તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઇન્ટરનેટ પર બ્રેકના નામે સમય વેડફો છો?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયબર સફર- હિમાંશુ કીકાણી 
તમે અમદાવાદની પોળોમાં ક્યારેય ફુરસદે આંટો મારવા નીકળ્યા છો? આપણે રિલીફ રોડ કે માણેક ચોક જેવા જાણીતા રોડ કે વિસ્તારની વાત નથી કરતા, પોળની વાત કરીએ છીએ. જ્યાં એક સ્કૂટર પણ માંડ માંડ પસાર થઈ શકે અને કોઈ ને કોઈ તબક્કે સ્કૂટર પણ અટકે જ એવી સાંકડી પોળો એકબીજા સાથે એવી ગજબની રીતે ગૂંથાયેલી છે કે આપણે એક પોળમાં ઘૂસ્યા પછી ક્યાં અને ક્યારે નીકળીશું એ ખબર જ ન પડે.
અમદાવાદની પોળોમાં આ સ્થિતિ થતી હોય, તો દુનિયા આખીની પોળ જેવા ઇન્ટરનેટમાં શી હાલત થાય એ વિચારવાની જરૂર નથી, આપણે રોજેરોજ તેનો અનુભવ કરીએ છીએ!
ઘરમાં પ્રાઇમરી સ્કૂલમાં ભણતો દીકરો કે દીકરી થોડું લેસન પતાવીને પટ દઈને મમ્મીનો ફોન હાથમાં ઉપાડે અને પૂછે કે, ‘થોડો બ્રેક લઈ લઉં?’ મમ્મી સજાગ હોય તો થોડા સમય પછી એના બ્રેક પર બ્રેક મારે. એનાથી ઉપલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અને ઓફિસમાં કામ કરતા લોકો આવું પૂછવા પણ રોકાતા નથી અને ઇચ્છે ત્યારે બ્રેક લઈ જ લે છે, પણ મોબાઇલ હોય કે પીસી, એક વાર આપણે ઇન્ટરનેટની પોળમાં ઘૂસીએ એટલે ક્યારે અને ક્યાંથી બહાર નીકળીશું એ ખબર જ ન પડે.
જો તમે મજબૂત મનોબળના હો તો બ્રેક ખરેખર બ્રેક જેવડો જ, સીમિત રાખી શકો, બાકી ફેસબુક કે ઇન્સ્ટાના એક નોટિફિકેશનથી શરૂ થયેલી સફર ત્યાંથી યુટ્યૂબ, ત્યાંથી કોઈ સાઇટ, ત્યાંથી ન્યૂઝ સાઇટ, ત્યાંથી વળી ત્રીજી કોઈ એપની લિંક એમ એક પછી એક ટેબ કે એપમાં આગળ વધતી જ જાય.
તમે ઇન્ટરનેટના આવા એડિક્શનમાં ફસાયા હો, તમારા અભ્યાસ કે મહત્ત્વના કામ પર તેની અસર દેખાતી હોય તો તમારે ‘ટેક અ ફાઇવ’ (takeafive.com) નામની એક સર્વિસ અજમાવવા જેવી છે. 
અમેરિકામાં સ્થાયી થયેલા એક ભારતીય ડેટા એન્જિનિયર અને તેના એવા જ એક દોસ્તે સાથે મળીને પોતાના ફુરસદના સમયમાં, આપણો ફુરસદનો સમય ખેંચાઈને બહુ લાંબો ન થઈ જાય એ માટે આ વેબસર્વિસ ડેવલપ કરી છે.
તેનો કન્સેપ્ટ બહુ સાદો છે. તમને જ્યારે પણ બ્રેક લેવાનું અને ઇન્ટરનેટમાં આંટો મારવાનું મન થાય ત્યારે પહેલાં આ સાઇટ પર જવાનું. ત્યાં તમે કેટલા સમયનો બ્રેક લેવા ઇચ્છો છો તે નક્કી કરવાનું. પીસી પર હો તો બ્રેકમાં સામાન્ય રીતે જોવાનું મન થાય તેવી સંખ્યાબંધ સાઇટ્સ, ગેમ્સ, આર્ટિકલ્સની લિંક મળશે. મોબાઇલમાં આવી લિંક દેખાતી નથી. પીસી અને મોબાઇલ બંનેમાં તમને મરજી પડે તે સાઇટ શોધવાની ને તેના પર જવાની પણ સગવડ છે. આ રીતે તમે જે સાઇટ ખોલશો તે નવા ટેબમાં ઓપન થશે અને શરૂઆતમાં ઝીણા અક્ષરે લખાઈને આવશે કે આ ટેબ તમે નક્કી કરેલા સમય પછી આપોઆપ બંધ થઈ જશે.
યાદ રહે, આ સર્વિસ પરફેક્ટ નથી. તે એવું ધારી લે છે કે આપણે પ્રામાણિક છીએ અને બ્રેકમાં માત્ર તેના પરથી જ કોઈ એક ટેબ ઓપન કરીશું. ત્યાંથી જો આપણે જૂની ટેવ પ્રમાણે બીજાં ટેબ્સ ઓપન કરવા લાગીશું તો માત્ર પહેલું ટેબ જ આપોઆપ બંધ થશે, બાકીનાં ટેબ્સ ચાલુ જ રહેશે! આ સર્વિસ કે તેનો બ્લોગ નિયમિત રીતે અપડેટ થતા નથી, એના પરથી લાગે છે કે તેના ડેવલપર્સ પોતાના મૂળ કામ પર વધુ ધ્યાન આપે છે અને બ્રેક્સ ઓછા લે છે!
ઇન્ટરનેટ પર જેમ સો ટકા સલામતી ક્યાંય નથી, એમ સો ટકા જડબેસલાક શિસ્ત પણ નથી. હોઈ શકે પણ નહીં. એ માત્ર સ્વશિસ્તથી જ સંભવી શકે. એટલે આ સર્વિસ માત્ર તમારું ધ્યાન દોરે છે કે ઇન્ટરનેટ પર બ્રેકના નામે બહુ સમય બગાડવો સારી વાત નથી, પછી તમારી મરજી, આખરે સમય તમારો જ છે. બરાબર એ જ રીતે આ લેખ પણ ઇશારો કરવા પૂરતો જ છે, તમે સમજદાર છો જ!
www.cybersafar.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો