એકસરખા ભાવનું રહસ્ય!

  • પ્રકાશન તારીખ15 Oct 2019
  •  
હળવાશ- જિગીષા ત્રિવેદી
કંકુકાકી સિવાય લગભગ બધાં જ હાજર હતાં. લીનાબેન પણ હવે તો લગભગ સક્રિય હાજરી આપતાં થઇ ગયાં છે. ખબર નંઇ કેમ, પણ બધાંયના મોઢા ઉપર એકસરખા જ ભાવ હતા.‘અલા ખબર પડી?’ કલાકાકીએ વાતના મંડાણ કર્યાં. સવિતાકાકીએ હોંકારો ભણ્યો, ‘હાસ્તો. આવી વાતો તે છાની રે’તી હશે?’ ‘તે પણ બેયને એજ્જેટલી કઇ વાતે માથાકૂટ થઇ, એ બાબતે કસું જાણવા મલ્યું?’ હંસામાસીએ પૃચ્છા કરી. ‘હવે ઓલીને તો બહાનું જ જોતું હોય છે બાય્ધવાનું!’ સવિતાકાકીએ ‘ઓલી’ના સ્વભાવનો પરિચય આપ્યો.‘પણ ઓલીય ગાંજી જાય એવી નથી. એને તો મેં પહેલી વાર આટલું બોલતાં હાંભળી. જબરી છે.’ લીનાબેને બીજી ‘ઓલી’નાં વખાણ કરતાં કહ્યું.‘અરે, જબરી તો છે, પણ હોશિયાર છે એ.’ કલાકાકીએ ઉમેર્યું.‘તે આખી લપમાં વાંક કોનો હતો, એ ખબર પડી?’ હંસામાસીએ મેઇન પ્રશ્ન કર્યો. ‘અરે, ઓલી એવી માથાની ફરેલી છે ને, કે પોતાનો વાંક હસે, તોય મોટ્ટે-મોટ્ટેથી બરાડા પાડસે અને હામેવાળાને હાચા થવા જ નહીં દે. પોતે એકધારી મંડી પડસે, બીજાને બોલવા જ નહી દે.’ સવિતાકાકીને નક્કી ભૂતકાળમાં એમનાવાળી ‘ઓલી’ જોડે માથાકૂટ થઇ હશે અને એક નંબરની ‘ઓલી’ના બરાડાનો ભોગ બન્યાં હશે. ‘તે પછી સમાધાન થ્યું?’ ‘બેયનો એકહરખો જ સ્વભાવ છે. એકબીજાનાં માથાં ભટકાડો ને, તો એકેયને લોહી નો નીકળે. મને નથી લાગતું કે ઇ બે વચ્ચે સમાધાન થાય. બેય ફુંગરાએલાં જ પોતપોતાને ઘેર જતાં રહ્યાં હય્શે.’ સવિતાકાકીએ ભવિષ્ય ભાખ્યું. ‘મનેય એવંુ જ લાગે છે. આમેય બેયને એકાબીજાં જોડે ક્યાં બને છે?’લીનાબેને એ બંનેેના સંબંધો વિશે માહિતગાર કર્યાં. ‘તે ઇ તો એમને ભાડે આયપંુને, ત્યારની મને તો ખબર જ હતી. આ લાંબુ નહી કાઢે.’ સવિતાકાકીએ વળી ભૂતકાળમાં પોતે ભાખેલંુ ભવિષ્ય જણાવ્યંુ.‘ક્યારે પત્યું’તું એનો આઇડિયા છે? હું હાડા અગિયાર હુધી તો જાગતી’તી. ત્યાં હુધી તો વાતાવરણ જામેલું જ હતું, પણ ઇ બેય જણાં જે રીતે મંડેલાં. બધું થાળે પડતાં એકાદ તો વાગસે જ એવું લાગતું’તું.’ કલાકાકીએ ઉત્સુકતાથી પૂછ્યું.‘દોઢ વાગ્યો’તો. હું તો છેકેછેક જાગતી’તી. કસું સંભળાતું નહોતું, એટલે ઓટલે આવવા ગઇ, પણ તમાર ભઇ બગડ્યા, કે મધરાતે તારે સું પંચાત છે? એટલે બારે નો નીકળી. ઇ એમનો ક્રાઇમ શિરિયલનો એપિસોડ પત્યો, ને આડા પડ્યા. ત્યારે બહારેય એપિસોડ પતી ગયેલો. નકર હું તો છેક જાત અને જેનો વાંક હોત, એને બે સબ્દો કહેવા પડે, તો કહેતય ખરી. પોળમાં આપ્ડું હજી એટલું માન તો છે, કે લોકો આપ્ડું હાંભળે.’ સવિતાકાકીએ પતિદેવના સ્વભાવનો બળાપો કાઢવા સાથે પોળમાં પોતાની શાખ વિશે અભિમાન કર્યું. ‘હુંય તમાર ભઇ ઊઠી જાય, એ બીકે જ અંદર રહી. આ મારી જાળી ખોલ-બંધ થતાં અવાજ ના કરતી હોત ને, તો તો આપ્ડે અત્યારે ઝગડાની ચર્ચા કરતાં હોત.’ ‘મને તો ક્યારે બબાલ થઇ, એ જ નથી ખબર. પડી એ ભેગી ઊંઘી ગઇ, બાકી હું તો બહાર નીકળું એવી છું. તમાર ભઇનુ એ સુખ હોં. મારી બાબતમાં કોઇ દિ’ માથું ના મારે.’ લીનાબેને એમના પતિના ઉદાર સ્વભાવ પર ગૌરવ કરતાં કહ્યું. ‘તે પણ હવે બહુ વાર નથી કંકુબેનને આવવામાં. એમની ને આમની દીવાલ એક જ છે. એમની પાંહે રજેરજ માહિતી હશે. એ બધું ખબર પડે ને, તો સું છે, કે જરી આઇડિયા આવે.’ હંસામાસીએ બધો મદાર કંકુકાકી ઉપર જ છે એ સમજાવી સભ્યોને ધીરજ ધરવા કહ્યું. હવે ખબર પડી, કે એકસરખા ભાવ કેમ હતા દરેકના ચહેરા પર! ગઇ કાલ રાતના ઝઘડા વિશે માહિતી નહોતી. હવે તો મારા ચહેરા ઉપર પણ આ જ પ્રકારના ભાવ પ્રગટ થયા અને મને જ એવી તાલાવેલી લાગી કે ‘કોણ જાણે કંકુકાકી ક્યારે આવશે?’
x
રદ કરો

કલમ

TOP