તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરે ‘ઓપ્પી’એ અંતિમ શ્વાસ લીધા!

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહાપુરુષો પોતાનાં કર્મો દ્વારા આવનારી પેઢીઓ પર અમીટ છાપ છોડી જતા હોય છે, એક આદર્શ સ્થાપિત કરી જતા હોય છે અને કેટલીક વાર માનવ દ્વારા નિર્મિત અમુક મશીનરીઝ પણ કોઈ મહાપુરુષની જેમ જ ‘માઇલ સ્ટોન’ સ્થાપી જતી હોય છે. ‘ઓપોર્ચ્યુનિટી રોવર’નો જ દાખલો લો.
ઈ.સ. 2004માં મંગળ ગ્રહનો અભ્યાસ કરવા માટે શરૂ કરાયેલા મિશનના ભાગરૂપે ‘ઓપોર્ચ્યુનિટી’ નામક રોવર મંગળ પર મોકલવામાં આવ્યું. MER-B (Mars Exploration Rover – B)ના ટેક્નિકલ નામે ઓળખાતા આ રોવરને નાસાના વિજ્ઞાનીઓ ‘ઓપ્પી’ના લાડકા નામે પણ ઓળખતા. આમ તો નાસાનું પાથફાઇન્ડર રોવર છેક ઈ.સ. 1997માં જ મંગળ ફેરો કરી આવેલું, જેના રોબોટિક વ્હિકલે સૌપ્રથમ વખત મંગળ ગ્રહની ધરતીનો સ્પર્શ કરેલો. ત્યાર બાદ ઈ.સ. 2003માં બે રોવર મંગળના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા. સ્પિરિટ રોવર (MER-A) અને ઓપોર્ચ્યુનિટી રોવર (MER-B). આ બન્ને રોવરને માત્ર 90 દિવસના જ કાર્યકાળ માટે ડિઝાઇન કરાયેલા, પણ બન્ને રોવરે ધારવા કરતાં લાંબી ઇનિંગ ખેંચી કાઢી. જોકે, સ્પિરિટ રોવરે ઈ.સ. 2009માં અંતિમ શ્વાસ મૂક્યો, પણ ઓપોર્ચ્યુનિટી રોવર હજી સુધી અણનમ રહેલું. ત્યાર પછી પણ માર્સ મિશન થતાં રહ્યાં, પણ ઓપ્પી જેટલી સફળતા-લોકપ્રિયતા ભાગ્યે જ કોઈને મળી.

 • ઓપ્પીએ 2018ના ફેબ્રુઆરી સુધીમાં રાતા ગ્રહની અધધ કહેવાય એટલી 2,24,642 ઇમેજીસ નાસાને અભ્યાસઅર્થે મોકલી આપેલી

ઓપોર્ચ્યુનિટી રોવર આશરે પાંચેક ફીટ ઊંચું, સાડા સાત ફીટ પહોળું અને પાંચેક ફીટ લાંબું હતું. (લગભગ આપણે ત્યાંની ઓટોરિક્ષા જેવડું) અને એનું વજન હતું માત્ર 180 કિલોગ્રામ! પાવર માટે તે સંપૂર્ણપણે સૂર્યઊર્જા આધારિત હતું. ઓપ્પીને નાસાના માર્સ એક્સપ્લોરેશન પ્રોજેક્ટના ભાગરૂપે મંગળ પર મોકલવામાં આવેલું. મંગળ ગ્રહની ભૂમિ અને એના વાતાવરણનું રોબોટિક એક્સપ્લોરેશન (રોબોટિક વ્હિકલની મદદથી થતી અમાનવ તપાસ) કરીને ખડકો અને માટીના નમૂના ચકાસવાનું એનું મુખ્ય કાર્ય. ભૂતકાળમાં મંગળ ગ્રહ ઉપર પાણી હતું કે નહીં, એ શક્યતા તપાસવાની જવાબદારી પણ ખરી. 2018ના ફેબ્રુઆરી સુધીમાં ઓપ્પીએ રાતા ગ્રહની અધધ કહેવાય એટલી 2,24,642 (આશરે સવા બે લાખ!) ઇમેજીસ નાસાને અભ્યાસઅર્થે મોકલી આપેલી. આ તસવીરોમાં દેખાતા ખડકોના રંગ અને પેટર્નના અભ્યાસ બાદ જ વિજ્ઞાનીઓને મંગળ ઉપર પાણી હોવાની આશા બંધાયેલી.
મંગળની પીચ પર ધૂઆંધાર બેટિંગનો ઊજળો ટ્રેક રેકોર્ડ ધરાવનારા અને ‘લોન્ગેસ્ટ રનિંગ રોવર’ તરીકેની ખ્યાતિપ્રાપ્ત એવા ઓપોર્ચ્યુનિટી રોવરની વિકેટ પડી કઈ રીતે?
ઓપ્પીના ‘મૃત્યુ’ માટે મંગળ ગ્રહનાં તોફાનોને જવાબદાર ગણવામાં આવે છે. નાસાના કહેવા મુજબ થોડા મહિનાઓ પહેલાં (2018માં) ધૂળની ડમરીઓનું તોફાન મંગળ ગ્રહના અંદાજે 35 મિલિયન કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું! બીજી રીતે કહીએ તો મંગળ ગ્રહ ઉપર પૃથ્વીના ચોથા ભાગ જેવડો મોટો વિસ્તાર ધૂળની આંધીથી ગ્રસ્ત થઈ ગયેલો. આવાં ગંજાવર સાઇઝનાં તોફાનો ‘ગ્લોબલ ડસ્ટ સ્ટોર્મ’ તરીકે ઓળખાય છે. મંગળ પર આવાં તોફાનો ઊઠતાં જ રહે છે. અોપોર્ચ્યુનિટી રોવર માટે પણ આવું તોફાન કંઈ પહેલીવારનું નહોતું. ઈ.સ. 2007માં સતત એક મહિના સુધી આંધી ચાલેલી. એ સમયે પણ સૂર્યનાં દર્શન ન થવાને કારણે અોપોર્ચ્યુનિટી રોવરની બેટરીઝ ચાર્જ થઈ શકેલી નહીં અને પાવર સપ્લાય ક્રિટિકલી લો થઈ ગયેલો, પરંતુ ડમરીઓ ઓસરતા જ નાસાના એન્જિનિયર્સ દ્વારા તરત જ રોવરની બેટરીઓ ચાર્જ કરવા માટે પગલાં લેવાયેલાં. સદ્્નસીબે રોવર ફરી કાર્યરત થઈ શક્યું. ઈ.સ. 2014માં ય આવી જ સમસ્યા ઉદ્્ભવેલી. પરંતુ ઈ.સ. 2018ના મધ્યમાં ત્રાટકેલા મંગળના લેટેસ્ટ ગ્લોબલ ડસ્ટ સ્ટોર્મની સૌથી મોટી અસર એ થઈ છે કે, મંગળની ભૂમિ પર છેલ્લાં 15 વર્ષથી કાર્યરત એવું ‘અોપોર્ચ્યુનિટી રોવર’ કામ કરતું સદંતર અટકી પડ્યું!
મંગળ ઉપર પણ પૃથ્વીની જેમ જ જુદી જુદી ઋતુઓનો અનુભવ થાય છે. અહીં શિયાળાની સિઝન દમિયાન જ્યારે સૂર્યપ્રકાશ પ્રમાણમાં ઓછો મળતો હોય ત્યારે રોવરની બેટરી ઓછો પાવર વાપરે છે, પરંતુ ‘ગ્લોબલ ડસ્ટ સ્ટોર્મ’ જેવી પરિસ્થિતિમાં તો સૂર્ય સદંતર દેખાતો બંધ થઈ જાય છે. આથી બેટરીઝ પણ પાવરનો ઉપયોગ લઘુતમ કરી નાખે છે અને રોવર પોતાની પ્રવૃત્તિઓ એકદમ ઘટાડી દે છે. હાલના સંજોગોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અોપોર્ચ્યુનિટી રોવરનો સંપર્ક કરનાર નાસાના વિજ્ઞાનીઓને રોવર તરફથી કોઈ રિપ્લાય નહોતો મળી રહ્યો. આથી વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું કે રોવરની બેટરીઝ અતિશય લો લેવલે છે અને તે ‘પાવર ફોલ્ટ મોડ’માં પ્રવેશી ચૂક્યું છે, જેમાં રોવરમાં ગોઠવાયેલી ‘મિશન ક્લોક’ નામની ડિવાઇસ સિવાયની બીજી બધી ડિવાઇસ શટડાઉન થઈ જાય. છેલ્લા થોડા મહિનાઓના સંઘર્ષ બાદ વિજ્ઞાનીઓએ આશા મૂકી દીધી. છેવટે 13 ફેબ્રુઆરી, 2019ના દિને નાસાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપોર્ચ્યુનિટી રોવરને સત્તાવાર રીતે ‘મૃત’ ઘોષિત કર્યું.
jwalantmax@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો