લેખક વિજ્ઞાન કટાર લેખક છે.

એક્સ્ટ્રીમ હીટ : હીટ સ્ટ્રેસથી કેન્સર સુધીનાં જોખમો

  • પ્રકાશન તારીખ21 Apr 2019
  •  

બદલાતી ઋતુઓને કારણે આપણા શરીર ઉપર જે બાહ્ય અસરો થાય છે એના વિશે આપણને માહિતી હોય છે, પરંતુ એની પાછળનાં બાયોલોજિકલ કારણો વિશે આપણે ભાગ્યે જ કોઈ માહિતી ધરાવીએ છીએ. ખાસ કરીને ઉનાળા જેવી ઋતુમાં તો શરીર પર થતી આંતરિક અસરો અને જોખમો વિશે માહિતી મેળવી જ લેવી જોઈએ.
મનુષ્યનું શરીર સામાન્ય સંજોગોમાં 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ હોય છે. આમાં કુદરતી કે વ્યક્તિગત કારણસર નજીવો તફાવત હોઈ શકે છે. જોકે, તાવ આવ્યો હોય ત્યારે અને વાતાવરણમાં પુષ્કળ ગરમી હોય ત્યારે તમારા શારીરિક તાપમાનમાં થતો વધારો 1 ડિગ્રી કરતાં વધુ હોય છે. જ્યારે ઉનાળો ધોમધખતો હોય ત્યારે શરીરની આંતરિક ગરમી કઈ રીતે ‘મેનેજ’ થતી હોય છે?!

  • શિયાળામાં થતાં ‘સનબાથ’ અને હીટવેવને કારણે થતાં ‘સનબર્ન’ વચ્ચે ‘ગરમ કરવું’ અને ‘બાળી મૂકવું’ જેટલો લાંબોચોડો તફાવત છે

શરીરની આંતરિક પ્રક્રિયાઓ જેવી કે આંતરિક અવયવોમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ, હોર્મોન એક્ટિવિટી, પાચનક્રિયા વગેરેને કારણે શરીરમાં જે તાપમાન ઉત્પન્ન થાય છે, એ ‘મેટાબોલિક હીટ’ તરીકે ઓળખાય છે. ઉનાળામાં વાતાવરણનું તાપમાન વધે, ત્યારે શરીરનું તાપમાન પણ વધે છે. આથી બોડીનું ઇન્ટરનલ થર્મોસ્ટેટ લોહીના પ્રવાહને બાહ્ય આવરણ-એટલે કે ત્વચા તરફ ધકેલે છે. આને કારણે ત્વચામાંથી પરસેવો છૂટે છે. આમ, વાતાવરણમાં વધેલી ગરમીને કારણે શરીર જે ‘હીટ ગેઇન’ કરે, એને બેલેન્સ કરવા માટે આપણું શરીર પરસેવા વાટે વધારાની ગરમી મુક્ત કરીને ‘હીટ લોસ’ કરે છે અને એ રીતે શરીરનું તાપમાન જાળવી રાખે છે. આ ક્રિયાને બાયોસાયન્સની ભાષામાં ‘થર્મોરેગ્યુલેશન’ કહે છે, પરંતુ કેટલીક વાર વાતાવરણમાં ભયંકર હીટ વેવ હોય ત્યારે શરીરમાં કુદરતી રીતે થતાં ‘હીટ લોસ’ કરતાં ‘હીટ ગેઇન’નું પ્રમાણ વધી જાય છે. આવી પરિસ્થિતિને ‘હાઇપરથર્મિયા’ અથવા ‘હીટ સ્ટ્રેસ’ તરીકે ઓળખવામાં આવે છે અને આ હીટ સ્ટ્રેસ તમારો જીવ પણ લઈ શકે છે!
હીટ સ્ટ્રેસને કારણે રક્તવાહિનીઓ ફૂલી જાય છે, ચામડી શુષ્ક થઈ જાય છે તેમજ ઊલટી-ઊબકા અને માથાનો દુખાવો જેવાં લક્ષણો જોવા મળે છે. કેટલીક વાર વ્યક્તિ બેહોશ પણ થઈ જાય છે. જો તાત્કાલિક સારવાર ન મળે તો આંતરિક અવયવોને ગંભીર નુકસાન પહોંચે છે અને મૃત્યુ સુધ્ધાં થઈ શકે છે.
સૂર્યનાં સીધાં કિરણોનો વધુ પડતો માર ચામડી માટે પણ ભારે નુકસાનકર્તા છે. એનાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે! શિયાળામાં થતાં ‘સનબાથ’ અને હીટવેવને કારણે થતાં ‘સનબર્ન’ વચ્ચે ‘ગરમ કરવું’ અને ‘બાળી મૂકવું’ જેટલો લાંબોચોડો તફાવત છે. સૂરજના તડકામાં તપેલી ચામડી ઘેરા રંગની થાય એ ‘સનબાથ’ (સૂર્યસ્નાન) છે. જ્યારે ‘સનબર્ન’ એ સૂર્યના અલ્ટ્રા વાયોલેટ (યુવી) કિરણોને કારણે ચામડીને પહોંચેલું નુકસાન છે! જ્યારે આપણી ચામડી પ્રખર સૂર્યપ્રકાશમાં તપે છે ત્યારે, સૂર્યનાં યુવી કિરણો સીધાં ‘ડીએનએ’ પર આક્રમણ કરે છે. આથી સ્વાભાવિક પ્રતિક્રિયારૂપે શરીરની ચામડી ‘મેલાનોજેનેસીસ’ નામની આંતરકોષીય પ્રક્રિયા દ્વારા, ‘મેલેનોસાઇટ્સ’ નામના કોષોની મદદથી, ખાસ પ્રકારનું કુદરતી રંજકદ્રવ્ય ઉત્પન્ન કરે છે. આ રંજકદ્રવ્ય એટલે ‘મેલેનીન’. મેલેનીન ચામડીની પ્રતિરોધકતા વધારે છે, ઉપરાંત તે ચામડીના ઘેરા રંગ માટે પણ જવાબદાર હોય છે.
મેલેનીન કુદરતી રીતે ‘ફોટોપ્રોટેક્ટન્ટ’ છે. અર્થાત્, તે સૂર્યનાં કિરણો પૈકીના અલ્ટ્રા વાયોલેટ તરંગલંબાઈ ધરાવતાં કિરણોને શોષી લે છે, પરંતુ કોઈક કારણસર, કોઈના શરીરમાં પૂરતું મેલેનીન ન બને તો વધુ પડતી ગરમીને કારણે એના ડીએનએને ગંભીર નુકસાન પહોંચી શકે છે. યાદ કરો, વિશ્વવિખ્યાત પોપસ્ટાર માઇકલ જેક્સન! જન્મે ‘નીગ્રો’ હોવાં છતાં યુવાનીનાં થોડા વર્ષ બાદ માઇકલ જેક્સનનું આખું શરીર ધોળું થઈ ગયેલું, જાણે એ જન્મજાત ગોરો હોય એ રીતનું! આવું થવા પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે માઇકલ જેક્સનનું શરીર જરૂરી મેલેનીન બનાવી શકતું નહોતું!
સૂર્યમાંથી ફેંકાતાં હાનિકારક યુવી કિરણો ‘UV-B rays’ તરીકે ઓળખાય છે, જે ચામડીને બાળે છે. ઉપરાંત તેઓ બે પ્રકારના સ્કીન કેન્સર માટે જવાબદાર છે, બેસલ-સેલ કેર્સીનોમા - BCC અને સ્ક્વેમાસ-સેલ કેર્સીનોમા - SCC અથવા SqCC. (જે લોકો રંગે ગોરા છે, એમનામાં મેલેનીન સ્વાભાવિકપણે ઓછું હોય. ઉપર જણાવેલા બંને પ્રકારના કેન્સરનો ભોગ પણ મુખ્યત્વે ગોરા લોકો જ બને છે!)
આટલું વાંચ્યા પછી ઉનાળો કેવો જીવલેણ નીવડી શકે એનો ખ્યાલ તો આવી જ ગયો હશે. જોકે, એનાથી બચવાનો ઉપાય બહુ આસાન છે. બને એટલું પાણી પીઓ, જેથી શરીર હંમેશાં વેલ-હાઇડ્રેટ રહે અને ગરમીના નિયંત્રણ માટે વધુ પરસેવો છોડી શકે. જોકે, પર્યાવરણમાં ચેડાં કરી કરીને આપણે પાણીના કુદરતી સ્રોતોનો ય સોથ વાળી રહ્યા છીએ, એ જુદી ચિંતાનો વિષય છે.
jwalantmax@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP