ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

એસએમએસમાં મોટો ધમાકો!  

  • પ્રકાશન તારીખ28 Nov 2019
  •  
સાયબર સફર- હિમાંશુ કીકાણી
આમ તો આપણી નજર રોજેરોજ સ્માર્ટફોન પર મંડાયેલી રહેતી હોવાને કારણે, તેમાં કંઈ પણ નાનો-મોટો ફેરફાર થાય તો આપણી નજર બહાર જાય નહીં, પણ પાછલા થોડા દિવસમાં તમારા ફોનમાં એક બહુ મોટો ફેરફાર થયો અને એ તમારી નજર બહાર ગયો હોય એવી પૂરી શક્યતા છે! ફેરફાર થયો છે એસએમએસ સર્વિસમાં! આજે વોટ્સએપના જમાનામાં તમે એસએમએસ તરફ નજર પણ નહીં નાખતા હો એવું બની શકે.
વિશ્વનો પહેલો SMS 3 ડિસેમ્બર, 1992ના રોજ યુકેમાં વોડાફોનના GSM નેટવર્ક પર મોકલાયો હતો, જે હતો ‘મેરી ક્રિસમસ’. એ હિસાબે આ ટેક્નોલોજી પૂરાં 27 વર્ષ જૂની છે.
ફોન હજી સ્માર્ટ નહોતા થયા ત્યાં સુધી SMSનો ભારે દબદબો રહ્યો, પણ પછી વોટ્સએપ અને તેના જેવી બીજી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સમાં કેટકેટલીય ખૂબીઓ મળવા લાગતાં આપણે SMS ભૂલી ગયા, કારણ કે સમય સાથે તેમાં કોઈ નવી સુવિધા ઉમેરાઈ નહીં.
ગૂગલ કંપની કેટલાય સમયથી આ સ્થિતિ બદલવા મથતી હતી. પહેલાં તેણે પણ ‘એલો’ જેવી મેસેજિંગ એપ બનાવી, પણ પછી ગયા વર્ષે તેને બંધ કરીને બધું ધ્યાન એસએમએસને જ સ્માર્ટ બનાવવા પર આપ્યું. SMS છેવટે મોબાઇલ કનેક્ટિવિટી આપતી કંપની પર આધારિત હોવાથી ગૂગલે પહેલાં વિશ્વની જુદી જુદી ટેલિકોમ્સનો સાથ લેવાની કોશિશ કરી. અલબત્ત, એમાં બહુ ધીમી ગતિએ પ્રગતિ થતી હોવાથી છેવટે ગૂગલે પોતે, પોતાની રીતે રિચ કમ્યૂનિકેશન સર્વિસીઝ (આરસીએસ) તરીકે ઓળખાતી ટેક્નોલોજીથી SMSમાં પ્રાણ પૂરવાનું શરૂ કર્યું. આ વિશે આપણે બરાબર ગયા વર્ષે, આ જ કોલમમાં વાત કરી હતી.
એ હવે છેક સાકાર થઈ છે. હવે જૂના પુરાણા SMSમાં વોટ્સએપ જેવાં જ ફિચર્સ ઉમેરાઈ ગયાં છે!
ઉપલું વાક્ય ફરી વાંચો! બહુ ટૂંક સમયમાં તમે ફોનમાં SMS ઓપન કરી, મિત્રો સાથે ઓડિયો-વીડિયો-ઈમેજ અને અન્ય ફાઇલ્સની આપ-લે કરી શકશો, લોકેશન શેર કરી શકશો, ગૂગલ આસિસ્ટન્ટમાં કંઈ સર્ચ કરીને તે શેર કરી શકશો, ગ્રૂપ મેસેજિંગ કરી શકશો અને કોન્ટેક્ટ શેર કરી શકશો!
આપણે કોઈ પણ વ્યક્તિને વોટ્સએપ કરતા પહેલાં પૂછવું પડે છે કે, ‘તમે કયા નંબર પર વોટ્સએપનો ઉપયોગ કરો છો?’ નવા SMSથી એ સમસ્યા જ નહીં રહે - તમે સામેની વ્યક્તિનો ફોનનંબર જાણતા હો, તો તેના ફોનમાં SMS સર્વિસ હોવાની જ અને તમે તેને રિચ કન્ટેન્ટવાળો મેસેજ મોકલી શકશો!
બીજી મોટી વાત એ છે કે આ નવા પ્રકારના SMS ઇન્ટરનેટ પર ચાલશે એટલે કે તે મોબાઇલ બિલની ગણતરીમાં લેવાશે નહીં (મોબાઇલ કંપનીઝને ગૂગલને સાથ આપવામાં કેમ બહુ રસ નથી એ સમજાયુંને?!)
ઉપરાંત, નજીકના ભવિષ્યમાં આપણે જુદી જુદી કંપની સાથે નવા પ્રકારના ઇન્ટરએક્ટિવ મેસેજની આપ-લે કરી શકીશું. જેમ કે દાંતના ડોક્ટર પાસે એપોઇન્ટમેન્ટ નક્કી કરવી કે નક્કી કર્યા પછી તેમાં ફેરફાર કરવાનું કામ માત્ર SMS પર થઈ શકશે અને તેની વિગતો બંને પક્ષના ડિજિટલ કેલેન્ડરમાં ઉમેરાઈ જશે!
ભારતમાં અત્યારે એરટેલ, જિઓ, વોડાફોન, આઇડિયા આ પ્રકારના SMSને સપોર્ટ કરે છે. તમારે આ નવા SMSનો લાભ લેવો હોય તો પ્લે સ્ટોરમાંથી મેસેજીસ (Messages, Google LLC) એપ ડાઉનલોડ કરવી પડશે. આ એક SMS એપ જ છે. જેમ ઘણા એન્ડ્રોઇડ ફોનમાં હવે સાદી ફોટો ગેલેરીને બદલે પહેલેથી માત્ર ગૂગલ ફોટોઝ એપ હોય છે, એ જ રીતે ઘણા ફોનમાં હવે સાદી SMS એપને બદલે ગૂગલની મેસેજીસ એપ ઇન્સ્ટોલ્ડ હોય છે. એ પછી એપ ઓપન કરતાં તમને જરૂરી વિધિ સૂચવવામાં આવશે.
અત્યારે હજી આ નવી એપ ઇન્સ્ટોલ કરવાનો અવરોધ છે, પણ નજીકના ભવિષ્યમાં, બધી કંપની પણ સપોર્ટ કરશે તો કોઈ પણ SMS એપમાં આ સુવિધા મળવા લાગશે.
www.cybersafar.com
x
રદ કરો

કલમ

TOP