદીઓને એમાં બેઠેલા પેસેન્જર્સની જિંદગીના બદલામાં છોડવામાં આવ્યા, મસૂદ અઝહર, ઉમર શેખ અને મુસ્તાક અહેમદ. દરેક વખતે ભારતની સરકાર માથું નીચું રાખીને આતંકવાદીઓની માગણી શા માટે સ્વીકારે છે? સો-દોઢસો નાગરિકોના જીવ પડીકે બંધાયા હતા, વાત સાચી, પણ એક વાત જો એ વખતે ભારત સરકારે નમતું ન જોખ્યું હોત તો શું થઈ શક્યું હોત એની કલ્પના આવે છે? સરકાર બચાવવા માટે, વોટર્સ જાળવી રાખવા માટે જે સમાધાન સતત કરવામાં આવ્યાં છે, આવી રહ્યાં છે એ સમાધાનોએ આ દેશને આતંકવાદીઓના હાથમાં સોંપી દીધો છે. સાચું પૂછો તો એનું કારણ બીજું કોઈ નહીં, પરંતુ આપણે પોતે છીએ. જ્યાં સુધી પોતાના પગ નીચે રેલો નથી આવતો ત્યાં સુધી આપણને દેશભક્તિનાં ગીતો ગાવાની બહુ મજા પડે છે. ‘વો જવાની જો ખૂન મેં નહાતી નહીં.’ મહેન્દ્ર કપૂરના અવાજમાં વર્ષમાં બે વાર તો આપણે આ સાંભળીએ જ છીએ, પરંતુ રાષ્ટ્રગીત ગાવા માટે ઊભા થયેલા લોકોના અવાજ ગળામાંથી બહાર નીકળે છે? હોલમાં ઊભેલા સાડા સાતસો લોકો રાષ્ટ્રગીત ગાય તો ઓડિટોરિયમની છત હલી જવી જોઈએ, એને બદલે મરેલા મડદાલ લોકો ધીમા અવાજે, જાણે ગુનો કરતા હોય એમ રાષ્ટ્રગીત ગાય છે. ‘ભારત માતા કી જય’ બોલાવે છે ત્યારે જે લોકો મોટા અવાજે બૂમો પાડે છે એ આવા ગ્રિફના, પીડાના અને હૃદય હલાવી નાખે એવા પ્રસંગે ટીવી જોવા સિવાય શું કરે છે?
આતંકવાદી હુમલાને ‘વખોડી’ નાખવા સિવાય આપણા નેતાઓએ શું કર્યું? જે લોકો નિર્મલા સીતારામનના રાજીનામાની માગણી કરે છે એમને મારે પૂછવું છે કે રાજીનામું આપી દેવાથી આ ચાલીસ લોકો પાછા આવશે? જે લોકો પાકિસ્તાનને ‘પાઠ ભણાવી દેવા’ માટે ઉત્સાહી છે એ જાતે ગન લઈને બોર્ડર પર જશે? આટઆટલા આતંકવાદી હુમલા પછી પણ ભારતના નાગરિકોએ પોતાની સલામતીના શિક્ષણ કે સેફ્ટી મેઝર્સ માટે શું કર્યું? એરપોર્ટ કે જાહેર સ્થળે સરકાર દ્વારા કરવામાં આવતું ચેકિંગ પણ આપણને અકળાવે છે, જરાક વધારે પૂછપરછ કરવામાં આવે તો આપણે ભડકી જઈએ છીએ, આપણો ઇગો ઘવાય છે. ઊલટાના સલામતી માટે ગોઠવાયેલી વ્યવસ્થા તોડીને ઘૂસવામાં આપણને ગૌરવ થાય ત્યારે આપણે કઈ સલામતીની માગણી સરકાર પાસેથી કરી શકીએ?
આ આતંકવાદીઓ કોઈ આકાશમાંથી આવેલા ઈશ્વરના બેટા નથી. આપણા જેવા જ માણસ છે. એમને પણ ભય લાગતો જ હોય, એમની પણ નબળાઈઓ હોય જ. મહત્ત્વનું એ છે કે એ લોકો જે બાબતમાં માને છે અથવા જે વાત એમના ગળે ઉતારી દેવામાં આવી છે એ માટે એમનામાંનો જ એક માણસ આરડીએક્સ ભરેલી એક કાર લઈને જીવ આપી દેવા તૈયાર છે, આપણામાંથી કોણ તૈયાર છે? આપણે માત્ર વાતો કરતી, બકવાસ કરતી જનતા છીએ. આપણા લોહીમાં એ ગરમી જ નથી, જેમાંથી દેશભક્તિની આગ પ્રગટે. મો. ક. ગાંધી નામનો એક માણસ, જેને વિશે ઘણાને ઘણું કહેવાનું છે. એણે કમ સે કમ આ દેશના લોકોને એક લક્ષ્ય, એક દિશા આપવાનું કામ કર્યું. એણે ભલેને પબ્લિસિટી માટે અને ફેશન ખાતર પણ જીવનભર પોતડી પહેરી, થર્ડ ક્લાસમાં પ્રવાસ કર્યો. આપણા કેટલા નેતાઓ આવું કરી શકે? પોતાની જાત સિવાય શું બચાવી શકે એમ છે આ લોકો?
સરકાર કોની છે, કોની આવશે. પ્રધાનમંત્રી કોણ બનશે કે બનવા જોઈએ એમાં મને રસ જ નથી. કોઈ પણ સરકારની ભક્તિ કરવી મને જરૂરી નથી લાગતી. મારા એક વિડિયોમાં મેં સવાલ પૂછ્યો છે, ‘શું આ સોલ્જર્સનો સોદો કરી નાખવામાં આવ્યો?’ બધાએ પોતપોતાના મનફાવતા અર્થ કરીને મને મોદીવિરુદ્ધ ચીતરવાનો પ્રયત્ન કર્યો. થોડા સમય પહેલાં મારી આ કોલમમાં લખાયેલા એક લેખ માટે મને મોદીભક્ત કહી. આપણી પાસે કોઈ કાયમી અભિપ્રાય નથી? વિડિયોમાં પૂછેલો એ સવાલ સરકારને નથી! વિપક્ષને, આર્મીના ઉચ્ચ અધિકારીઓને, કાશ્મીરમાં વસતા નાગરિકોને અને આ ટ્રકો પસાર થઈ રહી હતી એમાં જ બેઠેલા કોઈ એક માણસને પણ આ સવાલ પૂછ્યો છે મેં.
ભીતરની જ વ્યક્તિ જ્યાં સુધી કિલ્લો ન ખોલે ત્યાં સુધી યુદ્ધ હારવાના સંજોગો ઊભા થતા જ નથી. વિભિષણની કથાથી શરૂ કરીને હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘મણિકર્ણિકા’ સુધી એક જ કથા ફરી ફરીને કહેવાઈ છે, અંદરનો કોઈ માણસ જ્યારે રસ્તો બતાવે ત્યારે જ બહારનો દુશ્મન દાખલ થઈ શકે છે. મુખ્ય સવાલ એ છે કે આપણામાંથી જ કોઈ કેમ ફૂટી જાય છે? એમનામાંથી કેમ કોઈ નથી ફૂટતું? એમના કિલ્લા કેમ નથી ખૂલતા?
ઇતિહાસ પાસેથી આપણે એટલું પણ નથી શીખ્યા કે કિલ્લો તૂટવા ન દેવો હોય તો કિલ્લાની અંદર રહેલા માણસોએ એકબીજા પરત્વે દૃઢ વિશ્વાસ અને નિષ્ઠા કેળવવી જોઈએ.
ભાષા, ધર્મ, જાતિ, જ્ઞાતિ, ક્લાસ જેવા કેટલા વિવાદો આપણી ભીતરથી કિલ્લો ખોલવા તૈયાર ઊભા છે.
દહેરાદૂનમાં ભણતા કાશ્મીરી વિદ્યાર્થીઓને એમનાં ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા, શા માટે? ‘જનતાનો આક્રોશ’ છે! કોના પર? કેમ?
સમજ્યા-કર્યા વગર રિએક્ટ કરતી જનતા છીએ આપણે, એક્ટ નથી કરતા માટે પસ્તાઈએ છીએ. મસૂદ અઝહર હોસ્પિટલમાં સૂતો સૂતો આતંકવાદી હુમલાનું પ્લાનિંગ કરે (આની ખબર આપણને પછીથી પડી) છતાં, મસૂદ અઝહરને પાકિસ્તાન પ્રોટેક્ટ કરે ને આપણે ‘પોલિટિકલી કરેક્ટ’ રહેવા માટે વાટાઘાટો કર્યા કરીએ! લાદેનને અમેરિકાએ જે રીતે માર્યો એનાથી હ્યુમન રાઇટ્સનું શું થયું એની ચિંતા એ લોકોએ નથી કરી. આ યુદ્ધની શરૂઆત એમણે નક્કી નથી કરી, પણ અંત એ જ કરશે એવી ગાંઠ વાળીને એમણે જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાની હિંમત કરી. આપણે આ જોઈને તાળીઓ પાડી, બસ?
ભારત ઉપર થઈ રહેલા આતંકવાદી હુમલા શું પુરવાર કરવા માટે થઈ રહ્યા છે એની ઊંડી તપાસ થઈ છે ખરી? આ માત્ર કાશ્મીર બચાવવા માટે છે? ઇસ્લામની કબૂલાત માટે છે? ભારતીય સરકાર અને ભારતની હિન્દુ જનતાને ડરાવવા માટે છે? કે કશું એવું છે જે હજી સુધી આપણને સમજાયું નથી. કાશ્મીરનો મુદ્દો હોય કે નોર્થ ઈસ્ટનો બળવો. ભારતની સરકાર પાસે ઘણા સવાલો છે. આ સરકાર ‘કોની’ છે એ મહત્ત્વનું નથી, પરંતુ ભારતના પ્રધાનમંત્રી જે બને તેણે આ સવાલોને ફેસ કરવાના જ છે. આપણે આપણાં ઘરોમાં બેસીને, ટેલિવિઝન જોતાં કે શરાબ પીતાં કમેન્ટ્સ કરી શકીએ છીએ. સરકારે શું કરવું જોઈએ, એ વિશે દરેક પાસે એક અભિપ્રાય છે. કોઈક પાસે થોડી ઘણી મદદ કરવાના રસ્તા પણ છે જ, પરંતુ એ બધા પછી જનતા તરીકે આપણે શું કરીએ છીએ? સવા અબજથી વધુ જનતા ભેગી થઈને પણ જો મુઠ્ઠીભર આતંકવાદીઓનો સામનો ન કરી શકતી હોય તો એની માટે જવાબદાર કોણ છે?
આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે બધા બીજા લોકો એમની ડ્યૂટી બરાબર કરે છે કે નહીં એ વિશે ઘણું ધ્યાન રાખીએ છીએ અથવા ઘણી કમેન્ટ્સ કરીએ છીએ, પણ વ્યક્તિ તરીકે, નાગરિક તરીકે, માણસ તરીકે અથવા છેલ્લે કંઈ નહીં તો એક વોટર તરીકે આપણે શું કરીએ છીએ? આપણે હજીયે ભૂતકાળના ઇતિહાસમાંથી ઊંચા નથી આવતા. ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’ ગાયા કરીએ છીએ, પરંતુ હવે એવું કંઈ નથી, એની આપણને ખબર છે. આપણે જાણીએ છીએ કે આટલા બધા ભણેલા-ગણેલા, બુદ્ધિશાળી કહેવાતા, કમાતા અને મોટી મોટી વાતો કરતા લોકો ફક્ત એકબીજાને નીચા દેખાડવા-રાજકારણની ખટપટ કરવા કે ઇગો પ્રોબ્લેમ કરવા સિવાય બીજું કંઈ કરી શકતા નથી.
આ દેશ, નામે ભારત 1,36,32,96,161 બહાદુર ભારતીયોનો નહીં, પણ ફેસબુક ઉપર ‘આરઆઇપી’ લખીને છૂટી જનારા ડરપોક અને ભીરુ નાગરિકોનો દેશ છે. સહુને પોતપોતાની પોટલી બચાવવી છે, એમાં આખી નાવ ડૂબી જવાની છે એનો ખ્યાલ કે ભય હજી આપણા સુધી પહોંચ્યો જ નથી!
kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો