ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

સ્ટેટસ સેવ કે શેર કરો

  • પ્રકાશન તારીખ05 Aug 2019
  •  

ટેક બુક- હિમાંશુ કીકાણી
વોટ્સએપમાં સ્ટેટસમાં આપણે જે ટેક્સ્ટ, ઇમેજ, વિડિયો, લિંક વગેરે જે કંઈ અપલોડ કરીએ તે 24 કલાક સુધી રહે છે અને પછી ગાયબ થતું હોય છે. વોટ્સએપમાં સ્ટેટસ ટેબમાં હોઈએ ત્યારે, ઉપર જમણી તરફનાં ત્રણ બટન ક્લિક કરી, સ્ટેટસના પ્રાઇવસી સેટિંગ્સમાં જઈ શકીએ. અહીંથી આપણે નક્કી કરી શકીએ કે આપણા સ્ટેટસ કોણ કોણ જોઈ શકે.
તમને કોઈનું સ્ટેટસ ગમે તો એ સ્ટેટસ અપલોડ કરનારને તેના વિશે તમારો પ્રતિભાવ મોકલી શકો, પણ તમે પોતે એ સ્ટેટસને બીજા લોકોને ફોરવર્ડ ન કરી શકો. અથવા કોઈ સ્ટેટસ તમને એકદમ ગમી જાય તો પણ, તેને તમારા પોતાના માટે સેવ કરી ન શકો.
અલબત્ત, વોટ્સએપ કે તમારા સ્માર્ટફોનમાં થોડા ઊંડા ઊતરો તો તમે સ્ટેટસમાં મુકાયેલી ઇમેજ કે વિડિયો શોધી શકો છો, સેવ કરી શકો છો અને બીજાને મોકલી પણ શકો છો!
વોટ્સએપમાં સ્ટેટસ મૂકનાર વ્યક્તિ આવું જ ઇચ્છતી હોય છે એમ માનીને એની રીત જાણી લઈએ. તમારા ફોનમાંની કોઈ પણ ફાઇલ મેનેજર એપથી આ કામ થઈ શકે છે. આપણે ગૂગલની ‘ફાઇલ્સ’ એપનો ઉપયોગ કરીએ.
તો, ફોનમાં ફાઇલ્સ એપમાં જાઓ. તેમાં ડાબી તરફની ત્રણ આડી લીટી ક્લિક કરી, એપના સેટિંગ્સમાં જાઓ. અહીં ‘બ્રાઉઝ’ વિભાગમાં, ‘શો હિડન ફાઇલ્સ’નો વિકલ્પ ઓન કરો. આવી ફાઇલ્સનો મુખ્ય ઉપયોગ એન્ડ્રોઇડ અને અન્ય એપ્સ ચલાવવા માટે થતો હોય છે, એટલે તેમાં બીજાં કોઈ ચેડાં કરશો નહીં.
હવે ફાઇલ્સ એપના મુખ્ય સ્ક્રીનમાં આવો અને તેમાં ઇન્ટર્નલ સ્ટોરેજમાં જાઓ. અહીં વોટ્સએપનું એક ફોલ્ડર જોવા મળશે. તેને ટેપ કરતાં બેકઅપ્સ, ડેટાબેઝીસ અને મીડિયાનાં ફોલ્ડર્સ જોવા મળશે. તેમાં મીડિયા ફોલ્ડર ઓપન કરો. તેમાં .Statuses ફોલ્ડર જોવા મળશે. આપણે ‘શો હિડન ફાઇલ્સ’નો વિકલ્પ ઓન ન કર્યો હોત તો આ ફોલ્ડર અહીં જોવા મળ્યું ન હોત.
તેને ટેપ કરતાં તમે જોયેલાં સ્ટેટસમાંની ઇમેજીસ અને વિડિયોઝ જોવા મળશે. જેને સેવ કે શેર કરવા માગતા હો તે ફાઇલને સિલેક્ટ કરતાં મથાળે શેર બટન જોવા મળશે. તેની મદદથી એ ફાઇલ કોઈને પણ શેર કરી શકો છો.
અથવા ફાઇલ પાસેનું ડ્રોપડાઉન બટન ક્લિક કરતાં તેને સિલેક્ટ, શેર, ડિલીટ, મૂવ, કોપી વગેરે કરવાના વિકલ્પ મળશે. હવે તમે આ ફાઇલને તમારા પોતાના, ચાહો તે ફોલ્ડરમાં કોપી કે મૂવ કરી શકો છો!
યાદ રહે, સ્ટેટસ શેર કરનારની મરજી જાણ્યા વિના કે મંજૂરી લીધા વિના તેમના સ્ટેટસને શેર કરવું યોગ્ય નથી.
[email protected]

x
રદ કરો

કલમ

TOP