ટેક બુક- હિમાંશુ કીકાણી / ગણી લો તમારો સમય!

article by himanshu kikani

Divyabhaskar.com

Jul 29, 2019, 04:57 PM IST

ટેક બુક- હિમાંશુ કીકાણી
ઓગસ્ટ મહિનો નજીક આવતાં જ આપણને સૌને જુદા જુદા તહેવારો યાદ આવી જાય છે. એ સાથે મનમાં વિચાર ઝબકે છે કે, ‘હવે તો હમણાં નવરાત્રિ આવી અને ત્યાર પછી તરત આવશે દિવાળી, સમય કેટલો ઝડપથી પસાર થાય છે!’
ઋતુ કે વર્ષ બદલાય કે સ્કૂલ કોલેજ પૂરી કરીએ કે દીકરા-દીકરીની સગાઈ થતાં આપણો સામાજિક દરજ્જો બદલાય એવા સમયના જુદા જુદા પડાવે આપણને અચૂક આ વિચાર આવી જતો હોય છે કે સમય કેટલો ઝડપથી વહે છે! સામાન્ય રીતે મનમાં આ વિચાર જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી આપણે તેને ભૂલી પણ જતા હોઇએ છીએ.
પરંતુ એરિક રૂડ નામના એક ડેવલપરને પોતાની જિંદગીમાં જુદાં જુદાં કામ પાછળ સમય કેટલો ખર્ચાય છે અને હવે પોતાની પાસે કેટલો સમય બચ્યો છે એ જાણવામાં જબરો રસ પડ્યો. એ સાથે તેમણે એક એવું ઓનલાઇન કેલક્યુલેટર તૈયાર કર્યું, જેની મદદથી આપણે પણ આપણી રોજબરોજની ઘટમાળમાં જુદાં જુદાં કાર્યો પાછળ જે સમય વીતે છે એનો ઇનપુટ આપીને હવે આપણી જિંદગીનો કેટલો સમય બચ્યો છે એનો આઉટપુટ મેળવી શકીએ છીએ.
આ માટે તમે https://erikrood.com/Posts/free_time_calc.html સાઇટ પર જશો એટલે તમને આ અનોખું કેલક્યુલેટર જોવા મળશે. અહીં તમે જોશો તેમ એરિકે પોતાની ઉંમર અને પોતે દર અઠવાડિયે ઊંઘવામાં, કામ કરવામાં, આવન-જાવનમાં, જિમ જવામાં, ખાવાપીવામાં કે રસોઈ કરવામાં, અન્ય રોજિંદાં કામ કરવામાં, દૈનિક સફાઇ જાળવવામાં કે માતા-પિતા તરીકેની ફરજો નિભાવવામાં અને અન્ય બાબતોમાં કેટલા કલાક વીતે છે તેની નોંધ કરી છે. તમારે એરિકની વિગતોના સ્થાને તમારી પોતાની વિગતો આપવાની છે, ચિંતા ન કરશો, અહીં તમારે કોઈ એકાઉન્ટ ખોલાવવાનું નથી કે કલાકની સંખ્યા સિવાય પોતાની કોઈ અંગત માહિતી આપવાની નથી, તેમ છતાં તમે ઇચ્છો તો આ પેજ ડકડકગો કે ફાયરફોક્સ જેવા પ્રાઇવસી જાળવતા બ્રાઉઝરમાં ઓપન કરી શકો છો.
કલાકો જણાવ્યા પછી રન બટન ક્લિક કરશો એટલે તમને જાણવા મળશે કે દર અઠવાડિયે તમને ખરેખર કેટલા ફ્રી અવર્સ મળે છે? ટકાવારીમાં અઠવાડિયાનો કેટલો સમય ફ્રી રહે છે? એટલું જ નહીં વર્ષની દૃષ્ટિએ, વ્યક્તિ સરેરાશ 79 વર્ષ જીવે એવી ધારણા સાથે હવે કેટલાં વર્ષ સુધી તમે બિઝી રહેવાના છો અને કેટલાં વર્ષ પોતાને ગમતી પ્રવૃત્તિઓ માટે ફ્રી રહેશે એની ગણતરી પણ તમને જોવા મળશે. એ સાથે દર અઠવાડિયે જુદી જુદી પ્રવૃત્તિઓ પાછળ તમે કેટલો સમય વિતાવો છો એનો પાઇ ચાર્ટ પણ જોવા મળશે.
આ કેલ્ક્યુલેટર આમ તો બે ઘડી ગમ્મત જેવું છે, પણ રમત-રમતમાં આપણી જિંદગીમાં સમયની કિંમત સમજાઈ જાય તો એથી રૂડું શું?!
સમયને કીમતી ગણવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ભાગ્યે જ કોઈ રાખે છે. તમારે રાખવી છે કે નહીં?
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી